
- 'હું એક સમયે એક જ ફિલ્મ કરુ છું. મારા આખા વર્ષની પદ્ધતિસર વહેંચણી કરી નાખુ છું એટલે પૂર્વતૈયારી અને શૂટીંગને પુરતો સમય આપી શકુ છું. વળી, મારે મારા પરિવારને પણ સમય આપવો પડે છે
અશોક કુમાર અને દેવ આનંદ પછી કોઈને એવરગ્રીન એક્ટરનું બિરૂદ આપી શકાય એમ હોય તો એ અનિલ કપૂર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૪૦ વરસની મેરેથોન ઇનિંગ પછી પણ અનિલ કપૂર હજુ ડિમાંડમાં છે. આટલી લાંબી કરીઅરમાં કપૂરને ક્યારેય કામની કમી નથી રહી. વર્સેટાઈલ એક્ટરની ફિલ્મ ફ્લોપ જાય તો પણ એની પ્રતિભા અને કામ પ્રત્યેની નિષ્ઠા વિશે ક્યારેય કોઈએ શંકા નથી કરી. ૬૪ વર્ષની વયે પણ એ પોતાના નવા પ્રોજેક્ટ્સને એવી રીતે લે છે જે રીતે બોલીવુડમાં પ્રવેશ્યો ત્યારે લેતો હતો. આજે પણ અભિનેતા પોતાની ફિલ્મના શૂટીંગ વખતે એક બાળક જેટલી ઉત્સુકતા અને ઉત્સાહ અનુભવે છે. અભિનયમાં એ હમેશા નવા શિખરો સર કરવા તલપાપડ છે. એ બધા પાછળનું રહસ્ય શું છે ? શા માટે અનિલ કપૂર ઉમરની સાઠીમાં પણ જરાય ધીમો નથી પડતો ? અનિલ ટુંકમાં જવાબ આપે છે, 'હું મારા પ્રોફેશન અને કરીઅરના ગળાડુબ પ્રેમમાં છું. એના માટેના મારા પ્રેમમાં ક્યારેય અને જરાય ઓટ નથી આવતી.'
કદાચ આ કારણે જ એવરગ્રીન એકટર બહુવિધ પ્રોજેક્ટસ માટે સમય ફાળવી શકે છે. એના આગામી પ્રોજેક્ટસમાં એનીમલ (થ્રિલર), જુગ જુગ જિયો (ફેમિલી ડ્રામા) અને તખ્ત (ઐતિહાસિક ફિલ્મ)નો સમાવેશ છે. અમિતાભ બચ્ચનની જેમ અનિલ કપૂરની પણ એક શિસ્તબદ્ધ કલાકાર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખ્યાતિ છે. એ સેટ પર ભાગ્યે જ મોડો પડે છે અને મોડો પડે તો દિગ્દર્શકથી લઈને સાથી કલાકાર સુધીના બધાની માફી માગી લે છે.
કોવિદ-૧૯ની મહામારીને પગલે મુકાયેલો લાંબો લોકડાઉન પુરો થયા બાદ કપૂરે 'જુગ જુગ જિયો'થી ફરી કામ શરૂ કર્યુ હતું. પોતાના વર્ક શેડયુલ વિશે કરતા એકટર કહે છે, 'હવે હું એક સમયે એક જ ફિલ્મ કરુ છું. હું મારા આખા વર્ષની પદ્ધતિસર વહેંચણી કરી નાખુ છું એટલે પૂર્વતૈયારી અને શૂટીંગને પુરતો સમય આપી શકુ છું. વળી, મારે મારા પરિવારને પણ સમય આપવો પડે છે. એટલે હું કામનો વધુ પડતો બોજ નથી રાખતો.'
અલબત્ત, અગાઉ આવુ નહોતુ. એક સાથે અડધો ડઝન ફિલ્મો સાઇન કરી કપૂર શૂટીંગ માટે એક સ્ટુડિયોમાંથી બીજા સ્ટુડિયોમાં દોડાદોડી કરતા. એનું સ્મરણ કરાવાતા અભિનેતા કહે છે, 'એ જમાનો જુદો હતો. ત્યારે મારા જેવા એકટરો બહુવિધ ફિલ્મોમાં એકીસાથે કામ કરતા. એ વખતે મારે ઘણાં અગ્રક્રમો પુરા કરવા પડતા. પરંતુ આપણે સમય જતા પરિસ્થિતિઓને અનુકુળ બની જઈએ છીએ. આપણે એ નક્કી કરતા શીખી જઈએ છીએ એ વરસ કે મહીનામાં આપણાં માટે કયુ કામ કરવુ બેસ્ટ રહેશે.'
અનિલભાઈનું એવુ માનવુ છે કે એકટરોનો આજે સુવર્ણકાળ (ગોલ્ડન પિરીયડ) ચાલી રહ્યો છે. 'અગાઉ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કામકાજ ટેસ્ટ મેચ જેવુ હતું, જેમાં ૧૨ ખેલાડીઓની જ જરૂર પડતી. આજે આઇપીએલ સિઝન જેવો માહોલ છે, જેમાં ઘણી બધી ટીમો અને પ્લેયરોને રમવા મળે છે. દરેક એક્ટરને હવે પુરતી તકો મળે છે.
એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આજે અદલ ક્રિકેટ જેવુ જ બની રહ્યું છે. એકટરો આજે થિયેટ્રીકલ ફિલ્મો, ઓટીટી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરી શકે છે. આમાંથી કોઈ પણ ફોર્મેટમાં કામ કરી મોટા સ્ટાર બની શકાય છે. ગમે તે માધ્યમમાં કામ કરી ઘણાં બધા નાણાં અને નામના મેળવી શકાય છે. આ ગોલ્ડઝ ડેઝ નથી તો બીજુ શું છે?,' એમ કપૂર કહે છે.
કપૂરની આવનારી એક ફિલ્મના શૂટીંગ દરમ્યાન એના સાથી કલાકારો-વરુણ ધવન અને નીતૂ કપૂરનો કોવિદ-૧૯નો રિપોર્ટ પોઝિટીવ આવતા યુનિટમાં ગભરાટ ફેલાયો હતો. એ વિશે વાત કરતા એકટર કહે છે, 'અમે સંકટમાં મુકાઈ ગયા હતા. સેટ પર તમામ પ્રકારની સાવચેતી રખાતી હતી.
નીતૂ અને વરુણને કોવિદનું ઇન્ફેક્શન લાગ્યુ ત્યારે અમે સમય વર્તી ૧૦ દિવસનો બ્રેક લઈ લીધો. એ બ્રેક દરમ્યાન અમે ફરી તરોતાજા થઈ સેટ પર નવા ઉત્સાહ અને સ્ફુર્તિ સાથે પાછા ફર્યા. એને લીધે શૂટીંગ શેડયુલ સરળતાથી પાર પડયું. અમારા બધા માટે એ એક અદ્ભુત અનુભવ હતો. આમેય સંકટ આવે ત્યારે માનવી વધુ સશક્ત બનીને બહાર આવતો હોય છે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cmWyMv
ConversionConversion EmoticonEmoticon