- જીવનઘડતરમાં અને લોકજીવનમાં જેનો અમૂલ્ય ફાળો રહેતો હતો તેવા આ હાલરડાંઓનું અસ્તિત્વ આપણને પાછું મળશે કે કેમ તે એક સવાલ છે
- 19 માર્ચ : વર્લ્ડ સ્લીપ ડે
ઈ શ્વરે માનવીના ચિત્ત જેટલી જ કોઇ ગહન ચીજ બનાવવી હોય તો તે નિદ્રા છે. તંદુરસ્તી માટે પણ શરીરની જરૂરિયાત અનુસાર દિવસના ૨૪માંથી કેટલાક કલાક 'નિદ્રા દેવી'ની સાધના પાછળ ફાળવવા જરૂરી છે.તંદુરસ્ત જીવન માટે પૂરતી ઉંઘ લેવી ખૂબ જ જરૂરી છે તેવી જાગૃતિ વિશ્વભરમાં ફેલાય તેવા આશયથી 'વર્લ્ડ એસોસિયેશન ઓફ સ્લીપ મેડિસિન' દ્વારા માર્ચ મહિનાના બીજા શુક્રવારને 'વર્લ્ડ સ્લીપ ડે' તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ વર્લ્ડ સ્લીપ ડેના ટાઇમિંગ સાથે વિરોધાભાસ એ છે કે, આપણે ત્યાં માર્ચ એન્ડિંગ નજીક આવે તેમ ભલભલાની ઉંઘ ઉડવાનું શરૂ થઇ જતું હોય છે. જોક્સ એપાર્ટ, મનુષ્ય ગમે તેટલી પીડા કે દુ:ખમાં હોય તેના માટે ઉંઘ જેવી કોઇ શ્રેષ્ઠ પેઇનકિલર નથી. આપણે ત્યાં બાળક જન્મે ત્યારથી જ તેની ઉંઘમાં કોઇ ખલેલ પડે નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવતી હોય છે. રડતું બાળક ઝટ છાનું પડીને નિરાંતની નીંદર લઇ શકે તેમજ સ્વપ્નસૃષ્ટિમાં ઝટ વિહરવા લાગે તેના માટે સદીઓથી હાલરડાંરૂપી ભેટ મળી છે.
આપણું ગુજરાતી સાહિત્ય અદ્ભૂત છે. જેમાં બાળકોની ઉંમર પ્રમાણે આપણી પાસે સાહિત્યના વિવિધ દ્વાર ખોલવામાં આવે છે. આજથી વર્ષો અગાઉ એવો પણ સમય હતો જ્યારે હાલરડાં સાંભળતાં-સાંભળતાં આખી એક પેઢી તૈયાર થતી હતી. પારણે પોઢેલા બાળકને સુવાડવા માટે ઘરની વડીલ સ્ત્રીઓ-માતા-બહેનો હાલરડું ગાતાં. એ હાલરડું સાંભળતાં સાંભળતાં જ બાળક સૂઇ જતું. બાળકને ઉંઘાડતી વખતે તેના હૃદય-મન પર ઊંચો સ્વર ન આવે તે રીતે ધીમા અને મધુર અવાજે ગવાતી સૂરાવલીથી બાળકને પોતે સલામત છે તેવો ભાવ ઉત્પન્ન થાય છે. પ્રિયજનો દ્વારા વાત્સલ્ય ભાવ, સ્વર, પ્રાસ, અને સંમોહક ભાવનાને લઈને ગવાતા નાદને લઈને શિશુઓ જ્યારે સુવે છે ત્યારે તેઓ આ નાદમાંથી છલકાતાં સ્વર, સૂર, અને સ્પર્શની ભાવનાને સ્પર્શ કરે છે ત્યારે તેઆ શબ્દોને ન ઓળખતા હોવા છતાં પણ લયનાદ સાથે જોડાઈ જાય છે તે લયને હાલરડાં કહે છે.
મનોવૈજ્ઞાાનિકો પણ કહે છે કે, બાળકનાં હૃદય પર, મન પર ધીમા, મધુર અને વાત્સલ્યપૂર્ણ શબ્દોનાં ધ્વનિ અને પ્રેમાળ સ્પર્શથી બાળકોમાં સુરક્ષિત હોવાની ભાવના આવે છે જેનાંથી બાળકોની કલ્પનાશક્તિ, સામાજિક અને મનનાં વિશ્વનો વિકાસ થાય છે. વાત્સલ્ય, પ્રેમ, અને માતૃત્વથી છલોછલ ભરેલા જે હાલરડાંઓ બાળકના સંસ્કારો અને જીવનઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવે છે આ સત્ય જાણતા હોવા છતાં પણ ધીરે ધીરે વિસરાતી જતી આપણી આ સંસ્કૃતિને આપણે રોકી શકતા નથી.
સમયનુસાર અને આધુનિકતાનાં રંગે રંગાતી જતી આ બદલાઈ રહેલી માતાની એ વાત્સલ્યપૂર્ણ બોલી વિસરાઈ જતાં માતા અને બાળક વચ્ચે રહેલ સેતુ તૂટી ગયો છે જેને કારણે હાલરડાંઓનું અસ્તિત્વ, તત્વ અને હાથોની દુલારભરી થપકીઆ ખોવાઈ ગઈ છે. મોટાભાગની મમ્મીઓ પાસે એ સમય જ નથી કે તે બાળકને સંભળાવી શકે અને બાળક પાસે પણ સમય નથી કે તે સાંભળી શકે.
એક સમયે જે જીવનઘડતરમાં અને લોકજીવનમાં જેનો અમૂલ્ય ફાળો રહેતો હતો તેવા આ હાલરડાંઓનું અસ્તિત્વ આપણને પાછું મળશે કે કેમ તે એક સવાલ છે. ઓડિશામાં હાલરડાં માટે 'નાન્યબા ગીતા' શબ્દ છે, જેનો અર્થ થાય છે કે બાળકોની ગીતા. હાલરડાંઓ નામશેષ થઇ ન જાય તેના માટે સ્પેનમાં એક ખાસ સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ દ્વારા હાલરડાંનો સંગ્રહ પણ બહાર પાડવામાં આવશે. આપણે ત્યાં ગુજરાતી હાલરડાં ના સંગ્રહ સાથેની મોબાઇલ એપ તો બહાર પાડી જ શકાય.
'તમે મારાં દેવના દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો, આવ્યાં ત્યારે અમર થઇને રો...!','તારે પારણે પોપટ બોલે છે, તારે ઘોડીએ મોરલા ડોલે છે, સૂઈ રોને કાન ! હાલરડાં હુલરાવે જશોદા માવડી...!', 'સાવ કે સોનાનું મારું પારણિયું ને ઘૂઘરીના ધમકાર, બાળા પોઢો ને...!' આ પ્રકારના કેટકેટલાં હાલરડાંની સોગાત આપણી ભાષાને મળી છે. પરંતુ અફસોસની વાત એ છે કે, હાલરડાંનો કલરવ હવે વીસરાઇ રહ્યો છે. બાળક ઉંઘી ન રહ્યું હોય તો મમ્મી-પપ્પા તેના હાથમાં મોબાઇલ પકડાવી દેવા કરતાં તેને હાલરડાં સંભળાવવાનું શરૂ કરે તો કેવું રહેશે?
'આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે. બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે. શિવાજીને નીદું ના'વે માતા જીજાબાઇ ઝુલાવે. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ-લખમણની વાત માતાજીને મુખ જે
દીથી, ઊડી એની ઉંઘ તે દીથી...શિવાજીને... પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ-કાલે કાળાં જુદ્ધ ખેલાશે. સૂવાટાણું ક્યાંય ન રહેશે... શિવાજીને...ધાવજો રે, મારા પેટ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ-રહેશે નહીં, રણઘેલુડા-ખાવા મૂઠી ધાનની વેળા...પ્હેરી-ઓઢી લેજો પાતળા પાતળાં રે! પીળાં-લાલ-પીરોજી ચીર-કાયા તારી લોહીમાં ન્હાશે, ઢાંકણ તે દી ઢાલનું થાશે... ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ તે દી તારે હાથ રહેવાની, રાતી ભંભોળ ભવાની...આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ-તે દી તારી વીરપથારી પાથરશે વીશભુજાળી...આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય. તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર-બંધૂકા...સૂઇ લેજે, મારા કેસરી રે! તારી હિંદવાણ્યું જોવે વાટ જાહી વ્હેલો આવ, બાલુડા! મા ને હાથ ભેટ બંધાવા...જાગી વ્હેલો આવજે, વીરા! ટીલું માના લોહીનું લેવા!'
-ઝવેરચંદ મેઘાણી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cflPGV
ConversionConversion EmoticonEmoticon