JUMP અજંપનો ખેલ એટલે હોળીનું પર્વ


- ન થવાનું થયું વરદાન ક્યાં ગયું ? ઊની ઊની ઠંડક ઠંડી ઠંડી આગ

કં ઈ ન થવાનું થાય છે એવું હોળી કાને લાગ્યું. તે આગમાં બેઠી હતી અને ખોળામાં બાગ જેવો હસમુખો પ્રહલાદ હતો.

આંગણમાં ફાગણનો ચંદો શીતલતા પ્રદાન કરતો હતો. કેવી મઝાની ઋતુ હતી. ઠંડી હજી ગઈ ન હતી. ગરમી આવી રહી હતી. શિયાળા અને ઉનાળાની વચમાંની મોસમ એટલે ફાગણ. તેમાં ફાગણની 

પૂનમનો તો મહિમા જ ઔર. ઠંડી ઠંડી હૂંફ અને ઉની ઉની ઠંડી. લોકો આવી જ મૌસમમાં ઠંડાઈ જેવું પીણું શોધી કાઢે છે ને !

હોળી પ્રગટી હતી. એટલે કે આગ શરૂ થઇ હતી. તેને મળેલા વરદાનની તેને ખાત્રી હતી કે તેને અગ્નિ બાળી શકશે નહિં.

પણ ધીરે ધીરે ઊની ઊની તીખી તીખી જલદજલદ આંચ વરતાવા લાગી હતી.

'બેટા પ્રહલાદ' તેણે ખોળામાં બેઠેલાં પ્રહલાદને પૂછ્યું : 'કેમ છે બેટા ?'

'ફોઈ બા !' પ્રહલાદ કહે : 'ફોઇના ખોળામાં બેઠેલાં બાળકને વળી શું થવાનું છે? તેને તો નિરાંત જ નિરાંત હોય.'

'એ ખરૂં પણ આ તડતડ અવાજો શેના આવે છે ?'

'ફોઈબા ! એ તો લોકો નવા ધાનનો ઉત્સવ ઊજવે છે. જે ધાણી ચણા અગ્નિદેવને ચઢાવે છે એ જ ખુશીમાં ફૂલીફૂલીને ફૂટે છે. અવાજ કરીને જાહેર કરે છે કે જય જય હોળી મા ! જય જય ધરતી મા ! જય જય અન્નદેવી ! જય જય ધન્નદેવી ! દર વરસે, અને વરસો વરસ આવું જ ધાન ઊગાડજો !'

'જો પાછો બીજો અવાજ થયો પ્રહલાદે, સાંભળ્યો ?' પ્રહલાદ કહે : 'એ તો કેસૂડાનાં ફૂલ. રંગરૂપ અને ધૂપ ગંધની એવી ફટક પેદા કરે છે...'

'ઓ પ્રહલાદ !' હોળીકા બોલી ઊઠી : 'આ...આ... વળી મોટો ધડાકો શાનો થયો ?' ધડાકો ભડાકો કડાકો !

હસીને પ્રહલાદ કહે : 'બાફોઈ, તમે આટલા હિંમતવાળા થઇને ડરો છો શાને ? એ તો શ્રધ્ધાળુઓ ખુશીના નાળિયેર હોમે છે. તે તપીતપીને ફાટે છે, ફૂટે છે, તેના જ અવાજ 

છૂટે છે.'

શંકા જવી એ અપશુકનની પહેલી શરત. પણ આ અગનકિલ્લામાં હોળીકાને હવે શંકા જ નહિ, કંઇક ખાત્રી થવા લાગી હતી.

'તને અગ્નિબાળી શકે નહિ,' એવું વરદાન તો મળ્યું હતું પણ આ વરદાનના ય શા ભરોસા ! એમ તો જ્યારે વનવનમાં આગ લાગી ત્યારે તે એ ભડભડતી આગમાંથી પસાર થઇ ગઇ હતી. તેણે એ વનાગ્નિમાંથી અસૂરોને બચાવ્યા હતા. તો પણ આ હોળીના તણખા કેમ દઝાડતા હતા. દરેક તણખો એક ઉનાઉના તીક્ષ્ણ શિવકણની જેમ દેહમાં પેસી જઇ વરદાનને ફોક કરતો હતો. આ પ્રહલાદીયાને તો કંઇ જ થતું ન હતું. મારા દેહમાં જ કેમ એ અગન-સોય ખૂંપી ખૂંપીને દાહ દાખવતી હતી !

હોળીકાએ અગ્નિમાં પ્રવેશતાં પહેલાં સાવચેતીના સુરક્ષાના બધાં જ પગલાં લીધા હતા. પણ આજે અગ્નિદેવ વીફરી બેઠા હતા.

ધીરે ધીરે જ્વાળાઓ ઊંચે ને ઊંચે જવા લાગી હતી. પ્રહલાદ હસતો હતો પણ હોળીકા ભસ્મિભૂત થવા લાગી હતી. હવે કોઈ ભ્રમ રહ્યો ન હતો. તેને લાગ્યું કે આ રમત નથી, આ પડકાર છે, આ પરિણામ છે. તેણે પોતાના પગ ઉંચા કરીને ચીસ પાડી : 'બચાવ...!' બચાવ...!

પ્રહલાદને અનેક જોખમમાંથી બચાવનાર અત્યારે તેની પાસે કોઈ જ આવતું ન હતું. જે ધાણી ચણા અને નાળિયેર ફૂટતાં તે બોમ્બ વરતાતા હતા.

હવે ધૂમ્રસેરે તેને ઘેરી લીધી.

આજ સુધી પ્રદૂષિત કરેલો કાળવાયુ હવે તેને જ દુષિત કરવા લાગ્યો હતો.

અગ્નિદેવે જાહેર કરી દીધું : 'આ દાવ છે, આ દાવાનળ છે, આ અગ્નિદિવ્ય છે. આ અંત છે...'

હોળીકા વિલિન થવા લાગી. ત્યારે તેને લાગ્યું કે સત્યને કોઈ રીતે બાળી શકાતું નથી. તેને બાળવા જનાર જાતે જ બળે છે, ભલે વરદાન જેવા બહાનાથી તેને આશ્વાસન મળ્યું હોય !

બાળહત્યા જેવું પાપ બીજું કોઈ નથી, કોઈ જ નથી.

હોળી ચારે બાજુથી ઉગ્ર જલદ વિનાશક જ્વાળાઓ સાથે ભડભડી ઉઠી હતી. હોળીકાના 'બચાવ-બચાવ' સ્વરોને પેલો ધધકાર બહાર આવવા દેતો ન હતો.

અને પ્રહલાદ પૂછતો હતો. જેમ અનેકવાર તેણે પૂછ્યું હતું : 'શું થાય છે હોળીકા ફોઈ ? શું થાય છે ? તમે બરાબર છો ને ! પેલા ફાગણિયા ચાંદામામા, તમને ઠંડક તો આપે છે ને.'

હોળીકામાં ત્યારે જવાબ આપવાની ક્ષમતા ક્યાં હતી ? તેનું અસ્તિત્વ જ ક્યાં હતું ? ધૂમસેર આકાશી માર્ગે અનંતમાં પહોંચતી હતી. એ ઘૂંઘવાતા દ્રશ્યમાં જ તમે ઓગળી પીગળી અદ્રશ્ય થતી, હો-હોળીકાને જોઈ શકો તો, કદાચ જોઈ શકો !

- હરીશ નાયક



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P2x3ar
Previous
Next Post »