દેવાધિદેવ શિવજીની આરાધનાથી ભગવાન શ્રીકૃષ્ણને પંદર વરદાન પ્રાપ્ત થયા હતા

- પ્રાણીમાત્રના હિતમાં નિરત રહેનારા નીલલોહિત, અવ્યય, ભગવાન શંકરથી તને (રુકિમણીને) મારા થકી પુત્ર પ્રાપ્ત થશે.' (શ્લોક - ૩૫, 36) આગળના શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - બ્રહ્મચર્યવ્રત પાલનપૂર્વક તપશ્ચર્યાથી હું આદિદેવ,  અજન્મા, વિભુ, પરમાત્મા શિવને પ્રસન્ન, સંતુષ્ટ કરીશ તેનાથી પ્રસન્ન થઈ તે મને પુત્ર આપશે.'


ભ ગવાન શ્રીકૃષ્ણ ભગવાન શિવજીના ભક્ત હતા એવું સાંભળી ઘણા લોકોને વિસ્મય થાય એમ છે, પણ મહાભારત, શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને અન્ય પુરાણોમાં અનેક જગ્યાએ આ બાબતનો નિર્દેશ જોવા મળે છે. મહાભારતના આનુશાસનિક પર્વના ચતુર્દશ (ચૌદમા) અધ્યાયના ૨૨મા શ્લોકથી આગળના થોડા શ્લોકોમાં ભીષ્મ પિતામહના  પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'જે ઈશના કર્મોની ગતિને તત્ત્વથી હિરણ્યગર્ભાદિ દેવ અને મહર્ષિઓ પણ જાણી શકતા નથી જેમના સ્થાનને આદિત્યાદિ પણ પામી શકતા નથી તેને મનુષ્યો ક્યાંથી જાણી શકવાના છે? તે અસુર સંહારક ભગવાન મહેશના થોડા ગુણોનું હું તમને વર્ણન કરીશ. પૂર્વે મેં મારા પુત્ર સાંબ માટે મહાદેવ શિવને પ્રસન્ન કરવા તેમનું તપ કર્યું હતું. પુત્રની ઈચ્છા ધરાવતી જાંબવતી મારી પાસે આવી દુ:ખી થઈને કહેવા લાગી કે તમે દ્વાદશવાર્ષિકી (બાર વર્ષની) તપશ્ચર્યાથી શારીરિક કષ્ટ, ઈન્દ્રિય નિગ્રહ કરી પશુપતિ શિવની આરાધના કરીને દેવી રુકિમણીના ગર્ભથી પુત્ર ઉત્પન્ન કર્યા તે જ રીતે હે મધુસૂદન! મને પણ પુત્ર પ્રદાન કરો.'

પછી હું બ્રાહ્મણો પાસે સ્વસ્તિવાચન કરાવી તપશ્ચર્યા કરવા હિમાલય પર ગયો. ત્યાં મેં એક અદ્ભુત તપોભૂમિ જોઈ. જ્યાં વ્યાઘ્રપાદમુનિના પુત્ર ઉપમન્યુનો આશ્રમ હતો. એ દિવ્ય આશ્રમમાં જઈ મસ્તક નમાવી મેં મુનિને વંદન કર્યા. તે વખતે મુનિએ મને કહ્યું - 'હે કૃષ્ણ! તમારા જેવા જ પુત્રની પ્રાપ્તિ તમને જરૂર થશે. એ માટે મહાન તપ-અનુષ્ઠાન ધારણ કરી મહાદેવ શિવને પ્રસન્ન કરો. હે પુણ્ડરીકાક્ષ! થોડા જ સમયમાં મેં જેમ શિવને પ્રાપ્ત કર્યા તેમ તમને પણ તેમનો સાક્ષાત્કાર થશે. અંતે મહાદેવથી ૧૬ અને પાર્વતીથી ૮ એવા ચોવીસ પુત્ર રૂપી વરદાન આપને પ્રાપ્ત થશે. આ મુનિવચન સાંભળતા જ મારા હૃદયમાં દૃઢ વિશ્વાસ થઈ ગયો કે મને દેવાધિદેવ મહાદેવ પરમેશ્વરનો જરૂર સાક્ષાત્કાર થશે. મહાદેવનો મહિમા સાંભળતા મારા માટે આઠ દિવસ એક મુહૂર્તની જેમ વીતી ગયા. આઠમા દિવસે ઉપમન્યુ મુનિએ મને શિવ-દીક્ષા આપી શિવ-તપ અનુષ્ઠાનનો આરંભ કરાવ્યો જેનું સાંબ વગેરે પુત્રોની પ્રાપ્તિ રૂપે ફળ મળ્યું હતું.

ભગવાન શ્રીકૃષ્ણના પટરાણી જાંબવતીના પૂર્વોક્ત કથનમાં ઉલ્લેખ છે તે પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે જાંબવતીની પ્રાર્થના પૂર્વે પટરાણી રુકિમણીની પ્રાર્થનાને અનુસરી પુત્ર પ્રાપ્તિ કૈલાસ પર્વત પર જઈ મહાદેવની તપશ્ચર્યા કરી એમની આરાધના કરી હતી. મહાભારતના ખિલ પર્વ હરિવંશમાં ભવિષ્યાન્તર્ગત કૈલાસ યાત્રાના અધ્યાય ૭૩માં  રુકિમણીની પ્રાર્થનાનો ઉત્તર આપતાં કહ્યું હતું - 'એષ ગચ્છામિ પુત્રાર્થ કૈલાસં પર્વતોત્તમમ્ ।। તત્રોપાસ્ય મહાદેવં શંકર નીલ લોહિતમ્ । તતો લબ્ધાસ્મિ પુત્ર તે ભવાદ્ ભૂતહિતે રતાત્ ।। સારું, તો આ હું પુત્ર પ્રાપ્તિ માટે પર્વતોત્તમ કૈલાસ પર જઉં છું. ત્યાં મહાદેવની ઉપાસના કરી એમને પ્રસન્ન કરીશ. પ્રાણીમાત્રના હિતમાં નિરત રહેનારા નીલલોહિત, અવ્યય, ભગવાન શંકરથી તને (રુકિમણીને) મારા થકી પુત્ર પ્રાપ્ત થશે.' (શ્લોક - ૩૫, ૩૬) આગળના શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - બ્રહ્મચર્યવ્રત પાલનપૂર્વક તપશ્ચર્યાથી હું આદિદેવ,  અજન્મા, વિભુ, પરમાત્મા શિવને પ્રસન્ન, સંતુષ્ટ કરીશ તેનાથી પ્રસન્ન થઈ તે મને પુત્ર આપશે.'

મહાભારતના આનુશાસનિક પર્વમાં દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણે મહાદેવજી પાસેથી પંદર વરદાન માંગ્યા હતા - 'ધર્મે દ્રઢત્વં યુધિ શત્રુઘાતં યશસ્તથાડયં પરમં બલશ્ચ યોગપ્રિયત્વં તવ સંનિકર્ષં વૃણે સુતાનાં ચ શતં શતામિ ।। દ્વિજેષ્વકોપં પિતૃત: પ્રસાદ શતં શુભાનાં પરમગ્નં ભોગમ્ । કુલે પ્રીતિ માતૃતશ્ચ પ્રસાદં શમ પ્રાપ્તિં પ્રવૃણે ચાપિ દાક્ષ્યમ્ । ધર્મમાં મારી દૃઢતા રહે, યુદ્ધમાં શત્રુઘાત, જગતમાં ઉત્તમ યશ, પરમ બળ, યોગપ્રિયતા, આપનું (શિવજીનું) સાન્નિધ્ય, દસ હજાર પુત્ર, બ્રાહ્મણો પર કોપનો અભાવ, પિતાની પ્રસન્નતા, માતાની કૃપા, શમ-પ્રાપ્તિ (શાંતિ લાભ) અને દક્ષતા (કાર્યકુશળતા) આ પંદર વરદાન મહાદેવજીએ પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણને પ્રદાન કર્યા હતા.

સ્કંદ પુરાણ અંતર્ગત સૂતસંહિતા યજ્ઞાવૈભવખંડના પચ્ચીસમા અધ્યાયમાં સુદામા ભગવાન શ્રીકૃષ્ણને કૈવલ્ય મુક્તિ આપવા કહે છે ત્યારે તે કહે છે - ભગવાન વિષ્ણુએ સત્યસંધને જે કહ્યું હતું તે જ તને કહું છું - સંસાર મગ્ન લોકોને હું પોતે સાક્ષાત્ મુક્તિ આપી શકતો નથી. એ રીતે બ્રહ્માદિ દેવો પણ તે આપી શકતા નથી. અમે ત્રિશૂલધારી મહાદેવ સાથે જોડાઈને એમની કૃપાથી, શિવ આજ્ઞાા સંપાદનથી સંસાર મોચક બની શકીએ છીએ. જે મનુષ્યો મહાદેવ શિવને છોડીને મારું ભજન ગમે તેટલી શ્રદ્ધા-ભક્તિથી કરે તો પણ તેમનો કરોડો જન્મે પણ મોક્ષ થઈ શકતો નથી કેમ કે કૈવલ્ય મુક્તિ આપનારા માત્ર મહાદેવ શિવ જ છે.' મહાભારતના સૌપ્તિક પર્વમાં શિવજી સ્વયં કહે છે - 'અકિલષ્ટકર્મા શ્રીકૃષ્ણ મારી યથાવત્ આરાધના કરે છે એટલે શ્રીકૃષ્ણથી વધારે પ્રિય મને બીજું કોઈ નથી.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cd1S3q
Previous
Next Post »