મોટ્ટામાં મોટ્ટું એપ્રિલ .


- એપ્રિલ ફૂલ સત્યમ્ તો ન જ બનાવે, એવી બધાંની માન્યતા હતી. છતાં બધાંએ હચમચાવી નાખી એ સાચાબોલા સત્યમને પૂછ્યું જ : ક્યાં છે ? ક્યાં છે તારી એ વિશાળ છત્રી?

- ગપ્પું જ મારવું હોય તો નાનું ગપ્પું શાને મારી દો ને આજે મોટ્ટામાં મોટ્ટું ગપ્પું

બા ળક અને સરકાર એ બે માં કંઈ બહુ ફરક નથી ! સરકાર જે કંઈ બનાવે છે તે મોટું જ બનાવે છે.

દુનિયાથી મોટ્ટું બીજા બધાથી મોટ્ટું. ક્યારેય કોઈએ નહિ જોયું હોય તેવડું મોટ્ટું.

મોટા નેતા એવું બોલશે, એટલે તેમના સાથીઓ સમર્થન કરશે. મોટામાં મોટું પૂતળું !

ના, અમેરિકાનું સ્ટેચ્યૂ ઓફ લીબર્ટી નહિ.

એ સ્ટેચ્યૂ તો ફ્રાન્સે મૈત્રી ભાવે અમેરિકાને આપેલું. તેને સ્ટેચ્યૂ ઓફ ફ્રેન્ડશીપ કહેવું જોઈએ ! પણ 'લીબર્ટી' થી વળી મોટ્ટી ચીજ કઈ હોય ? એટલે એ 'સ્ટેચ્યૂ ઓફ લીબર્ટી' થઈ ગયું.

ફ્રાન્સનો એફિલ ટાવર કે આઈફીલ ટાવર. લોખંડની તોતીંગ ઊંચી ઇમારત. એનાથી મોટી પોલાદી પેરીસ સીડી કોઈએ બનાવી નથી.

દુબઈનો બુર્જ, એટલે કે બુર્જ ખલીફા. મોટ્ટી મોટ્ટી એવડી મોટ્ટી ઇમારત કે જોતાં ટોપી પડી જાય, જો પહેરી હોય તો !

પણ ભારત કોને કહ્યું છે ? મહાભારતથી મોટ્ટું યુધ્ધ કદી ક્યાંય 

લડાયું છે ?

ભારતની સરકારે બનાવ્યું સરદાર વલ્લભભાઈ પટેલનું પૂતળું. મોટ્ટામાં મોટ્ટામાં ય મોટ્ટું. જેની જોડ જડે નહિ. જેની સ્પર્ધા થાય જ નહિ. હજી સરકારની છાતી ફૂલી ન હતી. ફાળકો થયો ન હતો.

અને તૈયાર થઈ ગયું. મોટ્ટામાં મોટ્ટું ક્રિકેટ સ્ટેડિયમ. લોર્ડ્ઝ તેની આગળ બચ્ચું લાગે. એટલું મોટું કે લાખ, દોઢ લાખ પ્રેક્ષકો આસાનીથી બેસી શકે. નામ તેનું અપાયું મોદી સ્ટેડિયમ.

હવે જે કાંઈ થશે તે મોટ્ટું જ થશે. મોટ્ટો દેશ મોટ્ટી લોકશાહી, મોટ્ટું રામ-મંદિર મોટ્ટા પૂલ, મોટ્ટી સ્કૂલ, મોટ્ટી નદી, મોટ્ટો પર્વત, મોટ્ટો કુંભ મેળો, મોટ્ટા તહેવાર ! ઉમેરે જાવ, ઉમેરે જાવ !!

અત્યારે જે બાળકો ભેગા થયા હતા, તેઓ સરકારથી કંઈ ઉતરે તેવા ન હતા ! તેઓ બધાં જ આ મોટ્ટાની મોટ્ટી મોટ્ટાઇની રમત રમતા હતા. મોટ્ટો બળદ, મોટ્ટો ઘોડો, મોટ્ટો હાથી, મોટ્ટી ખિસકોલી, મોટ્ટી સાયકલ, મોટ્ટી રીક્ષા, મોટ્ટી બસ, મોટ્ટું વિમાન, મોટ્ટું હેલી, મોટ્ટી ટોપી, મોટ્ટા પગરખાં, મોટ્ટું પુસ્તક, મોટ્ટું મસ્તક, મોટ્ટું ઝાડૂ, મોટ્ટી કાતર, મોટ્ટી કુહાડી, મોટ્ટી કરવત ! જેના મનમાં જે આવ્યું તેને મોટ્ટાઈ બક્ષીને બાળકો જીતવા લાગ્યા. ત્યાં જ સત્યમે પૂછ્યું : 'તમે કોઈએ મોટ્ટી છત્રી જોઈ છે ?

બધાંએ આશ્ચર્ય વ્યક્ત કર્યું : 'કેવડી મોટી ?

સત્યમ કહે : એવડી મોટી કે તેનું વર્ણન જ ન થઈ શકે !

કોઈ મંદિરની હશે, રામની હશે, હનુમાનની હશે, કોઈ દેવીની હશે, કોઈ વૈતાળની હશે...

બાળકોએ કલ્પના દોડાવી.

સત્યમ્ કહે : બધાની છે અને કોઈની નથી પણ છે ખરી અને છે મોટ્ટી મસ.

તું બતાવી શકે?

'ચાલો

સત્યમ્ બધાંને લઈને ચાલ્યો. બધાં ચાલતાં રહ્યાં : પૂછતા રહ્યાં : ક્યાં છે ? ક્યાં છે ? અલ્યા ક્યાં છે ?

એક લાંબાં અંતરે જઈ. સત્યમ્ થોભ્યો. બધાં થોભ્યા પૂછવા લાગ્યા. છે ક્યાં ? બતાવને અલ્યા સતિયા ?

ચાલો, સત્યમે કહ્યું : બધાં ચાલ્યા-પાછા હતા. ત્યાં ને ત્યાં આવીને રોકાઈ ગયા. અકળાયેલા જૂથે પૂછ્યું : ક્યાં છે ? છે ક્યાં ? ત્યાંથી અહીં અને અહીંથી ત્યાં ફેરા ફેરવે છે, તે બતાવતો કેમ નથી ? ગપ્પાં મારે છે ? એવડી મોટી છત્રી છે જ નહીં, એમ જ કહી દેને !

એક વાત માનવા જેવી હતી : સતયમ્ કદી ગપ્પાં મારે નહીં. બધાંએ પૂછ્યું : અલ્યા સતિયા ! એપ્રિલ ફૂલ બનાવે છે ? ક્યાં છે ?

એપ્રિલ ફૂલ સત્યમ્ તો ન જ બનાવે, એવી બધાંની માન્યતા હતી. છતાં બધાંએ હચમચાવી નાખી એ સાચાબોલા સત્યમને પૂછ્યું જ : ક્યાં છે ? ક્યાં છે તારીએ વિશાળ છત્રી ? છત્રી શું ક્યાં છે તારો એ છતરો ?

સત્યમ્ કહે : 'શું ખરેખર તમે નથી જ જોઈ શક્તાં ? તે ત્યાં હતી, અહીં છે 

બધે છે.

બધાં છોકરાંઓએ તેને મારવા લીધો. બોલ ગપ્પીદાસ, બોલ ક્યાં છે ? નહિ તો...

અમ્પાયરની જેમ સત્યમે આંગળી ઊંચી કરી.

બધાં તેની ઊંચી આંગળીની દિશાએ ઊંચે જોવા લાગ્યા.

સત્યમ્ આંગળી ઊંચી ઊંચી ઊંચી કરતો જ રહ્યો.

બધાંએ અકળાઈને, અધીરાઈથી કહ્યું : 'માથું દુ:ખ્યું અલ્યા ! ગરદન રહી ગઈ ! આંખો ખેંચાઈ ગઈ. કંઈ દેખાતું નથી. ક્યાંય દેખાતી નથી તારી એ મોટ્ટી મોટ્ટી મોટ્ટી છતરી ?

સત્યમ્ કહે : જે નથી દેખાતી એ જ છે દુનિયાની, સંસારની બ્રહ્માંડની પૃથ્વીના ગોળાની મોટ્ટામાં મોટ્ટી છત્રી.

'એટલે તું આકાશની વાત કરે છે ?

'હા, સત્યમે કહ્યું : 'આકાશ એજ છે એ અલૌકિક અદ્ભુત, અવર્ણનીય આકાશી છત્રી. એ છત્રી હેઠળ બધું જ અને બધ્ધાં જ ઉભા રહ્યા છે. ચાલે છે, હરે ફરે છે, શિવે જીવે છે, ખાય છે, પીએ છે...

સત્યમ્ તો પછી એ આસમાની છત્રીના કે છત્રના નિબંધ, નિર્બંધી વર્ણનો કરતો જ રહ્યો.

સહુ બાળકો અચંબિત થયા. પણ સત્યમને ખોટ્ટો કહી શકયા નહી. તે બધાં જ (અને આપણે સરુ) એપ્રિલ ફૂલ થયા હતા (અને ન યે થયા હતા !) પણ સત્યમ્ એટલે સત્યમ્ । ખરો બનાવી ગયો બધાંને! જ્યારે સત્ય કે સત્યમ્  April Fool  બનાવે છે ત્યારે બધાંને, ઇચ્છા નહિ હોવા છતાં, હસવું જ પડે છે. આસમાની છત્રીનું આસમાની રહસ્ય આસમાની હાસ્ય, આસમાની ભાસ્ય ! ફૂ-ઉ થઈ જતું આસમાની ફાસ્ય !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31nxRJo
Previous
Next Post »