કાયા લંગડી પણ સંગીત સૂરીલી


- લંગડી ઘોડી લાલ લગામ : 7

- 'લઈ જા' એમ કોઈને કહેવું નહિતે એટલું લઈ જશે કે આપનાર બાંડું થઈ જશે

સં ગીત જામતું ન હતું. તૂંબડી એક હતી તેની બે કરી. તે પર હર પ્રકારના રેસા, દોરા, વેલા, તાર લગાડયા. બાણ જેવા રાવણહથ્થાથી તે પર લસરકા માર્યા.

સૂર નીકળે જ નહિ. સાદ બહાર આવે જ નહિ.

સંગીતની રણઝણાટી ઊભી થાય જ નહિ.

સંગીતકારે એટલા પ્રયાસો કર્યા,

જાતજાતના કિમિયા અજમાવ્યા.

કરામતોનો પાર નહિ.

પવનને જોયો. વૃક્ષોને જોયા. હાલતી ડોલતી ડાળીઓનો ગૂંજારવ સાંભળ્યો. પણ પોતાના વાજિંત્રમાંથી ટેંઉ પેંઉ કંઈ જ બહાર ન આવ્યું.

પોતે ગાયક હતો. વાજિંત્ર વગર એમને એમ જ ગાન શરૂ કર્યું. પણ અધૂરું લાગ્યું. વાદન વગરનું ગાન સૂનું જ લાગે.

સંગીતકાર તંત છોડે તેવો ન હતો. જ્યાં જ્યાંથી સંગીત સંભળાતું ત્યાં ત્યાં તે પહોંચી જતો. નદી, સાગર, મંદિર, ઘંટારવ, પક્ષીઓ, પવન, વાદળાં, તમરાં! બધાં પાસે પોતપોતાનું સંગીત હતું. પણ કોઈ તેને સૂરાવલિઓ આપી શકે તેમ ન હતું.

ઈં-હીં-હીં-હીં..!

કોઈનો હસવાનો અવાજ સંભળાયો. જોયું તો એ લંગડી ઘોડી હતી.

''હસે છે શું, લંગડી? તું કંઈ મને સહાય થોડી જ કરવાની છે?''

લંગડીએ માથું હલાવીને 'હા' કહ્યું.

''તું  મને સંગીત આપશે? તું?''

'હા'માં માથું હલાવ્યું ઘોડીએ.

સંગીતકાર પૂછે : 'આ તારી લાલ લગામ નહિ ચાલે, સમજી? એવા જાડા દોરડામાંથી સંગીત પેદા થતું નથી. એવા દોર હાંકવામાં કામમાં આવે, સંગીતમાં નહિ.'

લંગડીએ માથું  ગોળગોળ ફેરવ્યું.

તે કહેતી હતી : ''હું લાલ લગામની વાત કરતી જ નથી.''

''ત્યારે?''

માથું હલાવી લંગડીએ કેશવાળી ધૂણાવી.

પૂંછડીનો ફુવારો બનાવી ગોળગોળ ફેરવ્યો.

''એટલે કે કેશ? કેશવાળીનાં અને પૂંછડીના?''

ફરીથી ગરદન અને પૂંછડીના તાર જેવા લાંબા લાંબા વાળ હલાવી ઘોડી કહે : 'હા.'

બધાં પશુઓમાં ઘોડાઓની કેશવાળી અને પૂંછડીનાં આકાર પ્રકાર જુદા જ હોય છે. સિંહની કેશવાળી ખરી પણ અશ્વ જેવી નહિ. અને પૂછડાં તો ગાય, ભેંસ, ગરદભ, ઝીબ્રા, હાથીના ય હોય છે. પણ જે તે પશુના પૂંછડાં તેમની માખી ઊડાડવા કામ લાગે. તેમાંથી કંઈ સંગીત પેદા થાય નહિ.

અબોલ અશ્વિનિએ બોલતી વાત કહી દીધી.

સંગીતકારને સમજતા વાર લાગી. ઊછળ્યો. કૂદ્યો. દોડયો. કાતર લઈ આવ્યો. પહેલાં અશ્વિનિની પૂંછડીમાંથી એક બે વાળ લીધા. તૂંબડાં સાથે બાંધી જોયા. કંઈક આશા બંધાઈ. પોતાના ધનુષને ય અશ્વતારનું બંધન આપ્યું. તૂંબડીના તાર પર ધનુષ-તાર ઘસાતાં સંગીત વહેવા લાગ્યું. ઝીણું ઝીણું, તીણું તીણું.

પહેલાં એકતારો વગાડી જોયો. ધનુષથી બરાબર ન વાગ્યું. પણ આંગળીથી રણઝણ પેદા થઈ.

તુંમ્મ... તૂંમ્મ...તૂંમ્મ...તૂંમ્મ..!

કલાકાર તો તે હતો જ. તંબૂરામાંથી ભજન છેડયું :

''તૂં હી... તૂંહી... હો તાર પ્રભુજી

તૂં હી... તૂંહી.. હો સાર પ્રભુજી

તૂં હી... તૂંહી.. હો વિચાર પ્રભુજી

તૂં હી... તૂંહી.. હો વિસ્તાર પ્રભુજી

તૂં હી... તૂંહી.. હો ગાન પ્રભુજી

તૂં હી... તૂંહી.. હો તાન પ્રભુજી

એકતારો રણઝણતો ગયો.

તંબૂરો ઝણઝણતો ગયો.

સંગીતકારના હાથમાં અલ્લાદીનનું જાદુઈ ફાનસ આવી ગયું. તેને થયું કે એક તારનો જો એકતારો વાગે તો બે તારનો બેતારો કેમ ન વાગે.

ત્રણ તારનો ત્રિતારો અને ચાર તારનો ચતુસ્તારો.

પાંચ તારના પંચમ સૂર અને છ તારના ષષ્ટમ્ સૂર.

સાત તારના સપ્તમ રાગ અને આઠ તારના અષ્ટમ રાગ.

ઘોડીના તાર તે મેળવતો ગયો.

ધનુષને જોડતો ગયો. તૂંબડાંઓના આકાર પ્રકાર બદલતો ગયો.

કરામતમાંથી કૌશલ્ય સૂઝ્યું.

કૌશલ્યમાંથી વિજ્ઞાન સ્ફુર્યું.

તેણે તો લંગડી ઘોડીના તાર મેળવી મેળવીને સિતાર બનાવી. વાયોલિન બનાવી, ગિટાર બનાવી, વીણા બનાવી, દિલરૂબા બનાવી, અરે તંતૂ વાદ્યની આખી સંગીતશ્રેણી ઉભી કરી દીધી.

હજી નવી શોધો, નવા તરંગો, નવા વાજિંત્રો માટે તે કાતર લઈને દોડયો.

પણ ઘોડી ક્યાં?

લંગડી ક્યાં?

ઘોડીએ માનવજાતને સંગીત આપ્યું. પણ માનવજાત પર ઉપકાર કરવામાં તેને ઉતાવળ  થયેલી લાગી!

ભલા ઘોડીની પૂંછડીનાં, ઘોડીની કેશવાળીના બધાં વાળ તે કાપ્યા જ કરે, કાપ્યા જ કરે, વાજિંત્રોની તંતૂકોણી તે બનાવ્યા જ કરે. તો પછી ઘોડીનું શું થાય? કેશવાળી અને પૂંછડી વગરની ઘોડી તમે જોઈ છે ખરી?

''ઓ લંગડી! ઓ બાંડી! ઓ સંગીતની દેવી!!! ઓ સંગીતની સરસ્વતી!! ઓ સંગીતની તાની..!! સંગીતકારની આદ્ય આરાધનાને શોધવામાં તમે મદદ કરશો?''



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3susowd
Previous
Next Post »