હોળી-ધૂળેટીનો સંદેશ .


- 'આ બધા વડીલો નિયમો ભલે બનાવે, પણ આપણે તો પાળવાના નથી.' કજીયાળી કાગડીનું બચ્ચું બોલ્યું

- આપણે ત્યાં રંગોત્સવ દરમ્યાન આસપાસના વનમાંથી અનેક વન્ય પશુ પંખી ઘૂળેટી રમવા આવે છે. આવી પરિસ્થિતિમાં મહામારીનું સંક્રમણ વધવાની શક્યતા વધી જાય. માટે ધૂળેટીના રંગોત્સવનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે 

આ જે 'તપોવન' જંગલમાં વન્યપશુઓની સભા ભરાઈ હતી. આજની સભામાં હોળી-ધૂળેટી ઉત્સવ વિષે ચર્ચા થવાની હતી. સભામાં મંત્રીમંડળને બેસવા માટે મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. અને વન્ય પશુ-પંખીઓને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. પીવા માટેના પાણીની ઉત્તમ વ્યવસ્થા તરીકે મોટીમોટી કોઠીઓ ભરવામાં આવી હતી. સભામાં હાજરી ભરનાર સર્વ પશુપખીઓ માટે ભોજનની વ્યવસ્થા ચિત્તાભાઈ અને વરૂભાઈએ સંભાળી લીધી હતી. સભાની વ્યવસ્થાનું સઘળું આયોજન વિશુવાઘના નેજા હેઠળ બધા જ પશુઓએ કર્યું હતું. સભામાં ઉપસ્થિત રહેનાર મંત્રીગણના સ્વાગતનું કામ મોર, ઢેલ, સારસ અને સારસીએ સંભાળી લીધું હતું.

વનમાં આજે ખુશીનો માહોલ હતો. બધા જ પશુપંખીઓ નવા નવા વસ્ત્રો પરિધાન કરીને સભામાં સમયસર પધાર્યા અને સ્થાન ગ્રહણ કરીને બેસી ગયા. થોડીવાર પછી વનરાજા બહાદુરસિંહ. તેમના મંત્રીમંડળ સાથે પધાર્યા : શિયાળની યોજના મુજબ બહાદુરસિંહનું સ્વાગત હારતોરાથી કરવામાં આવ્યું. મંત્રીમંડળના બધા મંત્રીઓનું સ્વાગત ગુલાબના ફૂલ આપીને કરવામાં આવ્યું. ઉપસ્થિત રહેલા બધા જ સભ્યોએ ઉભા થઈને તેમનું અભિવાદન કર્યું, પછી બધા પોતાના સ્થાને ગોઠવાઈ ગયા.

સભાની શરૂઆતમાં કોયલે પોતાના મીઠા સ્વરે ગણેશસ્તુતિ ગાઈ. સસલી, હરણી અને વાંદરીએ મંગલગીતો ગાયા પછી સભાની કાર્યવાહી શરૂ થઈ. શિયાળે ઉભા થઈને બધાની સમક્ષ આજની સભાની કાર્યવાહી અંગે માહિતી આપી, અને પછી બહાદુરસિંહને પ્રવચન આપવા વિનંતી કરી બહાદુરસિંહે ઉભા થઈને પ્રવચન આપવા વિનંતી કરી બહાદુરસિંહે ઉભા થઈને પ્રવચન શરૂ કરતાં કહ્યું, 'વ્હાલા પ્રજાજનો, આજે આપણે હોળી-ધૂળેટી ઉત્સવ વિષે ચર્ચા કરવાની છે. તમે બધા જાણો છો આ વખતે બધે મહામારી ફેલાયેલી છે. કેટલાય લોકો મહામારીના શિકાર બનીને મોતને ભેટયા છે. વળી પંખી જગતમાં પણ 'બર્ડફલુ''નામની બિમારી ફેલાઈ અને આપણાં કેટલાય સગા-સ્નેહી, મિત્રો અને વનના સભ્યો મૃત્યુને ભેટયા છે.

મહામારીનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે કેટલાંક પગલાં લેવા આવશ્યક છે. આ વખતે મંત્રીમંડળે એવું નક્કી કર્યું છે કે હોળી-ધૂળેટીમાં રંગોત્સવનું આયોજન ના કરવામાં આવે. ધૂળેટીના દિવસે રંગોત્સવ દરમ્યાન બધાં ભેગાં થાય ત્યારે માસ્કની મર્યાદા ના જળવાય. પરસ્પર જોઈએ તેટલું અંતર પણ ના રહે, રંગવાળા પાણીથી બધા પલડે, માંદા પડાય, નાના બચ્ચાંઓને શરદી થવાનો ભય રહે. વળી આપણે ત્યાં રંગોત્સવ દરમ્યાન આસપાસના વનમાંથી અનેક વન્ય પશુ પંખી ઘૂળેટી રમવા આવે છે. આવી પરિસ્થિતિમાં મહામારીનું સંક્રમણ વધવાની શક્યતા વધી જાય. માટે ધૂળેટીના રંગોત્સવનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે તમને બધાને મારી વાત યોગ્ય લાગી હશે.

'મહારાજ, ધૂળેટીના દિવસે કોરા રંગોથી રમવામાં આવે તો ?' હસુ હરણ બોલ્યો.

'આપણાં ત્યાં અમુક લેભાગુ વેપારીઓ આયનાના રંગ અને પિચકારીઓ ઘુસાડવામાં માહિર છે. વડી કચેરીએ તેમને ના પાડી હોવા છતાં આ કામ કરે છે. ઘણીવાર કેટલાંક રંગો હઠીલા અને ઘાતક સાબિત થાય છે. માટે કોરા રંગોનો ઉપયોગ ન થાય તો સારું. સગાસ્નેહીઓ, મિત્રો, પરિવારના બધા જ સભ્યોના કપાળે કોરા કંકુથી તિલક દ્વારા શુકન કરી લેવાના રહેશે. બહાદુરસિંહે બધાને સમજાવતાં કહ્યું.

'આપની વાત તદ્દન સાચી છે. અમે બધા આપની સૂચનાનું પાલન અવશ્ય કરીશું અને બધાની પાસે કરાવીશું' ડાહયો ડુક્કર અને રિતુ રીંછ બોલ્યા. સભાના ખૂણામાં બેઠેલા વન્યપશુના અમુક બચ્ચાને આ વાત અને  નિયમ પસંદ ના પડયા.

'આ બધા વડીલો નિયમો ભલે બનાવે, પણ આપણે તો પાળવાના નથી.' કજીયાળી કાગડીનું બચ્ચું બોલ્યું.

'વરસમાં એકવાર રંગોથી રમવા મળે, અને તેમાં પણ નિયમો-' વનુ વાંદરાનું તોફાની બચ્ચું બોલ્યું.

'સાચી વાત છે, આપણે બધા છાનામાના રમીશું કોઈને ખબર પણ નહીં પડે' વરૂનું બચ્ચું બોલ્યું. આ તોફાની બચ્ચાનાં નિર્ણયમાં દિપુ દિપડા અને ગિજુ ગોરીલાના બચ્ચાઓએ પણ સાદ પુરાવ્યો.

થોડીવારમાં સભા સમાપ્ત થઈ, બધા જ પશુઓ અને પંખીઓ ભોજનસમારંભ પતાવીને પોતપોતાના ઘરે પાછા વળ્યાં. બીજા દિવસે આ તોફાની બચ્ચાંઓની એક ગુપ્ત સભા ભરાઈ. આ સભામાં નક્કી થયું કે રંગોની ખરીદી વરૂ અને દિપડાના બચ્ચાં કરશે. ધૂળેટીના દિવસે રંગોત્સવ ઉજવવા રંગીન પાણીના હોજ વનુ વાંદરો અને ગિજુ ગોરીલાનું બચ્ચું તૈયાર કરશે. પિચકારીઓ લાવવાનું કામ કજીયાળી-કાગડીના બચ્ચાંને સોપવામાં આવ્યું. આ તોફાની મંડળે ધૂળેટી માટે તૈયારી શરૂ કરી દીધી. બચ્ચાંઓએ પોતાના પૈસાના ગલ્લા ખંખેરીને પૈસા કાઢી લીધા. અને ખરીદી શરૂ કરી અત્યાર સુધી વાર-તહેવારે ખરીદીનું કામ ઘરમાં વડીલો કરતાં હતાં એટલે ખરીદી કરતાં આવડતી નહતી, પરંતુ બધા જ કાર્ય ગુપ્ત રાખવાના હતાં. ખરીદી પતાવી બધા હોળી-ધૂળેટીની રાહ જોવા લાગ્યા.

હોળી-ધૂળેટીનો તહેવાર આવી ગયો. વનરાજા બહાદુર સિંહના પુત્ર બકુરાજે બધાને સમજાવતાં કહ્યું,'આ વનમાં બધાં જ વૃક્ષો આપણાં મિત્ર છે, તેમને હણીને હોળી ઉત્સવ ઉજવવો જોઈએ નહીં.' બહુ જ મોટી હોળી પ્રગટાવવા માટે આપણાં વૃક્ષમિત્રોનું નિકંદન ના કઢાય, તેને બદલે જો નકામી કે સૂકી ડાળીઓથી નાની હોળી પ્રગટાવી શકાય તો ઘણું સારું. આપણાં મિત્રોને વેદના અને દુ:ખ ના પહોંચાડાય. વન્ય પશુઓ અને પંખીઓને બકુરાજની વાત યોગ્ય લાગી એટલે નાની હોળી પ્રગટાવી તેની પૂજા કરવામાં આવી ગરીબોને ધાણીચણા, ખજૂર, હાયડા વગેરેના દાન આપી બધા વિખરાયા.

ઘૂળેટીના દિવસે રંગોત્સવ કરવાનો ન હોવાથી બધા મોડે સુધી ઊંઘતા હતાં, ત્યારે તોફાની બચ્ચાંઓનું મંડળ વહેલું જાગ્યું, અને છાનામાના ઘરમાંથી બહાર નીકળી રહેણાંકથી દૂર આવી ગયું, અને રંગીનપાણીના હોજ તૈયાર કરી નાખ્યા. કજીયાળી કાગડીનું બચ્ચું બોલ્યું,

'આપણે ફક્ત ચાર-પાંચ જણાં જ હોળી રમીશું, પરંતુ જો થોડા વધારે મિત્રો આવે તો મજા પડે.'

'વાત તો સાવ સાચી છે.. ઉભા રહો હું એક યુક્તિ કરું છું' આટલું બોલીને વનુ વાંદરાનું બચ્ચું ત્યાંથી વિદાય થયુ, અને તે છાનુમાનું સસલા, હરણાં અને ખિસકોલીના બચ્ચાંને મિઠાઈ અને મીઠાંમીઠાં ફળ ખવડાવવાની લાલચ આપી ત્યાં ખેંચી લાવ્યો. નાદાન બચ્ચાંઓ મિઠાઈ અને ફળ ખાવાની લાલચે ત્યાં આવી ગયા, પણ રંગના પાણીવાળા હોજ જોઈને સમજી ગયા કે દાળમાં કંઇક કાળું છે, અને પાછા ભાગવા લાગ્યા. વરૂ અને દિપડાના તોફાની બચ્ચાઓએ તેમને પકડીને હોજમાં નાંખ્યા. સસલાં, હરણાં અને ખિસકોલી બચ્ચાં ગભરાઈને રાડારોળ કરતાં હોજમાંથી કૂદીને બહાર આવવા પ્રયત્ન કરવા લાગ્યા. કોઈપણ દિવસ ખરીદીનો અનુભવ ન હોવાથી વરૂ અને દિપડાના બચ્ચાં છેતરાઈ ગયાં હતા. હાનિકારક હલકાં મરચાંવાળા રંગને કારણે સસલાં, હરણાં અને ખિસકોલીના બચ્ચાં શરીર પરની બળતરાને કારણે જોરજોરથી રોવા લાગ્યા, વળી ભીના થવાના કારણે તેમને ઠંડી લાગતી હતી. થોડીવારમાં વનમાંથી વન્યપશુઓ અને પંખીઓ દોડી આવ્યા, તેમને આખી વાત સમજાઈ ગઇ. વનના જાણીતા વૈદ ઘોરીઘુવડને બોલાવવામાં આવ્યો, ઘોરીઘુવડે વનસ્પતિ જન્ય દેશીદવાની ઉપયોગ કરી પીડિત બચ્ચાંઓનો ઇલાજ શરૂ કર્યો.

બહાદુરસિંહના હુકમથી તોફાની મંડળીના બચ્ચાંઓને પકડીને તેમના હાથપગ બાંધી દેવામાં આવ્યા. કાનુનમંત્રી સમુસમડીએ તેમને કાયદાના ઉલ્લંઘન બદલ આખો દિવસ ભૂખ્યાં-તરસ્યા રાખવાની સજા કરી. તોફાની મંડળીના પરાક્રમથી તેમના માતા-પિતાના મસ્તક ઝૂકી ગયા, તેમાંથી કોઈએ પણ પોતાના બચ્ચાંનો પક્ષ ના લીધો. વનુ વાંદરો અને ગિજુ ગોરીલો બોલ્યા, 'કાનૂન બધાને માટે સમાન હોય છે, અને ગુનેગારે તેની સજા ભોગવવી રહી.' તોફાની મંડળીના બચ્ચાંઓને આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહેવું પડયું.

વાચક બાળમિત્રો, આપણાં દેશના ઉત્સવો અને તહેવારો આપણને આપણી સંસ્કૃતિનું દર્શન કરાવે છે. બધાએ હળીમળીને પ્રેમથી તેને ઉજવવા જોઈએ, પરંતુ જ્યારે દેશમાં સ્થિતિ સામાન્ય ન હોય, દેશ કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થતો હોય ત્યારે તહેવારો અને ઉત્સવો દરમ્યાન સરકારે આપેલી ગાઈડલાઈનનું પાલન કરવું આપણી ફરજ છે.

- ભારતી પી.શાહ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dekCjw
Previous
Next Post »