નડિયાદ : કોરોનાને પગલે ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી મેળાની ઉજવણી બંધ રખાતા ભક્તોમાં ઉદાસીની લાગણી પ્રસરી ગયેલી જોવા મળે છે. તેટલો જ ભારે ધ્રાસકો ફાગણી પૂનમના મેળામાં વર્ષભરની રોજી કમાતા ડાકોરના અનેક વેપારીઓને લાગ્યો છે. સાથેસાથે છેક અમદાવાદ-વડોદરા અને આસપાસના બીજા વિસ્તારોમાંથી ડાકોર સુધી ઠાકોરજીના દર્શને આવતા પગપાળા સંઘો અને તમામ રસ્તાઓમાં યોજાતા સેવાકેન્દ્રોના આયોજકોને પણ ફટકો પડયો છે. આ નિર્ણયને લીધે ડાકોરના સ્થાનિક વેપારીઓમાં નાનામોટા વેપાર મળી આશરે ૨૦ કરોડ રૂપિયાનું નુકસાન જવાની ભીતિ વ્યાપી ગઈ છે. આસપાસના વિસ્તારોમાં મળી કુલ ૫૦૦થી વધુ વેપારીઓ આ નિર્ણયથી પ્રભાવિત થઈ શકે છે.
ખેડા જિલ્લાના પવિત્ર તીર્થસ્થળ ડાકોર મંદિર લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આમ તો દર પૂનમે ડાકોરમાં ઉત્સવનો માહોલ હોય છે અને ઠેરઠેરથી પૂનમે ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે. જોકે વર્ષની બધી પૂનમો એક તરફ અને ફાગણી પૂનમ - હોળી પૂનમ એક તરફ. વરસમાં સૌથી વધારે ભક્તોનો ધસારો પણ ફાગણી પૂનમને દિવસે જ થાય છે. પૂનમને દિવસે જ આશરે ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઠાકોરજીના દર્શન કરે છે અને ત્રણ-ચાર દિવસ ચાલતા મેળામાં ભક્તો ડાકોરમાં આવી ધન્યતા અનુભવે છે. જોકે આ વખતે કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા ટેમ્પલ કમિટી સાથેની બેઠક પર ફાગણી પૂનમનું સમગ્ર આયોજન મોકૂફ રાખવાનો આદેશ આપ્યો છે. આ સમાચાર આવતા ડાકોરના સ્થાનિકોમાં અને જિલ્લાભરના ભક્તોમાં ઉદાસીની લાગણી આવી ગઈ હતી. લોકમુખે સરકાર અને વહીવટી તંત્રના વિચિત્ર વલણ વિશે પણ ચર્ચાઓ જામી છે. સ્થાનિકોમાં થતી વાતો પ્રમાણેે એક તરફ વેક્સિન નહોતી આવી છતાં ચૂંટણીના મહિનાઓમાં તંત્રએ બધાને ભરપૂર છૂટછાટ લેવા દીધી છે, હજારો લોકોને ભેગા થતાં રોજેરોજ આયોજનો થવા દીધાં, જાહેરસભાઓ ભરવી દીધી, ઉમેદવારોને ઘરેઘરે ફરવા દીધા અને બીજી તરફ લાખો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો ફાગણી પૂનમનો મેળો બંધ કરી દેવામાં આવ્યો. જૂનાગઢમાં મહાશિવરાત્રીએ યોજાતો મેળો આ વખતે સાદાઈપૂર્વક અને સાવચેતીઓ લઈને યોજાવાનો છે, ત્યારે ખેડાના ભક્તોમાં પણ એ ગણગણાટ સંભળાઈ રહ્યો છે કે આવી જ રીતે ફાગણી પૂનમના મેળાનું આયોજન આપણે ત્યાં કેમ ન થઈ શકે?
ગઈ કાલે જિલ્લા કલેક્ટરના આદેશથી ડાકોર મંદિરને ૨૭, ૨૮ અને ૨૯ માર્ચે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ૨૮ માર્ચે હોળી પૂનમ છે. આ દિવસોમાં મંદિરમાં બંધબારણે પૂજા-અર્ચના કરવામાં આવશે. આ કારણે હોળી પૂનમ અને મેળાના ત્રણ-ચાર દિવસોમાં વેપાર કરીને વર્ષભરની રોજીરોટી રળી લેતા વેપારીઓને જબરજસ્ત ફટકો પડયો છે. ડાકોર નગરમાં વેપાર કરતા નાનામોટા વેપારીઓ ઉપરાંત અમદાવાદ-વડોદરા અને બીજા વિસ્તારોમાંથી પગપાળા ચાલીને ડાકોર આવતા રસ્તાઓમાં યોજાતા સેવાકેન્દ્રો સાથે સંકળાયેલા લોકો પણ આ વર્ષે પ્રભાવિત થાય એમ છે. ડાકોર નગરમાં આશરે ૧૦૦ જેટલા પાનના ગલ્લા આવેલા છે, જેમની હોળી પૂનમને દિવસે આવક કુલ ૨,૫૦,૦૦૦ જેટલી થાય છે. તે દિવસે અબીલ-ગુલાલના વેપારીઓની આવક ૧,૭૦,૦૦૦ જેટલી થાય છે. રસ્તામાં આવતા ભંડારોઓમાં અનાજ સપ્લાય કરનારાઓની આશરે ૭૦થી ૭૫ લાખ રૂપિયા સુધીની આવક પણ આ વર્ષે પ્રભાવિત થાય એમ છે. મેળાના દિવસો દરમિયાન રસ્તાઓમાં આશરે ૧૦ લાખ રૂપિયાના પાણીના પાઉચ વેચાય છે. ડાકોરની હોળી પૂનમ અને મેળાના દિવસોમાં મળી કુલ ૪૦૦ જેટલી બસો સરકાર વધારાની દોડાવતી હોય છે અને માત્ર આ બસોમાંથી આશરે ૪૦થી ૪૫ લાખ રૂપિયા જેટલી આવક થતી હોય છે. આ સ્થિતિમાં સેવાકેન્દ્રોના મંડપ સપ્લાયર અને ડેકોરેશનવાળાઓને આશરે ચારથી પાંચ લાખ રૂપિયાનું નુકસાન જવાની ભીતિ છે.
પગપાળા ડાકોર જતાં સંઘો માટે ખેડા જિલ્લાના રાસ્કાથી ખાત્રજ ચોકડી સુધી જ નાનામોટા ૩૨ જેટલાં મોટાં સેવાકેન્દ્રો હોય છે. ખાત્રજથી મહુધા સુધી અને મહુધાથી ડાકોર સુધી ૧૦૦ જેટલા નાનાંમોટાં કેન્દ્રો ગોઠવાય છે. આ માર્ગો પર ૧૨ મોટાં સેવાકેન્દ્રો ઊભા કરવામાં આવે છે, જ્યાં સવારસાંજ બન્ને વખત પૂરી જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ કેન્દ્રોમાં ચાપાણી નાસ્તો, ભોજન, આરામની સુવિધા ઉપરાંત જરૂર પડે તો મેડિકલ સુવિધાઓ પણ આપવામાં આવે છે. ખાત્રજ ચોકડીથી ગાયોના વાડા સુધીમાં દર બે કિલોમીટરે એક વિસામો બનાવવામાં આવે છે. સેવાકેન્દ્રોમાં ગરમાગરમ રોટલાશાકનું ભોજન ઉપરાંત ગરમ પાણીઅ ન્હાવાની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. ડાકોરમાં ગાયોના વાડા ફાર્મથી મંદિર સુધી મગશની ૨૦૦ જેટલી તાત્પૂરતી દુકાનો બનાવવામાં આવતી હોય છે. આ દુકાનોમાં મળી કુલ આશરે ૩૦૦૦ ડબ્બા ઘીનો મગશ બનાવીને વેચે છે. ડાકોરમાં આવેલા ૩૦ જેટલાં ગેસ્ટહાઉસ અને ૧૨ જેટલી મોટી હોટલો આ દરમિયાન ફૂલ થઈ જાય છે. શહેરની ધર્મશાળાઓ પણ આ દરમિયાન ભરેલી હોય છે. અબીલગુલાલના વેપારીઓને ત્યાં, પ્રસાદીના બોક્સ ભરવા, સાકરિયાની થેલીઓ ભરવા વગેરે માટે સેંકડો સ્થાનિક યુવાનો જોડાય છે અને તાત્પૂરતી આવક મેળવે છે. મંદિરમાં ફાગણી પૂનમને દિવસે આશરે ૩ લાખ લાડુની પ્રસાદી બનાવવામાં આવે છે. ગત વર્ષે આશરે ૩૦ લાખ રૂપિયાની પ્રસાદી વેચાઈ હતી. આટલો વ્યાપક વેપાર ધરાવતી ફાગણી પૂનમની ઉજવણી બંધ રાખવામાં આવતા ડાકોરવાસીઓમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળે છે.
ગત ફાગણી પૂનમે આશરે પાંચ લાખ ભક્તો દર્શને આવ્યા હતા. મેળામાં ૧૦ લાખ જેટલા ભક્તો જોડાયા હતા. જોકે આ વરસે જિલ્લા કલેક્ટરના આદેશ સાથે જ મહેમદાવાદના રાસ્કાથી લઈન ડાકોર સુધીના વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. ડાકોરમાં હોળી રમીને મોટાભાગના ભક્તો ગળતેશ્વર મહાદેવમાં નદીએ સ્નાન કરવા જતાં હોય છે એટલે ડાકોર સાથે ત્યાંના વેપારીઓને પણ આ નિર્ણયથી ફટકો પડવાનો છે. શ્રદ્ધાળુઓમાં તીવ્ર આ નિર્ણય પાછો ખેંચવાની લાગણી જોવા મળી રહી છે. દર ફાગણી પૂનમે ડાકોરની પગપાળા યાજ્ઞાા કરતા ભક્તોના જણાવ્યા પ્રમાણે સરકારને જો તેમના કાર્યક્રમોમાં કોરોનાની સાવચેતી લઈ શકાતી હોવાનો વિશ્વાસ હોય તો લોકોની આસ્થા સાથે જોડાયેલા આવા અવસરોમાં પણ સાવચેતીના પગલાં લઈને ઉજવણીની પરવાનગી આપવી જોઈએ.
નાના વેપારીઓને કેટલું નુકસાન
૧૦૦ જેટલા પાનના ગલ્લાઓ ૨,૫૦,૦૦૦ રૂપિયા
અબીલ-ગુલાલના વેપારીઓ ૧,૭૦,૦૦૦ રૂપિયા
અનાજના વેપારીઓ ૭૦થી ૭૫ લાખ
પાણીના પાઉચના વેપારી ૧૦ લાખ
મંડપ સપ્લાયર અને ડેકોરેશનવાળા ૫ાંચ લાખ
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30mLUOU
ConversionConversion EmoticonEmoticon