આણંદ : માર્ચ માસના પ્રારંભથી જ આણંદ જિલ્લામાં ધીમે-ધીમે કોરોના ફુંફાડો ભરી રહ્યો છે. તેમાંય ખાસ કરીને આણંદ તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. શુક્રવારના રોજ જિલ્લામાં કોરોનાના વધુ ૯ પોઝીટીવ કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંક ૨૭૦૦ને વટાવી ચુક્યો છે.
કોરોના મહામારીને લગભગ ૧ વર્ષ પૂર્ણ થવા આવ્યું છે છતાં હજી પણ કોરોના જવાનું નામ નથી લેતો. તેમાંય ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આણંદ જિલ્લામાં ધીમે-ધીમે કોરોનાનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો છે.
જિલ્લાના અન્ય તાલુકાઓની સરખામણીમાં આણંદ તાલુકામાં રોજરોજ કોરોનાના નવા-નવા પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા વહીવટી તંત્રની ચિંતા વધી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ગાઈડલાઈન વિસરાઈ હોવાના લીધે કોરોના સંક્રમણ વધ્યું હોવાનું જાણવા મળતા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને ખાસ સતર્કતા દાખવવા અપીલ કરાઈ છે. શુક્રવારના રોજ જિલ્લામાં કુલ ૯ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જે પૈકી ૮ કેસ આણંદ તાલુકાના હોઈ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. શુક્રવારે નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસોમાં આણંદ શહેર, વઘાસી રોડ, સંદેશર, ઓડ, ખંભોળજ, બાકરોલ તથા મોગરી રોડ પરની સોનહરી પાર્ક સોસાયટીના બે કેસ તેમજ તારાપુરના જીચકા ગામના પોઝીટીવ કેસોનો સમાવેશ થાય છે.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ શુક્રવાર સુધીમાં જિલ્લામાં કુલ ૧૯૧૪૭૮ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૨૭૦૦ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૪૧ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૨ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૩૯ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c2wIfe
ConversionConversion EmoticonEmoticon