'ઇઝ ઓફ લાઈફ' કઈ બલાનું નામ છે કોને ખબર, આપણે તો ધક્કામુક્કીની મઝા માણતી પ્રજા છીએ!

- કૌભાંડો, ભ્રષ્ટાચાર, બેરોજગારી, પ્રદુષણ, મોંઘવારી વગેરે આપણને એ હદે ફાવી ગયું છે કે આ બધાને કારણે આપણે દુ:ખી છીએ એવું કહેવું પણ કોઈને હાસ્યાસ્પદ લાગે!! અને માટે જ, દેશ તરીકે ભલે આપણી ગણના અનહેપ્પી રાષ્ટ્રમાં થતી હોય, વ્યક્તિગત રીતે તો બધા 'જલસા'માં જ છે!


૨૦ મી માર્ચે 'વર્લ્ડ હેપ્પીનેસ ડે' ૧૪૯ દેશોના સુખની માપણી ચુપચાપ પકડાવીને ચાલ્યો ગયો. આમ પણ આપણે તો દર વર્ષની જેમ એને ઇગ્નોર જ કરવાનો હતો, ૧૩૯માં નંબરે તો બીજું થાય પણ શું?! ક્યાંક તો એને છોડીને બાકીની નવ દિશાઓમાં જોવાનું અથવા 'આવી ફાલતુ આંકડાઓની રમત ચાલ્યા કરે' એમ કહીને આખી વાત જ અધ્ધર કરી દેવાની!! ૧૪૯માં ૧૩૯મું સ્થાન વાંચીને મને મારો બાળપણનો મિત્ર 'જયલો' યાદ આવ્યો, જેની વાત મેં પહેલા પણ કરી હતી. જયારે પરીક્ષાનું પરિણામ આવે ત્યારે આ જયેશ બે-ત્રણ વિષયમાં તો ઉડેલો જ હોય પણ એને પરિણામ પૂછો એટલે બિન્ધાસ્ત કહે તેંતાળીસમો નંબર, બહુ ખણખોદ કરો તો ખબર પડે કે વર્ગ જ પચાસ વિદ્યાર્થીઓનો હતો !  પરિણામ લઈને આવે ત્યારે તો એને માત્ર વઢ પડે પરંતુ પરિણામની રાત્રે એને બરાબરનો માર પડે ! પપ્પા એને સોસાયટીના બીજા છોકરાઓનું પરિણામ પૂછે, બધા 'જયલા'થી આગળ હોય એટલે પછી એને માર પડે. જયેશ બીજા દિવસે રમવા આવે ત્યારે અમને કહે કે તમારા લીધે મને માર પડયો, તેંતાળીસમો હતો ત્યાં સુધી ઠીક હતું, વઢ જ પડી, પણ તમારા બધા કરતા પાછળ હતો એટલે માર પડયો ! આપણને પણ ૧૩૯માં ક્રમમાં એવું જ થાય તેવું છે, આપણા ક્રમ કરતા આપણા પાડોશીઓનો ક્રમ વધુ દુ:ખી કરે એવો છે, ચીન(૮૪), નેપાળ(૮૭), બાંગ્લાદેશ(૧૦૧), પાકિસ્તાન(૧૦૫) અને શ્રીલંકા(૧૨૯)! જેની ના લેવા કે દેવા, એ બીએમડબ્લ્યુ છોડાવે તો વાંધો નહીં પણ કોઈ સગો કે પાડોશી ના છોડાવવો જોઈએ કારણ કે એમાં તેના માટે એ કેમ હકદાર નથી એના દસ કારણ આપણા હોઠે હોય અને હૈયામાં તો એથી ઘણું વધુ ! સ્વાભાવિક રીતે જ સુખ મેળવવા ચપ્પણિયું લઈને લાઈનમાં ઉભેલા આપણને આપણા પાછળ હોવા કરતા આપણા પાડોશીઓ આપણી આગળ હોવાનો ચચરાટ વધુ થાય, પરંતુ એ ક્ષણ પૂરતું, બાકી ઘડીમાં પાછા રૂટિનમાં એવા વ્યસ્ત થઇ જઈશું જાણે કે આપણે અને સુખને શું લેવા દેવા?!! પરંતુ કમનસીબે આપણે 'હેપ્પીનેસ', પ્રસન્નતા, આનંદ, સુખ કે 'જે નામ આપો તે' મુદ્દે આપણે આટલા પાછળ કેમ છીએ, વર્ષોથી આપણે હેપ્પીનેસ ઇન્ડેક્સમાં ઉત્તરોત્તર પાછળ કેમ ધકેલાઈ રહ્યા છીએ વગેરે બાબતોનું ચિંતન કે ચર્ચા ભાગ્યે જ કરીશું! બહુ થશે તો એકાદ હેપ્પીનેસ મન્ત્રાલય ખોલી દઈશું અને પોતાની સાત પેઢીને પૈસે-ટકે સુખી કરીને બેઠેલો કોઈ તમારા સુખની ચિંતા કરતા પોતાનું ઘર ભરતો જશે!

જ્યારથી સોશિયલ મીડિયા અસ્તિત્વમાં છે ત્યારથી 'વર્લ્ડ હેપ્પીનેસ ડે'ની આજુબાજુ એક મેસેજ ફરતો થાય છે! મેસેજ મુજબ, ૧૯૨૨માં આઈન્સ્ટાઈન જયારે જાપાન ગયા હતા ત્યારે હોટેલના બેલ-બોયને ટીપમાં 'થિયરી ઓફ હેપ્પીનેસ'ની એક ચબરખી આપી હતી. તાજેતરમાં આ ચબરખી પંદર લાખ ડોલર, આશરે દસ કરોડ રૂપિયામાં વેચાઈ! આટલી અધધ કિંમત આઈન્સ્ટાઈનના નામની છે, ચબરખીમાં લખેલા પ્રસન્નતાના મંત્રની છે કે બંનેની સહિયારી છે તે તમારે નક્કી કરવાનું. ચાલો સાથે સાથે એમણે લખેલો મંત્ર શું હતો તે પણ કહી દઉં - સતત સફળતા ઝંખતી, અજંપા ભરેલી ભાગદોડવાળી જિંદગી કરતા શાંત-સંતોષપૂર્વક વિતાવેલી જિંદગી વધુ હેપ્પીનેસ આપે છે. પ્રખર બુદ્ધિશાળી અને પ્રસિદ્ધ વ્યક્તિની સાવ સાદી સલાહ - શાંત મન અને શાંતિભર્યું જીવન સુખની ગુરુચાવી છે!

પ્રસન્નતા કે હેપ્પીનેસ આમ તો અંગત બાબત છે એ વાતને બાજુ પર રાખીને એક પ્રજા તરીકે અથવા દેશ તરીકે પ્રસન્નતાની વાત કરવી હોય તો તેનો ઘણો મોટો આધાર ત્યાંના નાગરિકો, નાગરિકોમાં એકબીજા પ્રત્યેની સદભાવના, રાજકીય વાતાવરણ, રોજિંદા જીવન માટે કરવો પડતો શ્રમ (ઇઝ ઓફ લાઈફ), મીડિયા વગેરે પર રહેતો હોય છે. નાગરિકો તરીકે આપણે તદ્દન બેજવાબદાર છીએ અને ફેલો-સીટીઝન જેવો કોઈ કન્સેપ્ટ આપણે સમજતા જ નથી - આપણું સાચવો, બીજાનું જે થવું હોય તે થાય! પ્રજા તરીકે આપણી લાગણીઓ બેકાબુ અને આપણું વર્તન બેફામ છે, કમનસીબે, આપણને તેનું પાછું ગૌરવ પણ છે!! સમગ્ર વિશ્વમાં રાજકીય વાતાવરણ કાવાદાવા, કૌભાંડો અને કોન્ટ્રોવર્સીઝથી ખદબદતું જ રહેતું હોય પરંતુ રોજિંદી જિંદગી, પ્રજાના સ્વાસ્થ્ય કે લોકહિત સાથે ચેડાં ભાગ્યે જ થાય છે. કમનસીબે આપણા બેફામ, બેશરમ, બેજવાબદાર અને બકવાસ રાજકારણીઓને રોજિંદી જિંદગી, પ્રજાના સ્વાસ્થ્ય કે લોકહિત સાથે કોઈ લેવા-દેવા જ નથી! પોતાનું સચવાતું હોય તો સામાન્ય પ્રજા ગઈ તેલ લેવા અને આપણું, આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ, સ્વતંત્ર ના થયેલું ગુલામી માનસ ચુપચાપ તેલ લેવાની લાઈનમાં ગોઠવાઈ જાય છે! હા, એ વાત જુદી છે કે લાઈનમાં એકબીજાને વડચકાં ભરીએ છીએ પરંતુ જેમના કારણે આપણે આ ધંધે લાગવું પડે છે એમને પૂજતા રહીએ છીએ!! 'ઇઝ ઓફ લાઈફ' કઈ બલાનું નામ છે કોને ખબર, આપણે તો બે દરવાજામાંથી એક જ દરવાજો ખોલીને ધક્કામુક્કીની મઝા માણતી પ્રજા છીએ! હેરાનગતિ વગર મઝા કેવી રીતે આવે એ આપણી સમજમાં નથી. આ બધાની વચ્ચે આપણી સૌથી મોટી કમનસીબી આપણું નકારાત્મક મીડિયા છે, ખાસ કરીને વિઝયુઅલ મીડિયા. જોનારને એ સતત ઉચાટ, ઉશ્કેરાટ, ઉત્તેજના અને ઉદાસિનતામાં જ રાખે છે! ટીઆરપીની લાહ્યમાં સતત ઉત્તેજના ફેલાવે તેવા સમાચારો શોધતું રહેતું મીડિયા દર્શકોના માનસને અને દેશની માનસિકતાને કેટલું જબરદસ્ત નુકસાન કરે છે તેનો હિસાબ કોણ કરવાનું?! વાંક તો આપણી પ્રજાનોદય ખરો, રચનાત્મક કે પોઝિટિવ વાતો કરતા ફાલતુ પંચાતો, મૂઢતાભરી ચર્ચાઓ કે નકારાત્મક વાતોમાં વધુ રસ ધરાવતી અને તેનો ઉત્સવ મનાવતી પ્રજાને મીડિયા બીજું કઈં પીરસવાનું સાહસ કેવી રીતે કરે?! બાકી રહી ગયું હોય તેમ હવે તો ફેક ન્યુઝ, નકારાત્મકતા, ફ્રસ્ટ્રેશન્સ, આક્રોશ વગેરે ખિસ્સામાં ઉતરી આવ્યા છે. મોબાઈલ પર વાઇરલ થઈને ફરતા મેસેજોમાં પણ આ બધું ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે અને અજાણતા જ આપણે દિવસભર મગજમાં ઉચાટ, ઉશ્કેરાટ, ઉદાસી ડાઉનલોડ કરતા ફરીએ છીએ. આ બધા ઉપરાંત કૌભાંડો, ભ્રષ્ટાચાર, બેરોજગારી, પ્રદુષણ, મોંઘવારી વગેરે જેવા કાયમી અને ઘર કરી ગયેલા પરિબળો તો ખરા જ. આઝાદી પછીનું એક પણ વર્ષ એવું નહીં જડે કે જેમાં આ પરિબળો વત્તા-ઓછા અંશે જોવા ના મળ્યા હોય. સાવ સાચી વાત તો એ છે કે આપણને આ બધું ફાવી ગયું છે, આ બધાને કારણે આપણે દુ:ખી છીએ એવું કહેવું પણ કોઈને હાસ્યાસ્પદ લાગે !! અને માટે જ, દેશ તરીકે ભલે આપણી ગણના અનહેપ્પી રાષ્ટ્રમાં થતી હોય, વ્યક્તિગત રીતે તો બધા 'જલસા'માં જ છે!

પૂર્ણવિરામ :  વિશ્વનો સૌથી યુવા દેશ, પ્રસન્નતામાં ૧૩૯મો!! શું આટલી વાત યુવાનોના માનસ પરત્વે ચિંતા ઉપજાવનારી ના કહી શકાય?!!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dhaXsQ
Previous
Next Post »