- ડ્રાય મટર
સામગ્રી :
૧ વાટકી સૂકા વટાણા, ૧/૨ ચમચી મીઠું, ૧ ચમચી શેકીને વાટેલું જીરું, ૧ ચમચી આંબોળિયાનો ભૂકો, ૧/૨ ચમચી સંચળ, ૧/૨ ચમચી ગરમ મસાલો, લીંબુ, લીલાં મરચાં.
રીત :
સૂકા વટાણાને ૪-૫ કલાક માટે પલાળી રાખો. પછી કૂકરમાં નાખી ૩-૪ સીટી વાગે ત્યાં સુધી ચડવા દો.
વટાણા ચડી જાય એટલે એમાં મીઠું, જીરું, સંચળ, ગરમ મસાલો અને આંબોળિયાનો ભૂકો નાંખી બરાબર હલાવો લીંબુ અને લીલાં મરચાંથી સજાવી પૂરી અથવા પાઉં સાથે પીરસો.
આજકાલ બજારમાંથી શાકભાજી અને કઠોળ ગાયબ તો નથી થઈ ગયા, પરંતુ તેમના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય વ્યક્તિ એ બધું ખરીદવા તો માગે છે, પણ એ એને પરવડતું નથી. એટલે આવો, એવી કેટલીક વાનગીઓ શીખીએ જે સસ્તી તો છે, સાથે સાથે પૌષ્ટિક પણ ખરી.
મૂઠિયાનું શાક
સામગ્રી :
૨ વાટકી ચણાનો લોટ, ૧/૨ ચમચી અજમો, ૨ ચમચા તેલ, (મોણ માટે) ૧ ચમચી મીઠું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧ વાટકી દહીં, ૨ ચમચા તેલ, ૧ ૧/૨ ચમચી ધાણા જીરું.
સજાવવા માટે : ૨-૩ લીલાં મરચાં ઊભાં ચીરેલા.
ચણાના લોટમાં અજમો, મીઠું અને મોણ નાખી કઠણ લોટ બાંધો હવે એનાં લાંબા મૂઠિયાવાળી ગરમ પાણીમાં ૧૫ મિનિટ સુધી બફાવા દો. પછી એ મૂઠિયાના નાના નાના ટુકડા કરી નાખો. કડાઈમાં તેલ ગરમ કરો. એમાં દહીં, મીઠું, મરચું અને ધાણા જીરું નાખી રસો તૈયાર કરો. પછી એમાં મૂઠિયાં નાખી ૧૦ મિનિટ સુધી ધીમી આંચે ચડવા દો. લીલાં મરચાંથી સજાવી ગરમાગરમ પીરસો.
ન્યુટ્રિલાનું શાક
સામગ્રી :
૧ વાટકી ન્યુટ્રિલાની વડી, ૨ વાટકી પાણી, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ વાટકી દહીં, ૨ ચમચા તેલ કે ઘી, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી ધાણાજીરું. મીઠા લીમડાના પાન.
રીત: યુટ્રિલાને બાફી નાખો. એક ઊભરો આવે પછી ઠંડી થવા દો હવે કડાઈમાં તેલ ગરમ કરો. એમાં મીઠું, ધાણા જીરું લાલ મરચું, હળદર અને દહીં નાખી બરાબર શેકી નાખો. એમાં ન્યુટ્રિલા નાખી થોડું પાણી રેડી દો. ૫-૬ ઊભરા આવે એટલે આંચ પરથી ઉતારી લો. મીઠા લીમડાના પાનથી સજાવી ગરમાગરમ પીરસો.
પૂડલાનું શાક
સામગ્રી :
૧ વાટકી વેસણ, ૧ ચમચી જીરું, ૧ ચમચી મીઠું, ૨ ચમચા તેલ, ૧ વાટકી દહીં, ૧/૨ ચમચી મરચું, ૧/૨ ચમચી હળદર, ૧ ૧/૨ ચમચી ધાણા જીરું,
વેસણમાં મીઠું, જીરું, નાખી પાતળું ખીરું તૈયાર કરી લો. હવે નોનસ્ટિક પેનમાં બંને બાજુ ચોડવીને નાના નાના ગોેળ પૂડલા ઊતારી લો. કડાઈમાં તેલ ગરમ કરો. એમાં મીઠું લાલ મરચું, અને હળદર નાખી ૨ મિનિટ સુધી શેકો. હવે દહીં નાખો. દહીં બરાબર એકરસ થઈ જાય, એટલે એમાં પૂડલા નાખો અને પાણી રેડો. ૩-૪ ઊભરા આવે એટલે આંચપરથી ઊતારી લો અને ગરમાગરમ પીરસો.
મગની દાળનાં વડાંનું શાક
સામગ્રી :
૨ કપ મગની વાટેલી દાળ, ચપટી હિંગ, ૧ ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી મરચું, ૧/૨ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી ગરમ મસાલો, ૧/૨ કપ મલાઈ કે દહીં, ૨-૩ એલચા, જરૂર પૂરતું તેલ, ૧/૪ કપ આમલીનું પાણી, ૩-૪ લીલાં મરચાં (બારીક સમારેલા).
૧ ચમચી મીઠું, ૧ ચમચી મરચું, ધાણાજીરું, હળદર અને ગરમમસાલાને ૧/૨ વાટકી પાણીમાં ઘોળી નાખી વધેલુ મીઠું, લાલ મરચાં, હિંગ અને લીલાં મરચાંને વાટેલી દાળમાં ભેળવી બરાબર ફીણી નાખો. તેલ ગરમ કરી એમાં એ વડા તળી નાખો. હવે ૨ ચમચા તેલ ગરમ કરો. એમાં મોટા એલચા નાખી તતડાવો તેમાં પાણીમાં ઓગાળેલો મસાલો નાખી સાંતળો. એક ચમચો મલાઈ જુદી જુદી કાઢી લઈ બીજી મલાઈ મસાલામાં નાખી રસો તૈયાર કરો. હવે એમાં તળેલાં વડાં નાખી ૧૦ મિનિટ સુધી ઊકળવા દો. આમલીનું પાણી રેડી ૧ ઊભરો આવવા દો, પછી મલાઈથી સજાવી પીરસો.
દહીંનું શાક
સામગ્રી :
૨ વાટકી દહીં, ૧/૨ ચમચી મીઠું, ૧/૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી જીરું, ૨ ચમચા તેલ, ૪-૫ કળી લસણ.
સજાવવા માટે : મીઠા લીમડાના પાન
કડાઈમાં તેલ ગરમ કરો. એમાં સમારેલું લસણ, લીલાં મરચાં, મીઠું, લાલ મરચું, હળદર અને જીરું નાંખી બરાબર સાંતળો. પછી એમાં દહીં નાંખી તરત જ આંચ પરથી ઉતારી લો. મીઠા લીમડાના પાનથી સજાવી ગરમાગરમ પીરસો.
- હિમાની
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t10mZ3
ConversionConversion EmoticonEmoticon