- જૂલે વર્ને લખેલી વાર્તા પરથી આ ફિલ્મ બની છે. અરેબિયન નાઈટ્સની કથા અલિબાબા અને ચાલીસ ચોર જાણીતી છે, કંઈક અંશે તેના જેવી વાત છે.
- અહીં એક-બે લડવૈયા છે અને સામે સંખ્યાબંધ ચોર-લૂંટારા છે. તેમની વચ્ચેની લડાઈ વળી જગતના છેડે આવેલા ટાપુ પર મંડાઈ છે.
- ડિરેક્ટર : કેવિન બિલિંગ્ટન
કલાકાર : કર્ક ડગ્લાસ, યુલ બ્રેઈનર,
સમાન્થા એગર
રિલિઝ : જુલાઈ ૧૯૭૧
લંબાઈ : ૧૨૦ મિનિટ
૧૮૫૬ ના વર્ષે સૈન્ય ટુકડી વિલ ડેન્ટન નામના વ્યક્તિને એક ટાપુ પર મુકવા આવી. ટાપુ છેક દક્ષિણ અમેરિકાનાય દક્ષિણ છેડે આવેલો હતો. ત્યાં લગભગ દુનિયા પુરી થતી હતી. એવા ધરતીના છેડે આવેલા એકાંત ટાપુ પર વિલ ડેન્ટનને સજા કાપવા મોકલાયો હતો. વિલે ખૂન કર્યું હતું. ટાપુ પર પહેલેથી કેપ્ટન મોરિઝ અને તેમનો આસિસ્ટન્ટ ફિલિપ હાજર હતા. ટાપુ પર દીવાદાંડી આવેલી હતી. એ જમાનાની દીવાદાંડીમાં જાળવણી કરવા ઉપરાંત તેલ પૂર્યા કરવું પડતું હતું. મોરિઝ-ફિલિપ એ કરતા હતા. તેની મદદ માટે હવે વિલ પણ આવી ગયો હતો. વિલને સજા મળે અને ટાપુ પર એ મદદગાર તરીકે ઉપયોગી પણ થાય.
ટાપુ પથ્થરોમાં ખાંચા-ખૂંચી કરી હોય એવો ખડકાળ અને નાની-મોટી અસંખ્ય ગુફા ધરાવતો હતો. ટાપુ પર ભાગ્યે જ એકાદ જગ્યાએ થોડી સપાટ ભૂમિ હતી. દીવાદાંડી અને તેના થડ પાસે એક રહેણાંક બાંધકામ હતું. ટાપુ પર ફિલિપના સાથીદાર તરીકે એક મારિયો નામનો વાંદરોય હતો (જૂલે વર્નની વાર્તામાં હંમેશા કોઈ પ્રાણી તો સાથીદાર તરીકે હોય જ). પનામા નહેર બની ન હતી એટલે દક્ષિણ અમેરિકા ખંડના છેડેથી નીકળતા મોટા ભાગના જહાજોને દિશા બતાવવાનું કામ આ દીવાદાંડીથી થતું હતું. દીવાદાંડી એ રીતે બહુ મહત્ત્વની હતી.
ટાપુની નાનકડી દુનિયામાં બધુ શાંતિપૂર્વક ચાલતું હતું સિવાય કે એક દિવસ શિકારે નીકળેલા વિલ-ફિલિપના ધ્યાને કાંઠે આવેલા હાડપિંજર પર પડી. થોડા વખત પછી સાત સઢ ધરાવતું એક જહાજ ટાપુ પાસે આવતું દેખાયુ. આ ટાપુ પર આમ તો કોઈ અજાણ્યું જહાજ આવે નહીં, દૂરથી જ પસાર થઈ જાય. આ જહાજ કોનું છે એ તપાસવા માટે મોરિઝ-ફિલિપ જહાજ પર પહોંચ્યા. દીવાદાંડી પરથી વિલ તેમને જોતો હતો. જહાજ પર પહોંચ્યા એ સાથે જ ચિત્ર-વિચિત્ર વેશભુષા પહેરેલા જહાજીઓએ બન્નેને મારી નાખ્યા. વિલ એ જોઈને ડરી ગયો અને જીવ બચાવવાના વેંતમાં લાગી પડયો.
થોડો વખતમાં તો જહાજ કાંઠે આવી ગયું, જહાજીઓ ટાપુ પર ઉતરી પડયા અને દીવાદાંડી પર કબજો જમાવ્યો. વિલ ટાપુ પરની ગુફામાં સંતાઈ ગયો. દ્વિપ પર એટલી બધી અને એવી ગૂંચવાડાભરી ગુફાઓ હતી કે તેમા સંતાયેલાને શોધી કાઢવો લગભગ અશક્ય હતો. ત્યાં સુધીમાં વિલ સમજી ગયો કે ટાપુ પર જેમણે કબજો જમાવ્યો એ ચાંચિયા છે. કેપ્ટન જોનાથન કોંગરે તેનો નેતા હતો. કાળા વસ્ત્રો અને માથે સફાચટ ટકો ધરાવતા જોનાથન દીવાદાંડીમાં કાગળ તથા અન્ય ચીજો જોઈને જાણી ગયો કે ટાપુ પર હજુ એક આદમી છે. તેમે માઈક પર બૂમો મારી કે વિલ જ્યાં હો ત્યાંથી અહીં આવી જા, હવે ટાપુ અમારા તાબામાં છે.. પણ વિલ બહાર નીકળ્યો નહીં.
ચાંચિયા પોતાના કામે લાગ્યા.
કેવુ કામ?
જહાજોને ગેરમાર્ગે દોરવાનું.
ટાપુ પર દીવાદાંડીની લાઈટ બૂઝાવી દે એટલે રાતે નીકળતા જહાજને દેખાય નહીં. એ પછી ચાંચિયા પોતાના હાથમાં ફાનસ લઈને ઉભા રહેતા જેથી દૂરથી પસાર થતા જહાજને લાગે કે સમુદ્રી રસ્તો એ તરફ છે. એમ ભૂલુ પડીને એક જહાજ ટાપુ પાસે આવ્યું. ટાપુ તો ખડકાળ હતો એટલે ફસાઈને તૂટી ગયું. એ જહાજના નાગરિકોને ચાંચિયાઓએ મારી નાખ્યા, લૂંટી લીધા, જહાજનો કિંમતી સામાન પણ ઉઠાવી ટાપુ પર એક ગુફામાં ગોઠવી દીધો.
ચાંચિયાઓએ આ કામગીરી માટે જ ટાપુ પર કબજો જમાવ્યો હતો. જહાજ ડૂબ્યું એમાં એક ઈટાલિયન નાગરિક મોન્ટેફિઓરે બચી ગયો. ચાંચિયા દૂર ગયા પછી વિલ તેને પોતાની સાથે ગુફામાં લાવ્યો, સારવાર આપી અને સાજો કર્યો. હવે એ બે થયા. જહાજમાંથી એક મહિલા પણ બચી હતી. મહિલાને મારવાને બદલે ચાંચિયાઓ પોતાના સરદાર જોનાથન પાસે લાવ્યા. જોનાથને પણ નુકસાન પહોંચાડવાને બદલે સાથે રાખી. મહિલાએ પોતાનું નામ આર્બેલા કહ્યું. એ જમાનમાં ચાંચિયા નિયમ પાળતા કે ક્યારેય કોઈને જીવતો ન છોડવો. આ મહિલાને જીવતી પકડીને જોનાથને એ નિયમનો ભંગ કર્યો હતો. પણ જોનાથનની ટોળી પર પકડ મજબૂત હતી એટલે વાંધો આવે એમ ન હતો.
જહાજ સાવ ડૂબી જાય એ પહેલા વિલ-મોન્ટેફિઓરે તેમાં જઈ કામની ચીજો લઈ આવ્યા. આમ તો ચાંચિયાથી દૂર રહી એ ગુફામાં સંતાઈ રહે તો સંઘર્ષ થવાનો પ્રશ્ન ન હતો. પણ થોડા સમય પછી બીજું જહાજ દેખાયું. જો ચાંચિયાઓને અટકાવે નહીં તો એ જહાજનાં નાના બાળકો સહિતના સૌ પ્રવાસીઓને પણ ચાંચિયા મારી નાખે. ચાંચિયા અને પ્રવાસીઓ વચ્ચે પડવું કે નહીં એ પ્રશ્ન હતો, કેમ કે ત્રીસ-ચાલીસ જેટલા મારા-મારી અને કાપા-કાપીની જ ભાષા સમજતા ચાંચિયાને અટકાવવા કેમ? અટકાવવા જાય તો પોતાનો જીવ જાય એવી શક્યતા વધારે હતી. માટે વિલ પારકી માથાકૂટમાં પડવા માંગતો ન હતો.
આ તરફ વિલ અને સાથે કોઈ મુસાફર ટાપુ પર હયાત છે એ ચાંચિયા જાણી ગયા હતા. સંજોગો એવા સર્જાયા કે વિલ-મોન્ટેફિઓરેએ ચાંચિયા સાથે લડત શરૂ કરવી જ પડી. લડત માટે તેમણે ગોરિલા પદ્ધતિ અખત્યાર કરી. પહેલા તો ચાંચિયાઓએ ભેગો કર્યો હતો એ સામાન બહાર કાઢી સળગાવી દીધો. એક દિવસ વળી ચાંચિયાઓને આડે રસ્તે ચડાવી દીવાદાંડી પર કબજો મેળવ્યો અને ત્યારે જ પસાર થતા જહાજને સાચો રસ્તો બતાવી ત્યાં આવતા રોકી દીધું. કેપ્ટન જોનાથન સમજી ગયો કે ટાપુ પર આપણો દુશ્મન માથાભારે અને ભેજાબાજ છે. એક દિવસ વળી જોનાથનનો તંબુ હતો એમાં જઈને આગ લગાડી દીધી. લડાઈ કરવામાં નુકસાન એ થયું કે મોન્ટેફિઅરે પકડાઈ ગયો.
ચાંચિયાઓ તેને ટાપુ પર રાખવાને બદલે જહાજ પર લઈ ગયા અને ઊંધો લટકાવ્યો. ચાંચિયાઓની એ રીત હતી. તેના પર ત્રાસ ગુજારવાની શરૂઆત કરી. ટાપુ પર રહેલો વિલ જો સામે ન આવે તો મોન્ટેફિઓરેને મારી નાખવામાં આવે એ નક્કી વાત હતી. જોનાથનના કબજામાં જે મહિલા હતી, તેની સાથે પણ વિલને જૂનો સંબંધ હતો..
મહિલા અને મોન્ટેફિઓરેને બચાવવા માટે વિલે નિર્ણય લેવાનો હતો. આખરે વિલે નિર્ણય લીધો પણ ખરો. એ નિર્ણય ફિલ્મમાં જોવા જેવો છે, કેમ કે તેમાં થોડું રહસ્ય પણ છે.
જગતના છેડે ટાપુ હોય અને ટાપુ પર વળી એકલો યોદ્ધો ચાંચિયા સામે લડે એવી કથા જૂલે વર્ને ૧૯૦૫માં લખી હતી. તેના પરથી જ ૧૯૭૧માં કર્ક ડગ્લાસ (માઈકલ ડગ્લાસના પિતા) અને યુલ બ્રેઈનર જેના સુપરસ્ટારને લઈને આ ફિલ્મ બનાવાઈ હતી. જૂલે વર્નની વાર્તામાં હોય એવો સંઘર્ષ અને વિપરિત સંજોગોમાં ટકી રહેવા માટે અજમાવાતા ઉપાયો.. આ ફિલ્મની મુખ્ય વાત છે. અરેબિયન નાઈટ્સની વાર્તા અલિબાબા અને ચાલીસ ચોર જાણીતી છે. આ કથા એવી તો નથી, પરંતુ અહીં ત્રીસ-ચાલીસ ચોર છે અને સામે અલિબાબા જેવા એક-બે લડવૈયા છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qC5iSv
ConversionConversion EmoticonEmoticon