અંધશ્રધ્ધા, વહેમ, અભિશાપ જેવી માન્યતાઓ માણસને ભયગ્રસ્ત કેમ બનાવે છે ?

- * 'હું પવિત્ર હૃદયવાળો, ઇશ્વરનો લાડકો પુત્ર છું, એટલે હું ભયને ભયગ્રસ્ત બનાવી તેને હૃદયમાંથી હાંકી કાઢીશ, એવી ખુમારી જ માણસને નિર્ભય બનાવી શકે'


* અંધશ્રધ્ધા, વહેમ, અભિશાપ જેવી માન્યતાઓ માણસને ભયગ્રસ્ત કેમ બનાવે છે ?

* પ્રશ્નકર્તા : રાઠોડ જીનલ અનિલકુમાર માનસરોવર ટાઉનશીપ, આઇ.સી.રોડ, ચાંદખેડા, અમદાવાદ

સમજણ, સંયમ અને વિવેક સહિતનું સત્ય તરફનું પ્રયાણ એટલે શ્રધ્ધા. અંધશ્રધ્ધા એટલે આંધળી, દ્રષ્ટિહીન, અંધવિશ્વાસ સમજણ અને વિવેક વગરનો વિશ્વાસ. શ્રધ્ધા તારે છે અને અંધશ્રધ્ધા ડૂબાડે છે. વિચાર વગર આંધળો વિશ્વાસ રાખનાર અંધશ્રધ્ધાળુ કહેવાય છે. વહેમનો અર્થ છે અવિશ્વાસ, શંકા, સંદેહ, ભ્રમ, ખોટી માન્યતા, ખોટી કલ્પના, અજ્ઞાાનને લીધે ખરું માની લીધેલું હોય તે, મૂઢ વિશ્વાસ હોવો. ભગવદ્ ગોડમંડલ મુજબ ભૂત, પ્રેત, જંતર-મંતર વગેરે વહેમ છે.

સાહિત્ય અને વિજ્ઞાાનમાં ઉન્નતિ છતાં મધ્યકાળમાં સમાજમાં વહેમ હતો. લોકો ભિન્ન-ભિન્ન જાદુ-ટોણામાં માનતા. જાદુની પ્રથા ભારતમાં પ્રાચીન કાળથી ચાલુ હતી. અથર્વવેદમાં સમ્મોહન, પીડન, વશીકરણ, મારણ જેવાનાં વર્ણન મળે છે. વહેમાવું એટલે વહેમ ખાવો, વહેમ લાવવો, શંકાશીલ થવું, વહેમમાં પડવું. દામ્પત્યમાં પણ પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ફેલાતાં વહેમને કારણે બરબાદી સર્જાયાની સમજ જીવનમાં અનેક ઘટનાઓ સર્જાયાનાં ઉદાહરણો મળે છે. વહેમી એટલે કાજાકાનનો, તરંગી, શંકાશીલ, અવિશ્વાસી. વહેમ એ ભયાનક માનસિક કમજોરી છે, જે વિવેકના દીવા બુઝાવીને માણસના મનમાં અંધકાર ફેલાવે છે. વહેમને ઘણીવાર માણસ વરદાન રૂપે અપનાવી લે છે. વહેમ એ ઓષડહીન મહારોગ છે.

અભિશાપ એટલે બદદુઆ, શાપ આપવો, ઇજા, નુકસાન, કલંક, નિંદા, ક્રોધ અને ઇર્ષ્યા-દ્વેષ, ઉશ્કેરાટ, અહંકાર અને વેરવૃત્તિથી ઉચ્ચારેલા અમંગળકારી શબ્દો. 

શાપની બાબતમાં તપસ્વી ઉદ્દાલકના પુત્ર નચિકેતાનો એક પ્રસંગ જાણીતો છે. એક, દિન ઉદ્દાલક દર્ભ, પુષ્પ વગેરે પૂજા સામગ્રી નદી કિનારે ભૂલી આવ્યા હતાં. તેમણે પુત્ર નચિકેતાને તે લાવવા નદી કિનારે મોકલ્યા પરંતુ ત્યાં દર્ભ, પુષ્પ ગાયબ હતાં એટલે તેઓ ખાલી હાથે પાછા ફર્યા. એ જોઈ પિતા ઉદ્દાલક મુનિએ નચિકેતાને શાપ આપ્યો કે 'તને તાત્કાલિક યમનું દર્શન થાય' પિતાના શાપને કારણે નચિકેતા પ્રાણહીન થઇને ધરતી પર પટકાયા. પુત્રને મૃત્યુ પામેલો જોઇને મહર્ષિ ઉદ્દાલક વિલાપ કરવા લાગ્યા. એક દિવસ અને એક રાત નચિકેતા કુશના આસન પર પડયા રહ્યા. બીજે દિવસે આકસ્મિક રીતે નચિકેતાના શબમાં પ્રાણ સંચાર થવા લાગ્યો. ઉદ્દાલકે પુત્રને પ્રણામ કરતાં કહ્યું : 'પુત્ર તું તારા તપોબળથી સમસ્ત સ્વર્ગલોકને જોઈ આવ્યો છો. તારું શરીર મનુષ્ય શરીર નથી.'

હૃદયની પવિત્રતા અને શુદ્ધતાને પરાજિત કરવા તકસાધક શાબ્દિક બદદુઆનો ઉપયોગ કરે છે. જો શાપથી માણસ મરણ પામતો કે રોગાવિષ્ટ બનતો હોત તો હોસ્પિટલ અભિશાપથી ઉભરાતા માણસોથી ભરેલ હોત. ખૂની જેવા કેદીઓ પણ ખૂન કરનારના પરિવારની બદદુઆથી જેલમાં જ મરણ પામત. એટલે જ ભાગ્યનું સમર્થન કરતાં નરસિંહ મહેતાએ ગાયું કે 'જેહના સમયે જે લખ્યું તેહને તે સમયે તે જ પહોંચે' માણસનો ચિંતવ્યો અર્થ સરતો હોત તો સહુ શત્રુ મારી મિત્ર જ રાખત. એટલે અંધવિશ્વાસ વહેમ અને અભિશાપ એ માણસને ભયગ્રસ્ત અને મજબૂર બનાવી તેની વિવેકશક્તિ હણનાર હાનિકારક પરિબળો છે.

માણસ અંધવિશ્વાસથી પ્રભાવિત થાય તો ગણપતિ દૂધ પીવે છે, કોઇકના મંત્રેલા પાણી પરથી ફૂંકથી રોગમુક્ત થવાય છે, ભગવાન શંકર મધરાતે પાર્વતીજી સાથે મંદિરમાં સોગઠાંબાજી રચે છે, કુંડના પાણીમાં સ્નાન કરવાથી પવિત્ર અને કષ્ટમુક્ત બની જવાય છે એવા કુખ્યાલોમાં ન ફસાત. તાજેતરમાં જ એક ટી.વી. ચેનલ પર હિમાચલમાં આવેલા અંબાના મંદિરમાં દેવીને પરસેવો થયાનાં દ્રશ્યો દેખાડાયાં ન હોત. આવાં તો અનેક ચમત્કારિક દ્રશ્યો ચેનલો દેખાડી માણસોને ભ્રમિત બનાવે છે.

પ્રશ્ન એ છે કે ાવું બધું જોઈ, અંધશ્રધ્ધા, વહેમ અને અભિશાપની વાતોથી પ્રભાવિત થઇ માણસ ભયભીત કેમ થાય છે ? એનું મુખ્ય કારણ માણસનું કમજોર અને પડકારો ઝિલવાના સામર્થ્ય વગરનું મન છે. માણસ એને કારણે શુકન-અપશુકનમાં પણ માનતો થઇ જાય છે. સામી છીંક, લાકડાં-છાણાંની ભારી, આડે ઉતરતી બિલાડી, ડાબે કાગડાનો કાકા એ પાછળ ચિચિઆરી, વિખરાએલાં વાળવાળી સ્ત્રી વગેરેને અપશુકન માને છે. બગડે બે, ત્રણે ત્રેખડ, ચારે ચોકડી અને પાંચે પરમેશ્વરી જેવી શુકનને બિરદાવતી ઉક્તિઓ પણ પ્રચલિત બની છે. ભય એટલે બીક કે ડર. કશુંક હાનિકારક, પ્રતિષ્ઠાનાશક કે જીવનલેણ નીવડશે એ તન-મન-ધનને નુકસાન પહોંચાડશે એવી માનસિક દુર્બળતા, અવિચારિતા. કાવ્યશાસ્ત્ર મુજબ ભય એ નવ ભાવો પૈકીન એક ભાવ છે.

જૈન મત અનુસાર ભવના સાત પ્રકારો છે : (૧) આ ભવમાંજીવનભર અનુકૂળ સામગ્રી રહેશે કે નહીં, તેનોત્રાસ (૨) મરણ પછી પરભવ હશે કે નહીં ને હોય તો મારું શું થશે તેનો ત્રાસ (૩) શરીરમાં રોગ થાય તેની વેદનાનો ત્રાસ (૪) મારાં સગાં-સંબંધીઓ કુટુંબીઓ, શેઠ વગેરે રક્ષણ આપશે કે કેમ અને કોઈ વખત પ્રતિકૂળ થવાનો ત્રાસ (૫) મારી કોઈ વસ્તુ ચોરાઈ ન જાય તેને ખાનગી રાખ્યાની કોઇને ખબર પડતાં મને નુકસાની પહોંચાડશે એનો ત્રાસ (૬) ઇંદ્રિયો વગેરે શિથિલ થતાંછેવટે મરણનો ત્રાસ અને (૭) કાંઇક અણધાર્યું, એકાએક બની જવાનો ત્રાસ.

માણસ અમુક વિષયનું દર્શન કે શ્રવણથી ચિત્તની અસ્વસ્થતા પ્રાપ્ત કરે છે. કોઇને અપરાધ કરવાથી કે પ્રાણીઓ વગેરેને જોવાથી પણ માણસ ડરે છે. મહાત્મા ગાંધી ડરને મહાશત્રુ ગણતા. અણધાર્યું અમંગળ બનવાની ચિંતા, લોભ અને વિપરિત પરિસ્થિતિમાં લાચાર બની જવાની કમજોર મનોવૃત્તિ એ ભયનું કારણ છે. અંધશ્રધ્ધા, વહેમ અને અભિશાપ માણસની નિર્ભયતાનો નામશેષ કરી માનસિક કમજોરીનો શિકાર બનાવે છે એટલે જ માણસ તેના પ્રત્યે અંધશ્રધ્ધાળુ કે વહેમી બની જાય છે. વૈજ્ઞાાનિકોના મંતવ્ય મુજબ ભયને કારણે એક પ્રકારનું રસાયણ પેદા થાય છે. એ લોહીમાં ભળે છે. એને લીધે શરીરના મહત્ત્વના ભાગો સંકોચાય છે.

આ વિચિત્ર રસાયણ, જે ચિંતા દૂર થતાં અદ્રશ્ય થઇ જાય છે, એ જ ભયને કારણે શરીર પરની અસરો અને રોગો માટે કારણભૂત છે. હું પવિત્ર હૃદયવાળો ઇશ્વરનો લાડકો પુત્ર છું. એટલે હું ભયને ભયગ્રસ્ત બનાવી હૃદયમાંથી હાંકી કાઢીશ એવી ખુમાર જ માણસને નિર્ભય બનાવી શકે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l0W5lz
Previous
Next Post »