- દરેક વિદ્યાર્થીએ ઘરેથી જ પાણીની બોટલ અને નાસ્તો લઈ જવાનાં છે. અને હા, શાળામાં કોઈ પણ વસ્તુની આપ-લે કરવાની નથી
ક ટકટ ઉંદર આજે ખૂબ ખુશ હતો. શાળાઓ ફરીથી શરૂ થવાની છે - આ સમાચાર સાંભળતા જ તે નાચવા લાગ્યો.
'આવતીકાલથી હું શાળાએ જઈશ... ! વર્ગખંડમાં ભણવાનું... ને મોબાઈલથી છુટકારો... ! શિક્ષકો જોડે શીખવાનું... ને મળશે નવા દોસ્તારો ! મેદાનમાં રમવાનું... ને આનંદને આપીશું આવકારો... !'
કટકટ તો આવા મજાના વિચારો કરી... પૂંછડી હલાવી... ભૈ, ઉછળ-કૂદ જ કરવા લાગ્યો, હોં !
બીજા દિવસે કટકટ સવારે વહેલાં-વહેલાં જાગી ગયો. અડધું-પડધું નહાયું... ન નહાયું ને ગઈકાલના જ કપડાં પહેરી લીધા. શાળાનું દફતર લીધું... એક-બે ચોપડીઓ હાથમાં આવી તે લીધી ને દોડવા માંડયો શાળા ભણી... !
ન માસ્ક પહેર્યું... ન ઢંગના હાથ ધોયા... !
સાબુભૈએ બૂમ પાડી : 'અલા કટકટ... કોરોનાકાળ છે... સાબુથી હાથ-મોં ધોવાનું રાખ... ! નહિ તો... ?'
પણ સાંભળે તો કટકટ શાનો ? બંદા ઉપડયા... તે ઉપડયા... !
રસ્તામાં ટમટમ સસલો મળ્યો. અહાહા... ! કેટલો ચોખ્ખો... ! બરાબર નહાઈ-ધોઈને સરસ મજાનો શાળાનો ગણવેશ પહેરેલો... માસ્ક પહેરેલું... સેનેટાઇઝરની નાની ડબ્બી પણ લીધેલી, હોં... !
કટકટ ટમટમને બોલાવે તે પહેલાં જ છીંકવા લાગ્યો. ટમટમ તો ઉછળ્યો: 'અરેરે... છી... ! અલા કટકટ તું હજીય ન સુધર્યો... ? શાળાએ જવાનું છે તો પછી એસ.ઓ.પી.નું પાલન તો કર... ! આ શું ? ન માસ્ક કે રૂમાલ... ને ગંદા કપડાં... ! તારા હાથ તો જો... હં... ! તેં કરેલો નાસ્તોય નખમાં ચોંટેલો છે... ! આવું ગંદું અવાય... ?' કહેતાં ટમટમ જરાં દૂર ઊભો રહ્યો.
'એસ.ઓ.પી. ?' - કટકટને કંઈક યાદ આવ્યું. ટમટમને કહે: 'અલા ટમટમ ! ત્રણ-ચાર દિવસથી વોટ્સએપમાં મેસેજ તો આવે છે કે... શાળાએ જવું હોય તો એસ.ઓ.પી.નું પાલન કરવું... પણ મેં તો કશું વાંચ્યું જ નથી... !'
ટમટમે માથે હાથ દઈ કહ્યું : 'કટકટ ! તું રહ્યો એવો ને એવો. કોરોનાથી બચવા માટે સરકારે કેટલીક સૂચનાઓનું પાલન કરવાનું કહ્યું છે, એ બધું એસ.ઓ.પી.! એ મુજબ સૌએ ફરજિયાત માસ્ક પહેરવાનો છે... જેથી કોરોના શ્વાસ મારફતે આપણા શરીરમાં પ્રવેશે નહિ... તને આટલું ય ભાન નથી ? તેં માસ્ક પહેર્યો નથી એ ખૂબ ગંભીર બાબત છે. તને શાળામાં કોઈ પ્રવેશવા જ નહિ દે... !'
કટકટ તો ચોંક્યો : 'અરે ! હું શાળાએ જવાના હરખમાં ને હરખમાં આવડી મોટી વાત ભૂલી ગયો... ?' - કહી કટકટ માથું ખંજવાળવા લાગ્યો. એટલી વારમાં છનછન ખિસકોલી પણ ઉછળકૂદ કરતી આવી પહોંચી !
તેને જોઈ કટકટ કહે: 'અરે છનછન... તું દૂર કેમ ઊભી છે ? ચાલ અમારી સાથે શાળામાં... !'
છનછને તો મોં ચડાવ્યું : 'કટકટ ! કોરોનાથી બચવા સૌએ સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું છે... એટલે કે એકબીજાથી થોડાંક દૂર જ રહેવાનું છે... એટલે હું જરાંક આઘી ઊભી છું... તું પણ ટમટમથી થોડો દૂર ઊભો રહે... ટોળું કરીને ઊભા રહેવાની મનાઈ છે. ખબર છે ને ?'
કટકટને હવે ભાન જ થયું કે ટમટમ જોડે વાતો કરતાં-કરતાં તે એકબીજાથી અંતર રાખવાનું ભૂલી ગયો હતો.
કટકટ થોડો દૂર જઈ ઊભો રહ્યો. એ જ સમયે તેમની આગળથી ચિમ્પુ હરણ અને હૂપહૂપ વાંદરો પસાર થયા. કટકટે જોયું તો બંનેના સ્કૂલબેગની એકબાજુ પાણીની બોટલ અને નાસ્તાના ડબ્બા મૂકેલાં હતા...
કટકટ તો હસવા માંડયો : 'જુઓ તો ટમટમ... છનછન... ! આ બંને જણાંને... ! શાળામાં પાણીની અને નાસ્તાની સુવિધા છે... તોય બંને પાણીની બોટલને ડબ્બાનો ભાર ઉપાડીને જાય છે... !'
ટમટમ જરાં ગુસ્સે થઈને બોલ્યો: 'કટકટ... એસ.ઓ.પી. મુજબ દરેક વિદ્યાર્થીએ ઘરેથી જ પાણીની બોટલ અને નાસ્તો લઈ જવાનાં છે. અને હા, શાળામાં કોઈ પણ વસ્તુની આપ-લે કરવાની નથી. તને વારંવાર પેન, રબર, ફૂટપટ્ટી ને નોટ બીજા વિદ્યાર્થીઓ પાસેથી લેવાની ટેવ છે ! હવેથી એવું કરતો નહિ... !'
'અને દરરોજ એક જ જગ્યાએ બેસવાનું છે. રોજેરોજ પાટલી બદલવાની નહિ. હવે જા... જઈને માસ્ક બાંધીને આવ અને ચોખ્ખા કપડાં પહેરવાનું રાખ. સાથે પાણીની બોટલ અને નાસ્તાનો ડબ્બો પણ લાવજે. અને હા, ભણવા માટે બધી વસ્તુઓ પણ સાથે રાખજે... બીજા પાસે કંઈ માંગવાનું નહિ.' છનછને જરાં કડક અવાજમાં કહ્યું.
'વધારે શરદી-ખાંસી કે તાવ જેવું હોય તો શાળાએ ન જતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જજે.' ટમટમે કહ્યું.
કટકટને પોતાની ભૂલ સમજાઈ : 'ટમટમ... છનછન... શાળા જવાની ખુશીમાં હું આ બધી સૂચનાઓનું પાલન કરવાનું ભૂલી જ ગયો હતો. તમે શાળાએ પહોંચો... હું આ આવ્યો... ચોખ્ખાં કપડાં પહેરી... અને માસ્ક બાંધીને... ! હવે હું પણ તમારી જેમ એસ.ઓ.પી. મુજબ બધી સૂચનાઓનું પાલન કરીશ... ! વારંવાર સાબુથી હાથ ધોવાનું ભૂલીશ નહિ... મિત્રો જોડે સામાજિક અંતર પણ રાખીશ... ! તમે બંનેએ મારી ભૂલ સમજાવી તે બદલ તમારો આભાર... !'
કટકટમાં આવેલી જાગૃતતા જોઈ ટમટમ અને છનછન ખુશ થઈ ગયા.
ટમટમ કહે : 'કટકટ ! ચાલો હવે... અમે શાળાએ પહોંચીએ... ! ત્યાં અમે તારી રાહ જોઈશું... !'
પછી ટમટમ-છનછન શાળાએ જવા ઉતાવળાં થયાં... ને કટકટ ? એ તો માસ્ક પહેરવા દોડી ગયો ઘર તરફ... સર્રર્રર્ર... !
પછી તો બધાંય કોરોનાથી બચવા માટેની સૂચનાઓનું પાલન કરતાં સરસ રીતે ભણવા લાગ્યા... કટકટ હવે કદીય માસ્ક પહેરવાનું અને સાબુથી વારંવાર હાથ ધોવાનું ભૂલતો નથી... ! તમે પણ આવું કરશો ને ? ખૂબ સરસ... !
- વિજયકુમાર જી. ખત્રી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3evuXKp
ConversionConversion EmoticonEmoticon