ભક્તિ રે કરવી જેને .

- એક ભક્તસમુદાય  એવો છે જે કોઈપણ હાલત અને સંજોગોમાં કોઈપણ પરિસ્થિતિમાં સપનામાં સુધ્ધા, ભક્તિ છોડવાનો વિચાર કરી શક્તી નથી.


ભા રતીય સમાજમાં ધાર્મિક ક્ષેત્રે ભક્તિ કરતા લોકોના સમૂહોમાં વિવિધ પ્રતિભાવો જોવા મળે છે. એક વર્ગ એવો છે કે જે ભક્તિ કરવાથી તેનું સુખદ ફળ પ્રાપ્ત થાય છે આવો વિશ્વાસ ધરાવે છે. બીજા વર્ગને ભક્તિના બદલામાં પોતાની પરિસ્થિતિ બદલાતી જોવા મળતી નથી. ભક્તિ કરતા ત્રીજા વર્ગના લોકોને ભક્તિ કરવા છતાં સમસ્યાઓ ઘટવાને બદલે વધતી જોવા મળે છે. સ્થિતિ વધારે દુ:ખદ અનુભવે છે અને ચોથો એક એવો ભક્તસમુદાય છે જે કોઈપણ હાલત અને સંજોગોમાં કોઈપણ પરિસ્થિતિમાં સપનામાં સુધ્ધા, ભક્તિ છોડવાનો વિચાર કરી શક્તી નથી.

ઉપરોક્ત ચારે ભક્ત સમુદાય વિષે થોડું ચિંતન મનન કરીએ..

(૧) પ્રથમ વર્ગના ભક્તલોકો ભક્તિને મનુષ્ય જીવનનું કર્તવ્ય માને છે. સફળતા માટે ભક્તને સહારો માને છે. સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ માત્ર ભક્તિ દ્વારા જ શક્ય છે આવી તેની સમજ હોય છે. પ્રભુભક્તિને આ વર્ગનાલોકો ફાયદારૂપ ગણે છે. આથી શ્રદ્ધા અને વિશ્વાસથી ભક્તિ કરતા રહે છે. પરિણામે જીવનમાં પ્રગતિ, લાભ, સફળતા, સુખ, શાંતિ અને આનંદની અનુભૂતિ કરતા રહે છે. તેઓમાં આત્મબળની નિરંતર વૃધ્ધિ થાય છે, તેઓ મનોવાંછિતફળ પણ પ્રાપ્ત કરતા જોવા મળે છે અને સરવાળે તેઓનું જીવન અન્યને માણે પ્રેરણારૂપ બને છે.

(૨) બીજા વર્ગના લોકો ભક્તિ તો કરે છે પણ બદલાની ભાવનાથી કરે છે. ભક્તિના બદલામાં મનોવાંછિત ફળ અવશ્ય મળવું જ જોઇએ. આવી મનોવૃત્તિ ધરાવે છે. આને કારણે ભક્ત અને ભગવાનનો સંબંધ એક ગ્રાહક અને વેપારી કક્ષાનો બની રહે છે. આથી કરીને 'કર્મના સિધ્ધાંત' મુજબ તેઓની આર્થિક, સામાજિક પરિસ્થિતિ બદલાતી નથી, જીવનમાથી દુ:ખો કે ચિંતા ઘટતા નથી તેમજ દરેક વખતે મનોકામના પુરી થતી નથી. સમસ્યાઓ વધતી તો નથી પણ ઓછી પણ થતી નથી, પરિસ્થિતિ 'જૈસે થે' જેવી બની રહે છે. પોતાની ઇચ્છાનુસાર ફાયદો જણાતો નથી, પરિણામ જોવા મળતુ નથી આમ છતાં ભવિષ્યમાં ભક્તિ લાભદાયક બનશે એ આશા સાથે આવા ભક્તો, ભક્તિને ત્યજી દેતા નથી.

(૩) આ ત્રીજા વર્ગના ભક્તિ કરતા લોકોના જીવનમાં 'કર્મફળ'ના સિધ્ધાંત મુજબ દુ:ખો, ચિંતાઓ, સમસ્યાઓ સ્થિર રહેવાને બદલે, ઓછી થવાને બદલે ઉલટી વધતી જોવા મળે છે. નવી ચિંતા જન્મે, ગેરલાભ થાય, નુકશાન થાય, શંકા અને અશાંતિમાં વૃધ્ધિ થવાનો અહેસાસ પણ થાય ! આમ છતાં કેટલાક ભવિષ્યના સુખના સપના સાકાર થવાના અનુમાન સાથે દુ:ખના રોદણા રડતા પડેલી સાત્વીક આદત મુજબ ભક્તિ છોડતા નથી.

આવા લોકો સાચી આધ્યાત્મિક સમજણના અભાવે, અજ્ઞાાાનતાને લીધે અને 'કર્મફળ'ના સિધ્ધાંતમાં સાચી શ્રધ્ધા ન હોવાથી આવા લોકો સંતોના જીવન ચરિત્રો કે શાસ્ત્રો વાંચવા ખાતર વાંચી જાય છે અને અન્ય પર પોતાનો પ્રભાવ પાડવા તર્કો, વિતર્કો અને તુતર્કોનો સહારો લે છે. બુધ્ધિના બળે દલીલો કરી પોતાની જાતને અને સામેની વ્યક્તિને છેતરતા હોય છે. આવી ભક્તિ માત્ર દંભ અને દેખાડો બની રહે છે.

મોટાભાગના લોકો તો આવી નિરાશાજનક સ્થિતિમાં ભક્તિને તિલાંજલી આપી નાસ્તિક બની રહેવાનું પસંદ કરતા હોય છે. આવા નાસ્તિકો ભક્તિને વ્યર્થ વ્યાયામ અને સમય, શ્રમ તથા સંપત્તિનો વ્યય સમજે છે. માનવ જીવનમાત્ર 'પેટ અને પ્રજનન' માટે જ મોજમજા કરવા મળ્યું છે માટે ઋણં કૃત્વા ધૃતં પિબેત્ ના ન્યાયે ફક્ત સાંસારિક ભોગો ભોગવી લેવામા જ એની દ્રઢ માન્યતા હોય છે. ઉપરાંત જગતનું બધુ જ સુખ માત્ર પોતાને જ એકલાને મળે આવો 'સ્વાર્થી દ્રષ્ટિકોણ' આવી નાસ્તિક વ્યક્તિઓમાં જોવા મળે છે.

(૪) ભક્તિના ચોથા વર્ગમાં આવતા ભક્તજનો શ્રેષ્ઠતમ શ્રેણિમાં આવે છે. બીજા મનુષ્યોની ઉણપો જોઇને પોતાની લાયકાત કરતાં પણ પ્રભુએ અધિક આપ્યું છે એવી પાયાની સંતોષજનક સમજણ સાથે શાંતિથી ભક્તિમય જીવન જીવતા હોય છે.

માત્ર ઇશ્વરના ઉપકારને યાદ કરવા, તેનો આભાર માનવા આવા ભક્તો માત્રને માત્ર પ્રભુનો પ્રેમ પ્રાપ્ત કરવા અને જીવનમાં આત્માનો આનંદ અને મનની શાંતિની પ્રાપ્તિ અર્થે સ્તોત્ર પાઠ, કીર્તન, જપ, પૂજા કોઈપણ સ્વરૂપે નિરંતર ભક્તિ કરતા રહે છે.

આવા પરમાત્માના ભક્તોની દ્રઢ માન્યતા હોય છે કે પશુ-પક્ષી, ઢોર તાલી પાડી શક્તા નથી, કથા શ્રવણ કરી શક્તા નથી, કીર્તન, જાપ, સ્વાધ્યાય કે સદકાર્ય એના નશીબમાં નથી આવું વરદાન કે આશીર્વાદ તો ઇશ્વરે પરમાત્માના રાજકુમાર અને પ્રાણીઓના મુકુટમણી એવા માત્ર મનુષ્યને જ આપ્યું છે.

આથી આવા ભક્તો, માનવ જીવનને સાર્થક કરવા કોઈપણ સમય, સંજોગ, પરિસ્થિતિ, સુખ કે દુ:ખમાં, લાભાલાભમાં, જય પરાજયમાં પણ પ્રભુની ભક્તિ છોડવાના ેવિચાર સ્વપ્નમાં સુધ્ધા કરતા નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qygTSz
Previous
Next Post »