નડિયાદ : ખેડા જિલ્લામાં ગત બે મહિના ચાલેલો ચૂંટણીનો ગરમાવો શાંત થવા આવ્યો છે, ત્યારે તાલુકા પંચાયતો અને નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીઓના મુદ્દે રાજકારણ ગરમાયેલું છે. ૧૫મી માર્ચે જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની તાજપોશી થવાની છે ત્યારે જિલ્લામાં રાજકારણની ઠંડી પડતી અગ્નિમાં ફરી ચિનકારી ભભકી ઊઠી છે.
નડિયાદ નગરપાલિકામાં એક તરફ ભાજપને પ્રચં ડ બહુમતી છે તો બીજી તરફ પ્રમુખની બેઠક એસ.સી. માટે અનામત હોવાથી પ્રમુખપદના ત્રણ દાવેદારોમાં સ્પર્ધા પ્રબળ બનેલી છે. ત્રણ દાવેદારોમાં બે મહિલા અને એક પુરુષ હોવાથી પ્રમુખની વરણી વધુ રોમાંચક બની છે. ગત ટર્મમાં પણ છેલ્લાં અઢી વરસ મહિલા પ્રમુખ હતાં. નડિયાદમાં એસ.સી.ની સીટના પ્રમુખ પર આ વખતે રંજનબહેન ચંદ્રકાન્ત વાઘેલા, પ્રીતિબેન નીલેશકુમાર મકવાણા અને કાનાભાઈ દેવસિંહ પરમારમાંથી કોના માથે પ્રમુખનો તાજ પહેરાવાય છે તે જોવા નગરવાસીઓ ઉત્સુક બન્યા છે. એસ.સી. બેઠકનો નિયમમાં ક્યાંક છૂટછાટ આપી સરકાર દ્વારા નવું જ પાનું ઉતરવામાં આવે તેવો પણ સંભવ હોવાથી સહુના જીવ તાળવે ચોંટેલા છે. બીજી તરફ કઠલાલ નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, જ્યારે કપડવંજમાં અપક્ષના ઉમેદવારોના ટેકા સાથે ભાજપે પ્રમુખ નિમવાની તૈયારી કરી લીધી છે. ઠાસરામાંં પણ બહુમતી ન હોવા છતાં અપક્ષોનો ટેકો મેળવી ભાજપ સત્તા મેળવવામાં લાગ્યું છે. કઠલાલમાં નિયમ પ્રમાણે આ ટર્મમાં મહિલા અનુસૂચિત જાતિની બેઠક પરથી પ્રમુખ ચૂંટવાના હોવાથી ભાજપના વિજેતા ઉમેદવારોમાં એક જ દાવેદાર રમીલાબેન તુલસીભાઈ થોરી સામે આવ્યાં છે, જોકે ત્યાં પણ નિયમમાં અપવાદ આવી શકે છે કે કેમ તે પ્રશ્ન હોવાથી છેલ્લી ઘડી સુધી રોમાંચકતા જામેલી રહેવાની છેે. બીજી તરફ ૧૨-૧૨ બેઠકોમાં વહેંચાઈ ગયેલી કણજરી નગરપાલિકામાં કોંગ્રેસ તેમના ઉમેદવારો તૂટતાં બચાવવામાં લાગી છે, જ્યારે ભાજપ એક તીરથી અનેક શિકાર પાડી પોતાનો પ્રમુખ બેસાડવાની પેરવીમાં છે. આ સ્થિતિમાં કણજરીના બધા જ વિજેતા સભ્યો ભૂગર્ભમાં છૂપાઈ ગયા છે.
કપડવંજમાં બે મહિલા સભ્યની બેઠક હોવાથી દાવેદારી તીવ્ર બની છે. નંદિતા મોન્ટુભાઈ ભટ્ટ અને મોનિકા વિપુલભાઈ પટેલ તથા સ્નેહા પ્રતીકભાઈ ઓઝાના નામમાંથી ૧૫મી માર્ચે કોના નામે જેકપોટ લાગે છે તે જોવાનું રહ્યું. ઠાસરામાં પાલિકાની ૨૪માંથી ૧૫ બેઠક પર અપક્ષ સભ્યો ચૂંટાયા છે અને ૯ ભાજપના છે. ભાજપી નેતાઓ પ્રમુખપદ માટેના દાવેદારોની પેનલ સક્રિય કરવામાં લાગ્યા છે અને જે અપક્ષોમાંથી પાંચ-છને પોતાના પક્ષે ટેકામાં ઊભા કરી શકે તેમ છે તેવા ઉમેદવારો પ્રમુખપદ પર બિરાજવા થનગની રહ્યા છે. તેમાં રોનકભાઈ અરવિંદભાઈ પટેલ તથા હેમેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ પટેલનું નામ રેસમાં સૌથી આગળ દોડી રહ્યું છે. પાંચેય નગરપાલિકાઓના પ્રમુખપદની દૌડનો અંત અને પરિણામ ૧૫મી માર્ચે નગરપાલિકાની સામાન્ય સભાઓમાં આવી જવાનું છે. એ જ દિવસે ખેડા નગરપાલિકામાં પણ સસ્પેન્ડ કરાયેલા ઉપપ્રમુખની ચૂંટણી દ્વારા વરણી થવાની છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3v1q01T
ConversionConversion EmoticonEmoticon