આ નવા - નવા પથ્થર, કાલે નવા-નવા ઈશ્વર બની જશે...

- ઓશો તો કહે છે કે ''વેદ અને ઉપનિષદો દરેક યુગમાં મંજાતા રહ્યા છે. નવા સંદર્ભમાં તેના અર્થઘટન થતા રહ્યા છે એટલે જ એ તાજા લાગે છે.''

- આજનો દિવસ કેવો જશે એ આપણને ખબર નથી. કાલે કેવો દિવસ ઊગશે એ પણ ખબર નથી


આજે અહીં જુઓ છો જે 

પથ્થર નવા નવા,

કાલે બની જવાના એ 

ઈશ્વર નવા નવા.

તારા વિશેનો પ્રશ્ન અનાદિથી એક છે,

કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.

તો પણ ન જાણે કેમ સતત 

ખાલી હાથ છે?

અલ્લાહ રોજ દે છે મુકદર નવાં નવાં

તારા મિલનની શક્યતા જીવંત રાખવા,

પેદા કરું છું રોજ હું અવસર 

નવા નવા.

મૃત્યુને 'રાઝ' અંત જીવનનો 

નહીં ગણું,

બદલે છે એ તો જીવ કલેવર 

નવાં નવાં.

- 'રાઝ' નવસારવી

ચા લીસેક વર્ષ પહેલાનો પ્રસંગ યાદ આવે છે. અમદાવાદના રાયપુર ચકલાના કુમાર કાર્યાલયમાં કુમારના તંત્રી બચુભાઈ રાવત, ધીરૂભાઈ પરીખ, પિનાકીન ઠાકોર બધા બેઠા છે. બુધ સભાની શરૂઆત થાય છે અને ઉપરની ગઝલ વંચાય છે. આખી ગઝલ સૌને ગમી જાય છે. ગઝલની દુનિયામાં હું નવોસવો હતો અને ત્યારે જ રાઝ નવસારવીનો આમ પરોક્ષ પરિચય થયો. એ પછી તો આટલા વર્ષોમાં ચાલીસ વર્ષ સુધી પરોક્ષ રીતે પત્ર વ્યવહારથી મળતા રહ્યા. ઉપરની ગઝલ રાઝ નવસારવીની ઉત્તમ ગઝલોમાંની એક કહી શકાય.

આપણે ભગવાનને-ઈશ્વરને જોયો નથી. પણ આપણે આપણા મન મુજબ ઈશ્વરને આકાર આપવાના પ્રયત્નો પણ કર્યા છે. નદી માટે કહેવાય છે કે તેમાં જેટલા કંકર એટલા શંકર. ભારતના અનેક સ્થળોએ અણઘડ પથ્થરને પૂજાતો જોયો છે. માણસની શ્રધ્ધાને ઘડાતી જોઈ છે. જો કે રાઝ નવસારવી વ્યંગમાં મત્લાના શેર દ્વારા સીધો ચાપખો મારે છે કે આજે જે જુદા-જુદા આકારના પથ્થરો દેખાય છે ને જો જો એ કાલે નવા-નવા ઈશ્વર બની જવાના છે. ઈશ્વર છે કે નથી? ક્યાં છે? ઈશ્વર વિશેનો પ્રશ્ન ભલે એક જ હોય પરંતુ પ્રત્યેક યુગે આપણને નવા-નવા ઉત્તર મળતા રહે છે. ઓશો તો કહે છે કે ''વેદ અને ઉપનિષદો દરેક યુગમાં મંજાતા રહ્યા છે. નવા સંદર્ભમાં તેના અર્થઘટન થતા રહ્યા છે એટલે જ એ તાજા લાગે છે.''

આજનો દિવસ કેવો જશે એ આપણને ખબર નથી. કાલે કેવો દિવસ ઊગશે એ પણ ખબર નથી. હાથ તો ખાલીના ખાલી જ રહે છે છતાં રોજ અલ્લાહ મુકદ્દર તો નવું ને નવું જ આપે છે. જો કે આ ક્ષણે અમૃત ઘાયલનો એક શેર યાદ આવે છે.

જીવનભર ગુલામી કરી તો ય ઘાયલ,

રહ્યા છેવટે હાથ ખાલીના ખાલી.

એક તરફ મરીઝ, સૈફ, બેફામ સાથે સીધો નાતો ધરાવતા રાઝ નવસારવી આમ જોવા જઈએ તો એ પેઢીના શાયરોના છેલ્લા શાયર છે. અને આમ છેક આજના પેઢીના ગઝલકાર સુધી તેમનો નાતો જોડાયેલો છે. તેમની ગઝલોમાં પણ ગઝલના સુવર્ણયુગના, આધુનિક યુગના રંગ અને પ્રભાવ જોવા મળે છે. ૧૯૫૪થી ગઝલ સર્જનની શરૂઆત કરનારના ગુરૂ છે મસ્ત હબીબ શારોદી. આ ક્ષણે રાઝ સાહેબનો એક શેર યાદ આવે છે.

મારા વિશે તું એવી રીતે બેખબર મળે,

શોધે તું મારું ઘર અને મારી કબર મળે.

૮૭ વર્ષની ઉંમરે પ્હોંચેલા રાઝ સાહેબ થોડા દિવસો પહેલા નવસારીના એક કાર્યક્રમમાં જાહેરમાં જણાવે છે કે હું આજે રાજેશભાઈ મિસ્કીનને મળવા માટે જ આવ્યો છું. કદાચ ફરી ના પણ મળાય. નવસારીમાં તેમનો સન્માન સમારંભ હતો. પણ આશ્ચર્યની વાત એ છે કે રાઝ નવસારવીને નવસારીમાં ઓળખનારા કેટલા? નવસારી નહીં એમના મહોલ્લામાં ઓળખનારા કેટલા? તેમની ભાષામાં કહું તો, તેમના મહોલ્લાના પણ તેમનાથી અજાણ છે. ૯/૧૨/૧૯૩૫ના રોજ નવસારીમાં જન્મેલા આ શાયરને આજે પણ રાઝ નવસારવી તરીકે ઓળખનારા ઘણાં ઓછા. મૂળ નામ સૈયદ સગીર અહમદ અલીજાન. ૧૯૬૦માં મુંબઈમાં બી.એડ કરે છે. ૧૯૬૫ સુધી મુંબઈમાં અધ્યાપક તરીકે કામ કરે છે. સૈફ, મરીઝ, બેફામના સંપર્કમાં ખરા પણ મુંબઈના મુશાયરામાં રાઝ શ્રોતા તરીકે પણ ક્યાંય દેખાતા નથી. રાઝ ફારસી સાથે એમ.એ. થયેલા છે. રાઝના પ્રથમ સંગ્રહ ''ઊર્મિનાં શિલ્પ'' (૧૯૮૨)માં હરિન્દ્ર દવે, ઉશનસ, મરીઝ અને બેફામ આમુખ લખે છે. રતિલાલ અનિલ જણાવે છે તેમ તેમના સંસ્કાર પરંપરાની ગઝલના છે છતાં ગઝલની વિસ્તરતી ક્ષિતિજ પર તેમની આંખ છે.

ગઝલના ચોથા શેરમાં કેવી અદ્ભૂત વાત કરી છે. પ્રિય પાત્રનું મિલન થાય, કદાચ એ આવી ચડે એ શક્યતાને જીવંત રાખવા માટે જીવનમાં રોજ એ નવા-નવા અવસર ઊભા કરે છે. મૃત્યુને રાઝ સાહેબ જીવનના અંત તરીકે નથી જોતા. જીવ-પ્રાણ નવું ખોળિયું બદલે છે અને આમ જીવન સફર ચાલ્યા કરે છે.

કોઈ મરમી આંખ વાંચે એટલી આરત રહી,

બસ અઢી અક્ષર લઈને ઉંબરે બેઠા છીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u5zach
Previous
Next Post »