નડિયાદ પાલિકામાં વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ રજૂ કરી ગણતરીની મિનિટોમાં બેઠક આટોપાઈ


નડિયાદ : ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આજે નગરપાલિકાની સામાન્યસભા વિવાદો ભરેલી રહી. સભામાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૨૮ કરોડ રૂપિયાની પૂરાન્તવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું. જોકે ગણતરીની મિનિટોમાં બેઠક પૂરી કરી દેવામાં આવતા વિરોધ પક્ષના નેતાઓએ સભાને ગેરકાયદે ગણાવી વિરોધ નોંધાવ્યો છે.

વિરોધ પક્ષના આક્ષેપો પ્રમાણે નામપૂરતી વિકાસ કામોની ચર્ચા અને બજેટ મંજૂર કરીને ગણતરીની મિનિટોમાં બેઠક પૂરી કરી દેવામાં આવી. એક પણ કમિટીની રચના કર્યા વગર બજેટની મીટિંગ કરવામાં આવી તે ગેરકાયદે છે. ફાઈનાન્સ કમિટી કારોબારીમાં બજેટ મંજૂરી માટે દરખાસ્ત મૂકે, તે મંજૂર થયા પછી બજેટ જનરલ બોર્ડમાં આવે છે. આમાંની કોઈ પણ સમિતિની રચના કર્યા વગર બજેટ રજૂ કરીને મંજૂર કરવામાં આવતા વિરોધપક્ષના આઠેક સભ્યોએ લેખિતમાં પ્રમુખ અને ચીફઓફિસરને વિરોધ નોંધાવ્યો છે.

નડિયાદ નગરપાલિકામાં આજની સામાન્ય સભામાં ૮ બિનભાજપી સભ્ય, માજીદખાન પઠાણ, દેવેન્દ્ર પટેલ, ગોકુલ શાહ, જતીન પ્રવાસી,સઈદાબાનુ મલેક, ગુુરઓમ દેસાઈ, રંજનબેન .વી. રાવ અને પીનલ પટેલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અપક્ષ સભ્ય ગોકુલ શાહએ જણાવ્યા પ્રમાણે સામાન્ય સભામાં પ્રમુખના આગમનના ૩૭ સેકેન્ડમાં  બજેટ કામગીરી પૂરી કરી દેવામાં આવી. રજૂ કરેલું બજેટ મંજૂર છે કે નહીં તે વિશે ચર્ચા કરવામાં ન આવી. ભાજપના પોતાના કાઉન્સિલરોને પણ તે મંજૂર હોવાનું પૂછવામાં ન આવ્યું. ગણતરીની મિનિટોમાં તમામ કામગીરી સમેટી લેવામાં આવી. સફાઈકર્મચારીઓના કામમાં આઉટસોર્સિંગ બંધ કરવાનો, મુખ્યમંત્રી આવવાના હતા તે માટે રસ્તામાં કરેલા ૮ લાખ રૂપિયાના કામ બાબતે અને અમલીકરણના અધિકારીતરીકે પ્રમુખ તથા ચીફ ઓફિસરને સીધી સત્તા સોંપવા બાબતે ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ.

કમિટી વગર બજેટ મંજૂર કરવાની સામાન્ય સભાને સત્તા હોય છે : પ્રમુખ

આ મુદ્દે પ્રમુખ રંજનબહેન વાઘેલાનો સંપર્ક સાધતા તેમના પતિએ જણાવ્યા પ્રમાણે સામાન્ય સભાને કમિટી વગર બજેટ મંજૂર કરવાની સત્તા હોય છે. તમામ વિકાસકામોને મંજૂર આપી દેવામાં આવી છે. બીજાં વધારે કામ ન હોવાથી ૧૦-૧૫ મિનિટમાં સામાન્ય સભા પૂરી કરવામાં આવી હતી.

બહુમતીથી બજેટ મંજૂર થયું : ચીફ ઓફિસર

આ મુદ્દે ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યા પ્રમાણે સામાન્ય સભા સર્વોપરી હોય છે. તેમાં બજેટે રજૂ કરી શકાય છે. બહુમતીથી બજેટ મંજૂર થઈ ગયું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fzZ97B
Previous
Next Post »