- અમેરિકન એથ્લીટ ક્લેએ ઓલિમ્પિકમાં લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પમાં ચંદ્રકો જીતનારા ખેલાડી તરીકે રેકોર્ડબૂકમાં સુવર્ણાક્ષરે નામ અંકિત કરાવી ચૂક્યો છે
દુ નિયા હવે સ્પેશિયાઈઝેશન તરફ ઘણી આગળ વધી ચૂકી છે. સ્પર્ધાત્મકતા અને ક્ષેત્રોની વૈવિધ્યતાને કારણે કારકિર્દીની પસંદગીના સમયે મોટાભાગે એક લક્ષ્ય નિર્ધારણની સલાહ આપનારાઓ ઘણી વખત કહેતા હોય છે કે, એક સાથે બે ઘોડા પર સવારી ન થાય ! લક્ષ્ય તરફની એકાગ્રતા જાળવી રાખવાની દ્રષ્ટીએ જોઈએ તો આ લોકોક્તિ ખોટી નથી, પણ તેને જ વળગી રહેવાના પ્રયાસમાં ઘણી વખત બહુમુખી પ્રતિભાઓ ખુદને જ અન્યાય કરે છે. જ્યારે પોતાના ધ્યેયને પળવાર માટે પણ વિસારે પાડયા વિના જ પોતાની કુશળતાનો વ્યાપ વધારનારી વ્યક્તિ એકથી વધુ ઘોડાની સવારી કરી શકે છે. આ માટે માત્ર અભ્યાસ અને કુશળતા જરુરી છે. આ બે શબ્દોને આત્મસાત્ કરીને અસાધારણ સફળતાને હાંસલ કરી શકાય છે.
રમતોની દુનિયામાં આ પ્રકારની અનેક પ્રતિભાઓ છે, જે પોતાના ક્ષેત્રમાં એકથી વધુ કૌશલ્યોમાં તો નિપૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકી છે, તેની સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવતા હોય છે. રમત જગતની આવી જ એક પ્રતિભા એટલે અમેરિકાનો વિલ ક્લૅ. આફ્રિકી મૂળના અમેરિકી એથ્લીટે છેલ્લા એક દશકમાં આંતરરાષ્ટ્રીય જમ્પિંગ ઈવેન્ટ્સમાં ખળભળાટ મચાવ્યો છે. ક્લે છેલ્લા બે ઓલિમ્પિકમાં લંગડી ફાળ તરીકે ઓળખાતી ટ્રિપલ જમ્પની ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે. લોંગ જમ્પની સ્પર્ધામાં પણ તેણે ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ્સના મેડલ્સ મેળવ્યા છે. જ્યારે બે વખત તેણે ટ્રિપલ જમ્પમાં ઈન્ડોર્સમાં વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો તાજ પણ ધારણ કર્યો છે.
જમ્પિંગની બે ઈવેન્ટ્સમાં ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટોપ થ્રીમાં સ્થાન હાંસલ કરનારા ક્લેની એક ઓળખ ગીત-સંગીતકાર તરીકેની પણ છે. અમેરિકાના રૅપ મ્યુઝિક તેનું ફેવરિટ છે. ટ્રિપલ જમ્પના ખેલાડીમાં એક પ્રકારની લયનો આપોઆપ વિકાસ થાય છે. તેણે એથ્લેટિક્સ ટ્રેક પરથી જીવનમાં ઉતરેલા આ લયને હવે સંગીતમાં ઊતાર્યો છે અને તેનું ગીત-સંગીત આજે હજ્જારો યુવા દિલોની ધડકન બની ચૂક્યું છે. કોરોના મહામારીએ આખી દુનિયામાં કાળો કેર વર્તાવ્યો અને આખી દુનિયાના ખેલાડીઓ ચાર વર્ષ સુધી જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય તેવા ઓલિમ્પિક રમતોત્સવને પણ સ્થગિત રખાવ્યો હતો. ભલભલા ખેલાડીઓની આત્મશ્રધ્ધા ડગી જાય તેવા આ નિર્ણય સમયે ફેલાયેલી હતાશાને દૂર કરીને ક્લેએ તેના સંગીત થકી આશાનો દિવો પ્રગટાવ્યો હતો.
ક્લૅનું ડ્રિમ્સ ડોન્ટ ડાઈ સોંગ ભારે ધૂમ મચાવી રહ્યું છે. સળંગ ચાર વર્ષ સુધી માત્રને માત્ર ઓલિમ્પિક મેડલને લક્ષ્ય બનાવીને દિવસ-રાત હોમી દેનારા ખેલાડીઓને સાંત્વના આપતાં ક્લ તેના સોંગમાં કહે છે કે ડ્રિમ્સ ડોન્ટ ડાઈ... ધે જસ્ટ મલ્ટીપ્લાઈંગ...દરેક પરિસ્થિતિમાં હકારાત્મકતા શોધી કાઢવા માટે ટેવાયેલો ક્લે કહે છે કે, આ વખતના ઓલિમ્પિકની ખાસિયત એ છે કે, તેણે બધા એથ્લીટ્સને તૈયારી માટે ચારને બદલે પાંચ વર્ષ આપ્યા છે. એક ખેલાડી તરીકે તૈયારી માટે આખુ વર્ષ વધારાનું મળે તેનાથી વધુ સારી વાત બીજી કઈ હોઈ શકે.
ટોકિયો ઓલિમ્પિક હવે યોજાવાની તૈયારી છે, ત્યારે ક્લને સળંગ ત્રીજા ઓલિમ્પિકમાં ટ્રિપલ જમ્પની ઈવેન્ટમાં ચંદ્રક જીતવાની આશા છે. અમેરિકામાં જ જન્મેલા વિલ ક્લૅની જિંદગી ઘણા ઉબડ-ખાબડ રસ્તાઓ પર થઈને હવે મુખ્ય રાજમાર્ગ પર આવી પહોંચી છે. જ્યાં તેની પાસે આજે નામ-દામ અને વૈભવી જિંદગી છે. જોકે, આ બધા માટે તે તેની માતા અને નાનીને જ બધો શ્રેય આપે છે. વિલનો જન્મ આફ્રિકાના નાનકડા દેશ સેરા લેવનથી અમેરિકા આવેલા સેફ્ફી ટયૂનિસ અને વિલ ક્લૅ સિનિયરના પરિવારમાં થયો હતો. તેને એક ભાઈ પણ છે. જોકે, અમેરિકાની પૂરઝડપે દોડતી જિંદગીમાં પતિ-પત્ની એવા તો તણાઈ ગયા કે, બંને અલગ કાંઠે પહોંચી ગયા. જેના કારણે વિલ અને તેના ભાઈની જવાબદારી તેની માતાના શિરે આવી પડી.
ઉચ્ચ અભ્યાસ જારી રાખવાની સાથે સાથે સેફ્ફી ટયૂનિસે નોકરી પણ શોધી કાઢી અને બંને બાળકોનો ઉછેર સિંગલ મધર તરીકે કરવા લાગી. આ સમયે તેને તેની માતા માર્થાનો સહારો મળ્યો. આખો દિવસ બંને બાળકો માર્થાની સાથે રહેતા. અમેરિકાના એરિઝોનાના ફોનિક્સમાં વિલ ક્લૅનું બાળપણ વિત્યું હતુ. તે ખુબ જ એક્ટિવ હતો અને દરેક સ્પોર્ટસમાં તેને ભાગ લેવાનું મન થતું. તેની ફિટનેસ પણ ઘણી સારી હતી. જેના કારણે કોચિસ માટે તો તે પહેલી પસંદ બની રહ્યો હતો. શાળા જીવન દરમિયાન અન્ય બાળકોની જેમ ફૂટબોલ તરફ આકર્ષાયો હતો અને પ્રોફેશનલ ફૂટબોલર બનવાના સપના જોવા લાગ્યો હતો.
જોકે તેની ઉંચાઈ અન્ય બાળકોની સરખામણીમાં ઓછી હતી, પણ તેની ચપળતા કાબિલે તારીફ હતી. તેની લાંબી ફલાંગો હરિફોને હંફાવનારી બની રહેતી. એક વખત તેના સ્કૂલના કોચે તેને એથ્લેટિક્સમાં જમ્પિંગની ઈવેન્ટ્સ પર ધ્યાન આપવાની સલાહ આપી અને આ સાથે તેની જિંદગીમાં નવો વળાંક આવ્યો. સ્થાનિક લેવલની સ્પર્ધામાં તો તે ખુબ જ આસાનીથી વિજેતા બની જતો. તેણે શરુઆત લોંગ જમ્પથી કરી અને ધીરે ધીરે તેણે ટ્રિપલ જમ્પની ઈવેન્ટમાં પણ કુશળતા પ્રાપ્ત કરી લીધી. રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં તે બંને ઈવેન્ટમાં દબદબો ધરાવતો હતો અને આ જ કારણે તેને યુનિવર્સિટી ઓફ ઓક્લાહામામાં સ્થાન મળી ગયું.
૧૮ વર્ષની ઉંમરે તેણે એનસીએએ ચેમ્પિયનશિપમાં ટ્રિપલ જમ્પ સ્પર્ધામાં નવા રાષ્ટ્રીય કીર્તિમાનની સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો. તેની આ સફળતાના પરિણામે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાએ તેને આમંત્રણ પાઠવ્યું હતુ. જ્યાં તે ક્રિસ્ટીન ટેલર જેવા સીનિયર જમ્પરની સાથે જોડાયો, જે ભવિષ્યમાં તેનો કટ્ટર હરિફ બની રહેવાનો હતો. જોકે બંને વચ્ચે દોસ્તી પણ સારી એવી જામી. લેજન્ડરી કોચ ડિક બૂથના માર્ગદર્શનમાં તૈયાર થયેલા બંને જમ્પરોએ ફરી વખત અમેરિકન કોલેજ એથ્લેટિક્સમાં ખળભળાટ મચાવ્યો. ક્લેને ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ અને લોંગ જમ્પમાં સિલ્વર મેડલ મળ્યો.
વર્ષ ૨૦૧૧માં સાઉથ કોરિયાના ડાઈગ્યુ ખાતે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ક્લેએ નોંધપાત્ર દેખાવ કર્યો. આ ચેમ્પિયનશિપ બાદ તે અને ક્રિસ્ટીન ટેલરે યુનિવસટી ઓફ ફ્લોરિડા છોડી દીધી અને તેઓએ પ્રોફેશનલ એથ્લીટ તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. પ્રોફેસનલ સર્કિટમાં ક્લે અને ટેલરની જોડી છવાઈ ગઈ. વર્લ્ડ ઈન્ડોર્સ ચેમ્પિયનશિપમાં ક્લેએ ટ્રિપલ જમ્પમાં ટેલરને મહાત કરીને વર્લ્ડ ટાઈટલ હાંસલ કરી લીધું. જોકે, કારકિર્દીના આ મુકામ પર તેની નાની આ ફાની દુનિયા છોડીને વિદાય થયા. આ સમય ક્લે માટે કપરો હતો, પણ તે તેમનું સ્વપ્ન પુરુ કરવા માટે ટકી રહ્યો.
૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં લોંગ જમ્પની ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો અને ત્યાર બાદ પાંચ દિવસ પછી ટ્રિપલ જમ્પમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ આલેખી દીધો. ઓલિમ્પિકના ઈતિહાસમાં કોઈ જમ્પર બે ઈવેન્ટમાં મેડલ જીત્યો હોય તેવી ઘટના ઈ.સ. ૧૯૩૬ પછી પહેલી વખત બની હતી. આ પછી અમેરિકન ટ્રાયલ્સથી માંડીને વર્લ્ડ ચેમ્પિયનશિપ્સની ઈવેન્ટમાં તેનું પ્રભુત્વ જારી રહેવા પામ્યું.
તેને ભારે નામના મળી તેની સાથે સાથે કરોડોના કોન્ટ્રાક્ટ પણ મળ્યા. ચાર વર્ષ બાદ રિયો ઓલિમ્પિકમાં પણ તેણે ટ્રિપલ જમ્પમાં કમાલનો દેખાવ કરતાં ૧૭.૭૬ મીટરના જમ્પની સાથે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો.
આ સિલ્વર તેની કારકિર્દી અને જિંદગીમાં મહત્વનો બની રહ્યો. તેણે ઓલિમ્પિકમાં સતત બીજી વખત સિલ્વર જીત્યા બાદ તેણે અમેરિકન એથ્લીટ અને વર્ષો જૂની દોસ્ત ક્વિન ક્યુડિથ હેરિસનને પ્રપોઝ કર્યું અને તેને સ્ટેડિયમમાં જ એંગેજમેન્ટ રિંગ પહેરાવી. આ તસવીરોએ વિશ્વભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું. આ દરમિયાન જ તેણે રેપ મ્યુઝિકમાં ઝંપલાવ્યું અને ડેઝર્ટ વોટર રેકોર્ડ્સનો પ્રારંભ કર્યો. જે પછી તેના જુદા-જુદા સોંગ્સ અને મ્યુઝિક ભારે લોકપ્રિય બની રહ્યા છે.
રિયો ઓલિમ્પિક બાદ તેણે સળંગ બે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટ્રિપલ જમ્પનો સિલ્વર જાળવી રાખ્યો. જ્યારે ૨૦૧૮ની વર્લ્ડ ઈન્ડોર્સ ગેમ્સમાં તેને રેકોર્ડ બ્રોન્ઝ મેડલ હાંસલ થયો હતો ૨૦૧૯માં તેણે જીમ બુશ સાઉથન કેલિફોનયા ચેમ્પિયનશિપમાં ૧૮.૧૪ મીટર લાંબો કૂદકો લગાવીને સનસનાટી મચાવી દીધી. તેના આ જમ્પને ટ્રિપલ જમ્પના ઈતિહાસમાં ચોથા ક્રમના સૌથી લાંબા જમ્પ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ટોકિયો ઓલિમ્પિકમાં સિદ્ધિના નવા શિખરો સર કરવા માટે તેણે કમર કસી છે. ત્યારે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીઝ તરફ પણ તે વધુ ધ્યાન આપી રહ્યો છે.
ક્લે કહે છે કે, એથ્લેટિક્સ ટ્રેક અને મ્યુઝિક ટ્રેકની વચ્ચે ઘણી સામ્યતા છે. ટ્રિપલ જમ્પ એક રિધમિક ઈવેન્ટ છે. જેમાં ખેલાડી ગણતરીની પળો માટે હવામાં તરતો હોય છે. આ જ સમયે મારા હૃદયમાંથી જાણે સંગીતની સરવાણી ફૂટે છે અને તેને હૂં મારા મ્યુઝિકમાં ઉતારું છું. મારા માટે આ કોઈ કામ નથી. તે ખુબ જ સહજતાથી અભિવ્યક્ત થાય છે અને એટલે જ મને તેમાં ખુબ જ મજા આવે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QKJUyp
ConversionConversion EmoticonEmoticon