ઠાસરાની મુખ્ય બેંકોમાં વિચિત્ર નિયમોથી ગ્રાહકોને ભારે હાલાકી


ઠાસરા : ઠાસરા શહેરની મુખ્ય બેન્કો વિચિત્ર નિયમો પર ચાલી હોવાની બૂમરાણ નગરજનોમાં મચી છે. ખરા બપોરે નાગરિકોએ બેન્કના ધરમના ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદો ઊઠી છે. બેન્કો ચોક્કસ સમયના બોર્ડ લગાવ્યા વગર વહેલી બંધ થઈ જતી હોવાનું લોકમુખે સાંભળવા મળી રહ્યું છે.

ઠાસરા નગરમાં રાષ્ટ્રીયકૃત બેન્કોની શાખાઓમાં સવારથી જ નગરજનોની ધસારો રહે છે. વૃદ્ધો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ સૌથી વધારે પ્રમાણમાં બેન્કનો ઉપયોગ કરતા હોવાથી બેન્કોની સુવિધા વધારવાની માગ વરસોથી નગરજનો કરી રહ્યા છે. લોકોમાં ઊઠેલી ફરિયાદો મુજબ બેન્કોની બહાર નિયમોની યાદીઓ ચોંટાડવામાં આવે છે, પણ તેનો અમલ ગ્રાહકો પાસે જ કરાવવાની ફરજ પડાય છે.

જાગ્રત નાગરિકો પાસેથી મળતી માહિતી મુજબ સામાન્ય રીતે બેન્કો બપોરે નાના બ્રેક સિવાય ચાલુ રહે છે અને બપોરે ત્રણ વાગ્યા પછી બેન્કો બંધ થાય છે. જ્યારે ઠાસરા શહેરની શાખાઓમાં ગ્રાહકોનો ધસારો હોવા છતાં બપોરે ૧-૩૦ વાગ્યે બેન્કો સદંતર બંધ કરી દેવામાં આવતી હોવાનું જોવા મળે છે. બીજી તરફ, ભાગ્યે જ કોઈ બેન્કોમાં ગ્રાહકોને ચપ્પલ બહાર કાઢીને આવવાની ફરજ પડાતી હશે, પણ ઠાસરાની બેન્કોમાં ગ્રાહકોને ચપ્પલ બહાર કાઢીને આવવાની સૂચના અપાયેલી છે. બેન્ક કર્મચારીઓ ચપ્પલ પહેરીને અંદર ફરી શકતા હોય છે, પણ લોકો માટે નિયમો જુદા છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે બેન્કોમાં સ્ટાફ પણ મોટા પ્રમાણમાં બિનગુજરાતી છે, જેથી હિન્દી-અંગ્રેજી ન જાણતા વૃદ્ધોને ભારે તકલીફ વેઠવાનો વારો આવે છે.

ઠાસરા શહેરમાં બેન્કો સામે ઊઠેલી ફરિયાદો

* બેન્ક બહાર લંચટાઈમના ચોક્કસ સમયના બોર્ડ લગાવવામાં આવ્યા નથી.

* ગ્રાહકોએ બેન્કમાં પ્રવેશવા માટે ચપ્પલ બહાર કાઢવા પડે છે.

* બપોરે ૧-૩૦ વાગ્યા પછી બેન્કો બંધ કરી દેવાય છે.

* બિનગુજરાતી સ્ટાફને લીધે વૃદ્ધો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

બેંકના મેનેજરે સ્ટાફ ઓછો હોવાનું જણાવ્યું

ઠાસરા : આ સમસ્યા અંગે ઠાસરાની એક રાષ્ટ્રીયકૃત બેન્કના મેનેજરનો સંપર્ક સાધતા તેમણે આ માટે બેન્કનો સ્ટાફ ઓછો હોવાનું કારણ દર્શાવ્યું હતું. એ સાથે તેમણે જણાવ્યા પ્રમાણે બપોરના સમયે વોચમેન જમવા માટે અડધો કલાક જેટલો સમય રજા લે ત્યારે બેન્કનો દરવાજો બંધ હોઈ શકે છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qlfv5X
Previous
Next Post »