ટચૂકડા પડદાનો સૌથી યોગ્ય અપરિણીત કલાકાર વિરાફ પટેલ હવે અભિનેત્રી સોનાલી ખન્નાના મનનો માણીગર બની ગયો છે. 'એક બૂંદ ઈશ્ક' અને 'નામકરણ'માં કામ કરીને લોકપ્રિય બનેલા વિરાફે ૨૦મી ફેબુ્રઆરીએ સલોની ખન્ના સાથે સગાઈ કરી લીધી છે. તેઓ બે વર્ષ પહેલાં મળ્યાં કે તરત જ એકમેકના પ્રેમમાં પડી ગયા હતા. વિરાફે કહ્યું હતું કે મને સલોની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો. તેને મળ્યાના થોડાં દિવસમાં જ મેં તેને કહ્યું હતું કે તે મને પસંદ છે અને હું તેને નિકટથી ઓળખવા માગું છું અમે બે વર્ષથી રિલેશનશીપમાં છીએ, છેલ્લા કેટલાક સમયથી મને તેની સાથે લગ્ન કરવાના વિચારો પણ આવતાં હતાં. મને એમ લાગ્યું હતું કે સલોની મારા માટે સર્જાઈ છે. તે અત્યંત શાંત અને સૌમ્ય યુવતી છે. તે મારી બહુ સારી મિત્ર પણ છે. મેં ઘૂંટણિયે પડીને તેને પ્રપોઝ કર્યું હતું. તે વધુમાં કહે છે કે હું પારસી છું અને સલોની પંજાબી. પરંતુ અમારી ખાણીપીણી ઘણી મળતી આવે છે. અને અમે બંને ખાવાપીવાના બહુ શોખીન પણ છીએ. જ્યારે સલોનીએ કહ્યું હતું કે વિરાફ પણ બહુ શાંત અને હસમુખો છે. અમે કેટલાક સમય અગાઉ સગાઈ કરી લેવા માગતા હતા. પરંતુ મહામારીને કારણે તે વિલંબમાં પડી હતી.
ગૌરવ ચોપરાનું મોટા પડદે ગમન :
ટચૂકડા પડદે ભરપૂર કીર્તિ-કલદાર મેળવ્યા પછી અભિનેતા ગૌરવ ચોપરા મોટા પડદે પદાર્પણ કરી રહ્યો છે. અભિનેતા અક્ષય કુમાર, કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડીસ ફિલ્મ 'બચ્ચન પાંડે' માં નેગેટિવ રોલમાં જોવા મળશે. પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે, એટલે કે ૧૮મી ફેબુ્રઆરીએ ગૌરવ આફિલ્મના શૂટીંગ માટે જેસલમેર પહોંચ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે ગૌરવે ટચૂકડા પડદા પછી સીધું હોલીવૂડની મૂવીમાં કામ કર્યું હતું. અને હવે તે બોલીવૂડમાં ડગ માંડી રહ્યો છે. અભિનેતાએ કહ્યુ ંહતું કે હું ભાગ્યશાળી છું કે મને સાજિદ નડયિાદવાલાની ફિલ્મ અને ફરહાદ સામજીના દિગ્દર્શનમાં આટલા જાણીતા કલાકારો સાથે કામ કરવા મળી રહ્યું છે. કોઈપણ કલાકાર બોલીવૂડમાં આનાથી સારા શુભારંભની કલ્પના પણ ન કરી શકે. જો કે પ્રારંભિક તબક્કામાં હું મૂંઝાયો હતો, પણ ફરહાદ અને અક્ષયકુમારે મારી સઘળી મૂંઝવણ દૂર કરી. તેમણે મને એવું લાગવા પણ ન દીધું કે બોલીવૂડમાં આ મારી પહેલી ફિલ્મ છે.
સોશ્યલ મીડિયાથી ડરે છે અંકિતા ભાર્ગવ
અંકિતા ભાર્ગવ પટેલને સોશ્યલ મીડિયાથી બહુ ડર લાગે છે. ખાસ કરીને તેની નેગેટિવિટીથી. તેથી જ તે ક્યારેય પોતાની પુત્રી મેહરનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂકવાનું પસંદ નથી કરતી. તે કહે છે કે પોતાના સંતાનોના ફોટા અંગત બાબત ગણાય. તેથી મને મારી દીકરીના ફોટા ઓનલાઈન પોસ્ટ કરવાનું પસંદ નથી. જો કે એક વખત મારા પતિ કરણ પટેલે તેનો ફોટો ઓનલાઈન મૂક્યો ત્યારે નેટિઝનોએ તેના ઉપર પ્રેમની વર્ષા કરી હતી. પરંતુ માત્ર એક નેટિઝને તેના વિશે નકારાત્મક ટિપ્પણી કરી હતી જે મારા મનમગજમાં ઘર કરી ગઈ. મને લાગ્યું કે માત્ર એક નેગેટિવ કમેન્ટે હજારો પોઝિટિવ કમેન્ટ્સ પર પાણી ફેરવી દીધું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રસૂતિ પછી અંકિતા એકદમ સ્થૂળ થઈ ગઈ હતી. પરિણામે તેને ઘૂંટીમાં પીડા થવા લાગી હતી. જો કે તે સમયસર ચેતી ગઈ અને વજન ઉતારવાનો આરંભ કરી દીધો. જોકે તેને થોડો સમય ફરીથી સેટ પરે આવવાની ઈચ્છા નથી. પરંતુ ખાલી બેસવા ન ટેવાયેલી અંકિતાએ પુત્રીને ઉછેરવા સાથે પોતાના બિઝનેસ શરૂ કરી દીધો છે.
નેટિઝનો સામે માપીતોળીને બોલે છે અવિનાશ મુખર્જી
આજની તારીખમાં ફેન ફોલોઅર્સની સંખ્યા વધારવા કંઈકેટલાય ગતકડાં કરતાં કલાકારોની તુલનામાં અભિનેતા અવિનાશ મુખર્જી સોશ્યલ મીડિયા પર જાળવી જાળવીને પગલાં ભરે છે. તે કહે છે કે વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાની કિંમત જરાય ઓછી ન આંકી શકાય. પરંતુ તેમાં પોસ્ટ અથવા ફોટા મૂકવામાં તમે જરાસરખું ચૂક્યા તો તમારું આવી બને. તેથી હું સોશ્યલ મીડિયાનો ઉપયોગ બહુ સમજીવિચારીને કરું છું. 'ઈતના કરો ના મુઝે પ્યાર', 'મન મેં હૈ વિશ્વાસ-૨' જેવી ધારાવાહિકોમાં જોવામળેલો અવિનાશ કહે છે કે આજે સોશ્યલ મીડિયા પર પોતાના પ્રશંસકો વધારવાની હોડ જામી છે. પરંતુ જે સ્પર્ધાનું કોઈ પરિણામ જ ન આવવાનું હોય એવી હરિફાઈનો ભાગ બનવામાં મને જરાય રસ નથી. ખરેખર તો એવું પણ બને કે તમને ધાર્યા મુજબના ચાહકો ન મળે તો તમે ચિંતામાં પડી જાઓ. તમારી રાત્રિની નિંદ્રા હરામ થઈ જાય. વળી તમારાથી કમેન્ટ કરવામાં કોઈ ભૂલ થાય તોય તમારું આવી બને. બહેતર છે કે સોશ્યલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત રાખવો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rLdku0
ConversionConversion EmoticonEmoticon