આ ફ્રિકા હોય, અમેરિકા હોય, એન્ટવર્પ હોય કે દુનિયાનો કોઈ પણ દેશ હોય, પણ વિદેશમાં જ્યાં જ્યાં જૈનો ગયા છે, ત્યાં ત્યાં એમણે એમની ધર્મઉપાસના અને ધર્મસંસ્કારોની હિફાજત માટે સતત પ્રયત્ન કર્યો છે. વિદેશની ભૂમિ પર આકરો પુરુષાર્થ કરીને ધીરે ધીરે સ્થાયી થાય અને પછી ધર્મસંસ્કારોની જાળવણીનો પ્રારંભ કરે. અમેરિકામાં થયેલાં જૈન ધર્મના પ્રારંભ વિશેની શ્રી ચંદ્રકાંતભાઈ મહેતાએ લખેલી કેટલીક રસપ્રદ અને પ્રમાણભૂત માહિતી અગાઉ જોઈ ગયા. તેના જ અનુસંધાનમાં કેટલીક વિશિષ્ટ માહિતી પર દૃષ્ટિપાત કરીએ.
અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલું સિદ્ધાચલમ એક આગવા તીર્થ તરીકેનો મહિમા ધરાવે છે. આ સિદ્ધાચલમાં દેરાસરો, સાધુ-સાધ્વીઓ માટેનું નિવાસસ્થાન, ગ્રંથાલય, ઉપાસકોના અસ્થાયી રોકાણ માટેનાં નિવાસસ્થાનો, વ્યાખ્યાન સભાગૃહ, ભોજન ખંડ, પ્રકૃતિ નિહાળવા માટે તેમજ ધ્યાન ધરવા માટેની કેડીઓ અને રમતનાં મેદાનોનો સમાવેશ થાય છે. તેમાં એક સુંદર સરોવર અને કેટલાંક તળાવો છે. જે કુદરતી ઝરણાંના જળથી ભરાયેલા છે. તેમાં હરણ, મોર, મરઘી, બતક, બિલાડી અને અન્ય પશુપંખીઓ માટેનું એક સુરક્ષિત અભયારણ્ય પણ છે.
સિદ્ધાચલમમાં ત્રણ દેરાસરો આવેલા છે. મુખ્ય દેરાસરમાં આદિનાથ ભગવાન, પાશ્વૅનાથ ભગવાન, ભગવાન મહાવીર, ચંદ્રપ્રભુસ્વામી અને શાંતિનાથ ભગવાનની આરસની પ્રતિમાઓ બિરાજમાન છે. નાના દેરાસરની મુખ્ય પ્રતિમા પાશ્વૅનાથ ભગવાનની છે, જે દિગંબર પરંપરા પ્રમાણે બનાવવામાં આવી છે. તે ભવ્ય પ્રતિમા શ્યામ આરસપહાણમાંથી કંડારવામાં આવેલી છે. સૌથી નાનું મંદિર ધ્યાન ધરવા માટેનું સ્થાન છે, જ્યાં ઘણી પ્રતિમાઓ બિરાજમાન છે. આ દેરાસરમાં મુખ્ય પ્રતિમા ભગવાન મહાવીરની છે.
સિદ્ધાચલમમાં એક વિશાળ પુસ્તકાલય છે, જેમાં ધર્મ, અહિંસા, શાંતિ, પર્યાવરણ, શાકાહાર, આરોગ્ય સંબંધી પ્રાચીન અને અર્વાચીન પુસ્તકોનો સમાવેશ થયેલો છે. આ ગ્રંથાલય અભ્યાસીઓ, સ્વાધ્યાયીઓ અને રહેવાસીઓ માટે ઉપયોગી બની રહે છે.
સિદ્ધાચલમમાં એક ગુરુમંદિર પણ છે જેમાં આ. સુશીલકુમારજીની પૂર્ણ કદની પ્રતિમા બિરાજમાન છે. તેમજ દિવાલ પર મહાવીરસ્વામીના ગણધર એવા શ્રી ગૌતમસ્વામીનું તૈલ ચિત્ર મૂકવામાં આવ્યું છે. અહિંસા ભવનના બીજા માળે આ મંદિર બનાવેલું છે. અહિંસા ભવનના નીચલા માળે વિશાળ ધ્યાન ખંડ અને સભાખંડ છે અને બીજા માળે વિશાળ ભોજનશાળા છે. સિદ્ધાચલમ સર્વે ઉપાસકોને વિનામૂલ્યે ઘરેલું, સાદું, જૈન ભોજન પીરસવાની અતૂટ પરંપરા ધરાવે છે. સિદ્ધાચલમમાં ૧૧ પ્રાકૃતિક અને ધ્યાન કેડીઓ બનાવેલી છે.
સિદ્ધાચલમમાં અહિંસા અને સત્ય જેવા જૈન સિદ્ધાંતોમાં વિશ્વાસ કરનારા અને શ્રદ્ધા રાખનારા માટેનો એક આશ્રમ છે. તે સર્વે જૈન ફિરકાઓને એક છત્ર હેઠળ લાવે છે. એ ભાવનાને પ્રતિપાદિત કરવાના હેતુથી દેરાસરમાં બે પ્રકારની પ્રતિમાઓ આરૂઢ કરાયેલી છે. તેમાંની બે પ્રતિમાઓ દિગંબર પરંપરામાં માનનારાઓના પ્રતીક રૂપે અને ત્રણ પ્રતિમાઓ શ્વેતાંબર પરંપરામાં માનનારાઓના પ્રતીક રૂપે મુખ્ય દેરાસરમાં આરૂઢ કરાયેલી છે. સિદ્ધાચલમ કોઈ એક સંપ્રદાયને ધ્યાનમાં રાખ્યા વગર જૈનોના તમામ શુભ પ્રસંગો-મહોત્સવોને ઉજવે છે.
હિંદુ મંદિરમાં જૈન પ્રતિમાજીની સ્થાપના : અમેરિકામાં જૈન કરતાં હિંદુ ધર્મમાં આસ્થા ધરાવનારી સંખ્યા વધારે છે. લગભગ દરેક ગામમાં હિંદુ મંદિરો હોય છે. કેટલાંક ગામોમાં જૈનો ઓછી સંખ્યામાં હોવાથી, જૈનોની વિનંતીથી એક તીર્થંકરની પ્રતિમા હિંદુ મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. આથી અહીં જૈનો પૂજા-સેવા-આરતી કરી શકે તે હેતુથી હિંદુ મંદિરમાં જૈન પ્રતિમા બેસાડવામાં આવી છે. આ પ્રથામાં લાભ-ગેરલાભ બંને છે. ભવિષ્યની પેઢી જૈન ધર્મનો સાચો મર્મ સમજી શકશે નહિ. હવે તેમાં ઘણો સુધારો થયો છે.
'જૈના'ની સ્થાપના : અમેરિકા અને કેનેડામાં જિનાલયો અને મંડળો એક છત્ર નીચે રહે તે હેતુથી, ગુરુદેવ ચિત્રભાનુજીની પ્રેરણાથી 'જૈના' (જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયન્સ ઈન નોર્થ અમેરિકા)ની સ્થાપના ૧૯૮૦ની સાલમાં થઈ. લગભગ ૪૦ વર્ષ પહેલાં 'જૈના'ની શરૂઆત થઈ. દર બે વર્ષે જુદાં જુદાં શહેરોની મોટી હોટલોમાં જૈનોનું અધિવેશન (કન્વેશન) થાય છે. જુદાં જુદાં રાજ્યોમાંથી લગભગ મળીને પાંચ હજાર જેટલા જૈનો ભેગા થાય છે. ત્રણ દિવસના કન્વેન્શનમાં વિદ્વાનોનાં પ્રવચનો, વક્તૃત્વસ્પર્ધા, પ્રદર્શન, સાંસ્કૃતિક પ્રોગ્રામ, રાસગરબા વગેરે પ્રોગ્રામો થાય છે.
સંપ્રદાયોની એકતા : અમેરિકામાં રહેતા જૈનોમાં મોટા ભાગે શ્વેતામ્બર મૂર્તિપૂજક છે, પરંતુ દિગંબર, સ્થાનકવાસી, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે પરંપરા પાળતા જૈનો પણ છે. મોટા ભાગનાં જિનાલયોના મુખ્ય ગભારામાં શ્વેતામ્બરની સાથે દિગમ્બર પરંપરાની પ્રતિમા પણ મૂકવામાં આવી છે. સાથે સાથે સ્થાનકવાસી ઉપાશ્રય તેમજ શ્રીમદ્ ગ્રૂપ પણ આરાધના કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
જૈન વેબસાઈટ : લગભગ દરેક જૈન સેન્ટર - (સંસ્થા)ની પોતાની સ્વતંત્ર વેબસાઇટ છે. ઘેર બેઠા કમ્પ્યૂટર ઉપર કયા જૈન સેન્ટરમાં કયો પ્રોગ્રામ છે તે જોઈ શકાય છે. મોટી ઉંમરના વડીલો માટે વેબસાઈટ આશીર્વાદરૂપ નીવડી છે. ઘણાં જિનાલયોનાં ઘેર બેઠાં દર્શન પણ થઈ શકે છે અને પર્યુષણ જેવા દિવસોમાં વિદ્વાનોનાં પ્રવચનો પણ સાંભળી શકાય છે.
બાળકો માટે પાઠશાળા : દરેક સેન્ટરમાં પાઠશાળા ચાલે છે. અમેરિકામાં લગભગ ૬૭ ઉપર જૈન સેન્ટર્સ છે. ઘણી પાઠશાળામાં એકસરખો અભ્યાસ થાય તે માટે 'જૈના' સંસ્થાએ પાઠયપુસ્તક તૈયાર કર્યાં છે. નોર્થ કેરોલીના સ્ટેટમાં રહેતા અને જૈનોની એજ્યુકેશન કમિટીના ચેરમેન શ્રી પ્રવીણભાઈ શાહે પાઠશાળાના વિકાસમાં સારો ફાળો આપ્યો છે. પાઠશાળાના શિક્ષકોનું એક અધિવેશન થાય છે, જેમાં જુદાં જુદાં સ્થળેથી શિક્ષકો આવે છે. પાઠશાળા વિશે ચર્ચા-વિચારણા થાય છે અને અભ્યાસક્રમમાં જરૂરી ફેરફાર પણ કરવામાં આવે છે.
પાઠશાળાનાં બાળકોનો ઉત્સાહ વધે તે માટે જૈન વિષય ઉપર નિબંધ લખવાની હરીફાઈ થાય છે. શ્રેષ્ઠ નિબંધને એવોર્ડ આપવામાં આવે છે. જૈન સેન્ટરના આગળ પડતા શ્રાવકોને પણ એવોર્ડ આપવામાં આવે છે. મોટા ભાગે પાઠશાળા દર બીજા રવિવારે રાખવામાં આવે છે. મોટા સેન્ટરમાં પાઠશાળાનાં બાળકોની સંખ્યા ૫૦૦-૬૦૦ હોય છે.
વડીલો માટે સ્વાધ્યાય-સત્સંગ : મોટા ભાગનાં જૈન સેન્ટરોમાં પાઠશાળાની જેમ વડીલો માટે સ્વાધ્યાયના વર્ગો ચાલે છે. 'તત્ત્વાર્થસૂત્ર', 'કર્મગ્રંથ', 'જ્ઞાાનસારઅષ્ટક' વગેરે ગ્રંથો ઉપર નિયમિત સ્વાધ્યાય ચાલે છે. જૈન સેન્ટરના વિદ્વાનો ક્લાસ ચલાવે છે. ભારતથી પણ વિદ્વાનોને નિમંત્રણ આપી બોલાવવામાં આવે છે. તેઓ જુદાં જુદાં સેન્ટરોમાં ત્રણથી સાત દિવસ સત્સંગ કરાવે છે.
સ્વર્ગસ્થ શ્રી કિરણભાઈ પારેખ લગભગ ૨૦ વર્ષ સુધી નિયમિત આવ્યા. સુનંદાબેન વોરા પણ ઘણાં વર્ષો સુધી આવ્યાં. હાલમાં પંડિતજી શ્રી ધીરજલાલ મહેતા તથા તરલાબહેન દોશી દર વર્ષે નિયમિત આવી સ્વાધ્યાય કરાવે છે. ડો. કુમારપાળ દેસાઈ અને અન્ય સ્વાધ્યાયકારો પણ આવે છે. પૂ. રાકેશભાઈનાં સત્સંગો અને શિબિરો યોજાય છે. આ રીતે દિગંબર અને સ્થાનકવાસી પંડિતો પણ પર્યુષણમાં વ્યાખ્યાન માટે આવે છે. કોરોના મહામારીના સમયમાં ગત પર્યુષણ પર્વમાં અને તે પછી ભારતના વિવિધ સ્વાધ્યાકારોનાં ઓનલાઈન પ્રવચનો પ્રાપ્ત થયા છે. સવિશેષે પૂ. નમ્રમુનિજીના પણ પ્રવચનો નિરંતર મળતાં રહે છે.
તીર્થયાત્રા : જૈના સંસ્થાએ છેલ્લાં કેટલાંક વર્ષોથી તીર્થયાત્રાનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. લગભગ ૪૦ થી ૬૦ યાત્રિકો માટે પાલિતાણા, સમેતશિખરજી વગેરે તીર્થોના પ્રવાસ ગોઠવાયા છે. શત્રુંજ્ય ઉપર ૯૯ યાત્રાનો પ્રોગ્રામ પણ થયો, જેમાં અમેરિકાનાં ઘણા ભાઈ-બહેનોએ ભાગ લીધો. છૂટાં-છવાયાં ઘણાં ભાઈ-બહેનો અમેરિકાથી આવી શત્રુંજ્યની નવ્વાણુ યાત્રા સુખરૂપ પૂર્ણ કરે છે.
વિકાસના પંથે : અમેરિકામાં રહેતા ઘણા જૈનો હવે જિજ્ઞાાસુ અને મુમુક્ષુ બન્યા છે. જ્ઞાાન અને ક્રિયામાં ઝડપી વિકાસ કર્યો છે. પર્યુષણ જેવાં મહાપર્વોમાં તપશ્ચર્યા સારી થાય છે. ઘણાં સેન્ટરોમાં માસક્ષમણ પણ થાય છે. પર્યુષણની ઉજવણી માટે અમેરિકાના વિદ્વાનો ઉપરાંત ભારતથી વિદ્વાનો તેમજ વીર સૈનિકોને આમંત્રણ આપી બોલાવવામાં આવે છે. પ્રતિષ્ઠાની ઉજવણી માટે ભારતથી વિધિકારો અને પૂજનકારોને બોલાવવામાં આવે છે.
પર્યુષણમાં ૧૪ સ્વપ્નદર્શન ધામધૂમથી ઊજવાય છે અને મોટી રકમના ચઢાવા બોલી લોકો ઉત્સાહથી ભાગ લે છે. ઘણા સ્થળે દેવદ્રવ્ય, જ્ઞાાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો ઉપયોગ શાસ્ત્રો પ્રમાણે જ થાય છે. દિવાળી જેવા પર્વમાં બેસતા વર્ષે સામૂહિક માંગલિક થાય છે, વર્ષમાં બે વાર ચૈત્ર અને આસો મહિનામાં થતી આયંબિલની ઓળીમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. વર્તમાનમાં લગભગ ૧ લાખ જૈનો અમેરિકામાં વસે છે. ભારતની બહાર જેટલા જૈનો છે તેમાંના લગભગ ૩૩ ટકા અમેરિકામાં છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3esGhXK
ConversionConversion EmoticonEmoticon