નડિયાદ : નડિયાદમાં છ મહિના પહેલાંના કેસમાં સગીરા પર બળાત્કારના આરોપીને આજે કોર્ટે દસ વર્ષની સખત કેદ અને દંડની સજા ફરમાવી છે. ભોગ બનનારને આરોપી અને સરકારમાંથી વળતર ચૂકવી આપવાનો હુકમ પણ કોર્ટે કર્યો છે.
નડિયાદ તાલુકાના માંઘરોલીમાં રહેતા આરોપીએ ૩૦-૮-૨૦૨૦થી ૩૧-૮-૨૦૨૧ સુધી ફરિયાદીની સગીરવયની દીકરીને લલચાવી, ફોસલાવી, પટાવી ઘરથી થોડે દૂર એક ખેતરના શેઢા ઉપર હૂંડિયાના પુળાના ઢગલામાં બે દિવસ સુધી રાખી હતી. તેમ જ મોરબી મુકામે લઈ જઈને તેણીની ઈચ્છા વિરુદ્ધ, તેણીની સંમતિ વગર એકથી વધુવાર તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.
ચકલાસી પોલીસ સ્ટેશનમાં આ મતલબની ફરિયાદ નોંધાયા પછી આજે કેસ નડિયાદ પોક્સો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પી.આર.તિવારીની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ જજ ડી.આર. ભટ્ટની કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા ફરમાવી છે.
ચુકાદા પ્રમાણે આરોપીને ઈ.પી.કો. કલમ ૩૬૩ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ અને રૂ.૫૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ, ઈ.પી.કો. કલમ ૩૬૬ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ અને રૂ.૫,૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ, ઈ.પી.કો. કલમ ૩૭૬(૨)ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ અને રૂ. ૧૦,૦૦૦નો દંડ, દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે.
ઉપરાંત પોક્સ એક્ટની કલમ ૩(એ) સાથે વાંચતા ક.૪ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદ, પોક્સો એક્ટની ૫(એલ),૬ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદ, પોક્સો એક્ટની કલમ ૧૨ના ગુનામાં ૩ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૫,૦૦૦ દંડ, દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી સજાનો હુકમ કર્યો છે.
ઉપરાંત ભોગ બનનારને આરોપીએ રૂ.૨,૦૦,૦૦૦ વળતર તરીકે ચૂકવવા અને સરકારમાંથી રૂ.૨,૦૦,૦૦૦ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31JgLpx
ConversionConversion EmoticonEmoticon