સંતતિ ફક્ત સ્મશાન સુધી સાથ આપશે..સન્મતિ તો ભવોભવ સુધી સાથ આપશે..


ર વિવારનો દિવસ હતો. સ્કૂલ અને કલાસ ન હોવાથી દશ વર્ષનો પુત્ર એ દિવસે ઘરે જ હતો. એથી રાજકારણી પિતાએ પુત્રને પોલિટીક્સના પ્રેક્ટીકલ પાઠ શીખવવાની તક ઝડપી લીધી. એમણે સીડી દ્વારા પુત્રને માળિયા પર ચડવા જણાવ્યું. પિતાના સૂચનનો અમલ કરી પુત્ર માળિયે ચડયો. ત્યાં જ પિતાએ નવી વાત કહી : ' હવે એ સીડીને લાત મારીને પહેલા નીચે ગબડાવી દે. પછી માળિયાનું બીજું કાર્ય કરજે.' મુંઝાયેલા પુત્રે પિતાને પૂછયું : 'સીડીને લાત મારવાની શી જરૂર છે ? નીચે ઊતરતાં મને એ જ તો ઉપયોગી બનશે.'

પિતાએ પહેલો પ્રેક્ટીકલ પાઠ શીખવ્યો : 'બેટા ! જે સીડીથી આપણે સૌથી ઊપર પહોંચ્યા હોઈએ ત્યાં બીજા કોઈ ચડી ન આવે માટે પહેલું કાર્ય સીડીને ગબડાવી દેવાનું કરવું. રાજકારણનો આ સૌથી અગત્યનો પ્રથમ પાઠ છે. રહી વાત તારે નીચે ઊતરવાની. એની તું ચિંતા ન કર. હું તારો સગો પિતા અહીં હાજર છું. તું કૂદકો લગાવજે, હું તને ઝીલી લઈશ.' પુત્રે કચવાતે મને પિતાનાં સૂચનનો અમલ કરી સીડી ગબડાવી દીધી અને માળિયાનાં અન્ય કાર્યો બાદ ઉપરથી કૂદકો લગાવવાની તૈયારી પણ કરી. એના પિતા એને બે હાથમાં ઝીલી લેવા બરાબર સજ્જ થઈને ઉભા હતા.

પણ... આ શું ? પુત્રે કૂદકો લગાવ્યો ત્યા જ પિતા પાંચ ફુટ દૂર ખસી ગયા. જમીન પર પટકાવાથી પુત્રને માર લાગ્યો. કિંતુ એના કરતાં ય વધુ આઘાત એને પિતાના વિશ્વાસઘાતનાં કારણે લાગ્યો. પિતાએ ત્યારે પુત્રને કહ્યું : 'માફ કરજો મને. બાકી આ પોલીટીક્સનો બીજો પ્રેક્ટીક્લ પાઠ છે કે રાજકારણમાં સગા બાપનો ય ભરોસો ન કરવો !'

રાજકારણીઓની સ્વાર્થી વિચારસરણી પર કટાક્ષ કરતું આ દૃષ્ટાંત અંગુલિનિર્દેશ કરે છે એના કરતાં સાવ અલગ જ સ્તર પરનો અંગુલિનિર્દેશ ' અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રન્થકાર, આપણે ગત લેખથી જેના પર વિચારણા કરીએ છીએ તે 'પુત્રમમત્વ્યાગાધિકાર'માં કરે છે. 

પ્રથમ દલીલ કરતા ગ્રન્થકાર લખે છે 'ત્રાણાશક્તેરાપદિ'. કોઈ અશુભ કર્મોદયે ઘણીવાર એવી તકલીફો- આપત્તિઓ જીવનમાં આવી પડતી હોય છે કે જેમાં સંસ્કારી-સેવાગુણસંપન્ન સંતાન પણ આપણી સમસ્યા-તકલીફો દૂર ન કરી શકે. એને ફરજિયાત દૂર રહીને દૃશ્ય જોતાં પ્રેક્ષક જેવા જ બની રહેવું પડે. ઉદાહરણરૂપે આપણે વિચારીએ કાતિલ રોગજન્ય આપત્તિ. ઘારો કે પાછલી વયે સંપૂર્ણ અંગ પેરાલીસીસગ્રસ્ત થઈ ગયું હોય, થર્ડસ્ટેજનું કેન્સર પૂરા દેહમાં વ્યાપ્ત થઈ ગયું હોય કે કોઈ એવા ચેપી રોગે દેહ પર પકડ જમાવી દીધી હોય, એ સમયે સંતાન વ્યક્તિને એ આપત્તિથી બચાવી લે એવું લગભગ નથી બનતું.  

આનાથી પણ વધુ ધારદાર બીજી દલીલ કરતા ગ્રન્થકાર લખે થે કે 'સંદેહાચ્ચોપકૃતે.' એ એમ જણાવવા ચાહે છે કે વૃધ્ધવયના સમયે, સંતાનો સેવા-શુશ્રૂષા- સમાધિ આપવારૂપે ઉપકારી બનશે જ એવું નિશ્ચિત માની લેવાની જરૂર નથી. પિતાના પુત્ર સાથેના જન્માંતરીય ઋણાનુબંધ-પુત્રના સંસ્કારો યા કુસંસ્કારો-સ્વાર્થ સાધી લેવાનું આકર્ષણ વગેરે ઘણાં પરિબળો સંતાન સહાયક થશે કે નહિ એમાં ભાગ ભજવતા હોય છે. આપણી પરંપરામાં સંતાન માટે સામસામા છેડાના બે શબ્દો વારંવાર પ્રયોજાય છે. કુલદીપક અને કુલાંગાર. જે કુલદીપક સંતાન હોય એ સેવા-શુશ્રૂષાદિ દ્વારા સહાયક જરૂર નીવડે. પરંતુ જે કુલાંગાર સંતાન હોય એ તો એનાં કરતૂતો દ્વારા માતા-પિતાની અંતિમ જિંદગી જીવતે જીવ દોઝખ જેવી બનાવી દે. એવું બને કે એ સંતાન ન હોત તો માતા-પિતા શાંતિથી જીવન-મરણ વરી શક્યા હોત અને એ હતા માટે માતા-પિતા બધી રીતે ખતમ થઈ અસમાધિ-અશાંતિમાં રિબાયા. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો સ્વાર્થાઘતાની આગામાં માતા-પિતાની પૂરી જિંદગી હોમી દેનાર કુલાંગાર પુત્રોની આ આંખ-અંતર રડાવી દે એવી કરમકથા :

દાયકાઓ પૂર્વેની વાત. જૂનાગઢના જોષીપુરા વિસ્તારમાં એક અભણ છતાં ગર્ભશ્રીમંત સંસ્કારી દંપતી રહે. નામ એમના હતા. રામજીભાઈ ડોબરીયા અને જયાબેન. સેવાભાવી-સરલ સ્વભાવ હતો. એથી સ્વાતન્ત્ર્યસંગ્રામકાળમાં ગાંધીજીએ જ્યારે દાંડૂકીચ યોજી ત્યારે પચીશવર્ષની યુવાવયે રામજી ભાઈ પણ એમાં થોડો સમય સામેલ થયા હતા. વીશ એકરની જમીન-એક બંગલો-ગાડી-બે પુત્રોનો પરિવાર હતો. પરંતુ સરલતા એટલી કે દરકેની વાત પર બહુ આસાનીથી વિશ્વાસ કરી લે. સ્વાર્થના રંગ સામે લોહીસગાઈનો રંગ ફિક્કો ઠરે એવું તો એમની કલ્પનામાં ય ન હતું. બન્ને પુત્રોને એમની ઇચ્છા અનુસાર પરદેશ અભ્યાસ માટે મોકલ્યા. બન્ને લગ્ન કરીને ત્યાં જ સ્થાયી થયા અને ત્યાં પોતાના બંગલા કર્યા. સરલ માતા-પિતાએ પુત્રોથી અલગ રહેવાની એ સ્થિતિ ય સહજતાથી સ્વીકારી લીધી.

એક દિવસની વાત. બન્ને પુત્રો સંપીને પરદેશથી જૂનાગઢ આવ્યા. ધંધામાં નુકસાની થઈ હશે કે ગમે તે બન્યું હશે, બન્નેની બુધ્ધિને સ્વાર્થાંઘતાનો ભયાનક ભોરિંગ એવો તીક્ષ્ણ ડંખ્યો હતો કે બન્ને બહુ મોટી 'ગેમ' રમવાનો મનસૂબો ધરાવતા હતા.  

ભદ્રિક રામભાઈ શરૂઆતમાં કચવાયા કે ' આ વયે શાંતિની જિંદગી છોડી પરદેશ જવું બરાબર નથી.' પરંતુ પુત્રોના સતત મીઠા આગ્રહ સામે આખરે એ ઝૂકી ગયા. જમીન-મકાન અને બેંકબેલ્ન્સ સુદ્ધા મેળવી લઇ પુત્રો માતા-પિતા સાથે કાર' લઇને નીકળ્યા. સુરત જકાતનાકા પર માતા-પિતાને ઉતારી પુત્રોએ કહ્યું : 'અમે શહેરમાં થોડું કાર્ય પતાવીને આવીએ છીએ, તમે અહીં બેસો.' એક કલાક... બે કલાક..એક દિવસ.. પુત્રો પરત આવ્યા જ નહિ. માતા-પિતાને અક્ષરશ : રસ્તે રખડતા મૂકી એ સ્વાર્થધ કુલાંગાર પુત્રો પરદેશ પહોંચી ગયા ! આ વરવી વાસ્તવિકતાનો જ્યારો સાચો ખ્યાલ આવ્યો ત્યારે અભણ- સરલ માતા-પિતા મનથી તૂટી ગયા. કાયદેસર પગલાં લેવાની ન તો હવે આર્થિક ક્ષમતા હતી, ન તો સમજ હતી. એથી ન છૂટકે રૂ.૧૫૦ની રૂમ સુરતમાં ભાડે લઈ રામજીભાઈએ મજૂરી કરવાની નવી જિંદગી આરંભી. છેલ્લી વયે શાંતિની જિંદગીના બદલે સખત વિડંબણાઓની આ જિંદગી એમને માત્ર પુત્રો તરફથી બક્ષિસરૂપે મળી હતી !

થોડ સમયમાં આ દગાબાજીના આઘાતમાં એમના પત્ની મૃત્યુ પામ્યા, તો એ પછીના સમયમાં કર્મની કઠિનાઈનાં કારણે લપસી જવાથી ફ્રેકચર થયું. આખર સદ્નસીબે કોઈ સેવાભાવી સંસ્થાના કાર્યક્રરે આ સમગ્ર ઘટના જાણતાં એણે શેષ જીવનની તમામ વ્યવસ્થા સંસ્થામાં કરી આપી. પિતાનું મન એ હદે તૂટી ગયું હતું કે એ જીવ્યા ત્યાં સુધી એમણે એક પણ વાર પુત્રોને ફોન ન કર્યો કે પોતાની આપવીતી ન જણાવી ?

'અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રન્થકાર એટલે જ જણાવે છે કે 'સંતાન પાછલી વયે ઉપકારી- સહાયક બનશે' એવી માન્યતાથી પણ સંતાન પ્રત્યે મમતાંધ ન બનશો, નહિ તો હાયવોય-ઝૂરાપો-આર્તધ્યાનથી ઘેરાઈ જશો. એના બદલે જો નિર્મમભાવ કેળવશો તો જીવનની આવી કરુણાંતિકામાં ય સ્વાસ્થતા-સમાધિ સાચવી શક્શો.

છેલ્લે એક સરસ વાત : સંતતિ બહુ બહુ તો સ્મશાન સુધી સાથ આપશે, જ્યારે સન્મતિ તો ભવોભવપર્યંત સાથ આપશે...



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OoucrL
Previous
Next Post »