કાજોલ : સફળતા માટે તમે ભવિષ્યમાં જીવો


તાજેતરમાં કાજોલ વેબ ફિલ્મ 'ત્રિભંગા'માં જોવા મળી હતી. આ ફિલ્મની તેની શક્તિશાળી ભૂમિકાએ વધુ એક વખત પુરવાર કરી બતાવ્યું છે કે ૩૦ વર્ષની કારકિર્દી પછી પણ કાજોલ માત્ર સારા પાત્રો ભજવવાનો જ આગ્રહ રાખે છે. તેના કામનું માધ્યમ ભલે બદલાયું, પણ તેની પાત્રોની પસંદગી બાબતે કોઇ બદલાવ નથી આવ્યો. કોજોલ સ્વયં કહે છે કે હું હંમેશાંથી સારી પટકથાની આગ્રહી રહી છું. મને પસંદગીના પાત્રો ભજવવા ગમે છે. હું માનું છું કે સારી ભૂમિકા એક સારા પુસ્તક જેવી હોય. તમે સારું પુસ્તક વાંચો ત્યારે તમારું મન આનંદમાં આવી જાય તેમ તમે સરસ કિરદાર નિભાવો ત્યારે પણ તમને કામ કરવાની સંતુષ્ટિ મળે. 

જોકે હવે તેની કારકિર્દીમાં આવેલો એક ચોક્કસ બદલાવ પણ તુરંત નજરે ચડે છે. અને તે છે શ્રેષ્ઠ દિગ્દર્શકો સાથે કામ કરવાનો આગ્રહે. કાજોલ કહે છે કે હું હવે ઉત્તમ દિગ્દર્શકો સાથે જ કામ કરવા માગું છું. મને એવા અનુભવી ફિલ્મ સર્જકો સાથે કામ કરવું છે જે મારી અંદર રહેલી એવી ટેલેન્ટને બહાર લાવે જેનાથી હું પોતે પણ  અત્યાર સુધી અજાણ છું. વળી હું એકલી જ મારા કિરદારનો ભાર મારા ખભે ઊંચકવા રાજી નથી. 

કદાચ કાજોલની આ પ્રકારની વિચારસરણીએ જ તેને બોલીવૂડમાં આટલા લાંબા વર્ષો સુધી ટકાવી રાખી છે. આયખાના સાડાચાર દાયકા વટાવી ચૂકેલી કાજોલે ૧૯૯૨માં 'બેખુદી'થી હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કર્યું હતું. અને એવા દાખલા પણ ઓછા નથી જેમાં તે વધતી જતી વય સાથે વધુ યુવાન દેખાઇ હોય. આને માટે  'દિલવાલે દુલ્હનિયાં લે જાએંગે'થી વધુ સારું ઉદાહરણ બીજું કોઇ ન હોઇ શકે. ખરેખર તો તેણે પ્રત્યેક મૂવી પછી પોતાની જાતને નવેસરથી કંડારી છે. આમ છતાં તેને લાંબા વર્ષો સુધી દર્શકોનો જે પ્રતિસાદ મળ્યો છે તેને માટે કાજોલ પોતાને ભાગ્યશાળી માને છે. તે કહે છે કે દર્શકોએ મને જે પ્રેમ આપ્યો  છે તેને માટે હું તેમની આભારી છું.

કાજોલની સફળતામાં તેના આત્મવિશ્વાસનો ફાળો પણ નાનોસુનો નથી. તે કહે છે કે સૌથી પહેલા તમે તમારી જાતને ચાહો અને પોતાના કામમાં વિશ્વાસ રાખો.આ સિવાય તમારું કામ પૂરી ઇમાનદારીથી કરો. તમારા કામમાં જાન રેડી દેશો તો તે પડદા પર દેખાવાની જ છે. તમે દર્શકોને ભ્રમમાં ન રાખી શકો. તે વધુમાં કહે છે કે સારું કામ કરવા ભવિષ્યમાં જીવવું પડે.હું હંમેશા પૂરી લગનથી મારું કામ કરતી રહું છું અને ભવિષ્યમાં શું કરવું તેના વિચારતી રહું છું. 

જ્યાં સુધી તમે તમારા ભૂતકાળમાંથી બહાર ન આવો ત્યાં સુધી તમે સારું કામ ન આપી શકો. મને આટલો પથ કાપતાં લાંબા વર્ષો  સુધી કામ કરવું પડયું છે. અલબત્ત, મેં હંમેશા મારી જાતને ચાહી છે. હું જેવી છું તેવી મને પોતાને ગમું છું. ભલે હું ઝીરો ફિગર નથી. આમ છતાં હું મને પસંદ છું. અને બીજું કોઇ મને પસંદ કરે કે ન કરે તેનાથી મને કોઇ ફરક નથી પડતો. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ew7Q2o
Previous
Next Post »