હિમાલય ઝડપથી બરફ વિહિન થઈ રહ્યો છે


- આઠ દાયકા પછી હિમાલયમાંથી નીકળતી અનેક નદીઓ સૂકાઈ જશે

- વૈજ્ઞાાનિકોને જણાયું કે દક્ષિણ મુખી ગ્લેશિયરો ઉત્તર મુખી ગ્લેશિયરની સરખામણીએ વધુ ઝડપથી ઓગળી રહ્યા છે. કદાચ સોલાર રેડિયેશનને કારણે આમ બનતું હોય.  

બે મહિના પહેલાની વાત છે. એક તો હાડ ગાળતો શિયાળો અને એમાં પણ ફેબુ્રઆરીનો મહિનો જેમાં ઠંડી સૌથી વધુ હોય અને જ્યારે તાપમાન શૂન્યથી પણ ઓછું હોય એવા સમયે ઉત્તરાખંડમાં આવેલા ચમૌલીના પર્વતો પરથી એક આખે આખી હિમશીલાનું પીગળી જવું અજાયબીથી વિશેષ કંઈ નથી. જો કે આ વિસ્તારના ગ્લેશિયરો વિશે અભ્યાસ કરી રહેલા ભૂસ્તરશાસ્ત્રીઓએ આ હોનારત માટે  જળવાયુ પરિવર્તનને કારણભૂત ગણાવ્યું છે.

વાડિયા ઈન્સ્ટિટયુટ ઓફ જીયોલોજીના એક વરિષ્ઠ વૈજ્ઞાાનિકે જણાવ્યું કે આ એક વિરોધાભાસ છે. સામાન્યપણે શિયાળામાં ગ્લેશિયર પોતાના સ્થાને મજબૂતીથી રહે છે. ગ્લેશિયરના તળાવોની દિવાલ પણ મક્કમ હોય છે. આવી ઋતુમાં આવા પૂર સામાન્યપણે હિમશીલા ધસી પડવાથી કે જમીન ધસી પડવાથી  આવતા હોય છે. પણ આ કિસ્સામાં બંનેમાંથી કંઈપણ નહોતું થયું. તેમણે આવું અગાઉ ક્યારે પણ બન્યુ નહોતું એમ પણ જણાવ્યું.

 વૈજ્ઞાાનિકોએ ગયા વર્ષે કરેલા અભ્યાસમાં જાણકારી મેળવી હતી કે અપર ઋષિગંગા કેચમેન્ટ એટલે કે ઉત્તરી નંદા દેવી, ચંગબંગ, રામની બેન્ક, બેથારટોલી, ત્રિશૂલ, દક્ષિણી નંદા દેવી, દક્ષિણી ઋષિ બેન્ક અને રૌંઠી બેન્કમાં છેલ્લા ત્રણ દાયકાથી પણ ઓછા સમય દરમ્યાન ૧૦ ટકાનું ધોવાણ થયું હતું. ૧૯૮૦માં ૨૪૩ કિ.મી.માંથી આ વિસ્તાર ઘટીને ૨૦૧૭માં ૨૧૭ કિ.મી. રહી ગયો છે. એમાં પણ ઉત્તરી નંદા દેવીમાં સૌથી વધુ ૭.૭ ટકા ગ્લેસિયર્સનું  ધોવાણ થયું છે. 

આ જ સમયગાળા દરમ્યાન ગ્લેશિયરના સંતુલન ઊંચાઈ ક્ષેત્રમાં મોટો ફેરફાર થયો હતો.  ગ્લેશિયરનો જથ્થો જ્યાંથી ઓછો થાય છે અને જ્યાં વધીને એને સંતુલિત કરે  છે એ ક્ષેત્રને ગ્લેશિયરનું સંતુલન ઊંચાઈ ક્ષેત્ર કહેવાય છે.

 વૈજ્ઞાાનિકોએ જણાવ્યું કે વિશ્વના કોઈપણ સ્થળના ગ્લેશિયરની સરખામણીએ હિમાલયના ગ્લેશિયર વધુ ઝડપથી ઓગળી રહ્યા છે. જો કે ગ્લેશિયર કેટલું ખસે છે તેના પ્રમાણનો કોઈ ચોક્કસ અભ્યાસ નથી થયો. આથી અપર ઋષિગંગા કેચમેન્ટ, નંદા દેવી ક્ષેત્રમાં ગ્લેશિયરોનો અભ્યાસ કરવામાં આવ્યો અને વૈજ્ઞાાનિકોને એવી જાણકારી મળી કે મોટાભાગના ગ્લેશિયરો ઓગળી રહ્યા છે. આ પ્રક્રિયા ૧૯૯૦થી વધુ સ્પષ્ટ બની છે. વૈજ્ઞાાનિકોને એવું પણ જણાયું કે દક્ષિણ મુખી ગ્લેશિયરો ઉત્તર મુખી ગ્લેશિયરની સરખામણીએ વધુ ઝડપથી ઓગળી રહ્યા છે. કદાચ સોલાર રેડિયેશનને કારણે આમ બનતું હોય.  

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગયા મહિને ગ્લેશિયર ફાટવાથી ભારે વિનાશ વેરાયો હતો. જોકે, દેશના ભૂ-વૈજ્ઞાાનિકોએ લગભગ આઠ મહિના પહેલાં આવી કોઈ આપત્તિ અંગે તંત્રને ચેતવણી આપી હતી. દહેરાદૂન સ્થિત વાડિયા ભૂ-વૈજ્ઞાાનિકોએ ગયા વર્ષે જૂન-જુલાઈમાં એક અભ્યાસ મારફત જમ્મુ-કાશ્મીરના કારાકોરમ સહિત સંપૂર્ણ હિમાલયના ક્ષેત્રમાં ગ્લેશિયરો દ્વારા નદીઓનો પ્રવાહ રોકાવા અને તેનાથી સર્જાતા જોખમો અંગે ચેતવણી આપી હતી. 

વધુમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)વાળા કારાકોરમ ક્ષેત્રમાં કેટલાક ગ્લેશિયરમાં બરફનું પ્રમાણ વધી રહ્યું છે. આ કારણે આ ગ્લેશિયર વિશેષ સમયાંતરે આગળ વધીને નદીઓનો માર્ગ રોકી રહ્યા છે. આ પ્રક્રિયામાં ગ્લેશિયરના ઉપરના ભાગનો બરફ ઝડપથી ગ્લેશિયરના નીચેના ભાગ તરફ આવે છે. ભારતની શ્યોક નદીની ઉપરના કુમદન સમૂહના ગ્લેશિયર્સમાં ખાસ કરીને ચોંગ કુમદને  ગયા વર્ષ   દરમિયાન અનેક વખત નદીનો રસ્તો રોક્યો. તેનાથી તે સમયે સરોવરો તૂટવાની અનેક ઘટનાઓ ઘટી હતી. ૨૦૨૦માં ક્યાગર, ખુરદોપીન અને સિસપર ગ્લેશિયરે કારાકોરમની નદીઓનો માર્ગ રોકીને સરોવર બનાવ્યા છે. આ સરોવરો એકાએક ફાટવાથી પીઓકે સહિત ભારતના કાશ્મીરવાળા ભાગમાં ભારે વિનાશ સર્જાયો હતો.  

વાસ્તવમાં હિમાલયના પર્વતીય વિસ્તારોમાં તાપમાન વધવાના કારણે ૨૧મી સદીની શરૂઆતથી જ ગ્લેશિયર્સ બમણી ઝડપથી પીગળી રહ્યા છે અને પ્રત્યેક વર્ષે દોઢ ફૂટ જેટલો બરફ પીગળવાના કારણે દેશમાં નદી કિનારાઓ   પર વસતા લાખો લોકોને પીવાના પાણીનો પુરવઠો જોખમાય તેવી સંભાવના છે.

ભારત, ચીન, નેપાળ અને ભૂતાનના ૪૦ વર્ષના સેટેલાઈટ નિરિક્ષણો પરના એક સંશોધનમાં સંકેત અપાયા હતા કે ક્લાઈમેટ ચેન્જના કારણે હિમાલયના હિમશીખરોને પીગળી રહ્યા છે તેમ સંશોધકોએ જણાવ્યું હતું. 

 અભ્યાસ મુજબ આ વિસ્તારમાં તાપમાન ૧૯૭૫થી ૨૦૦૦ની સરખામણીમાં ૨૦૦૦થી ૨૦૧૬માં સરેરાશ એક ડિગ્રી જેટલું વધ્યું છે. સંશોધકોએ હિમાલયના પર્વતોમાં પશ્ચિમથી પૂર્વ તરફ અંદાજે ૨,૦૦૦ કિ.મી. વિસ્તારમાં પથરાયેલા ૬૫૦ જેટલા ગ્લેશિયર્સની સેટેલાઈટ તસવીરોનું મૂલ્યાંકન કર્યું છે. 

બીજી તરફ ગંગોત્રી હિમનદી ક્ષેત્રમાં બ્લેક કાર્બન કૉન્સન્ટ્રેશનને કારણે હિમનદી પીગળવાનું અત્યંત ઝડપી બનતાં ઉત્તરાખંડમાં વહેતી ગંગા નદીના જળપ્રવાહમાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી  આવું ચાલી રહ્યું છે અને તેનું કારણ જંગલોમાં લાગેલી આગ છે,

 વિજ્ઞાાની પી.એસ.નેગીએ જણાવ્યું છે કે બ્લેક કાર્બન એક પ્રકારનું એરોસોલ (સોલિડ કણો અથવા પ્રવાહીના સૂક્ષ્મ કણો) છે. 'એરોસોલ ઉપરાંત બ્લેક કાર્બન એક મહત્ત્વનું એજન્ટ છે જે ક્લાઈમેટ ચેન્જ માટે કારણભૂત બને છે.  એક કારણ એ પણ છે કે હવાના પ્રદૂષણને કારણે તેની સૌથી ખરાબ અસર થાય છે અને તેને કારણે ક્લાઈમેટ ચેન્જ શક્ય બને છે,' એમ નેગીએ જણાવ્યું હતું. બ્લેક કાર્બનની અસરને કારણ ેબે વેધરસ્ટેશનો કે જે ગંગોત્રી હિમનદી ક્ષેત્રમાં આવેલા છે જે ચિરબાસા (૩,૬૦૦ મીટર) અને ભોજબાસા (૩,૮૦૦ મીટર) છે ત્યાં છેલ્લાં કેટલાંક વર્ષોથી પર્યાવરણ ફેરફાર નોંધાઈ  રહ્યાં છે.

'આ બે વેધર સ્ટેશનોનાં ખરેખરા સમયનાં ડેટા પરથી પૃથક્કરણ કરનારાએ એ શોધી કાઢ્યું કે હિમાલયના ઉચ્ચ ભાગોમાં બ્લેક કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય સિઝનલ વેરાઈટીની અસર પડી છે. વિભિન્ન કારણોસર ઉનાળામાં બ્લેક કાર્બન કોન્સન્ટ્રેશનનું પ્રમાણ વધ્યું હતું, એ જ રીતે એ સમયે ક્યુબિક મીટર દીઠ ૪.૬૨ માઈક્રોગ્રામ જેટલું બ્લેક કાર્બન હોવાનું અમે શોધી કાઢ્યું હતું, એમ પી.એસ.નેગીએ જણાવ્યું હતું.

જંગલોમાં આગ, ઘરગથ્થુ અને વ્યાવસાયિક ફ્યૂઅલ વુડન-બર્નિંગ અને ખેતરોમાં પાક કાપી લીધા પછી બચતી પરાળીમાં લગાડવામાં આવતી  આગ જેવી બાબતોનો અભ્યાસ કર્યા પછી એવું જાણવા મળ્યું હતું કે એજ બ્લેક કાર્બનનો મુખ્ય સ્થાનિક સ્ત્રોત છે.

ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાની જાણકારી મુજબ, ઉત્તરાખંડમાં ફેબુ્રઆરીથી જૂન દરમિયાન સામાન્ય રીતે જંગલની આગના બનાવો બને છે. માણસો જે રીતે આગ માટે કારણભૂત બને, એ રીતે વીજળી ત્રાટકતા પણ જંગલોમાં આગ લાગે છે. ઉત્તરાખંડમાં ૨૦૦૦ થી અત્યાર સુધીમાં લાગેલી આગમાં ૪૪,૫૫૪ હેક્ટરથી વધુ વિસ્તારના જંગલો બળીને ખાખ થયા છે.

નેગીએ જણાવ્યું હતું કે બ્લેક મટિરિયલ્સને કારણે પ્રકાશ વધુ શોષાય છે અને ઈન્ફ્રારેડ રેડિયેશન બહાર પડે છે, જેને કારણે ઉષ્ણતામાનમાં વધારો થાય છે. 

ભારતના ધાર્મિક સ્થળો, જેવા કે મંદિરો, મસ્જિદો અને બૌધ્ધ પેગોડાઓમાંથી ઉઠતા ધૂમાડા, મૃત હિન્દુઓને આપવામાં આવતા અગ્નિદાહના ધૂમાડા વગેરેના કારણે ગ્રીન હાઉસને નુકસાન પહોંચાડતા ગેસ પેદા થાય છે. તેના કારણે હિમાલય પરના હિમખંડો પીગળી રહ્યાનો વધુ એક દાવો તાજેતરના એક સંશોધનમાં કરવામાં આવ્યો છે.  

અમેરિકાના નેવાડા પ્રાંતની ડેઝર્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટ અને છત્તીસગઢની પંડિત રવિશંકર શુક્લ યુનિવર્સિટીએ સંયુક્ત રીતે કરેલા સંશોધનમાં એ બાબત દર્શાવાઈ છે કે આ પ્રકારે ધાર્મિક કાર્યોમાં થતા ધુમાડાની અસર ખુબજ વિશાળ હોય છે અને માનવ મૃતદેહોને બાળવાથી પેદા થતા ધૂમાડામાંનો ૨૩ ટકા હિસ્સો નુકસાનકારક હોય છે. જે વાતાવરણમાં જૈવ કચરો પેદા કરીને વાતાવરણ દૂષિત કરે છે.

સંશોધકોએ કરેલા સર્વેક્ષણ અનુસાર  લગ્ન મંડપના અગ્નિ, અગ્નિ સંસ્કાર, અગરબત્તીઓ, કેરી, કેળાની છાલ, ગાયનું છાણ સડતા પાંદડા, કંકુ વગેરે સડવાને કારણે જે ગેસ પેદા થાય છે તે પર્યાવરણને ભારે નુકસાન કરે છે, 

જે ૧૪ ગેસ ગ્રિન હાઉસને નુકસાન પહોંચાડે છે તે પૈકીના ફોમેલ્ડીહાઈડ, બેન્ઝીન, સ્ટીરીન, બીટાડીન ગેસ આ પ્રકારે થતા ધુમાડા કે દહનને કારણે પેદા થાય છે. જેમાં અગ્નિ સંસ્કારને કારણે પેદા થતા 'ભૂરા કાર્બનના સૂક્ષ્મકણો' વૈશ્વિક પર્યાવરણને નુકસાન પહોંચાડનારું બીજા નંબરનું સૌથી મોટું પરિબળ ગણાય છે. તે સૂર્યપ્રકાશને શોષે છે અને ગરમી પેદા કરે છે. જેના કારણે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધે છે. આ પ્રકારના કણો, વાતાવરણમાં પ્રવેશીને હિમાલયની હિમશીલાઓ પર જમા થઈને સૂર્યપ્રકાશ શોષતા હોવાથી બરફ પીગળાવવામાં કારણરૂપ બને છે.  સંશોધકોનો દાવો છે કે વર્ષ ૨૦૧૯માં એક કરોડ લગ્ન યોજાયા હતા. જ્યારે ભારતમાં ૩૦ લાખ ધાર્મિક સ્થળો છે. આ બધામાંથી ઉઠતો ધુમાડો ખરેખર આઘાતજનક રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે.   

તાજેતરમાં પૃથ્વીની આવતીકાલ કેવી ભયાવહ હશે તેનો ચિતાર અલગ અલગ બે રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ અમેરિકાની જગવિખ્યાત 'મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઑફ ટેકનોલોજી (એમઆઈટી)'એ તૈયાર કર્યો છે, જે વધતા તાપમાનની દરિયા પર અસર અંગેનો છે. એ રિપોર્ટ પ્રમાણે ૨૧૦૦ની સાલ આવતા સુધીમાં પૃથ્વી પરના ૫૦ ટકા સમુદ્રી વિસ્તારનો કલર બદલાઈ જશે. અત્યારે પૃથ્વીને ઉપગ્રહ કે અવકાશમાંથી જોવામાં આવે તો અતી સુંદર બ્લુ ગોળા તરીકે દેખાય છે. એ રંગવૈવિધ્યનું કારણ સમુદ્રનો બ્લુ કલર છે. એ બદલાશે એટલે પૃથ્વીની સુંદરતા પણ બદલાશે.

બીજો રિપોર્ટ નેપાળ સ્થિત 'ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (આઈસીઆઈએમઓડી)'એ તૈયાર કર્યો છે. એ પ્રમાણે ૮૦ વર્ષમાં એટલે કે ૨૧૦૦ સુધીમાં હિમાલયની ત્રીજા ભાગની હિમનદીઓ પીગળી જશે. હિમાલયનું સૌંદર્ય અને બરફનું સામ્રાજ્ય ત્યાં વહેતી હિમનદીઓને આભારી છે. હિમનદીઓને નુકસાન થાય તો આખી પર્યાવરણની સિસ્ટમ તૂટી પડે. માટે હિમાલય હોય કે આલ્પ્સની પર્વતમાળા ત્યાં રહેલી હિમનદીઓના સંરક્ષણ પર સંશોધકો ભાર મૂકતા હોય છે. આ રિપોર્ટ મુજબ બરફ ઓગળવાથી દુનિયાનું સૌથી ઊંચા શિખર એવરેસ્ટનું બર્ફિલું કવર પણ ઘટી જશે. 

સમુદ્રનો કલર તેની સપાટી પર રહેલા પીટોપ્લેંકેટન નામના બેક્ટેરિયાને આભારી છે. તાપમાન વધતું જશે એમ આ બેક્ટેરિયાના જીવનચક્ર પર અસર થશે. અત્યારે જ તાપમાન વધવાનો પ્રશ્ન આખા જગતને કનડી રહ્યો છે. એ આગામી દિવસોમાં વધારે ગંભીર બનશે. સમુદ્ર સપાટી પર તરતી લીલ પણ લીલો કલર સર્જે છે. તાપમાન લીલને પણ અસર કરી રહ્યું છે અને આ બન્ને સજીવો (લીલ-બેક્ટેરિયા)નું આયુષ્ય ખતમ થઈ રહ્યું છે. બદલાઈને કલર આજે છે, તેનાથી વધારે ઘાટો થઈ જશે. બ્લુ કલર દેખાય છે, એ ઘાટો બ્લુ થશે, જ્યારે કેટલોક ભાગ લીલો દેખાય છે, એ ઘેરો લીલો થશે.

હિન્દુકુશની પર્વતમાળા બર્માથી અફઘાનિસ્તાન સુધીના સવા ત્રણ હજાર કિલોમીટર લાંબા પટ્ટામાં ફેલાયેલી છે. હિમલાયની સ્થિતિ અંગેના ૬૦૦ પાનાંના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે બરફ ઘટશે એટલે સિંધુ, મંકોંગ, ઈરાવદી, ગંગા-યમુના સહીતની નદીઓ સુકાવા લાગશે. કેમ કે ઉત્તર ભારતની તમામ મોટી નદીઓ હિમાલયમાંથી નીકળે છે. પાણીની અછતની વિપરિત અસર એશિયાના ૧.૬૫ અબજ લોકોને થશે. એશિયા ગીચ વસતી ધરાવે છે અને ઘણી વસતી હિમાલયમાંથી નીકળતી નદીના પાણી પર નિર્ભર છે. આ રિપોર્ટ ૨૨ દેશોના સાડા ત્રણસોથી વધુ સંશોધકોએ મળીને તૈયાર કર્યો છે.   એક અંદાજ પ્રમાણે ૨૧૦૦ની સાલ આવે ત્યાં સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન ૩ ડીગ્રી વધી જશે. આ વધારો સમગ્ર જીવજગત માટે અસહ્ય હશે.

એમ સમજી લો કે માનવીએ પ્રકૃતિ સાથે કરેલા ગેર-વર્તાવના માઠાફળ આવવાના ચાલુ થઇ ગયા છે. તેમાંથી વિશ્વનાં સૌથી ઊંચા મનાતા શિખર એવરેસ્ટ પણ બાકાત નથી. વૈજ્ઞાાનિકોના મતે ચાલુ સૈકાના અંત સુધીમાં એટલે કે ઈ.સ. ૨૧૦૦માં એવરેસ્ટ પરના હિમશૃંગો (ગ્લેસીયર) ઓગળીને અદ્રશ્ય થઇ જશે.

નેપાળના સંશોધકોની એક ટુકડીએ શોધી કાઢ્યું છે કે એવરેસ્ટ પરના હિમશૃંગો પૃથ્વી પર વધતી ગરમી (ગ્લોબલ વોર્મિંગ) પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. પૃથ્વીની ગરમીમાં થતી વધઘટનો સૌથી વધુ દુષ્પ્રભાવ તેના બરફ પર પડે છે. તેનાથી તેના બરફની નક્કરતા ઘટતી જાય છે અને હિમશીલા ઓગળવાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે તે જોતા ૨૧મી શતાબ્દિમાં 'એવરેસ્ટ' કે હિમાલયના અન્ય ગીરીશૃંગો ઓગળવાને કારણે હિમ વિહોણા થઇ જાય તો નવાઇ નહીં. તે સંજોગોમાં તેનું નામ 'હિમ આલાય' પણ ફરી વિચારવું પડે કેમકે હિમનું સ્થાન એવા અર્થમાં વપરાતા આ પર્વત પર હિમ એટલે કે બરફ જ ન રહે તે કેટલું વિચિત્ર ગણી શકાય?

આ સંદર્ભે માહિતી આપતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર કાઠમાંડુ ખાતેના સદસ્ય જોસેફ સિલ્કાએ કહ્યું હતું કે આ બાબતની શરૂઆત થઇ ચુકી છે. તેમના મતે પર્વત પર હિમનું પ્રમાણ જાળવી રાખવા તેના પર હિમવૃષ્ટિ થતી રહેવી જરૂરી છે. અને હિમવૃષ્ટિ માટે પર્વત પર પુરતી ઠંડક અને 'હિમ સર્જક' પરિબળો હોવા જરૂરી છે. જેનું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગને કારણે ઘટી રહ્યું છે. આમ હિમના સર્જન અને ઉનાળાની ગરમીથી થતા તેના વિસર્જનમાં જે સંતુલન હોવું જોઇએ તે ખોરવાયું છે. પરિણામે દર વરસે પર્વત પરની હિમની ચાદર પાતળી પડી રહી છે. જે કદાચ આગામી દિવસોમાં 'ફાટી' જશે. તેમાં ખાડાઓ પડશે અને સૈકાના અંતે અદ્રશ્ય થઇ જશે તેમ સંશોધકોનું માનવું છે.

થોડા સમય પહેલાં અમેરિકન સેટેલાઈટ કેરોનાએ દશકાઓ સુધી પાડેલી તસવીરોનો અભ્યાસ કરીને અમેરિકન નિષ્ણાતોએ એવી દહેશત વ્યક્ત કરી હતી કે એવરેસ્ટનો બરફ દર વર્ષે આઠ ઈંચ પીગળી જતો હોવાથી ચીન-નેપાળ જેવા દેશો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે.

અમેરિકાએ ૧૯૬૦માં કેરોના ઉપગ્રહ લોંચ કર્યો હતો.  પરંતુ તે પછી તેને જાહેર કરવામાં આવી હતી. આ સેટેલાઈટે ૧૯૬૨થી ૨૦૧૮ સુધીમાં લગભગ આઠ લાખ કરતા વધુ તસવીરો પાડી છે. એ તસવીરોમાં હિમાલયન રેન્જની અઢળક તસવીરોનો પણ સમાવેશ થાય છે. એન્ડ્રુઝ યુનિવર્સિટીએ હાથ ધરેલા પ્રોજેક્ટમાં એવરેસ્ટની દશકાઓની તસવીરોનો અભ્યાસ કરાયો હતો.

એનું પરિણામ ચોંકાવનારું મળ્યું હતું. એવરેસ્ટમાં દર વર્ષે આઠ ઈંચ બરફની ચાદર પીગળી જાય છે. આ ઝડપે બરફ પીગળશે તો ૧૦૦ વર્ષમાં લગભગ આઠથી ૧૦ ફૂટ બરફ પીગળી જશે અને તેની સૌથી વધુ ખતરનાક અસર ચીન અને નેપાળ ઉપર પડશે.

સંશોધકોએ દાવો કર્યો હતો કે એવરેસ્ટમાંથી જે પીવાનું પાણી મળે છે તે સાવ ખતમ થઈજશે. તેના કારણે ચીન-નેપાળ-તિબેટને મોટું નુકસાન થશે.બરફ નરમ પડશે એટલે પર્વતારોહકો માટે ય ખતરો બનશે. એવરેસ્ટના બે ગ્લેશિયર પૈકી ખુંબુકનો અત્યાર સુધીમાં ૨૬૦ ફૂટ બરફ પીગળી ચૂક્યો છે અને ઈમજા ગ્લેશિયરનો ૩૦૦ ફૂટ બરફ પીગળ્યો છે. 

 કાઠમંડુ સ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેઈન ડેવલપમેન્ટ નામની સંસ્થાના ૨૦૦ કરતા વધુ સંશોધકોએ મળીને એક તારણ આપ્યું છે એ પ્રમાણે આગામી ત્રણ દશકામાં ગંગા અને બ્રહ્મપુત્ર જેવી નદીનો પ્રવાહ વધશે. તેના કારણે જમીનનું પણ ધોવાણ થશે.

કાઠમંડુની સંસ્થાના ૨૧૦ સંશોધકોએ મળીને તૈયાર કરેલા ૬૦૦ પેજના અહેવાલમાં કહેવાયું હતું કે હિમાલયમાં બરફ પીગળવાના કારણે આગામી ત્રણ દશકામાં ગંગા નદીનું પાણી વધશે. ગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધશે તે કારણે ખેતીને અને તે સિવાયની તટ આસપાસની પ્રવૃત્તિને અસર પડશે. ગંગા નદીમાં પાણી વધશે તેની અસર લગભગ ૨ કરોડ કરતા વધુ લોકોને થશે.

ખતરાની આ ઘંટી વગાડવી જરૂરી છે. મોડે મોડે પણ લોકો કંઈ સમજે અને પ્રદૂષણ પર અંકૂશ મૂકવા કટિબધ્ધ બને તો કદાચ આવનારી સમસ્યાને થોડા વરસ પાછળ ધકેલી શકાય. બાકી તો બરફ વગરના હિમાલયની કલ્પના કરતાં જ ધ્રૂજારી છુટી જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u0ekeq
Previous
Next Post »