'લાઈફ સક્સ', આય ડોન્ટ હેવ એન એટીટયુટ પ્રોબ, અ પર્સનાલિટી યુ કાન્ટ હેન્ડલ, દમ હૈ તો દિખા, સાંસો ને દામન ન છોડા તો કલ મિલતેં હૈ... થોડોક અંદાજ લગાવીએ તો ઉપરોક્ત વાક્યો વૉટ્સએપ સ્ટેટસ છે તે તરત જણાઈ આવે છે. વાચકને વિચારતા કરી મુકતા કે ક્યારેક પરિવારને અને મિત્રોને ખોટું ટેન્શન આપતા વૉટ્સએપ સ્ટેટસ અપલોડ થોડાં વિચારીને કરાય તો સારું.
પ્રસંગ-૧ : જીગ્નેશ પટેલ નિયમીત કૉલેજ જનાર મિત્રોમાં પ્રિય અને આજ્ઞાાકારી છોકરો છે. રાત્રે સુવાના સમયે હંમેશની માફક જીગ્નેશે સ્ટેટસ અપલોડ કર્યું, ''કાલે સવારે ઉઠીશ, તો ચોક્કસ અહીં મળીશું.'' તેનો આવો સ્ટેટસ વાંચીને તેના મિત્રો અને માસી એકદમ ચોંકી ઉઠયા. ચિંતાને કારણે જીગ્નેશના ઘરે રાત્રે બાર વાગે તેની માસીએ સીધો ફોન કરીને તેના માતા-પિતાને જીગ્નેશની મનોસ્થિતિ વિશે પૂછપરછ કરી તેમ જ તેમનો કોઈ ઝઘડો થયો હશે તેવી આશંકા સાથે લાંબુલચક ઉપદેશ-ભાષણ સંભળાવી દીધું. બીજે દિવસે જ્યારે જીગ્નેશને ઘરમાં સ્ટેટસ અપડેટ બાબત પૂછાયું ત્યારે, ''એમાં આટલી શું ચિંતા કરવી જોઈએ. બસ એ તો અમસ્તા જ કર્યું.'' જેવો બેજવાબદાર જવાબ જીગ્નેશે આપ્યો ત્યારે વડીલોએ એને બરોબર ઠપકો આપ્યો.
પ્રસંગ-૨ : 'ઝલક' નામ પ્રમાણે જ સુંદર ઝલક જેવી છોકરી. તેણે ગીફ્ટમાં મળેલા ફોન પર વાંચવા જેવું સ્ટેટસ અપડેટ કર્યું. ''બૉયફ્રેન્ડ તો બદલતે રહેતે હૈ...'' આવું બોલ્ડ સ્ટેટસ વાંચીને ઝલકના ભાઈઓએ તેને એવી વઢી નાંખી કે તાબડતોબ ઝલકે સ્ટેટસ બદલીને ત્યાં એક સુવાક્ય મૂકી દીધું. મસ્તીના મૂડમાં ઝલકે મૂકેલા સ્ટેટસને કારણે કેટલાંય છોકરાઓની મજાકનું કેન્દ્ર બનતી યુવાન ઝલકને પોતાના સ્ટેટસ અપડેટ બદ્દલ પારાવાર પસ્તાવાનો સમય આવ્યો.
ચિત્રવિચિત્ર સ્ટેટસ અપડેટ કરવા પાછળ કેટલાંક હેતુ પુરસ્કાર કારણોની સાથે જ અમસ્તો જ મસ્તીનો મૂડ પણ જવાબદાર હોય છે. ક્યારેક કોઈનું લક્ષ્ય પોતાના તરફ આકર્ષવા તો ક્યારેક પોતાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે બાબત જણાવવા. કોઈક પ્રસંગોની જાણકારી આપવા. નવું નવું પ્રેમમાં પડયાનો ખૂશી દર્શાવવા કે બ્રેકઅપ બાદ પોતે સિંગલ છે તે જણાવવા માટે સ્ટેટસ અપલોડ થતા હોય છે.
સ્ટેટસમાં શેરો-શાયરી, ગીતોની સુંદર પંક્તિ, સ્માઈલી, ઈમોજી વગેરેનો વપરાશ કરાય છે. કેટલાંક પ્રામાણિક વોેટ્સએપર્સ ચોવીસ કલાક 'અવ્હેલેબલ' હોય તો કેટલાંક ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ 'બીઝી' અને 'ઈન અ મિટિંગ' જ હોય. પરંતુ કેટલાક બહાદુરો સ્ટેટસ અપડેટ દ્વારા પોતાની સર્જનાત્મકતા અને રચનાત્મકતાનો પરિચય કરાવે છે. એકંદરે અમુક ચોક્કસ સ્ટેટસ મૂકવા પાછળનું ચોક્કસ કારણ કળવું મુશ્કેલ હોય છે. જો કોઈ લાગણીશિલ કવિતા પંક્તિ કે પ્રેમભંગ સંબંધિત શાયરી સ્ટેટસ તરીકે વાપરે તો વાંચનાર તેનો અર્થ સીધેસીધો સામેવાળી વ્યક્તિની નીજી જીંદગી સાથે જોડી દેતા હોય છે. સ્ટેટસ પરથી તેને વાપરનાર વ્યક્તિના વ્યક્તિમત્વનો અંદાજ બાંધવામાં આવતો હોય છે. તેથી જ સ્ટેટસ ગમે તેટલું પર્સનલ હોય તો પણ તેને અપલોડ કરતી વખતે વિશેષ કાળજી રાખવી જોઈએ. જેથી કરીને તમે મુશ્કેલીમાં ન મુકાવ તે હાંસીને પાત્ર ન બની જાવ.
પરંતુ એક વાતનો ગંભીરતાથી ખ્યાલ રાખવો જરૂરી છે કે દરેક સમયે સ્ટેટસને હસવામાં કાઢી નાંખવું જોઈએ નહીં ક્યારેક કોઈ નીજી વ્યક્તિ જીવનથી ઉદાસ થયાનું સ્ટેટસ મૂકે તો તેને જરૂર કાળજીપૂર્વક ફોન કરી તે બાબત પૂછવું જ જોઈએ. તેની સમસ્યા જાણવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. સો સ્ટેટસમાંથી બે-ત્રણ સ્ટેટસ અપલોડ હંમેશા ગંભીરતાપૂર્વક કરવામાં આવતા હોય છે. તેનું જરૂર ધ્યાન રાખવું જોઈએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kZ6gqJ
ConversionConversion EmoticonEmoticon