બિપાશા અને કરણ પ્રેમ અને સંબંધની નવી વ્યાખ્યા આપે છે

- અમારી પ્રેમ કથા કોઈ ફિલ્મી વાર્તા જેવી હતી. ઘડીક અમે સાથે હતા તો ઘડીકમાં નહોતા. ઘરની જવાબદારી, સમાજ, પરિવાર આ બધી બાબતો મનમાં ખટકો પેદા કરતી હતી.


શું લગ્ન અને પ્રેમ બંને એક જ વસ્તુ છે? એક રિલેશનશીપમાં કેટલી મર્યાદા હોવી જોઈએ? ૨૦૧૬માં પરણેલા બિપાશા બસુ અને કરણ સિંઘ ગ્રોવર આ બાબતે ખુલ્લા મનથી ચર્ચા કરે છે.

પોતાના પ્રેમ જીવન વિશે બિપાશા કહે છે કે અમારી પ્રેમ કથા કોઈ ફિલ્મી વાર્તા જેવી હતી. ઘડીક અમે સાથે હતા તો ઘડીકમાં નહોતા. ઘરની જવાબદારી, સમાજ, પરિવાર આ બધી બાબતો મનમાં ખટકો પેદા કરતી હતી. પણ એક વાર મેં એને છોડી દેવાનો નિર્ણય લઈ લીધો. ત્યારે મને એની સાથેના સંબંધનું મહત્વ સમજાયું. મને અહેસાસ થયો કે કરણ વિના હું જીવી નથી શકતી. આ જ મારો સાચો પ્રેમ છે. અને મેં બધું જ છોડીને એની સાથે સંંબંધ બાંધવાનું નક્કી કરી લીધું. આ જ મારી પ્રેમ કહાની છે.

કરણે પણ પોતાની પ્રેમ કહાનીમાં આવી જ લાગણી દર્શાવી છે. તે કહે છે કે હું કદી પણ મારા દિલની વાત કોઈને કહેતો નથી. પણ બિપાશા સાથે અચાનક હું મારી તમામ અભિવ્યક્તિ છતી કરવા લાગ્યો. આ સંબંધ એવો હતો જેની આપણે આખી જીંદગી સુધી રાહ જોતા હોઈએ છીએ. પણ તમને જ્યારે આવો સંબંધ મળે છે ત્યારે તમે એને ઓળખી નથી શકતા. પણ હું એટલો મુરખ નહોતો. મેં મારા પ્રેમને ઓળખી લીધો.

વેલેન્ટાઈન ડે વિશે કરણ કહે છે કે મોટાભાગના લોકો આને પ્રેમીઓના તહેવાર તરીકે ઉજવે છે. આવા દિવસે પરણિત યુગલની કોઈ વાત નથી કરતું. પણ વેલેન્ટાઈન ડે તમારા પ્રિયજન સાથે તમારા વહેવારનો તહેવાર છે. તમારા પ્રેમને અનેક પાસા હોય છે જેની જાણ તમને લગ્ન પછી જ થાય છે.

બિપાશા પણ આવી લાગણી વ્યક્ત કરતા કહે છે કે હમેંશા વેલેન્ટાઈન ડેના રોજ હું મારી માતાને ફૂલો મોકલું છું અને મારા માતાપિતા તેમની પોતાની રીતે ઉજવણી કરે છે. અમે બહેનો પણ એકમેકને શુભેચ્છા આપીએ છીએ તેમજ અમે સાથે ભોજન કરીને આનંદ માણીએ છીએ. વેલેન્ટાઈન ડે એટલે માત્ર હું અને કરણ નહિ પણ સમગ્ર પરિવાર સાથે ઉજવણી કરીએ છીએ.

શું લગ્ન કરવાથી કે લિવ ઈનમાં રહેવાથી પ્રેમની અભિવ્યક્તિમાં ફેરફાર આવે છે? એવા સવાલના જવાબમાં બિપાશા કહે છે કે ચોક્કસ લગ્ન કે લિવ ઈનમાં રહેવાથી તમે તમારા પાર્ટનર વિશે બેફિકર બની  જાવ  છો. પણ એ ખોટું છે. લગ્ન તમને વધુ નચિંત બનાવે છે પણ તમારી રિલેશનશીપમાંથી રોમાન્સ ઓછો ન થવો જોઈએ. કદાચ તેનું સ્વરૂપ બદલાઈ શકે. ફિલ્મની જેમ તમે રોમાન્સ ન કરો પણ એકમેક સાથે તમારો સમય જરૂર પસાર કરી શકો.

કરણ પણ બિપાશાના મંતવ્યનો પડઘો પાડતા કહે છે કે  લગ્ન તમને તમારા પાર્ટનર બાબતે નચિંત કરી નાખે છે.

વેલેન્ટાઈન ડે જેવા દિવસે અપરણીત પર વધુ પ્રેશર આવે છે એવી માન્યતા છે. બિપાશા આ બાબતે નારાજગી વ્યક્ત કરતા કહે છે કે આપણો ઉછેર એવી રીતે થયો છે કે જો તમને લાઈફ પાર્ટનર નથી મળ્યો તો તમે નિષ્ફળ ગયા છો. આ માન્યતા ખોટી છે. જે સિંગલ હોય છે તે પણ વેલેન્ટાઈન ડે જેવા દિવસની ઉજવણી પોતાના મિત્રો, પરિવાર સાથે કરી શકે છે. જ્યારે હું સિંગલ હતી ત્યારે વેલેન્ટાઈન ડેના દિવસે એકલી જ ઉજવણી કરતી. મારે જે સિંગલ છે તેને એટલો  જ સંદેશ આપવો છે કે ક્યારે પણ ઉદાસ નહિ થતા. જીવનમાં પ્રેમની કમી નથી. તમને કુદરતે જે આપ્યું છે તેમાં ખુશ રહો.

કરણ પણ બિપાશા સાથે સહમત થતા કહે છે કે હું જ્યારે સિંગલ હતો ત્યારે કદી પણ વેલેન્ટાઈન ડેના દિવસે નિરાશા નથી અનુભવી. તમે જેને પ્રેમ કરો છો તે તમારા પ્રત્યે આકર્ષાશે જ.

લોકો પ્રેમની અભિવ્યક્તિ મોંઘી ભેટ આપીને કરતા હોય છે. પણ બિપાશા કહે છે કે મને ફૂલ અથવા બલૂન આપીને પણ કરણ પ્રેમ વ્યક્ત કરે તો ફરિયાદ નથી. તેનો આશય મહત્વનો છે, ભેટની કિંમત નહિ. ક્યારેક તે મારા માટે કવિતા લખીને પ્રેમ વ્યક્ત કરે છે. અમે સાડા છ વર્ષથી સાથે છીએ પણ અમે હજી પણ સાથે સમય વિતાવીને ખુશ રહીએ છીએ.

કરણ કબૂલે છે કે આ બાબતમાં અમે થોડા કંજૂસ છીએ. અમે મોંઘી ગિફ્ટના સ્થાને સાથે ડિનર કરવું કે સાથે કોઈ ગેમ રમવાનું વધુ પસંદ કરીએ છીએ. અમે જ્યારે એકમેકથી દૂર હોઈએ ત્યારે વીડિયો કોલ કરીને વાત કરીને ખૂશ થઈએ છીએ. અમારા સંબંધનું આ શ્રેષ્ઠ પાસુ છે કે અમને એકમેકની કંપની ગમે છે.

સંબંધ જ્યારે કથળે ત્યારે ઘણા કહે છે કે તમારા સંબંધને સુધારવાની કોશિશ કરો. શું આવું શક્ય છે? બિપાશાના મતે સંબંધ સુધારવાની કોશિશ ન થઈ શકે. તે અનાયાસે થાય છે. તેના માટે કોશિશ નથી કરવી પડતી. તમારા પ્રેમનો પાયો મજબૂત હોય, તમારી વચ્ચે મિત્રતા હોય તો તમારે સંબંધ સુધારવો નથી પડતો, તે આપમેળે સુધરી જાય છે.

કરણના મતે  બંને વચ્ચે જ્યારે મતભેદ સર્જાય અને ઝઘડો થાય ત્યારે જે મનથી મજબૂત હોય તેણે માફી માગી લેવી જોઈએ. પણ કરણ કબૂલે છે કે બિપાશા હમેંશા સાચી હોવાથી તેણે જ માફી માગવી પડે છે.

બિપાશા પણ કહે છે કે કોઈપણ રિલેશનશીપ કાયમી રાખવા માટે  માફી માગવી અને માફ કરવું મહત્વનું છે. પણ માફી સાથે સુધરવાની ભાવના હોય તો જ માફી અર્થપૂર્ણ છે. અન્યથા હું સોરી શબ્દને નફરત કરું છું.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/387K2h1
Previous
Next Post »