રઘુવીર યાદવ : બોલીવૂડમાં ત્રણ દાયકા પૂરાં કર્યાંર્, પણ સંતોષ નથી...

- હું બોક્સ ઓફિસ કે આંકડાકીય જાણકારીમાં જરાય નથી માનતો. મને તો આજેય એવું લાગે છે કે કળાને બિઝનેસ બનાવી દેવામાં આવ્યો છે અને આથી તેની આત્મા ગૂમ થઈ જાય છે. તમે ગમે એટલાં પ્રયાસો કરો, પણ બેઇમાની તો આવી જ જાય છે. 


'સલામ બોમ્બે', 'ન્યૂટન', 'લગાન', 'પીપલી લાઈવ' જેવી ફિલ્મો અને દૂરદર્શનના બહુચર્ચિત શો 'મુંગેરીલાલ કે હસીન સપને'માં ચમકનારા અભિનેતા રઘુવીર યાદવે પોતાની અદાકારી દ્વારા દર્શકોના દિલમાં અનેરું સ્થાન મેળવ્યું છે. બોલીવૂડમાં ત્રણ દાયકા પૂરા કરનારા આ અભિનેતા કહે છે, 'હું તો માત્ર શીખવાના ઉદ્દેશથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. ટીવી હોય કે ફિલ્મો હું ક્યાંય પણ કામ કરી લઉં તોય હૃદયનું લોલક આંદોલિત જ રહે છે.

રઘુવીર યાદવે એમેઝોન પ્રાઈમ પર બહુચર્ચિત વેબ-સીરિઝ 'પંચાયત' થકી ઓટીટી પર પદાર્પણ કર્યું છે. હવે તેઓ જી-૫ ઉપર આવેલી 'ઘુમકેતુ'માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે નજર પડે છે. બોલીવૂડની વર્તમાન સ્થિતિ અંગે રઘુવીર યાદવે જણાવ્યું, 'એ વાતનો આનંદ થાય છે લોકોએ સારા કામને વખાણવાનું શરૂ કર્યું છે. ફિલ્મ 'ઘુમકેતુ' જી-૫ ઉપર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે.' આ પ્રસંગે તેમની સાથે થયેલી વાતચીતમાં તેમણે ત્રણ દાયકા લાંબી કારકિર્દી, નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવાનો અનુભવ, ઓટીટી પર આગમન, લોકડાઉનમાં સમય કેવી રીતે વિતાવ્યોથી માંડીને અનેકવિધ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે, જે વાચકો માટે રસપ્રદ બની રહેશે.

લોકડાઉનના સમયકાળનો ઉલ્લેખ કરતાં રઘુવીર યાદવે જણાવ્યું, 'એ સમયે હું સંગીત સાંભળતો. અલગ અલગ વાદ્ય વગાડતો, જમવાનું બનાવતો, ઘરની સફાઈ કરતો, બાળપણમાં જે કરતો એ બધુ હાલમાં કરવાનો મોકો મળ્યો. જે તક મળી એને હું જવા દેવા નહોતો માગતો. આ બધુ કામ કરતાં જ્યારે મન ભરાઈ જાય ત્યારે પુસ્તકો વાંચવા બેસું છું. હું તો સંગીત શીખવા જ નીકળ્યો હતો, પણ એક્ટિંગ ગળે પડી ગઈ. જો કે પછી તો એમાં પણ આનંદ મળવા લાગ્યો.  વાસ્તવમાં હું જે પારસ થિયેટર સાથે સંકળાયેલો હતો ત્યાં તમે સંગીતના જ્ઞાાન વિના એક્ટિંગ જ નહીં કરી શકો. એક વાત સાબિત થઈ જાય છે કે તમે જે દિલથી ઇચ્છો છો એ છેવટે મળી જ જાય છે, પણ તમારું એ ચાહવું ઘણું જરૂરી હોય છે.

જો તમે એકાગ્રતાપૂર્વક જે વસ્તુ ઇચ્છતા હો એ અંતે તો મળી જ જાય છે. આ રીતે મને પણ પારસી થિયેટરથી મને મારા જીવનની મંજિલ મળી ગઈ. ત્યાં હું સંગીત અને અભિનય સાથે તમામ કામ કરતો હતો, સ્ટેજ લગાવવો સ્ટેજ સજાવવો, ખાડાં ખોદવા, ટેન્ટ લગાવવા વગેરે. આ પછી હું એનએસડીમાં આવી ગયો ત્યાં મારા સંગીત શીખવાના શોખને ઘણો આનંદ મળતો હતો. જો આ શોખને હું જીવંત નહીં રાખું તો હું એકલો જ પડી જાઉં. મને એવું લાગે છે કે જે તમે સંગીત સાથે સંકળાયેલા હો તો તમે કદી એકલા નહીં પડો, એકલતા નહીં અનુભવો. આ એક નશો છે અને હું તેમાં ડૂબેલો રહેતો હતો.'

'ઘુમકેતુ' ફિલ્મ અંગે જણાવતાં રઘુવીર યાદવે જણાવ્યું, 'ઘુમકેતુ'માં હું નવાઝુદ્દીન સિદ્દીકીના પિતાની ભૂમિકા ભજવું છું. એકદમ ખડૂસ પિતા, તેને એવું લાગે છે કે તેણે જેવી જિંદગી જીવી છે તે જ યોગ્ય છે. તેની સામે કોઈનું નથી ચાલતું. તેમની એક દુકાન હોય છે અને તે એવું ઇચ્છે છે કે તેનો દિકરો પણ આ દુકાન ચલાવે. તેમનું ચાલે તો તેઓ બધા પાસે આ જ કામ કરાવે, પણ તેનો પુત્ર તો એ કરવા જ નથી માગતો. એ તો લેખક બનવા માગે છે. અમારાં ગામ, કસબામાં લોકો એવું જ વિચારે છે કે જે તેના પિતા કરે એ કામ તેનો પુત્ર કરે. વાસ્તવમાં મારા સાથે પણ એવું જ થયું હતું.

હું નાના ગામમાં રહેતો અને ગાય-ભેંસ ચરાવતો. સંગીત અને અભિનયથી તો દૂર દૂરના કોઈ સંબંધ નહોતા, પણ એ જમાનો જ કળાથી ભરપૂર હતો. ન ટીવી હતું, ન રેડિયો - ગામમાં એક જ દુકાન હતી જ્યાં ગ્રામોક્રોન હતો. અમે બધા તેના પર જ સંગીત સાંભળતા. રામલીલા જોતા અને બધા જુદા જુદા પ્રદર્શનો કરતાં. આવા માહોલમાં તમને કળા સાથે કેવી રીતે પ્રેમ ન થઈ શકે? બસ આવું બધું વિચારીને હું ગામમાંથી બહાર નીકળી પડયો ત્યારથી માંડીને અત્યાર સુધી માત્ર શીખી જ રહ્યો છું. ખૂબ મઝા આવે છે મને શીખવામા. નવાઝુદ્દીન સિદ્દીકી સાથે આ પહેલા 'ફિરાક', 'પીપલી લાઈવ' અને 'આઝા નચલે' ફિલ્મો કરી છે. સેટ પર નવાઝુદ્દીન જેવો કોઈ થિયેટરનો કલાકાર આવી જાય તો મઝા આવી જતી. ત્રણ દાયકાની કારકિર્દીથી સંતુષ્ઠ તો નથી જ, એમ કહે છે, રઘુવીર યાદવ. આ સાથે જ ઉમેરે છે, 'સંતુષ્ઠ થઈ જઈશ તો બરબાદ થઈ જઈશ. જે દિવસે હું સંતુષ્ઠ થઈ જઈશ ત્યારે મારી તલાસ ખતમ થઈ જશે. હું માત્ર શીખવાના ઉદ્દેશથી આ કામ કરું છું. દરેક વખતે હું મારું કામ જોઉં ત્યારે મનમાં થાય આથી વધુ સારું આ કામ કરી શક્યો હોત.'

ફિલ્મોની પસંદગીમાં કઈ વાતનું ધ્યાન રાખો છો?- એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું, 'જો મને મારા પાત્રથી એક સાચી લાઈન પર મળી જાયને તો હું એ ફિલ્મ કરી લઉં છું. બસ મને પાત્રમાં સચ્ચાઈ નજરે પડવી જોઈએ. એ જબરદસ્તીથી બનાવ્યો હોય એવું ન લાગવું જોઈએ, કેટલાંક પાત્રોને ગજબની બોલી આપવામાં આવી છે, ગજબના વસ્ત્રો આપવામાં આવે છે, જે ક્યાંયના હોય જ નહીં. માત્ર લોકોને હસાવવા માટે! હું આવા પાત્રોમાં વિશ્વાસ નથી મુકતો. મેં જે પાત્રો કર્યા છે તેમાં મારા મનગમતા પાત્રો તો ઘણાં છે. મને ખાસ કરીને થિયેટરના નાટકોમાં ઘણો આનંદ આવે છે. ફિલ્મમાં પણ એવા કેટલાંય પાત્રો છે, જે મને ઘણાં ગમે છે. 'સલામ બોમ્બે' કે ૧૯૯૨માં કરેલી 'રામન રાઘવ'- આ ફિલ્મો કરવામાં મને ઘણો આનંદ થયો હતો. આ ઉપરાંત મારી પ્રથમ ફિલ્મ 'મસ્સે સાહિબ' તો મારી ખાસ ફિલ્મ હતી. લોકો કહે છે કે થિયેટરની એક્ટિંગ અલગ હોય છે, ફિલ્મોની એક્ટિંગ અલગ હોય છે આથી જ મને એ ફિલ્મો કરતાં ઘણો આનંદ થયો હતો.'

રઘુવીર યાદવ કહે છે કે હું બોક્સ ઓફિસ કે આંકડાકીય જાણકારીમાં જરાય નથી માનતો. મને તો આજેય એવું લાગે છે કે કળાને બિઝનેશ બનાવી દેવામાં આવ્યો છે અને આથી તેની આત્મા ગૂમ થઈ જાય છે. તમે ગમે એટલાં પ્રયાસો કરો, પણ બેઇમાની તો આવી જ જાય છે. મોટી મોટી મોંઘી ફિલ્મો કેમ નિષ્ફળ જાય છે તેનું આ જ કારણ છે કે તેમાં આત્મા જ નથી અને આ ફિલ્મની પહેલી ઝલક જોતા જ તે નજરે પડે છે કે તેમાં આત્મા ધબકતો જ નથી. ઓટીટી પ્લેટફોર્મ્સ કલાકારો માટે ઉમદા છે. કલાકારોને અનેક મોકા મળે છે, એમ કહી રઘુવીર યાદવે જણાવ્યું, 'પંચાયત' વેબ-સીરિઝમાં એક ગામની સાદી-સરળ વાતો છે. હું બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના નાના ગામડાં-કસબામાં ગયો છું. 'પંચાયત'ને લોકો પસંદ કરે છે, તેનો મને આનંદ છે. જે કામ અમે કર્યું તે લોકોને પસંદ પડયું છે આથી અમારી મહેનત સફળ ગઈ છે.'

સોશિયલ મીડિયા સારું પણ છે અને ખરાબ પણ એમ જણાવી રઘુવીર યાદવે વાતોનું સમાપન કર્યું છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vgRiBm
Previous
Next Post »