રાજકીય મેદાનમાં 'લાલ લિપસ્ટિક'ને ઊણી આંકવાની ભૂલ કરવા જેવી નથી

- 'મહિલાઓ ઢીંગલી નથી હોતી. જે પુરુષો સ્ત્રીઓને ઉતારી પાડે છે તેમને છેલ્લા કેટલાંક દિવસોમાં સમજાઈ ગયું છે કે એકતા ભયને હરાવી દે છે અને અમે તેને હરાવીશું.'


થોડા સમય પહેલા સ્પેનના સોશ્યલ મીડિયા પર રાતા રંગની લિપસ્ટિક લગાવેલા સ્ત્રી-પુરુષોના ફોટાઓ તેમ જ વિડિયોએ ધૂમ મચાવી દીધી હતી. આપણને સહેજે એમ થાય કે કોઈ ચેલેન્જ પૂરી કરવા લાલ લિપસ્ટિક લગાવેલી સેંકડો સ્ત્રીઓના ફોટાઓ કે વિડિયો જોવા મળે તે સ્વાભાવિક છે, પરંતુ પુરુષો સુધ્ધાં તેમાં જોડાય તે થોડું વિચિત્ર લાગે.

પરંતુ વાત જાણે એમ હતી કે થોડા સમય પહેલા પોર્ટુગલમાં ચાલી રહેલા રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર દરમિયાન ફાર રાઇટ ચેગા પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર આંદ્રે વૈતુરાએ એક રાજકીય સમારોહ દરમિયાન લેફ્ટ બ્લોકની રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર મરીસા મેટિયાસ પર સેક્સી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે 'ઇમેજ અને પરફોર્મન્સની વાત કરીએ તો લાલ લિપસ્ટિક લગાવે તે ઢીંગલી જેવી હોય.' વાસ્તવમાં વૈતુરાએ આ નિવેદન મરીસાને નબળી પુરવાર કરવા આપ્યું હતું, પરંતુ તેમના પાસાં ઊંધા પડયાં. તેમના આ નિવેદન પછી થોડા કલાકમાં સ્પેનનું સોશ્યલ મીડિયા લાલ લિપસ્ટિક લગાવેલા સ્ત્રી-પુરુષોના ફોટાઓ અને વિડિયોથી ભરાઈ ગયું.

વૈતુરાના આવા નિવેદનનો લોકોએ આ રીતે વિરોધ કરતાં બતાવી આપ્યું હતું કે મહિલાઓને નબળી સમજવાની ભૂલ કરવા જેવી નથી. મરીસાએ સ્વયં વૈતુરાને જડબાતોડ જવાબ આપતાં કહ્યું હતું કે 'મહિલાઓ ઢીંગલી નથી હોતી. તેઓ માથું ઊંચુ કરીને લડે છે અને જે પુરુષો સ્ત્રીઓને ઉતારી પાડે છે તેમને છેલ્લા કેટલાંક દિવસોમાં સમજાઈ ગયું છે કે એકતા ભયને હરાવી દે છે અને અમે તેને હરાવીશું.'

એવું નથી કે પુરુષપ્રધાન માનસિકતા ચોક્કસ દેશોમાં જ જોવા મળે છે. દેશ ચાહે વિકસિત હોય કે વિકાસશીલ, મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરવાની કે તેમને હીન સમજવાની માનસિકતા સર્વત્ર એક્સમાન રીતે જોવા મળે છે. થોડા સમય પહેલા અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પણ આવી પુરુષપ્રધાન માનસિકતા છતી થઈ હતી.

તે વખતે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર રંગભેદી અને સેક્સી ટિપ્પણીઓનો મારો ચાલ્યો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસને 'ટોટલી અનલાઈકેબલ (તદ્દન અનિચ્છનીય), મોન્સ્ટર (ચુડેલ), ક્રોધી, નીચ જેવા અપમાનજનક શબ્દોથી નવાજી હતી.

ટ્રમ્પના ચૂંટણી પ્રચાર સલાહકાર સમિતિના એક સભ્યએ તેમને અસહ્ય, ખોટાડી, કૂતરી સુધ્ધાં કહી હતી. આવી જ ઘટના ગયા વર્ષે અમેરિકાના હાઉસમાં જોવા મળી હતી. તે વખતે અમેરિકાની સૌથી યુવાન પ્રતિનિધિ કોંગ્રેસ મહિલા એલેકઝેંડ્રિયા ઓકાસિયા કાર્ટેજે હાઉસમાં પોતાના વિચારો વ્યક્ત કર્યાં ત્યારે અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ટેડ યોહોએ નીચતાની હદ કહી શકાય એવા શબ્દો વડે તેને ઉતારી પાડી હતી. તેમણે  એલેકઝેંડ્રિયા માટે જે શબ્દો પ્રયોજ્યા હતા તે અહીં લખવાનું શક્ય નથી તેના પરથી જ સમજાય છે કે વિકસિત ગણાતા દેશોમાં વસતા પુરુષોના વિચારો પણ કેટલા 'અવિકસિત' છે.

આપણા દેશની જ વાત કરીએ તો ગઈ લોકસભા ચૂંટણીમાં બે ખૂબસુરત બંગાળી અદાકારાઓ મિમી ચક્રવર્તી અને નુસરત જહાં ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. તેમને ડેનિમ પહેરવા તેમ જ સ્ટાઈલિશ દેખાવા બદલ સોશ્યલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. તે વખતે નેટિઝનોએ લખ્યું હતું, 'આ બંને જણી મત માગી રહી છે, પરંતુ તેઓ શર્ટ ઉતારીને નાચશે તોય અમે તેમને મત નહીં આપીએ. જો કે આ બંને મહિલા ઉમેદવારો પર તેની કોઈ અસર ન થઈ. તેઓ ચૂંટણીના મેદાનમાં અડગ બનીને ઊભી રહી અને ભારે બહુમતિથી સંસદમાં પણ પહોંચી.

તેમણે પોતાના વિરોધીઓને જડબાતોડ જવાબ આપતાં કહ્યું હતું કે અન્ય પક્ષના લોકોને એમ લાગી રહ્યું હતું કે અમે સાડી અથવા સલવાર પહેરીશું તો જ કામ કરી શકીશું. જો અમે ડેનિમ પહેરીશું તો અલગ વ્યક્તિ બની જઈશું અને કામ નહીં કરી શકીએ. શું આમ થવું શક્યા છે ? ખરેખર તો લોકોની કામુક વિચારસરણી જ મહિલાઓની કાબેલિયતને તેમના બાહ્ય દેખાવ અને પરિધાન વડે માપે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3enbV99
Previous
Next Post »