ટૉપ એક્ટરોમાં ટોપી પહેરવાનો ટ્રેન્ડ


- ચોક્કસ 'લુક' મેળવવાનો કે ખરતા વાળ છુપાવવાનો આ એકમાત્ર વિકલ્પ

ચોકલેટ બોય શાહિદ કપૂર હાલમાં પોતાની બેઝબોલ કેપના પ્રેમમાં પડયો હોય એમ લાગે છે. કારણ કે અભિનેતા ટોપી પહેર્યા વગર ઘરની બહાર પગ મૂકતો નથી. વળી, મહત્ત્વની વાત એ છે કે શાહિદ જીમ્નેશીયમમાં પણ એક ઘડી માટે ટોપી ઉતારતો નથી. અંધેરીના એક જીમમાં નિયમીત રીતે સાંજના સમયે વર્કઆઉટ કરવા શાહિદ  જાય છે. શાહિદની સાથે વર્કઆઉટ કરનારા જીમના અન્ય સભ્યોએ જણાવ્યું હતું કે, તે ટોપી પહેરીને કસરત કરે છે. અભિનેતા ડમ્બેલ્સ કે બારબેલ્સથી કસરત કરે  કે પુસ-અપ્સ અને પુલ-ડાઉન્સ કરે પણ તેના માથા પરથી ટોપી ઉતરતી નથી.

જો કે આ અંગે ખુલાસો કરવાનું શાહિદે ટાળ્યું હતું. પણ તેના ટ્રેનર અબ્સાસ મહેરાઝીએ કહ્યું હતું કે, 'મૂળભૂત રીતે તો ટોપી પહેરવાથી દેખાવ ખેલાડી જેવો બને છે.  પોતાના વિચારોને દર્શાવામાં યોગ્ય વસ્ત્રો મદદરૂપ બને છે તે વાતમાં હું દ્રઢપણે માનું છું. અને હું મારા ક્લાયન્ટને પણ આ જ સલાહ આપું છું. શાહિદ જીમમાં આવવાની તૈયારીના ભાગરૂપે ટોપી પહેરે છે. ઘણા લોકો વાંદરાટોપી પહેરે છે અને ઘણા બેઝબોલ ટોપી પહેરે છે. જો તમે ઉચિત્ત કપડાં પહેર્યાં હશે તો તમને પોતાને ગમશે. અને તમે વર્કઆઉટ પણ સારી રીતે કરી શકશો.'

મોટે ભાગે તો પોતાની ફિલ્મની રજૂઆત પૂર્વે ફિલ્મમાંનો પોતાનો દેખાવ જાહેર ન થઈ જાય તે માટે અભિનેતાએ ટોપી પહેરવા જેવા પેંતરા અજમાવવા પડે છે. જોકે, અભિનેત્રીએ પોતાનો દેખાવ છુપાવવા વધુ મહેનત કરવી પડતી નથી. તેઓ હેરસ્ટાઈલ કે ચહેરા પર થોડો ફેરફાર કરી પોતાનો લુક બદલાવી શકે છે. હિરોઈનોએ ટોપી પહેરીને ફરવાની જરૂર પડતી નથી.

આજથી લગભગ ચાર દાયકા પૂર્વે 'ગાઈડ' ફિલ્મમાં પહેલી વખત અભિનેતા દેવઆનંદે આગળના ભાગથી થોડી નમેલી ટોપી પહેરી હતી. ત્યારબાદ પણ થોડી ફિલ્મોમાં દેવ આનંદ ટોપીમાં જોવા મળ્યા હતા. અને તેમને કારણે તે સમયના યુવાનોમાં ટોપી પહેરવાની ફેશન શરૂ થઈ હતી. 'મૈને પ્યાર કિયા' ફિલ્મમાં પ્રેમ (સલમાન ખાન) અને સુમન (ભાગ્ય શ્રી) પહેલાં મિત્રો બને છે અને તેમણે પહેરેલી 'ફ્રેન્ડ્સ' લખેલી ટોપી યુવાવર્ગમાં ખાસ્સી લોકપ્રિય થઈ હતી. 'દિલ હૈ કિ માનતા નહિ' માં રઘુ જેટલી (આમિર ખાન)નો દેખાવ ટોપી વગરનો અધૂરો જ લાગત. 'ગુલામ'માં પણ ટપોરી બોક્સર સિધ્ધુ અથવા સિધ્ધાર્થ (આમિરખાન) ટોપી વગર સારો લાગતો નહોતો. છેલ્લે 'આપ કા સુરુર' ફિલ્મમાં અભિનેતા હિમેશ રેશમીયા ટોપીમાં જોવા મળ્યો હતો અને તેના લીધે ટોપી પહેરવાની ફેશન પાછી ફરી હતી. ગત વર્ષે અભિષેક બચ્ચન પોતાની હેરસ્ટાઈને બેઝબોલ કેપ નીચે છુપાવતો હતો. 'રાવણ' ફિલ્મ માટે અભિષેકે ક્રૂકટ હેરસ્ટાઈલ રાખી હતી. પણ ત્યારે 'દોસ્તાના' ફિલ્મને પ્રમોટ કરવાની હોવાથી અભિષેક બેઝબોલ કેપ પહેરતો હતો.

'કાઈટ્સ' ફિલ્મ માટે હૃતિક રોશને પણ વાળને વધાર્યા હતા. અને વધેલા વાળને ટોપીની નીચે છુપાવતો હતો. આ પૂર્વે ફરહાન અખ્તરની 'લક્ષ્ય' માટે હૃતિકે હેરસ્ટાઈલ બદલાવી હતી અને ત્યારે સુધ્ધાં તે ટોપી પહેરતો હતો. 

ગાયક-અભિનેતા હિમેશ રેશમીયાના વાળ ઉતરી રહ્યા હતા અને તે હેર વિવિંગ ટ્રીટમેન્ટ કરાવવાનો હતો. પોતાની આ ઉણપ જાહેર ન થાય તે માટે હિમેશે પહેલી ફિલ્મમાં ટોપી પહેરી હતી. 'કર્ઝઝઝ....'ના નિર્માણ સમયે તો હિમેશના હેર વિવિંગ અને વિગ્સ કિટના સમાચાર અવારનવાર ચમકતા હતા. જો કે હિમેશ તો પોતાના ટોપીવાળા લુકનો શ્રેય ફિલ્મના દિગ્દર્શકને આપે છે 'દિગ્દર્શકે મારો આ લુક નક્કી કર્યો હતો અને તેને સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવવાનો નિર્ણય કર્યો હતો. મોટે ભાગે કલાકારો ફિલ્મમાંનું પોતાનું લુક છુપાવવા માટે ટોપી પહેરે છે પણ હું તો મારો દેખાવ જાહેર કરવા ટોપી પહેરતો હતો' એમ હિમેશે કહ્યું હતું.

હવે પોતાની આગામી ફિલ્મમાં ટોપી પહેરવાની જરૂર નથી. એટલે હિમેશ ટોપી પહેરેલો ખાસ જોવા મળતો નથી.

પાશ્ચાત્ય દેશમાં કોલીન ફેરેલ, ડેનીયલ ક્રેગ, જસ્ટીન ટીમ્બરલેક, લિઓનાર્ડો ડી કેપ્રિઓ, સ્ટીવન સ્પિલબર્ગ અને મિકી રુશ્કે જેવા કલાકારો અને દિગ્દર્શક પણ વિવિધ પ્રકારની ટોપી પહેરવાને કારણે અનોખી ઓળખ ધરાવે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dc6BDj
Previous
Next Post »