સિનેરસિકો માટે આવી રહી છે ફિલ્મોની ફોજ


આપણે અત્યાર સુધી જે ફિલ્મોની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા એ ફિલ્મો હવે માર્ચ - મે - એપ્રિલ - જૂન મહિનામાં રિલિઝ થઈ રહી છે. ગત્ વર્ષ તો મનોરંજન વિનાનું વિત્યું એમ કહીશું તોય નવાઈ નહીં, કેમ કે ચાર-પાંચ ફિલ્મો અને એ પછી વેબ-સીરિઝો અને વેબ-ફિલ્મો જોઈને ૨૦૨૦નું ખતરનાક વર્ષ આપણે કોરોના-૧૯ના સહવાસમાં વિતાવ્યું અને ડરના માર્યા થિયેટરો સુધી પણ ન ગયા. જે ગયા એ થિયેટરોની ભયાનકતા જોઈને પાછા વળ્યા આથી થિયેટરમાલિકોએ થિયેટરો પરના પડદા ઉતારવાનું જ મુલતવી રાખ્યું અને નવી ફિલ્મોની રાહ જોવાનું નક્કી રાખ્યું. જો કે હવે, સૌથી મહત્ત્વની એવી સલમાન ખાન, દિશા પટણીની 'રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' મે મહિનામાં ઇદમાં, ફિલ્મસર્જક કબીર ખાનની ''૮૯' ચોથી જૂન અને રોહિત શેટ્ટીની 'સૂર્યવંશી' બીજી એપ્રિલે ચોક્કસપણે રિલિઝ થઈ રહી છે, તેમાં અક્ષયકુમાર, રણવીર સિંહ અને અજય દેવગણ અફલાતૂન ભૂમિકામાં આવી રહ્યા છે.

આ ત્રણ ફિલ્મો તો ઠીક, આ ઉપરાંત જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે-૨', અમિતાભ બચ્ચનની 'ઝૂંડ', શાહિદ કપૂરની 'જર્સી', અક્ષયકુમારની 'અતરંગી રે', આયુષ્યમાનની 'ચંડીગઢ કરે આશિકી', સિધ્ધાર્થ મલ્હોત્રાની 'શેરશાહ', રાજકુમાર રાવની 'રુહી' તથા અન્ય ફિલ્મોની રિલિઝ-ડેટ પણ આવી ગઈ છે. આ ઉપરાંત અર્જુન કપૂર-પરિણીતી ચોપરાની 'સંદીપ ઔર પિન્કી ફરાર', 'બન્ટી ઔર બબલી-૨' ની પણ રિલિઝ-ડેટ જાહેર થઈ ગઈ છે. જો કે 'સૂર્યવંશી' ફિલ્મની તારીખમાં કદાચ કોઈ ફેરફાર થઈ પણ શકે એવી શક્યતા છે. આથી, તમારી મનગમતી ફિલ્મોની રિલિઝ-ડેટ સાથે તમારો ફિલ્મ જોવાનો કાર્યક્રમ પણ નિર્ધારિત કરી શકો છો. ..તો ચાલો આપણે જાણીએ કઈ ફિલ્મમાં શું શું છે અને એ ક્યારે રિલિઝ થાય છે.

'રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'

આ ફિલ્મ પ્રભુદેવાએ દિગ્દર્શિત કરી છે, જેમાં સલમાન ખાન છે અને તેની સાથે 'ભારત'ની હીરોઈન દિશા પટણી છે. આ ઉપરાંત જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા ચાવીરૂપ ભૂમિકામાં છે. આ ફિલ્મ મે મહિનામાં આવનારી ઇદના દિવસે રિલિઝ કરવાનું નક્કી કરાયું છે. આ ફિલ્મ સાથે જ જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે-૨' પણ ઇદ પર જ રિલિઝ થવાની છે આથી આ બે ફિલ્મો વચ્ચે થનારી ટક્કરને ટાળી શકાય એમ નથી. આ ફિલ્મમાં જ્હોન સાથે દિવ્યા ખોસલા છે. મિલાપ ઝવેરીની આ ફિલ્મ કોરોનાકાળમાં એટલે કે ગયા વર્ષે રિલિઝ થવાની હતી, પણ તેના બ્રેક મારી હવે મે મહિનો એના માટે નક્કી કરાયો છે.

'83 આવશે ચોથી જૂને

જો કે આ પછી ચોથી જૂને ફિલ્મસર્જક કબીર ખાનની અત્યંત રાહ જોવડાવનારી ફિલ્મ ''૮૩' રિલિઝ થવાની છે. વાસ્તવમાં આ ફિલ્મ તો ગયા વર્ષે જ રિલિઝ થવાની હતી, જેમાં ભારતની ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો એ ઘટનાને આવરી લેવામાં આવી છે અને સુકાની કપિલ દેવની ભૂમિકા રણવીર સિંહ અને કપિલ દેવની પત્ની રોમી દેવની ભૂમિકામાં દીપિકા પદુકોણ છે. અગાઉ કબીર ખાને 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' બનાવી હતી, જેમાં સલમાન ખાન હીરો હતો.

અમિતાભની 'ઝૂંડ' 18 જૂને

અમિતાભ બચ્ચનની 'ઝૂંડ' ૧૮મી જૂને રિલિઝ કરવાનું નક્કી થયું છે. આ ફિલ્મના દિગ્દર્શક નાગરાજ મંજુળે છે અને તેમની સ્પોર્ટ્સ ફિલ્મ 'સ્લમ સોકર' પર 'ઝૂંડ' આધારિત છે. આ ફિલ્મમાં એનજીઓના સ્થાપક વિજય બારસેના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં અમિતાભ સ્પોર્ટ્સ શિક્ષકની ભૂમિકા ભજવે છે અને ગરીબ બાળકોમાં ફૂટબોલની રમત પ્રત્યે પ્રેમ કેળવાય એ માટે એક સંસ્થા સ્થાપી તેમને પ્રોત્સાહિત કરે છે. નાગરાજ મંજુળેએ મરાઠી ફિલ્મ 'સૈરાટ' બનાવી હતી, જેણે રૂા.૧૦૦ કરોડની કમાણી કરી હતી.

'શેરશાહ' બીજી જૂને

સિધ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'શેરશાહ' બીજી જૂને રિલિઝ થવાની છે. જેના દિગ્દર્શક વિષ્ણુ વર્ધન છે. આ ફિલ્મ પરમવીર ચક્ર વિજેતા વોરહીરો વિક્રમ બત્રાના જીવનકવન પર આધારિત છે, જેમાં વિક્રમના જીવનને અત્યંત ઝીણવટપૂર્વક વણી લેવામાં આવી છે અને સિધ્ધાર્થ તેના પાત્રને યોગ્ય ન્યાય આપશે, એવી આશા સેવવામાં આવે છે.

25 જૂને આવશે 'શમશેરા'

રણવીર કપૂરને ડબલ રોલમાં ઝળકાવતી યશરાજ ફિલ્મ્સને 'શમશેરા' ૨૫ જૂને આપે છે. છેક ૨૦૧૨માં હૃતિક અને પ્રિયંકા સાથે 'અગ્નિપથ' બનાવનારા દિગ્દર્શક કરણ મલ્હોત્રાએ આ ફિલ્મ બનાવી છે, જેમાં અઢારમી સદીના બહારવટિયાઓના એક જૂથની વાત છે. જેઓ અંગ્રેજો સામે લડત ચલાવે છે. આ ફિલ્મમાં વાણી કપૂર અને સંજય દત્ત પણ છે.

'અતરંગી રે' છેક ઓગસ્ટમાં

જો કે અક્ષયકુમાર, સારા અલી ખાન અને ધનુષને ચમકાવતી ફિલ્મ 'અતરંગી રે' આ વર્ષે 'વેલેન્ટાઈન્સ ડે' એ રિલિઝ થવાની હતી, પણ હવે છેક પાંચમી ઓગસ્ટે રિલિઝ થશે. આનંદ એલ. રાયની આ ફિલ્મમાં પહેલીવાર આ ત્રણ કલાકારો સાથે આવે છે.

'ચંડીગઢ કરે આશિકી' અને 'જર્સી'

આ ઉપરાંત આયુષ્યમાન ખુરાના અને વાણી કપૂરની ફિલ્મ 'ચંડીગઢ કરે આશિકી' રોમેન્ટિક ડ્રામા છે, જેનું દિગ્દર્શન અભિષેક કપૂરે કર્યું છે. આ ફિલ્મ નવમી જૂને થશે જ્યારે સાહિદ કપૂરની 'જર્સી' જે આ વર્ષે દિવાળીમાં આવવાની હતી તે હવે છેક પાંચમી નવેમ્બર થિયેટરોમાં રિલિઝ થાય એવી શક્યતા છે. આ ફિલ્મ હીટ તેલુગુ ફિલ્મ 'જર્સી'ની રિમેક છે.

'રૂહી' અને 'બન્ટી-બબલી-2'

રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની હોરર-કોમેડી ફિલ્મ 'રુહી' ૧૧ માર્ચે થિયેટરોમાં રિલિઝ થશે, જ્યારે ૧૯મી માર્ચે અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની 'સંદીપ ઔર પિન્કી ફરાર' તથા ૨૩ એપ્રિલે સૈફ અલી ખાન, રાણી મુકરજીની 'બન્ટી ઔર બબલી-૨' ૨૩ એપ્રિલે થિયેટરો ગજાવશે.

આમ, ફિલ્મોની રિલિઝ-ડેટ તો તમને બધાને મળી જાય છે. ચાલો ફિલ્મ જોવા-માર્ચ, એપ્રિલ, મે, જૂનમાં!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38x044k
Previous
Next Post »