શશીકલા: દર્શકોના દિલ પર રાજ કરનાર એક ખલનાયિકા


- અભિનયની દુનિયામાં શશીકલાએ લાંબી શાનદાર પાળી ખેલી અને તે દરિમિયાન તેમણે ફિલ્મ ઉદ્યોગના માંધાતા દિગ્દર્શકો જેવા કે સ્વ. વી. શાંતારામ, સ્વ. વિમલ રોય, સ્વ, મોહન સાયગલ, સ્વ. ઋષિકેશ મુખજ્રી, વી. આર. ચોપરા સાથે કામ કર્યું

શશીકલાનું નામ સાંભળતા જ  સામે એક ચિડિયણ કકળાટ કરતી અથવા તો મેલી રમત રમતી સ્ત્રીનો ચહેરો નજર સામે છવાઈ જાય. પોતાના જમાનામાં ખલનાયિકાની ભૂમિકા ભજવી તેમણે પોતાની અભિનય ક્ષમતા બતાવી દીધી હતી. તેમનો અભિનય  બેનમૂન હોવાથી દર્શકોએ તેમને વેમ્પના રોલમાં પણ  સ્વીકારી લીધા. શશીકલાએ ૨૫૦ ફિલ્મોથી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની  અભિનય ક્ષમતાથી દર્શકોની લોકચાહના તો મેળવી. આ ઉપરાંત  તેમની કિંમત ભારત સરકારે હાલ પદ્મશ્રી એવોર્ડ આપીને કરી. ભારત સરકારેે મોડી મોડી તેમની કદર કરી એ વાતે તેમના ચાહકો ખુશખુશ થઈ ગયા છે.

શશીકલા જવલકરનો જન્મ મહારાષ્ટ્ર ના સોલાપુર માં ૩ ઓગસ્ટ ૧૯૩૨ મા દિને થયો હતા. આગલા વરસે તેઓ પોતાનો ૭૫ મો જન્મ દિવસ ઉજવશે. અભિનયની દુનિયામાં શશીકલાએ લાંબી શાનદાર પાળી ખેલી અને તે દરિમિયાન તેમણે ફિલ્મ ઉદ્યોગના માંધાતા દિગ્દર્શકો જેવા કે સ્વ. વી. શાંતારામ, સ્વ. વિમલ રોય, સ્વ, મોહન સાયગલ, સ્વ. ઋષિકેશ મુખજ્રી, વી. આર. ચોપરા સાથે કામ કર્યું.

બાળપણથી જ શશીકલાના નાજુક ખભા પર પરિવારની જવાબદારી આવી પડી હતી. પાંચ વરસની કુમળી વયે તે મહારાષ્ટ્ર સંગીત મેળાવડા, વાર્ષિક ઉત્સવ અને ગણેશોત્સવ જેવા  કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.  તેમને લોકોની વાહ વાહ મળવા લાગી હતી. તેમનામાં છુપાયેલી પ્રતિભાને તેમના પિતાના ખાસ મિત્રે ઓળખી કાઢી અને શશીકલાને મુંબઇની ફિલ્મઇન્ડસ્ટ્રીમાં  ભાગ્ય અજમાવાની સલાહ આપી. શશીકલા પિતાની આંગળી પકડી મુંબઇ નગરીમાં આવી પહોંચ્યા. સન ૧૯૪૪માં શશીકલાએ જૂમિયર કલાકાર તરીકે 'ઝીન્નત' ફિલ્મમાં પ્રથમ વખત અભિનય કર્યો. પરંતુ  ૧૯૫૩માં ડો. વ્હી. શાંતારામ ની 'તીન બત્તી ચાર રસ્તા' અને જેમિનીની 'તીન બહૂરાનિયાં' થી તેમની કારકિર્દીએ વેગ પકડયો.  ત્યાર બાદ શશીકલા એ પાછું વળીને જોયું નહી અને એક પછી એક સફળતાના શિખર સર કરતી ગયા. 'સમાજ', 'નૌ દો ગ્યારહ', 'સુજાતા' કાનૂન', 'જંગલી', 'આરતી', 'હરિયાલી ઓર રાસ્તા', 'ગુમરાહ','યે રાસ્તે હૈ પ્યાર કે', 'વક્ત', ફૂલ ઔર પત્થર', પતિ-પત્ની', 'શતરંજ', દુલ્હન વહી જો પિયા મન ભાયે', 'સ્વામી', 'બીવી ઓ બીવી', 'રોકી', 'ક્રાંતિ', 'સુરંગ', 'સરગમ' ફિલ્મોની તેમની ભૂમિકા આજે પણ દર્શકો વાગોળે છે. 'ગુમરાહ'માં માલા સિંહા મુખ્ય અભિનેત્રી હતી પરંતુ શશીકલાના અભિનયના વખાણ થયા હતા. 

હિંદી સિનેમામાં ઉચ્ચ કોટિનું સ્થાન પામ્યા બાદ પણ શશીકલા પોતાની માતૃભાષા મરાઠીને ભૂલ્યા નહીં.  તેમણે 'યંદા કર્તવ્ય આહે',લેક ચાલલી સાસરલા', 'મહાનંદા' જેવી મરાઠી ફિલ્મામાંે પોતાનું યોગદાન આપ્યું. એટલું જ નહીં તેણે 'સત્યવાન સાવિત્રિ' 'મા-બાપ' જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ગુજરાતી દર્શકોને ખુશ કર્યા હતા. 'જૂનૂન' 'સોનપપરી'જેવી સિરિયલોમાં કામ કરી નાના પડદા પર પોતાની અમીટ છાપ છોડી છે.  અભિનય કારકિર્દી દરમિયાન નામ-દામ કમાયા હોવા છતાં તેઓ પોતાની પ્રથમ ફિલ્મ માટે મહેનતાણાં રૂપે મળેલા  ચાલીસ રૂપિયાને તે આજે પણ ભૂલ્યા નથી. આ ચાલીસ રૂપિયા તેણે ૧૯૪૭ માં 'જૂગ્નૂ' ફિલ્મ માટે મેળવ્યા હતા.

શશીકલા આ વયે પણ ફિલ્મમાં કામ કરવા તત્પર છે. તેઓ કહે છે કે, ''ફિલ્મોએ મને નામ તથા દામ આપ્યા છે તેનાથી હું સંતુષ્ટ છું. એટલું જ નહીં સિને જગતનું આ ઋણ ઉતારવા હું મારા અંતિમ શ્વાસ સુધી મારા અભિનયની સેવા આપવાની મારી ઇચ્છા છે.  જો તક મળે તો આજે પણ હું અભિનય કરવા તૈયાર છું.''

શશીકલાએે 'આરતી ' અને 'ગુમરાહ' માટે ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે. તેમજ મહારાષ્ટ્ર સરકારે પણ તેમને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કર્યા છે.

જ્યારે શશીકલાની ફિલ્મની કારકિર્દીએ વેગ પકડયો હતો ત્યારે અભિનય છોડી કોલકાતાના મધર ટેરેસાના આશ્રમ માં નવ વરસ સુધી દુખી પીડિતીઓની સેવા કરી સમાજ સેવા પ્રતિ પોતાનું યોગદાન આપ્યું. સમાજ સેવા કરવાનો મોકો મળવાને શશીકલા પોતાનું સદભાગ્ય માને છે.

આજે લોકો ભલે શશીકલાને ખલનાયિકા તરીકે જાણતા હોય પરંતુ પોતાની અંગત જીંદગીમાં તેઓ ખૂબ જ વિવેકી અને નમ્ર છે. ખલનાયિકા તરીકે  દુખ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d4q9cB
Previous
Next Post »