- માણસથી હવે માણસો ખમાતા નથી. 'પ્રાઈવસી'ના ભ્રામક ખ્યાલમાં સ્વકેન્દ્રી બનતા જતા લોકો ખાસ જાણી લે કે યુ.કે. અને જાપાનમાં 'લોનીલીનેસ' અને સ્યુસાઇડ મંત્રાલયો ખૂલી ચૂક્યાં છે.
કો વિડ-૧૯ લોકડાઉનને એક વર્ષ પૂરું થયું છે. કોરોનાએ એક વર્ષમાં આપણને શું શીખવ્યું ? અને કોરોનાની ત્રીજી લહેર આવી છે ત્યારે અત્યારે આપણે ક્યાં ઉભા છીએ એની ચર્ચા કરતાં વિવિધ લોકોએ તેમના મંતવ્યો રજુ કર્યા.
સોસીયલ આઈસોલેશનનું પાલન કરવા જતાં ઉભી થતા એકલતાના ખ્યાલથી બધા ફફડી રહ્યા છે. ફરી આંશિક કે સંપૂર્ણ લોકડાઉનનો ડર બધાને સતાવે છે. કોરોનાનું કાળચક્ર જો આમ જ ચાલ્યા કરશે તો હવે પછી લાંબાગાળા માટે ''સોસીયલ આઈસોલેશન''ને આપણી જીવનશૈલી બનાવવી પડશે ?
'એકલતા' - એક ઘાતક મૃત્યુ દંડ છે. પ્રશ્ન એ છે કે કોણ વધારે ઘાતક કોરોના કે એકલતા ?
જાપાનના ચોંકાવનારા સંશોધન પ્રમાણે ૨૦૨૦માં આત્મહત્યાનું પ્રમાણ અગીયાર વર્ષની સરખામણીએ છેલ્લા એક વર્ષમાં ૧૬ ટકા જેટલું વધી ગયું છે. આ વધતા આંકડાને ધ્યાનમાં રાખીને જાપાનીઝ વડાપ્રધાન શ્રીમાન. યોશીહીકે સુગાએ ૧૯ ફેબુ્રઆરી ૨૦૨૧ના રોજ શ્રીમાન ટેટસુશી સાકોમોટોને જાપાનમાં નવા ખુલેલા 'એકલતા અને આત્મહત્યા' વિભાગના કેબીનેટ મંત્રી બનાવ્યા છે. દેશમાં કથળતા જતા માનસિક સ્વાસ્થ્યના કારણો અને ઉપાયો શોધવાની મહત્વની કામગીરી સોંપાઈ છે.
૨૦૨૦માં વધતા જતા ડીપ્રેશનનું કારણ કોવિડ-૧૯ના નિયંત્રણોએ ઉભી કરેલી સોસીયલ આઈસોલેશનની પરિસ્થિતિએ લોકોને વ્યાપક પ્રમાણમાં એકલતાના શિકાર બનાવ્યા છે, તે જણાયું છે.
પ્રાઈવસીના આધુનિક ખ્યાલમાં એકલપેટા બની ગયેલા માનવીને પણ કોરોનાની એકલતાએ આત્મહત્યા કરવા મજબૂર બનાવ્યા છે. જાપાનમાં કોરોનાના મૃત્યુ કરતાં આત્મહત્યા કરેલી સ્ત્રીઓના મૃત્યુનો આંકડો વધારે ઉંચો છે.
કોવિડ-૧૯ની લહેરો જો આમ જ આવતી રહેશે તો સોસીયલ આઈસોલેશનને કારણે ઉભી થયેલી એકલતાને નાથવા ઉપાયો શોધવા પડશે.
જોકે બ્રિટનમાં નીમાયેલા લોનલીનેસ કમીશ્નર જો કોક્ષે પોતાના ૧૯૧૭માં આપેલા ખાસ અહેવાલમાં જણાવ્યું હતું કે બ્રીટનમાં ૯૦ લાખથી વધારે એટલે કે સમગ્ર વસ્તીના ૧૪ ટકા લોકો એકલતાથી પીડાતા હતા.
આ અહેવાલને પગલે બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી થેરેસાએ જાન્યુઆરી ૨૦૧૮માં શ્રીમતિ ટ્રેસી ક્રાઉચને યુ.કે.ના પ્રથમ લોનલીનેસ મંત્રાલયના કેબીનેટ મીનીસ્ટર બનાવ્યા હતા. આ અરસમાં કોવિડ-૧૯નું સંક્રમણ શરૂ પણ ન હોતું થયું.
આધુનિક જીવનશૈલીની 'એકલતા' એક ભયાનક વાસ્તવિકતા છે.
વિશ્વના પ્રથમ 'લોનલીનેસ મીનીસ્ટર' શ્રીમતિ ટ્રેસી ક્રાઉચે ચાલીસ વર્ષની ઉંમરે તેમના પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો. તેઓ પાર્લામેન્ટના ચૂંટાયેલા મેમ્બર હોવાના કારણે તેમનું મિત્રવર્તુળ બહોળું હતું. તદ્ઉપરાંત તેમના જીવનસાથીનો સાથ અને સહકાર અદ્ભૂત હતા. આમ છતાં ૨૦૧૬માં તેમને એવું લાગ્યું હતું કે દુનિયાથી તેઓ સાવ વિખૂટા પડી ઘોર અંધકારમાં ધકેલાઈ ગયા છે.
ટ્રેસી ક્રાઉચ ૨૦૧૦માં પ્રથમવાર પાર્લામેન્ટમાં ચૂંટાયા ત્યારે તેઓ ડીપ્રેશનના શિકાર બન્યા હતા. તેમને એવું લાગતું કે તેઓ એક અંધારી અને એકાંત જગ્યામાં ફસાઈ ગયા છે.
જીવનસાથી કે મિત્ર ગુમાવવાનો ડર કોઈ પણ વ્યક્તિને એકલતામાં ખદેડી દે છે. હાર્વર્ડ યુનિ.ના સંશોધનો પ્રમાણે એકલતા અનુભવતા લોકોનું આયુષ્ય એક ચેઈન સ્મોકરની જેમ પંદર વર્ષ જેટલું ઘટી જાય છે.
ગ્લોબલાઈઝેશનના આ જમાનામાં આધુનિક ટેકનોલોજીએ સંદેશા વ્યવહારના સાધનો વિકસાવ્યા છે અને વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનો વાર્તાલાપ આટલો સરળ બન્યો હોવા છતાં પ્રતિવર્ષ સમાજ-વિમુખતા, એકલતા અને આઈશોલેશનનું પ્રમાણ વધતું જાય છે. આપણી જીવનશૈલી જ એવી બની ગઈ છે કે તન ટૂંકા, મન ટૂંકા અને મન મેલા માણસોની વચ્ચે એકલતાથી જીવવાનો સહુને કંટાળો આવે છે.
એક દર્દનાક વાસ્તવિકતા એ છે કે વૃદ્ધાવસ્થાને આરે આવી બેઠેલા સીનીયર સીટીઝન કરતાં પણ જેમની સમક્ષ આખું જીવન પડયું છે એવા યુવક-યુવતીઓમાં એકલતાનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે.
અધિકૃત આંકડાઓ મુજબ આપણા દેશમાં પ્રતિદીન ૨૮ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે અને આ આંકડો પ્રતિવર્ષ વધતો જ જાય છે.
વિદ્યાર્થીઓમાં વધતી જતી આત્મહત્યાનું કારણ ભણતરનો ભાર અને પરીક્ષામાં નિષ્ફળ જવાનો ડર વધારે જવાબદાર હોય છે. આ ચિંતામાં એકલતાની માનસિક પીડા બળતામાં ઘી હોમવાનું કામ કરે છે.
આપણા દેશમાં તૂટતી જતી સંયુક્ત કુટુંબ પ્રથા, ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર તરફ જવાની આંધળી દોટ અને કહેવાતી ''પ્રાઈવસી''ના આત્મકેન્દ્રી ખ્યાલને કારણે એકલતા અનુભવતા યુવક-યુવતીઓની સંખ્યા વધી છે.
જૂના જમાનામાં પોતાની જાતને ભીડથી થતા ધ્યાનભંગથી દૂર કરવા તપસ્વીઓ એકાંતવાસની શોધમાં ક્યાંય છેવાડાના પર્વત પર એકલતા શોધી ધ્યાનસ્થ થતા. આમાં એકલતાનો આનંદ સમાયેલો હતો. જ્યારે આજે માનવ મહેરામણની વચ્ચે જીવતા કરોડો લોકો એકલતાની પીડા ભોગવી રહ્યા છે.
આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવતા આપણે સહુ સાધુ સન્યાસી નથી. બધાને કંપની અને કંપેનીયન તો જોઈએ જ છે. પણ મોડર્ન લાઈફ સ્ટાઇલના ભ્રામક અને સ્વાર્થી ખ્યાલે આપણને એકલતાની પીડાના શિકાર બનાવ્યા છે.
કોરોનાકાળમાં સમગ્ર વિશ્વમાં ડીપ્રેશન અને આત્મહત્યાનું પ્રમાણ ઘણું વધ્યું છે ત્યારે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.
કોરોનાનું સંક્રમણ ટાળવા સોસીયલ-ડીસ્ટન્સીંગ, માસ્ક અને સેનીટાઈઝેશનની જેટલી અનિવાર્યતા છે તેટલી જ જરૂરિયાત એક કુટુંબના સભ્યો વચ્ચે કોરોનાની આડમાં ઈમોશનલ ડીસ્ટન્સ ન વધી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ આજના યુવાનો જેમને તેમની બાલ્યવસ્થામાં અને કીશોરાવસ્થામાં સોસીયલ આઈસોલેશન અનુભવ્યું નથી તેઓ પણ જો આજે ભયાનક એકલતાના શિકાર હોય તો કોરોના કાળમાં જન્મેલી પેઢીને ભવિષ્યમાં એકલતાનું સંક્રમણ ન લાગે તે માટે તેમના મમ્મી-પપ્પા એટલે આજના યુવાનોને ઈમોશનલ ડીસ્ટન્સ ઓછું કરવાની સદબુદ્ધિ આપે અને સંબંધો માટે પાર્કીંગ પ્લેસ રીઝર્વ રાખે એવી શુભેચ્છા.
ન્યુરોગ્રાફ : લાખોની ભીડ વચ્ચે પોતે ઉભા કરેલા એકાંત અને અવાવરૂ ટાપુની વચ્ચે વસતા લોકોને ખાસ ચેતવણી, ''એકલતા કોરોનાથી પણ ભયાનક છે. હા... સોસીયલ ડીસ્ટન્સ જરૂરી છે પણ ઈમોશનલ ડીસ્ટન્સ ઘાતક છે.''
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sB70W8
ConversionConversion EmoticonEmoticon