- એન્ઝાઈટી, ડીપ્રેશન, ફોબીયા, ઓબશેશન વગેરે માનસીક બિમારીઓમાં સ્વપ્નાનું પ્રમાણ વધી જાય છે
દુ નિયાની કોઈ વ્યક્તિ એવી નહિં હોય કે જેને સ્વપ્નાનો અનુભવ ના કર્યો હોય. ઉંઘમાં સ્વપ્ન આવવા સામાન્ય બાબત છે. બાળકની ઉંમર જેમ જેમ વધતી જાય છે - તેમ તેમ તેનો મગજનો વિકાસ થતો જાય છે. અને જ્યારે મગજ વિકસિત થાય છે - ત્યારે ઉંઘની અવસ્થા દરમ્યાન વ્યક્તિને સ્વપ્ન આવવાની શરૂઆત થાય છે.
સ્વપ્ન અથવા ડ્રીમ વિષે વર્ષોથી જાત જાતની વાર્તાઓ આપણે સાંભળીએ છીએ. બાલ્યાવસ્થા દરમ્યાન જે વાર્તાઓ કહેવામાં આવે છે - તેમાંની મોટાભાગની વાર્તામાં સ્વપ્નનો ઉલ્લેખ થાય છે જ. આ ઉપરાંત પ્રાચીન યુગમાં, સ્વપ્ન વિષે જાત જાતનો ઉલ્લેખ પણ થાય છે. ઈતિહાસની અંદર જ્યારે ડોક્યું કરીએ ત્યારે પણ સ્વપ્નની વાતો સાંભળવામાં આવે છે. ત્યારથી માંડીને અત્યાર સુધી સ્વપ્ન વિષેનું રહસ્ય વણખુલ્લું રહેલું છે. વૈજ્ઞાાનિકોના સંશોધનોમાં પણ હજુ સ્વપ્ન વિષે કોઈ ચોક્કસ તારણ જાણવા મળ્યું નથી.
સ્વપ્નો વિષે જ્યારે આપણે વિચારીએ ત્યારે મનોવિજ્ઞાાન અને મનોચિકિત્સા પણ પાછળ તો ના જ રહે. કારણકે સ્વપ્ન મગજમાંથી ઉદ્ભવે છે.
માનસચિકિત્સા ક્ષેત્રે સ્વપ્ન વિષે જો કોઈનું મહાન કાર્ય હોય તો તે વૈજ્ઞાાનિક સીગમંડ ફ્રોઈડને ફાળે જાય તે બાબતમાં કોઈ શંકા નથી. સીગમંડ ફ્રોઈડે ''ડ્રીમ એનાલીસીસ'' વિષે પુસ્તક પણ લખેલું છે. વાંચકમિત્રો આજના લેખમાં મનોચિકિત્સક હોવાને કારણે માનસીક બીમારી અને સ્વપ્નાઓનો શું સંબંધ છે તે જોઈએ.
''આખી રાત સ્વપ્ના આવ્યા કરે છે. સવારે એક પણ યાદ રહેતું નથી. પરિણામે સવારથી મુડ ખરાબ રહે છે. એવું લાગ્યા કરે છે કે આખી રાત ઉંઘ આવી જ નથી.'' ''અમુક સ્વપ્નાઓ તો એટલા બધા ડરામણ હોય છે કે ક્યારેક ગભરાઈને ચીસ પાડીને ઉઠી જવાય છે.'' ''અઠવાડિયાથી એવા સ્વપ્ના આવે છે કે હું ક્યાંક દુર પ્રદેશમાં જતો રહ્યો છું. મારા સિવાય કોઈ જ વ્યક્તિ નથી. અચાનક દરિયો દેખાય છે. અને તેના ખૂબ જ ઉંચા મોજાના કારણે હું તણાઈ ગયો છું. ત્યાં જ ઝાડની ડાળખી પકડીને કિનારે આવી જઉં છું - પરંતુ તરત જ બીજું મોજું આવે છે - અને હું ડૂબી જઉં છું... અચાનક જાગી જવાય છે.''
માનસીક બિમારીમાં બેચેની, ડર, ગભરામણ, ઉદાસ રહેવું, ઉંઘની અનિયમિતતા, વિ.વિ. લક્ષણો એવા છે કે જેનાથી વ્યક્તિ પીડાતી હોય ત્યારે સ્વપ્નાઓનું પ્રમાણ વધી જાય છે. મોટાભાગના સ્વપ્ના ડરામણ અથવા તો નેગેટીવ પ્રકારના હોય છે.
આ ઉપરાંત વ્યક્તિને સંપૂર્ણ ભાન હોય છે. અને સ્વપ્ના તેના પોતાના જ મનમાંથી ઉદ્ભવે છે તેની તેને ખાત્રી હોય છે. એન્ઝાઈટી, ડીપ્રેશન, ફોબીયા, ઓબશેશન, વિ.વિ. માનસીક બિમારીઓમાં સ્વપ્નાનું પ્રમાણ વધી જાય છે.
સ્વપ્ન દૂર કરવા માટે મિત્રો, કોઈ દવા આવતી નથી પરંતુ વ્યક્તિને સ્વપ્ના આવવાની સાથે ઉપર દર્શાવેલ બિમારી જો હોય તો તે રોગની સારવાર કરવામાં આવે છે અને બિમારી કાબુમાં આવતાની સાથે સ્વપ્નાની ફરિયાદ દુર થઈ શકે છે. આ ઉપરાંત વ્યક્તિ સાથે મનોપચાર પણ કરી શકાય છે. સ્વપ્ના વિષેની વૈજ્ઞાાનિક માહિતી આપી શકાય છે.
ટુંકમાં ચિત્ર વિચિત્ર સ્વપ્ન આવવા એ કોઈ અસામાન્ય બાબત નથી. મનની સામાન્ય ક્રિયા છે. પરંતુ સાથે સાથે માનસીક બિમારી હોય તો તેની સારવાર કરાવવાથી તકલીફ દૂર થઈ શકે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3epgmzW
ConversionConversion EmoticonEmoticon