ક્યાં છે કામણગારો ઉત્સવ : હોળી?

- આખો દિવસ આનંદ કરવાનો અને સાંજે વળી પાછા પવિત્ર અગ્નિની સાક્ષીએ પ્રહલાદનો મહિમા કરી ધર્મનો - સત્યનો વિજય કરવાનો વધાવવાનો ઉત્સવ એટલે હોળી...


મા ણસ જેમ જેમ નગરજીવી બન્યો તેમ તેમ ગ્રામજીવનની પ્રાકૃતતાથી છેટો થવા માંડયો... ગામડાનાવ્યવહારો અને તહેવારો એના જીવનથી વેગળા થવા માંડયા... લગ્ન, મરણ પ્રસંગે દોડી જતો એ પણ હવે ના છૂટકે જઇ રહ્યો છે... દિવાળી-હોળીના પ્રસંગોય વિસારે પાડી દીધા છે. સૌથી વધારે ઘસારો હોળીના ઉત્સવને પડયો છે. હોળી રમવા હવે કોઈ શહેરમાંથી ગામડે આવતું નથી. હોળીનો તહેવાર પ્રજાજીવનમાંથી ભુંસાવા માંડયો છે. હમણાં સુધી એ 'હોળી' - ધૂળેટીનો કેવો મોટો મહિમા હતો ?

ગામડે હતા ત્યારે ખજૂર, ધાણી અને ખાંડના હારડાનો ઉત્સવ એટલે હોળી સમજતા... રંગો ક્યાં હતા ? કાદવ-કીચડ અને પાણીથી હોળી રમતા... ધૂળ-માટીને અંગે ચોળવા દેતા... પુનઃ પ્રાકૃત થઇ જતા... કલાડાની મેંશથી મોં- ચહેરાને રંગી નાખતા.. રગદોળી નાખતા... આટઆટલુ કરીએ પણ ક્યાંયદંશ નહિ, ખોટું ન લાગે જરાય... છોકરા રમે... વહુવારુનેય રમાડે... ઉત્સવ મૂળે તો પ્રકૃતિનો ઉત્સવ... ફાગણનો ઉત્સવ... પણ પ્રકૃતિનો પડઘો માનવે આમ ઝીલ્યો... તે જ દિવસે ભક્ત પ્રહલાદ અને ફોઈ હોલિકાની વાતનો મેળ પડયો... જે બચી ગયો તે પ્રહલાદ અને સ્વાહા થઇ તે હોલિકા... જુઓ જેનું વિસ્મરણ કરવાનું છે તે હોલિકાને આપણી પ્રજા યાદ રાખે છે. હોલિકોત્સવ નામકરણ પણ તે પાત્રને આભારી છે.

આપણી સંસ્કૃતિમાં સામા પક્ષવાળા એટલે કે જેમને જરાય યાદ રાખવા જેવાં નથી એવાં પાત્રો ભારતીય સંસ્કૃતિએ એના લોકવ્યવહારમાં અમર બનાવી દીધાં છે. દશેરાએ રામના વિજયનો મહિમા છે ખરો, પણ તેને ગૌણ બનાવી રાવણ દહનના પ્રસંગનો મહિમા થાય છે. એમ 'હોળી'માં ભક્ત પ્રહલાદનો મહિમા ગૌણ કરી, હોલિકાદહનના પ્રસંગને મુખ્ય બનાવાયો છે. પ્રજા ઇતિહાસમાંથી ઇષ્ટ અને અનિષ્ટ, સારા અને નરસાનો વિવેક કરવાનું ભૂલે નહિ એવો આશય એમાં રહ્યો હશે ?

શિવ શિવ કરતી ટાઢ વિદાય માંગે છે. ઉનાળો ઊગ્યો છે સવાર તીખી બનતી જાય છે. ખેતરો નવરાં થવા માંડયાં છે. ધૂળ ચોળી શેઢા સમેત ખેતરો રમત કરી રહ્યાં છે. વાયરા હેઠે આવ્યા છે. પાનખર ધીમે પગલે જઇ રહી છે. પાછળ પાછળ નવી કૂંપળો પોતાની જગ્યા શોધીને અંકુરાવા મથી રહી છે. પીળાશનું લીલાશમાં રૂપાંતરણ થયું છે. મોટોકહેવાતો મહા પણ આથમી ચૂક્યો છે. ફાગણે પગલાં પાડયાં છે. શીમળા રાતા રંગે પિચકારીઓ લઇ ઊભો છે. કેસૂડા વરરાજાનો રૉફ મારે છે.ગરમાળા અને ગુલમ્હોર પોતાની રંગોની કટોરીઓ લઇને શાનું સ્વાગત કરવા ઊભા હશે ?

ગામડાના લોકો છાણાં થાપી... એની હરોળ બનાવી વાડે વાડે એકઠાં કરી રાખી... સુકાયેલાં છાણાની હારડા ઢગલીઓની થપ્પીઓ મારી દીધી હોય... ઘેરૈયા તૈયારીઓમાં લાગ્યા હોય... હોળી આવે ત્યારે અછાની થોડી રહે ? આંબાની ડાળે ડાળે બેઠેલા મ્હોરમાં ઝીણા મરવાની સુગંધ રેલાઈ રહી છે લીમડા ખરી પડયા છે શીમળાય શરમથી ઢળી પડયા છે. ડાળો દેખાય છે નિષ્પર્ણ ! ફૂલોની, સવારીઓ નીકળી પડે છે. ગુલમ્હોરની અદા નિરાળી હોય છે - જાણે રાતો અવસર આંગણે આવ્યો. તડકાની તીખાશને એ રાતાં ફૂલો મીઠી કરે છે કે શું ? ક્યાંક ક્યાંક પંખી પોતાનો અવાજ ફૂલોના કેફ ભેળો ઘુંટે છે...

આવા પ્રાકૃતિક માહોલમાં માનવ જગત હોળીનો ઉત્સવ માણે છે. ભક્ત પ્રહલાદ બચી જાય છે અને હોલિકા અગ્નિમાં ભડભડ બળી જાય છે - એ કથાને હોળી-માટે ઘેરૈયા લાકડાં-છાણાં ભેગાં કરી જે જ્યોત પ્રગટાવે છે - એમાં સાચવી લેવામાં આવી છે. ધાણી ખજૂર હારડાનો પ્રસાદ વહેંચાય અને હોમેલાં નાળિયેર કાઢીને વધેરાય. અને નિર્દોષ આનંદથી ધૂળ-કીચડથી રમવા-આનંદ કરવાનું પણ - પ્રાકૃતિક પરિવેશ જેવો જ આનંદ-સહજ આનંદ-ફાલ્ગુન જેવો - ફૂટતી ટશરો જેવો માણસ પણ પ્રગટ કરે છે. ખાસ તો યુવાનો - યુવતીઓનો આ ઉત્સવ છે. કેસૂડાને આપણા લોક કવિઓ કામણગારો કહે છે. એવી જ કામણગારી 'હોળી' છે. ફાગણનો ઉત્સવ છે. રંગોનો ઉત્સવ છે.

આખો દિવસ આનંદ કરવાનો અને સાંજે વળી પાછા પવિત્ર અગ્નિની સાક્ષીએ પ્રહલાદનો મહિમા કરી ધર્મનો - સત્યનો વિજય કરવાનો વધાવવાનો ઉત્સવ એટલે હોળી... પ્રકૃતિનો આનંદ અને ધર્મસંસ્કૃતિનું સંવર્ધન આ ઉત્સવમાં સચવાયું છે. આ કામણગારો ઉત્સવ ઉજવવા નગરજનો શરૂમાં ગામડે જતા... આનંદ આનંદ કરતા... આજે તો એ ઉત્સવની ઉજવણીમાં ઑટ વરતાય છે... પર્યાવરણની જાળવણી કારણો બતાવી એની ઉજવણી સંવૃત થતી જાય છે.. પણ એ આપણી ભવ્ય સંસ્કૃતિમાં પ્રકૃતિના તાલે તાલે જોડાયેલો તહેવાર છે એ વિસારે ન પડવું જોઇએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dbHznN
Previous
Next Post »