અપર્ણા સેન 'ધ રેપિસ્ટ'માં આપશે બળાત્કારીની યાતનાનો ચિતાર


ફિ લ્મો આજના જમાનાનું સૌથી સશક્ત માધ્યમ છે. આ માધ્યમનો યોગ્ય ઉપયોગ કરીને સમાજને ત્રાસદાયક રુઢિઓથી મુક્ત કરી શકાય અને પરિવર્તનનો પવન પણ ફુંકી શકાય. જોકે, એ માટે ફિલ્મમેકરમાં સમાજ પ્રત્યે નિસ્બત હોવી જરૂરી છે. બોલીવૂડમાં આવા પોતાની સામાજિક જવાબદારી પ્રત્યે સભાન ફિલ્મમેકરો આંગળીને વેઢે ગણાવી શકાય એટલા જ છે. આ પ્રતિબદ્ધ દિગ્દર્શકોની કેટેગરીમાં તમે અપર્ણા સેનને વિના સંકોચે મૂકી શકો. શશી કપૂરના હોમ પ્રોડક્શનની ફિલ્મ '૩૬, ચૌરંઘી લેન' થી પોતાની ઉંચા ગજાની પ્રતિભાનો દર્શકોને પરિચય કરાવનાર અપર્ણા સેને ત્યાર પછી ઘણી સંવેદનશીલ ફિલ્મો આપી. આમ તો સેન બહુ ઓછી ફિલ્મો બનાવે છે પણ બનાવે છે ત્યારે સૌને છક કરી દે છે. ૧૯૮૧માં પોતાની દિગ્દર્શક તરીકેની પહેલી જ ફિલ્મ ૩૬ ચૌરંઘી લેન માટે અપર્ણા સેનને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. દિગ્દર્શક તરીકે બીજો નેશનલ એવોર્ડ એમને 'મિસ્ટર એન્ડ મિસીસ આયર' માટે મળ્યો. આ ફિલ્મમાં અપર્ણાની પુત્રી કોંકણ સેન શર્માએ રાહુલ બોઝ સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મા-દીકરીની ટેલેન્ટેડ જોડીએ બંગાળી અને હિન્દીમાં કેટલીક કલ્ટ ફિલ્મો આપી છે. ૨૦૧૩માં બંને કલાસિક બંગાળી ફિલ્મ 'ગોયનાર બક્શો' માં ભેગા થયા હતા. હવે અપર્ણા અને કોંકણાની જોડી 'ધ રેપિસ્ટ' નામની ફિલ્મથી ૮ વર્ષ પછી કમબેક કરવાની છે. ધ રેપિસ્ટમાં અપર્ણા સેન આપણી સામે બળાત્કાર જેવા જઘન્ય જાતીય અપરાધ (સેકસ્યુઅલ ક્રાઇમ) પછી અનુભવાતી માનસિક યાતના બહુ સહજ અને માર્મિક રીતે મુકશે. સેનએ પોતે જ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી છે, જેના ૩ મુખ્ય પાત્રો છે. આ ત્રણેય પાત્રોના જીવન બળાત્કારના ગુના બાદ એકબીજા સાથે ગુંથાઈ જાય છે. ધ રેપિસ્ટમાં મહીલા ફિલ્મમેકર સમાજ સામે એવી નવી વાત મુકશે કે રેપને લીધે માત્ર એનો ભોગ બનેલી સ્ત્રીનું જ નહિ પણ ગુનો આચરનાર અપરાધીનું જીવન પણ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ગુનેગાર અને એના ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ બંને એક સરખી યાતનામાંથી પસાર થાય છે.

પોતાની નવી ફિલ્મ વિશે વાત કરતા અપર્ણા સેન કહે છે કે ફિલ્મની વાર્તા દ્વારા હું મારા ૩ મુખ્ય પાત્રોની માનસિકતા પર પ્રકાશ પાડવા માગુ છું. કોઈ પણ વ્યક્તિને આપણે ક્યારેય સાચી અને સંપૂર્ણ રીતે જાણી નથી શકતા કારણ કે અહીં દરેક વ્યક્તિ પોતાની આસપાસ પડદા રાખીને જીવે છે. આવા અપારદર્શક પડદા અને પર્તો ભેદીને વ્યક્તિની સાચી ઓળખ મેળવવી એક મોટો પડકાર છે, જે મેં ધ રેપિસ્ટમાં ઝીલ્યો છે.

આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા ઉપરાંત અર્જુન રામપાલ અને તન્મય ધનાનિયાનો પણ મહત્ત્વનો રોલ છે. આવતા મહીનાથી ફિલ્મનું શૂટીંગ શરૂ થવાની શક્યતા છે. હાલ ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન વર્ક જોરશોરથી ચાલી રહ્યું છે. અપર્ણા સેન હમેશ મુજબ ધ રેપિસ્ટનું સંપૂર્ણ શૂટીંગ પણ એક જ શેડયુલમાં પુરુ કરવા ધારે છે.

'આ ફિલ્મ દ્વારા મને પોતાને લાંબા સમયથી પજવતા પ્રશ્નો હું દર્શકો સમક્ષ મુકીશ' એમ જણાવતા તેઓ ઉમેરે છે કે ફિલ્મમાં ભારતમાં જ વસતા બે ભિન્ન સમાજનું યથાર્થવાદી નિરૂપણ હશે. એક તરફ, શહેરની ઝુપડપટ્ટીઓમાં વસતો અને સદીઓ જુની રૂઢિઓ સાથે જીવતો અશિક્ષિત સમાજ છે અને બીજી બાજુ, કહેવાતા પ્રગતિવાદી વિચારો ધરાવતો ભારતનો શિક્ષિત શહેરી સમાજ છે. ફિલ્મમાં મુખ્ય કથાનકની સમાંતર ઉક્ત બંને સમાજ વચ્ચેનું એક પ્રકારનું અદ્રશ્ય ઘર્ષણ પણ અનુભવી શકાશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3etAwsP
Previous
Next Post »