એક વર્ષથી મોટા બજેટની ફિલ્મો રજૂ કરવાની રાહ જોતા નિર્માતાઓમાં આશાનો સંચાર


તામિલ ફિલ્મ 'માસ્ટર'ની સફળતાથી બોલીવૂડ નિર્માતાઓમાં મોટા બજેટની ફિલ્મો રજૂ કરવા સળવળાટ શરૂ થઈ ગયો છે. ૧૩મી જાન્યુઆરીએ રજૂ થયેલી માસ્ટરે સ્થાનિક બજારમાં જ ૧૫૦ કરોડ રૂપિયા એકત્ર કરી લીધા છે જ્યારે વિદેશી બજારોમાં  બીજા ૧૦૦ કરોડ એકત્ર કર્યા છે. આ આંકડાઓનું મહત્ત્વ એટલા માટે છે કે ૧લી ફેબુ્રઆરી સુધી તો થિયેટરોને ૫૦ ટકાની ક્ષમતા સાથે જ ચાલુ રહેવાની મંજૂરી હતી. માસ્ટરની સફળતાએ જાણે બોલીવૂડ ફિલ્મ ઉદ્યોગને ઓક્સીજન પૂરુ પાડયું છે. એની સફળતાએ સાબિત કર્યું છે કે ફિલ્મમાં દમ હોય તો પ્રેક્ષકો ફિલ્મને સફળ બનાવવા વાર તહેવારની રાહ નથી જોતા.

હવે કેન્દ્રએ થિયેટરોને પૂરી ક્ષમતાથી ચાલુ રહેવાની મંજૂરી આપી હોવાથી મોટા બજેટની ફિલ્મોના નિર્માતા પોતાની ફિલ્મો રજૂ કરવા તત્પર થયા છે. જો કે હજી બીજા લોકડાઉનના ભણકારા પણ વાગી રહ્યા છે. છતાં હાલના સંજોગોમાં રોહિત શેટ્ટી દિગ્દર્શિત સૂર્યવંશી અને અક્ષય કુમાર અને કબીર ખાનની '૮૩' પર તમામનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

આ બે ફિલ્મો પર કોવિડ મહામારીનો માર ખાધેલો સમગ્ર થિયેટર ઉદ્યોગ ફરી બેઠો થવાની આશ માંડી રહ્યો છે.  આ બે પૈકી એક ફિલ્મ હોળી-ગૂડ ફ્રાઈડેનો રોજ રિલીઝ થશે જ્યારે બીજી ફિલ્મ જૂનમાં રજૂ થશે. ૨૦૦ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મોની રજૂઆત વિશે હાલ થિયેટર માલિકો સાથે વાટાઘાટ ચાલી રહી છે. 

ગયા વર્ષે ૧૫મી ઓક્ટોબરે થિયેટરો શરૂ થયા પછી માત્ર મુઠ્ઠીભર ફિલ્મો જ દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવવામાં સફળ થઈ છે. ટેનેટ અને 'વન્ડર વૂમન ૧૯૮૪' મલ્ટીપ્લેક્સમાં, 'ડ્રેક્યુલા સર'  પશ્ચિમ બંગાળમાં અને રવિ તેજાની 'ક્રેક' તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં આવી ફિલ્મોમાં અગ્ર સ્થાને રહી છે. જો કે મોટાભાગના થિયેટરોમાં જૂની ફિલ્મો જ રજૂ કરાઈ હતી અને નિર્માતાઓ પણ નાના બજેટની ફિલ્મો પર હાથ અજમાવી રહ્યા હતા. પણ પછી માસ્ટર આવી અને લાંબા સમય બાદ થિયેટરો પર દર્શકોની ભીડ થઈ. માત્ર મોટા બજેટની ફિલ્મો જ દર્શકોને ફરી થિયેટરોમાં ખેંચી લાવશે તેવી માન્યતા આ ફિલ્મથી ભાંગી ગઈ.

માસ્ટરની સફળતાથી પ્રેરાઈને દક્ષિણના નિર્માતાઓએ તેમની ફિલ્મોની તારીખો જાહેર કરી દીધી છે. જો કે બોલીવૂડ હજી પણ ફૂંકી ફૂંકીને પગલા ભરી રહ્યું છે. સલમાન ખાને થિયેટર માલિકોએ ખૂબ આજીજી કર્યા બાદ રાધેને ઈદના દિવસે રજૂ કરવાની સહમતિ દર્શાવી છે. અન્ય મોટા બજેટની ફિલ્મોમાં આમિર ખાનની લાલ સિંઘ ચઢ્ઢા ૨૪ ડિસેમ્બરના રોજ રજૂ થશે જ્યારે અક્ષયની બેલબોટમ ૨જી એપ્રિલે રજૂ થાય એવી સંભાવના છે. અક્ષયની જ અન્ય ફિલ્મો માટે  યશરાજ ફિલ્મસ અને ધર્મા એન્ટરટેનમેન્ટે હજી સુધી કોઈ તારીખ જાહેર નથી કરી.

ટી-સીરીઝના મેનેજિંગ ડાયરેકટર ભૂષણ કુમારે જણાવ્યું કે માસ્ટરની સફળતાથી બોલૂવડના નિર્માતાઓએ બહુ હરખાવવા જેવું નથી. દક્ષિણના લોકોનો ફિલ્મોના શોખ અને બોલીવૂડના દર્શકોના શોખમાં બહુ અંતર છે. હાલ તો બોલીવૂડના દર્શકોને ઓટીટી  મંચનું વળગણ લાગ્યું છે. કુમારે થિયેટરોના ખુલવાની રાહ જોયા વિના જ પોતાની છલાંગ, દુર્ગામતિ અને લુડો ઓટીટી મંચ પર રજૂ કરી દીધી. ટૂંકમાં જ ભુજ: ધી પ્રાઈડ ઓફ ઈન્ડિયા પણ ઓટીટી પર રજૂ થશે. તેમના મતે થિયેટરોમાં કોવિડ પૂર્વેની ભીડ જોવા મળે એવા સમયને હજી ઘણી વાર લાગશે.

રજાના દિવસે ફિલ્મ રજૂ કરવા માટે પણ સંઘર્ષ થઈ રહ્યો છે. સલમાનની રાધે સાથે જ જોન અબ્રાહમની સત્યમેવ જયતે ૨ ટકરાશે જ્યારે ૨જી ઓક્ટોબરે અજય દેવગણની મૈદાનની ટક્કર રાજા મૌલીની બાહુબલી ૨ સાથે થશે.

૨૦૨૧માં માત્ર ગયા વર્ષે અટકી ગયેલી જ ફિલ્મો રજૂ થશે એવું નથી. કેટલીક નવી ફિલ્મો પણ કતારમાં છે. એક થિયેટર માલિકે જણાવ્યું કે ભારતમાં થિયેટરોની કારમી તંગી છે. જે દેશમાં એક વર્ષ દરમ્યાન સૌથી વધુ ફિલ્મો રજૂ થાય છે ત્યાં ૧૦,૦૦૦થી પણ ઓછા સ્ક્રીન છે. અને હવે લોકડાઉન બાદ આ સંખ્યમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. આમ છતાં થિયેટર માલિકોને આશા છે કે ૨૦૨૧ સિનેમાના વર્ષ તરીકે ખ્યાતિ પામશે. હિન્દી અને અન્ય ભાષાની ૫૦થી વધુ ફિલ્મો એક જ વર્ષમાં રજૂ થશે. આવું  છેલ્લા એક દશકામાં નથી બન્યું એમ થિયેટર માલિકો જણાવે છે.

જો કે નિર્માતા અને થિયેટર માલિકો વચ્ચે વર્ચ્યુઅલ પ્રિન્ટ ફી વિખવાદનો એક મહત્ત્વનો મુદો સાબિત થઈ શકે છે. નિર્માતા જો પોતાની ફિલ્મ નિર્ધારીત સમયમાં  ઓટીટી પર રજૂ કરે તો તેમણે આ ફી થિયેટર માલિકોને ચૂકવવાની રહેશે. માસ્ટરના નિર્માતાઓએ ફિલ્મ ઓનલાઈન રિલીઝ થયા બાદ થિયેટરમાંથી મળતી આવક છોડી દીધી હતી. હોલીવૂડમાં પણ થિયેટર અને ઓટીટી પર ફિલ્મ રિલીઝ કરવાનો સમયગાળો ટૂંકાવી દેવાયો છે. કેટલાક થિયેટર માલિકોના મતે ઓટીટી પર ફિલ્મની રિલીઝની ચિંતા વ્યર્થ છે કારણ કે ફિલ્મ સારી હોય તો દર્શકો થિયેટર તરફ આવવાના જ છે. ઉપરાંત મોટા સ્ટારની ફિલ્મો દર્શકો થિયેટરમાં જ જોવાનું પસંદ કરશે. પણ મોટાભાગના થિયેટર માલિકો ઓટીટી પર થનારી રિલીઝ સામે ફી ચાર્જ કરવાની તરફેણમાં છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3taOPq7
Previous
Next Post »