આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ રોકેટગતિએ : સપ્તાહમાં 108 કેસ


આણંદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચે જઈ રહ્યો છે. માર્ચ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે જિલ્લામાં માર્ચ માસ દરમ્યાન કોરોનાના ૩૯૭ કેસો નોંધાતા જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. તેમાંય છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન જ જિલ્લામાંથી ૧૦૮ કોરોના પોઝીટીવ કેસો મળી આવતા તંત્રની ચિંતા વધવા પામી છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આણંદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે. સમગ્ર માર્ચ માસ દરમ્યાન ફક્ત ૪ દિવસો દરમ્યાન જ કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા સીંગલ ડીજીટમાં નોંધાઈ છે જ્યારે અન્ય તમામ દિવસોમાં પ્રતિદિન ૧૦થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં વકરી રહેલ કોરોનાને લઈ વહીવટી તંત્ર પણ ચિંતા અનુભવી રહ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલ કોરોનાના સંક્રમણને લઈ વહીવટી તંત્રએ ગ્રામજનોને ખાસ સતર્કતા દાખવવા અનુરોધ કર્યો છે. કોરોનાના વધતા જતા કેસોની સાથે શંકાસ્પદ મોતની સંખ્યામાં પણ વધારો નોંધાયો હોવાની ચર્ચાઓએ જોર પકડયુ છે. મંગળવારે જિલ્લામાં કુલ ૧૮ કેસ નોંધાયા હતા. જેમાં આણંદ શહેરમાંથી ૩, કરસમદમાંથી ૩, અગાસ આશ્રમ ખાતેથી ૩, વિદ્યાનગર ખાતેથી ૨, જીટોડીયા ખાતેથી ૨ તેમજ બામણગામ, સીંગલાવ, ધર્મજ, આમોદ ખાતેથી કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા હતા.

જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ મંગળવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૩૯૯૫૩ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૩૦૫૧ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. 

જે પૈકી હાલ ૧૧૧ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૨ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૦૯ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31zgkhB
Previous
Next Post »