નડિયાદ : આજે ૮મી માર્ચ હોવાથી ખેડા જિલ્લામાં ઠેરઠેર મહિલાદિવસની ઉજવણીઓ યોજાઈ હશે. ઘણે સ્થાને મહિલાઓનાં ગુણગાન ગાતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ જોવા મળશે. સ્કૂલોમાં શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે મહિલાઓ વિશેની કવિતાઓ અને નિબંધોના પાઠો કરાવશે તો કોલેજમાં યુવાનો પાસે મહિલાને કેન્દ્રમાં રાખીને ઈવેન્ટની ગોઠવણ થતી જોવા મળશે.
સામાજિક સંસ્થાઓ દ્વારા આજના મહિલા દિવસે જરૂરતમંદ મહિલાઓને જરૂરી ચીજવસ્તુઓની સુવિધાઓ પૂરી પાડવાના ઉપક્રમ યોજાશે તો કોર્પોરેટ સીએસઆરવાળાઓ દ્વારા મહિલાઓના અધિકારોની જાગ્રતિ બેનરો લગાડવામાં આવશે.
શહેરોમાં મહિલા દિવસની ઉજવણીની હોહા વચ્ચે ગ્રામીણ શ્રમિક મહિલાઓનું ગૌરવ ગાવાનું મોટાભાગ રહી જતું હોય છે. મોટાભાગે ખેતી,પશુપાલન અને ગ્રામીણ સમાજવ્યવસ્થાથી સંચાલિતખેડા જિલ્લાની તળની મહિલાઓનો જુસ્સો જ જુદો જોવા મળે છે. અહીંની ગ્રામીણ મહિલાઓમાં ખેતી, ઘર અને પશુપાલન બધું જ એકલે હાથે સુપેરે સાચવી લેવાની અદભુત આવડત જોવા મળે છે. મેનેજમેન્ટના કોઈ પાઠ ભણ્યા વગર બધું જ મેનેજ કરી લેતી આ મહિલાઓ નામપૂરતું સ્કૂલી શિક્ષણ ધરાવતી હોય છે અને છતાં ગ્રામીણ વ્યવસ્થાપનમાં યુનિવર્સિટીના સ્કોલરોને પછાડી દે તેવી તેમની આવડત હોય છે. અબળા નારીની છબીને તોડીફોડી દેતી આવી શ્રમિક મહિલાઓના ગૌરવની ચોક્કસ ઉજવણી થવી જોઈએ. અને હા, તે ઉજવણીમાં તેમની જાગ્રતિની વાત તો ઠીક, પણ મૂળે તેમનામાં રહેલી આવડતો અને કાબેલિયતોને બીજા સુધી કેવી રીતે પહોંચાડવી તે માટેના આયોજન કરવા જોઈએ.
આશા રાખીએ ક્યારેક કોઈ મહિલાદિવસ એવો પણ આવશે જે આવી ગ્રામીણ અને શ્રમિક મહિલાઓનાં ગુણગાન પણ ગાતો હોય અને તેમની પાસેથી શિખવા મળે તેટલું જ્ઞાાનનું ભાથું ભેગું પણ કરતો હોય.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ipfb0
ConversionConversion EmoticonEmoticon