આચાર્ય પદ એટલે વિશ્વમાં જૈન ધર્મ પ્રસારવાની જવાબદારી

- આચાર્ય પદે પહોંચી રહેલા મુનિ ઉદયરત્નવિજયજી સરસ વિચારક છે, સર્જક છે, અને ઉત્તમ કવિ છે

- ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ 17 મહિને જ્યારે વિહારની વેળા આવી ત્યાં સુધી તો આખા હિન્દુસ્તાનની નજર કલકત્તામાં બિરાજમાન પૂજ્યશ્રી ઉપર હતી.


ધ ર્મ ગુરુ ધર્મનું વહન કરે. ધર્મસાધક ધર્મની ઉપાસના કરે. ધર્મ ગુરુની પવિત્ર પ્રતિભા સૌને ધર્મલાભ લેવાની પ્રેરણા કરે.

હજારો વર્ષના ઈતિહાસમાં સૈકે સૈકે પ્રભાવશાળી ધર્મ ગુરુઓ જૈન શાસનને મળ્યા અને અસંખ્ય આત્માઓને જૈન શાસનને મળ્યા અને અસંખ્ય આત્માઓને ધર્મ માર્ગે દોર્યા.

જેમની શાંત પ્રતિભાનો પ્રભાવ મેં જોયો છે અને અનુભવ્યો છે તેવા એક મહાન જૈનાચાર્ય શ્રીરામસૂરીશ્વરજી (ડહેલાવાળા) હમણાં જ થયા. તેમની જીવન કથાના પ્રસંગો તેમના પ્રશિષ્ય શ્રી ઉદયરત્નવિજયજી ગણિએ લક્યા છે તે વાંચીએ છીએ ત્યારે મન પ્રસન્ન થઈ જાય છે : સૂરિરામ એટલે સૂરિરામ નામના ગ્રંથનો એક પ્રસંગ જુઓ :

શાસન પ્રભાવના માટે જેટલાં જાગૃત હતાં ગુરુદેવ! એટલાં જ જાગ્રત આરાધના માટે પણ હતાં.

એ કહેતાં : 'એવી પ્રભાવકતા શું કરવાની કે જ્યાં આરાધકતા ખોવાઈ જાય?' આવા પૂજ્યશ્રી પ્રભાવક પણ એટલાં જ રહ્યાં હતાં. કોઈ પણ જાતના પ્રયત્ન વિના કે આયાશ વિના તે પ્રભાવક બની શક્યાં હતાં.

સુરતમાં પ્રથમ ચાતુર્માસ! ૪૫-૪૫ દિવસની ઐતિહાસિક વિહારયાત્રા કરીને અમદાવાદથી પધાર્યાં હતાં. કૈલાસનગર સંઘને ખૂબ ઉલ્લાસ!

સારામાં સારી પત્રિકા છપાવીએ, જોરદાર પ્રવેશ કરાવીએ. પરંતુ સાહેબજીએ એક વાક્ય દ્વારા એ આશા પર ઠં...ડુ પાણી ફેરવી દીધું. કહ્યું : 'એક પણ પત્રિકા છપાવવાની નથી.'

તમારે ચાતુર્માસની જરૂર છે ને?

હું તમારે ત્યાં આવી જઈશ. પછી શું? પત્રિકાની શી જરૂર!

અને એમ  જ થયું. ઘણી વિનંતી કર્યા પછી પણ ગુરુદેવ ન માન્યા. વગર પત્રિકાએ ચાતુર્માસ પ્રવેશ થયો.

પ્રવેશમાં માનવ મહેરામણ કેટલો? ૮૦૦૦ ! આ એક ઈતિહાસ હતો.કોઈપણ જાહેરાત વિના જબરજસ્ત માનવ મેદની વચ્ચે પૂજ્યશ્રીએ પ્રવેશ કર્યો. સાચ્ચે જ પૂજ્યશ્રી 'મૂક પ્રભાવક' હતાં. રામસૂરિજી મહારાજ શાંત વ્યક્તિત્વ ધરાવતા હતા. એમના જીવનનો બીજો કિસ્સો જોઈએ :

નહીં માનો, રામસૂરીશ્વરજી દાદાની આ વાત, છતાં ય માનવી પડશે.

વાત છે વિ.સં. ૨૦૩૨-૩૩ની પ્રભાવકતાની વાતો ઘણી સાંભળી હશે.

પણ સાચા પ્રભાવકપણાનો અનુભવ તો કલકત્તાની પ્રજાએ કર્યો.

એ વખતે રામસૂરિ મ.નું ચાતુર્માસ કલકત્તા કેનીંગસ્ટ્રીટમાં! (વિ.સં. ૨૦૩૨)શાસન પ્રભાવનાનું વિશિષ્ટ અને મહત્ત્વનું કામ એવું આવ્યું કે આક્ષેપબાજી અને વિરોધના વંટોળ વચ્ચે પૂજ્યશ્રીએ સતત ૧૭ મહિના એક જ ઉપાશ્રયમાં સ્થિરતા કરી.

આખું કલકત્તા ગાંડું થયું - પૂજ્યશ્રી પાછળ! ઉપાશ્રયમાં પ્રવેશ કર્યા બાદ ૧૭ મહિને વિહારની વેળા આવી ત્યાં સુધી તો આખા હિન્દુસ્તાનની નજર કલકત્તામાં બિરાજમાન પૂજ્યશ્રી ઉપર હતી.

પૂ. અભયદેવસૂરીશ્વરજી મ.સા. કહે છે કે ઉપરાઉપરના બે ચાતુર્માસ એ યાદગાર ચાતુર્માસ હતા. રોજબરોજની ઘટના અને પ્રત્યાઘાતો ઉપર શાસન આખાની નજર મંડાયેલી રહેતી.

પણ આખા સંઘના લાડ પ્યારને છોડીને જ્યારે વિહારની વેળા આવી ત્યારે કલકત્તા સંઘની લાગણીની ખબર જગતને થઇ, સંઘ સાથે પ્રયાણ કર્યું ત્યારે પૂજ્યશ્રીને મૂકવા માટે ૧૧,૦૦૦ માણસ આવેલું. (રીપીટ : ૧૧,૦૦૦) કેનીંગસ્ટ્રીટ અને બડાબજારનું અંતર ૧ કી.મી. છે. અને એ અંતર કાપતાં પૂજ્યશ્રીને બે કલાક લાગ્યા. ચારે બાજુ-જ્યાં જુઓ ત્યાં માણસ જ માણસ!

'ફરીથી કહું છું નહીં માનો.'

આ મેદની ૬ કી.મી. સુધી પૂજ્યશ્રીના પગલે પગલે ચાલી ત્યારે પૂ.શ્રીના ગુણોથી રંજિત થયેલાં સ્થાનકવાસી મહારાજ જયંતિલાલજી પણ આ અવસરે છેક સુધી સાથે રહ્યા.

ઘણી ઘણી ના પાડી ત્યારે માંડ માંડ ભીની આંખડીએ ''વહેલા વહેલા પધારજો''ની લાગણી દર્શાવી સહુ છુટા પડયા.

આ છે પૂજ્યશ્રીની પ્રભાવકતાની ઝાંખી..! જૈનાચાર્યશ્રી રામસૂરિજી ડહેલાવાળાના આવા સુંદર જીવન પ્રસંગો વાંચીએ છીએ ત્યારે ચારિત્રની સાધનાના માર્ગે ચડેલા શ્રમણ-શ્રમણી ભગવંતોને આરાધનાની અખૂટ પ્રેરણા મળે છે.

ગચ્છાધિપતિ આચાર્યશ્રી અભયદેવસૂરિજી અને તેમના શિષ્ય આચાર્ય રત્નચંદ્રસૂરિજી વિદ્વાન અને વ્યવહાર કુશળ હોવાથી જૈન સંઘમાં જ્યાં પણ પધારે છે ત્યાં સૌનો સ્નેહભાવ જીતે છે. તેમના શિષ્ય મુનિશ્રી ઉદયરત્નવિજયજી ગણિ સરસ સાહિત્યકાર છે. સરસ કવિ છે. આ મિલનસાર સાધુ ઉત્તમ સ્તવનો અને પ્રેરક ગીતો દ્વારા જૈન સંઘમાં લોકપ્રિય થયા છે. તેમણે રચેલા સ્તવનોની સંખ્યા પણ મોટી છે. આજથી ૨૦૦ વર્ષ પહેલા થયેલા શ્રી ઉદયરત્નજી વાચકે રચેલી સજ્ઝાયોની સંખ્યા પણ વિપુલ છે. એમ કહી શકાય કે પૂજાઓની રચનામાં પંડિત વીરવિજયજી, સજ્ઝાયોની રચનામાં પંડિત ઉદયરત્નજી, જેમ અનોખુ સ્થાન ધરાવે છે તેમ મુનિ ઉદયરત્નગણિજી સ્તવનોની રચનામાં અનોખું સ્થાન પ્રાપ્ત કરશે!

ટુંક સમયમાં આચાર્યના પદે પહોંચી રહેલા મુનિશ્રી ઉદયરત્નજી સાહિત્ય સર્જન પણ કરે છે. ક્યારેક એવો વિચાર આવે છે કે સાહિત્ય સર્જન કરી રહેલા મુનિવરોએ ગાંધી યુગીન સાહિત્યનું ખૂબ વાંચન કરવું જોઈએ. જે લેખક લખે ત્યારે પોતાના લેખનમાં ભાવુક થઈ જાય તે જલ્દી ભૂલાઈ જાય. આ મર્યાદા પ્રત્યેક લેખકે સમજવી પડે. જે વાચકને બુદ્ધિશાળી માનીને સાહિત્યમાંથી મળતી પ્રેરણાનો તંતુ વાચકના હાથમાં મૂકી દે તે વર્ષો સુધી ભૂલાતો નથી.

ઉદયરત્નજી આચાર્ય પદે પહોંચે છે ત્યારે તેમને આશીર્વાદ છે કે ખૂબ શાસન પ્રભાવના કરે અને આત્મ કલ્યાણ પામે. જૈન શાસનમાં આચાર્ય પદવી એટલે પંચપરમેષ્ઠીમાં ત્રીજા પદે સ્થાન મેળવીને એવી જવાબદારી લેવાની છે કે જેમાંથી સ્વ અને પરનું કલ્યાણ થાય તેવી પ્રવૃત્તિ કરવાનો મુગટ શિર પર ધારણ કરવો અને જૈન શાસનની પ્રતિષ્ઠા દિગંતમાં પ્રસારવી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3esGgmE
Previous
Next Post »