ડાયનોસોરના જમાનાની માછલી : સીલાકંથ


પૃ થ્વી પર ડાયનોસોર કરોડો વર્ષ પહેલાં  હતા અને નાશ પણ પામ્યા. તે જમાનાના ઘણા પ્રાણીઓ પણ નાશ પામ્યા અથવા તો રૂપાંતરિત થઈ નાના પશુ-પક્ષીઓ બની ગયાં પરંતુ હિન્દ મહાસાગરમાં જોવા મળતી સીલાકંથ નામની માછલી ડાયનોસોરના જમાનાથી હજી ય જોવા મળે છે. 

વિજ્ઞાાનીઓ એમ માનતા હતાં કે આ માછલી ૭ કરોડ વર્ષ પહેલાં નાશ પામેલી પરંતુ ૧૯૩૮માં દક્ષિણ આફ્રિકાના કાંઠે પાંચ ફૂટ લાંબી ભૂરા ભિંગડા અને ગોળાકાર આંખોવાળી સીલાકંથ નામની માછલી મળી આવી. અભ્યાસ કરીને વિજ્ઞાાનીઓએ તેને ક્રોસ્પેટેરીજી કાળની હોવાનું જણાવ્યું. 

આ માછલીને અશ્મી માછલી ઉપનામ પણ આપ્યું કેમકે આજ સુધી માત્ર તેના અશ્મીઓ જ જોવા મળ્યા હતા.

સીલાકંથ માછલીમાંથી રૂપાંતર થઈને જમીન પર ચાલતાં ચાર પગવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થયાનું વિજ્ઞાાનીઓ માને છે.

સીલાકંથ માછલીની કરોડરજ્જુ નરમ હાડકાંની બનેલી હોય છે. તેના માથામાં ખોપરી હોય છે અને તીક્ષ્ણ દાંત હોય છે. તે માંસાહારી હોય છે. તેને ચાર પાંખો હોય છે અને સમુદ્રના તળીયે ચાલવામાં પગની જેમ ઉપયોગ કરે છે.

સીલાકંથ સમુદ્રમાં ૨૦૦ મીટરની ઊંડાઈએ જ રહે છે. મોટે ભાગે જ્વાળામુખીના ખડકોવાળા વિસ્તારમાં વધુ હોય છે. આ માછલીને નસકોરાં હોય છે. તેની ગોળાકાર ભૂરી આંખો અંધારામાં પણ જોઈ શકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30CzVg2
Previous
Next Post »