સેવાલિયામાં ધૂળેટીના બીજા દિવસથી બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉન કરાશે


ગળતેશ્વર : ગળતેશ્વર તાલુકાના સેવાલિયામાં કોરોનાએ  ફરી માથું ઊંચકતા લોકોમાં ફફડાટ ફેલાયો  છે. તંત્ર કોરોના કેસોના આંકડા છૂપાડવાની શંકા રાખીને સ્થાનિકો દ્વારા પોતે જ પોતાની રક્ષા કરવા માટેનાં પગલાં ભરાવવાં લાગ્યાં છે. શહેરમાં ઠેરઠેર ઉકાળા અને આયુર્વેદિક દવાઓનું વિતરણ થઈ રહ્યું છે. ધૂળેટી પછીના દિવસથી વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉનની પણ જાહેરાત કરી દીધી છે.

મળતી વિગતો પ્રમાણે સેવાલિયા બજારના અલગ અલગ વિસ્તાર જેવા કે ઓમ બંગલોઝ,  રામનગર, ખોડીયાર નગર જેવા અનેક વિસ્તારોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. નાગરિકો સરકારીને બદલે ખાનગી હોસ્પિટલનો ઉપયોગ કરી રહ્યા છે. સેવાલિયાના ૭થી ૮ કેસ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. શહેરમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે કોરોનાને લીધે ત્રણેક મૃત્યુ થયા છે, પણ તેની સત્તાવાર માહિતી આપવામાં નથી આવી રહી. સેવાલિયાના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે શહેરમાં વ્યાપક સર્વે અને તપાસ કરવામાં આવે તો અનેકગણા વધારે કેસ મળી શકે છે, જ્યારે સરકારી વિગત પ્રમાણે માત્ર ૭ કેસ નોંધાયેલા છે. બીજી તરફ, શહેરવાસીઓ અને વેપારીઓએ મીટિંગ બોલાવીને સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કર્યો  છે. ધૂળેટીના બીજા દિવસથી સવારે ૮થી બપોરે ૨ સુધી જ બજારો ખુલ્લા રહેશે. સેવાલિયાના શહેરીજનોએ જાતે જ પોતાની તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. શહેરના બજારમાં રોજ સવારે ૧૦ વાગ્યે વિના મૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઠેકાણે-ઠેકાણે આયુર્વેદિક દવાઓ અને ટેબ્લેટનું પણ વિનામૂલ્યે વિતરણ થઈ રહ્યું છે. અર્બન બેંક સામે,  સી.પી.પટેલ રોડ ઉપર, ભાગ્યલક્ષ્મી હોલ સામે વગેરે સ્થાને આવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3roOPl1
Previous
Next Post »