જેમ ગાય-ભેંસનાં ધણ હોય !
બકરાં-ઘેટાંના ધણ હોય !
ઊંટોના ધણ હોય !
અરે હાથીઓના ય ધણ હોય !
તેમ ઘોડાઓનાં ય ધણ હોય જ !
અત્યારે ઘોડાંઓના ધણ દોડતા હતા. કચ્છના ઘુડખરો દોડે તેમ દોડતા હતા. પાછળ જોયા વગર દોડતા હતા. લાલ, લીલા, પીળા, સોનેરી, સફેદ, જેવા હરેક રંગના ઘોડાઓ હતા. જાણે મોટું મેઘધનુષ જ દોડી રહ્યું છે, જુઓ ને !
પાછળ જોવાય તેમ જ ન હતું. કેમ કે સિંહ તેમની પાછળ પડયો હતો. જંગલ ઓછા થઇ ગયા, એટલે સિંહ, વાઘ, દીપડા, રીંછ બધાં વસ્તીમાં આવી ગયા. એ શિકારી હિંસક પશુઓ ગમે ત્યારે ગમે ત્યાંથી આવી લાગે, માણસોને ય ઉપાડી જાય. બાળકો કે ડોસા-ડોસીને ય ઉપાડી જાય ! તેમાંથી તેમને કંઇ માલ-મલિદા ન મળે તો ચાટી-ચૂસીને દેહ રખડાવી દે પણ જનારના જીવ તો જાય જ ને !
તેમાં વળી ઘોડા જોવા મળ્યા. તાજા, તગડા, ભરાવદાર, માંસલ, મજબૂત ! સ્વાદિષ્ટ તો ખરા જ !
ઘોડાઓ પાછળની લાત સિંહને મારતાં. કદીક સિંહના ડાચામાંય લાત વાગી જાય. પણ સિંહ પીછો છોડે નહિ. આટલાં ભરપૂર માલપૂડ ાતે કંઇ છોડાતાં હશે ! લાત ભલે ખાવી પડે પણ માલપાણી તો મેળવવા જ રહ્યા. આવો લાગ ક્યારે મળે ? આટલો બહોળો ?
પણ સિંહરાજાને એક વાતની ખબર ન હતી કે પંકાયેલાં ઘોડામાં એક લંગડી ઘોડી પણ હતી.
લંગડીની વાત લંગડી ન હતી.
તંદુરસ્ત ઘોડાઓ પાછળથી લાત મારતાં. જ્યારે લંગડી ઘોડી આગળથી લાત મારતી. તેનો આગળનો એક પગ છુટ્ટો હતો. એટલે કે હોકીની સ્ટીક જેવો હતો. પાછળથી લાત ખાવાને બદલે સિંહ આગળ આવી ગયો. એટલે કે લંગડી ઘોડીની આગળ થઇ ગયો !
લંગડીએ છુટ્ટો નહિ અને છુટ્ટો કહેવાય તેવો, એવો લંગડો પગ ફટકાર્યો કે સિંહનું ડાચું ટિચાઇ ગયું.
તો ય તે સિંહ હતો.ઘાયલ તો ય વનરાજ હતો. લંગડીની સામે આવી ગયો. લંગડીને ફાવટ આવી ગઈ. તેણે ઉછળી ઉછળીને એવી લાત ફટકારવા માંડી કે સિંહનું મોઢું એક થઇ ગયું. ઉપર નીચેથી જોડાઈ ગયું. સંધાઈ ગયું, સંકળાય ગયું. હવે તે મોડું ઉઘાડીને લંગડી પર હુમલો કરી શકે તેમ ન હતું.
અને લંગડીએ તો ત્રિપગી ઉછાળા મારી મારીને સિંહનું નાક જ નહિ, આંખ જ ફોડવા માંડી. કેશ નહિ કેશવાળી ય પછાડવા પટકવા માંડી.
સિંહને લાગ્યું કે એકાદ ભરાવદાર ઘોડો હાથમાં આવી જાય ! પણ લંગડી ઘોડીએ તો રાવ કરવાની તક જ ન આપી. વનરાજનું મોઢું છૂંદી નાખ્યું. રકત ટપકતી સો સો ઝોળી, સમરાંગણથી ભાગવા લાગી. સિંહ એક હતો પણ ઝોળી સો હતી, અનેક હતી. ગણવા થોભાય તેમ હતું જ નહિ. વીરસિંહે પાછી પાની કરી. જાત સમાલી, ઘાત સંભાળી, ઓકાત ઓગાળી, ભાગવા જ માંડયું.
લંગડી પોતાની લંગડી દોડે તેની પાછળ પડી. પણ હવે સિંહમાં પાછું કે પાછળ જોવાની હિંમત ન હતી.
જીવ પર આવીને સિંહ દોડી જતો હતો ત્યાર ેએક દીપડો આવી લાગ્યો.
સિંહ કહે : ભાગ અલ્યા, તાજા તાજા પશુઓમાં લંગડાં પશુ વધારે તાકાતવાળા હોય છે. તેમાંય લંગડી ઘોડીની લંગડી લાતમાં તો એવા આઘાત હોય છે કે ડાચાં જ સાબૂત ન રહે !
સિંહની સાથે દીપડો ય ભાગવા લાગ્યો. ઘાયલ વનરાજની સાથે અખંડ હિંસકરાજ પણ દોડતો થઇ ગયો.
ઘોડાંઓનું ધણ આ ભાગતાં શત્રુઓને જોવા રોકાઈ ગયું. તેમને થયું લાલ લગામ વગરનું આ પરાક્રમ ? અદ્ભુત !!!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OuZE7I
ConversionConversion EmoticonEmoticon