ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો


- વેદ, પુરાણ અને કામસુત્રથી માંડી સાતમી સદીમાં 'રત્નાવલી' નાટિકામાં હોળીની ઉજવણીનો રંગ નીખરેલો જોઇ શકાય છે

- મીરાનું 'હોરી ખેલત હૈ ગિરધારી' અને અમીર ખુશરોનું 'આજ રંગ હૈ એ માં, રંગ હૈ હી'... અને હરિવશંરાય બચ્ચનની કૃતિ પ્રેમ, સમર્પણ અને એકત્વ ભાવ કેળવવા તરફ લઇ જાય છે

હોરી ખેલત હૈ ગિરધારી

મૂરલી ચંગ બજત ડફ ન્યારો

સંગ જૂબતી બ્રજનારી

ચંદન કેસર છિડકન મોહન

અપને હાથ બિહારી

ભરી ભરી મૂઠ ગુલાલ સંગ

સ્યામા પ્રાણ પિયારી

ગાવત ચાર ઘમાર રાગ તહં

દૈ દૈ કલ કલતારી

ફાગ જુ ખેલત રસિક સાંવરો

બાઢયો રસ બ્રજ ભારી

મીરા કૂં પ્રભુ ગિરધર મિલિયા

મોહનલાલ બિહારી

મીરા એ હદે શ્રીકૃષ્ણય છે કે હોળી પણ ભગવાન શ્રીકૃષ્ણ જોડે રમે છે. કદાચ મીરા આ વાક્ય સામે વાંધો ઉઠાવીને એમ પણ કહે કે 'ગિરધારી જ મારી જોડે હોળી રમવા આવ્યો છે.' કઇ રીતે મોહન મીરા જોડે હોળી રમે છે તેની આ પંક્તિઓ ૧૬મી સદીમાં લખાઇ હતી.

શ્રૂંગાર રસ તરીકે તો હોળી છેક કામસૂત્રમાં હાજર છે. છેક સાતમી સદીમાં હર્ષએ 'રત્નાવલી' નામનું ચાર અંકનું વિખ્યાત સંસ્કૃત નાટક લખ્યું હતું. તેમાં પણ વિદુષક રાજા ઉદયનને કૌસંબી નગરમાં હોળી કઇ રીતે રમાઇ રહી છે તેનું માદક વર્ણન કરે છે. અબીલ, ગુલાલ, પાણીની પીચકારી, હોજ સ્નાન અને સુંદરીઓના સૌંદર્યના આગવા રૂપ અને યૌવનનો નજારો સાક્ષાત્ કામદેવ અને રતિ ઉતરી આવ્યા હોય તેમ તેનું વર્ણન કરે છે.

અથર્વવેદ, ગાથાસપ્તશતી (મહારાષ્ટ્રી પ્રાકૃત ભાષામાં 'ગાહા સત્તાસાઇ') પુસ્તકમાં પણ બે હજારથી વધુ વર્ષ પહેલા હોળીની ઉજવણીનું રોમેંટિક વર્ણન છે. વિષ્ણુ પુરાણ અને ઇસ પૂર્વેની સદીઓ પહેલાના પૂર્વ મીંમાસા ગ્રંથોમાં પણ હોળી છે.

આપણે લેખની શરૂઆતમાં મીરાની પંક્તિઓને લીધી તે આમ જોઇએ તો મીરાનો કૃષ્ણ જોડેનો સખાભાવ કે વિજાતીય પ્રેમ જ છે પણ તેમાં નર્યો શુદ્ધ પ્રેમ અને ભક્તિ નીતરે છે. તે એક સગુણ ભક્તિ છે. એ રીતે જોઇએ તો વૃંદાવનમં કે મથુરામાં રમાતી હોળી રાધા અને કૃષ્ણને જ સમર્પિત છે. પ્રેમી અને પ્રેમિકા અને પતિ-પત્ની એકબીજાને શ્રૂંગાર મિશ્રિત પ્રેમ-સમર્પણ અને કામ અને અર્થની ટેકણ લાકડીના સહારે ધર્મ અને મોક્ષના મૂકામે પહોંચી જ શકે. જેમ જેમ યાત્રા આગળ વધતી જાય તેમ કામ અને અર્થના રંગ ફિક્કા પડતા જાય.

નરસિંહ કવિ, જેઓ નરસિંહ મહેતાના દર્શન અને તત્વજ્ઞાાનને જાણે સાક્ષાત્કાર થઇ ચૂકયો હોય તે હદે તેમનામાં ઉતારી ચૂકયા છે તેવા જવાહર બક્ષીની એક જ પંક્તિ 'ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો' રંગીન જિંદગીમાંથી ક્યારે આધ્યાત્મિક પોત થઇ ગયું તેના તરફ પણ નિર્દેશ કરે છે અને સાથે સાથે એ દિશાસૂચન પણ છે કે અતિ ભૌતિકતા પછી સંસારમાં સાર નથી તેનું બ્રહ્મજ્ઞાાન થાય છે અને માણસ આધ્યાત્મિકતા તરફ સહજતાથી સરકી જાય છે કે તેવું આવરણ ધારણ કરી લે છે.

ગુલાલ 'ફુલ ઓફ લાઇફ'નું પ્રતિક છે. ગુલાલ 'એટેચમેન્ટ' અને ભગવો 'ડીટેચમેન્ટ' છે.

ભરૂચ નજીક નારેશ્વરના નાથ શ્રીરંગ અવધૂત 'રંગે રંગે અરંગી'નું ગજબનું તત્વજ્ઞાાન આપી ગયા છે. ભલે દુન્યવી દ્રષ્ટિએ આપણે જીવનના તમામ રંગોની ઉજવણી કરતા હોઇએ કે સામી વ્યક્તિ, સમાજના જુદા જુદા મનોરંગથી પ્રભાવિત થતા હોઈએ. સંસારના રંગની હોળીના એક ઘૈરેયા જ લાગીએ. ભૌતિક દુનિયામાં બધા જેવા જ સામાન્ય લાગીએ પણ આપણે ખરેખર તેમાં હોઇએ જ નહીં તેવી જ સ્થિતિ પ્રાપ્ત કરવી રહી. દુનિયાને તે નહીં દેખાય, આપણા માહ્યલો રંગ તો 'અરંગી' (ડીટેચ્ડ) હોવો જોઈએ.

બાબા આનંદે ભજન લખ્યું છે કે 'રંગાઇ જાને રંગમાં, તું રંગાઇ જાને રંગમાં.' જેમ અરંગી એક આધ્યાત્મિક કક્ષા છે તેમ કોઇના પ્રેમ, ભક્તિમાં રંગાઈ જઉં તે પણ એક કક્ષા છે તેમ દર્શન આપ્યું છે. 'સીતારામ તણા સત્સંગમાં, રાધેશ્યામ તણા તું રંગમાં રંગાઇ જાને રંગમાં'ની વાત છે.

સૂફી ઔલિયાના રંગની પણ વાત કરીએ.

આજ રંગ હૈ એ માં, રંગ હૈ રી

મોરે ખ્વાજા કે ઘર કે રંગ હૈ રી

આજ સજન મિલાવરા મોરે આંગન મેં

આ જ રંગ હૈ એ માં, રંગ હૈ રી

મોહે પીર પાયો નિજામુદ્દીન ઔલિયા

મૈં તો જબ દેખું મોરે સંગ હૈ ની માં રંગ હૈ રી

દેશ વિદેશમેં ઢૂંઢ ફીરી હૂં

મોહે તોરા રંગ ભાયો નિજામુદ્દીન

હિંદી ખડી બોલી કે હિંદવીના સૌ પ્રથમ કવિ તરીકે જે અમર છે તેવા અમીર ખુશરોએ તેના આધ્યાત્મિક ગુરુ દિલ્હીના હજરત નિઝામુદ્દીન ઔલિયા માટે આ પંક્તિઓ લખી હતી. પ્રેમ, આધ્યાત્મ અને સમર્પણ સાથે જીવનના સાફલ્યનાં રંગથી ખુશરો તેના ગુરુની પ્રાપ્તિ બદલ રંગાઇ ગયા હોય તે ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે. રંગને ઉત્સવ અને દિવ્ય આનંદની અનુભૂતિનું સાધન અને સાધના બંને અમીર ખુશરો પ્રતિત કરાવે છે. ખ્વાજાનો દરબાર જ રંગ છે પછી હું તો તરબોળ જ થઈ જાઉંને દ્વૈત-અદ્વૈતનું આ તત્વજ્ઞાાન છે.

એવું કહેવાય છે કે જે દિવસે અમીર ખુશરો નિજામુદ્દીન ઔલિયાના શિષ્ય બન્યા તે દિવસ હોળીનો હતો. બસ તે જ રીતે તેમની સર્જેલી કૃતિમાં સહજ રીતે રંગમય બની ગઈ.

ખુશરોનો જન્મ ૧૨૫૩ની આસપાસ થયો હતો. ખાસ શિક્ષીત નહીં તેવા અમીર ખુશરો નાનીવયથી જ આધ્યાત્મિક યાત્રી હતા અને સૂફીને સમજવાનું શરૂ કરી દીધું હતું. જો કે સૂફી ખ્વાજા નિજામુદ્દીન ઔલિયાને ગુરુ બનાવી સમર્પિત થયા તે પછી તેમણે યાદગાર કૃતિઓ અર્પી. જોકે તેમાંની મોટાભાગની તો જે રીતે મીરાંથી કૃષ્ણ માટે કે નરસિંહ મહેતાથી શામળા માટે જે હૃદયથી નિકળ્યું તેની અભાનવસ્થાની કૃતિઓ હતી. ખરેખર તો તે ધ્યાન સમાધીની નીપજ હતી.

આપણને રસપાન કરાવવાના ઇરાદા સાથે સર્જન નહતું થયું.

અમીર ખુશરો જલાલુદ્દીન ખિલજી અને તેના પુત્ર અલાદ્દીન ખિલજીના દરબારમાં રત્ન સમાન હતા.

૧૩૧૦માં અમીર ખુશરો નિજામુદ્દીન ઔલિયાના સંપર્કમાં આવ્યા અને તેમની સર્જનયાત્રાનો પ્રારંભ થયો. તેમણે મોટાભાગનું હિંદવી, ફારસી અને અરબીમાં લખ્યું. તેમણે રચેલી કવ્વાલી આજે પણ દરગાહ પર ગવાય છે. જેમાં 'આજ રંગ હૈ, છાપ તિલક સબ છીની રે મોસે નૈના મિલાઇકે',

'જીહાલ એ મિસ્કી મકુન લગાફૂલ' સામેલ છે.

પાકિસ્તાન કવ્વાલ સ્વ. નૂસરત ફતેહઅલી ખાન, સાબરી બ્રધર્સ અને હવે રાહત અલી ખાને તો કોક સ્ટુડિયોમાં 'આજ રંગ હૈ' કાવ્ય ગીત રજુ કર્યું હતું.

સ્વ. નૂસરત ફતેહ અલી ખાન પ્રસ્તુત 'આજ રંગ હૈ, દૈપ્યા રે મોહે ભિજોયા રી, શાહ નિજામ કે રંગ મેં, કપડે રંગ કે કુછ ન હોત હૈ યા રંગ મેં તન કો ડુબોયા રેપ હોળી નિમિત્તે યુ ટયુબ પર સાંભળીને ભીંજાઇ જવા જેવું ખરૂં.

હરિવંશરાય બચ્ચનની 'હોળી' નામની કવિતામાં પણ તરબતર થઈએ.

યહ મિટ્ટી કી ચતુરાઈ હૈ,

રૂપ અલગ ઔર રંગ અલગ,

ભાવ, વિચાર, તરંગ અલગ હૈ,

ઢાલ અલગ હૈ, ઢંગ અલગ,

આઝાદી હૈ જિસકો ચાહો આજ ઉસે વર લો,

હોલી હૈ તો આજ અપરિચિત સે પરિચય કર લો !

નિકટ હુએ તો બનો નિકટતર

ઔર નિકટતમ ભી જાઓ,

રુઢિ-રીતિ કે ઔર નીતિ કે શાસન સે મત ધબરાઓ,

જો હો ગયા બિરાના ઉસકો ફીર અપના કર લો.

હોલી હૈ તો આજ શત્રુ કો બાહોં મેં ભર લો,

હોલી હૈ તો આજ મિત્રો કો પલકો મેં ધર લો.

ભૂલ શૂલ સે ભરે વર્ષ વૈર-વિરોધ કો,

હોલી હૈ તો આજ શત્રુ કો બાહોં મેં ભર લો.'

હરિવંશ બચ્ચને હોળીને આઝાદીના ઉલ્લાસનો તહેવાર કહ્યો છે. રૂઢિ, રિતિ અને શાસન કે પરંપરાની બહુ પરવા કર્યા વગર અજાણ્યા અપરિચિત જોડે પરિચય કેળવવાનો છે. જેની જોડે નિકટ છીએ તેની વધુ નિકટ જવાનું છે. જે ભૂલાયા છે તેઓને યાદ કરો. શત્રુને પણ ભેટી પડવાનો તહેવાર છે. ''બૂરા ન માનો હોલી હૈ.'' - નો ભાવ કવિતામાં સ્પષ્ટ દેખાય છે. થોડા શરારતી કે અવિવેકી લાગીએ તો પણ જેને રંગનું શુકુન કરવા માંગીએ છીએ તેને છોડવાના નહીં.

હરિવંશરાય બચ્ચનનું જ એક હોળી કાવ્ય - ''તુમ અપને રંગ મેં રંગ લો તો હોલી હૈ''માં પ્રેમિકાના વિરહની વાત છે. પ્રેમિકા જેને પ્રેમ કરે છે તે તેની ઉપેક્ષા કરે છે. આવી પ્રેમિકાની હોળી કેવી હોય ?

''દેખી મૈને બહોત દિનો તક દુનિયા કી રંગીની, કિંતુ રહી કોરી કી કોરી તન કે તારે છૂએ બહુતોં ને મન કા તાર ન ભીગા.'' તે પછી આગળ બચ્ચન સાહેબે લખ્યું છે કે ધરતીમાં હરિયાળો રંગ પથરાયેલો છે. આકાશ નીલાંબર છે. સરસો પીળા રંગની ચાદર જેવા છે. માતા અંબા સિંદુરા રંગી છે એક હું જ રંગ વગરની છું. ''તુમ અપને રંગ મેં રંગ લો તો હોલી હૈ.''

એટલે કે હોલી તો જ છે જો તું મને તારા રંગમાં સમાવી લે. હિન્દી સાહિત્યમાં મૈથિલીશરણ ગુપ્ત, સૂર્યકાંત ત્રિપાઠી 'નિરાલા'ના હોળી કાવ્યો પણ માણવા જેવા છે.

હોળી પરના ફિલ્મી ગીતોની અને હોળીના લોકગીતો, ફટાણાની આગવી દુનિયા છે. કદાચ હોળી જ એક તહેવાર છે જેનું પ્રત્યેક પ્રાંતનું અને બોલાતું અઢળક પદ્ય સાહિત્ય છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, મધ્ય પ્રદેશમાં હિન્દી, પ્રાકૃત, ભોજપુરી, રાજસ્થાની હોળી ગીતોની ઓડિયો કેસેટનું બજાર છે. હોળી કૃષ્ણ ભગવાનના જીવનને રંગ, ઉલ્લાસ અને મસ્તીથી માણી લેવાનો ભક્તિમાર્ગ પણ છે.

હોળીમાં જ આરોગાતી વાનગીઓ ભાંગ, ઠંડાઈનું પાક અને પેય શાસ્ત્ર છે. હોળી પ્રાગટયમાં આપણે મનોમન સંકલ્પ કરીને આપણા અંદર પડેલ કોઈ વિકાર કે આદતની આહૂતિ આપવાની હોય છે. હોળીના સંસ્કૃત અર્થમાં આ ઉલ્લેખ છે. 'ચરક' આયુર્વેદ ગ્રંથમાં ગાય, હાથી, ગધેડા, જેવા શાકાહારી પ્રાણીના ગોબરને અગ્નિમાં પ્રગટાવી તેની દુર્ગંધ ચાલી જાય તે પછી તે અગ્નિનો તાપ લેવો આરોગ્યપ્રદ બતાવાયો છે.

આપણે હોળી દહનમાં છાણાને તો સ્થાન આપીએ છીએ. હોળી સાથે જ વસંત ખીલે છે. તેનાથી મોટો મેસેજ ક્યો હોઈ શકે કે ભલે જીવનમાં પાનખર, પતઝડ આવે પણ ખખધજ લાગતા વૃક્ષની જેમ અડીખમ રહો. લીલા પાંદડા અને રંગીન ફૂલો ફરી આવશે જ. કોરોના કાળ ઝડપથી વિદાય લે અને હોળી આપણા જીવનમાં ફરી વસંત લાવે તેવી શુભેચ્છા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cqUsei
Previous
Next Post »