ડૂબતો ગયો ડૂબતો ગયો જિંદગીથી બનતો ગયો ઝીરો ચમત્કાર થયો એવો કે બની ગયો હીરો એક દરિયાઈ કાચબો દેખાડી દીધો કબિલો
- આ રીતે કાચબા પર સવારી કરીને તરતો માણસ જોઇને જહાજના લોકોને ભારે કૌતુક થયું
- કોઈ એવો દરિયાઈ જીવ હોય તો માણસને ખાઈ પણ શકે !
- ડૂબડૂબ ડૂબડૂબ ડૂબવા લાગ્યો લિમ ઊંડો હતો દરિયો, હાથ ન લાગ્યું કોઈ બિમ
ક હે છે કે સત્ય કલ્પનાથી વધુ ચોંકાવનારું હોય છે. આ પણ એવી જ એક સત્યકથા છે.
દરિયામાં જહાજ તો ડૂબતાં જ હોય છે. જહાજ ડૂબે છે ત્યારે પ્રવાસીઓ તરીને બચવાનો પ્રયાસ કરે છે. પણ એ તો કિનારો પાસે હોય ત્યારે તરી શકાય ! કિનારો દૂર હોય ત્યારે શું ? હંમેશા કોઈ લાકડું મળી પણ જતું નથી. આપણી આ કથાનો નાયક છે દક્ષિણ કોરિયાનો ૨૮ વર્ષનો લિમ યુંગ.
'મૅ સ્ટાર' નામના જહાજ ઉપર તે સફર કરતો હતો અને લપસણા ડૅક ઉપરથી લપસીને તે સીધો પાણીમાં જઈ પડયો. જહાજમાંના કોઈને ખબર પડી નહિ. જહાજમાંના બધાં જ ખલાસીઓ, ઇજનેરો, પ્રવાસીઓ પોતપોતાના કામમાં હતા.
તેણે 'બચાવો બચાવો'ની બૂમો પાડી પણ જહાજનો પોતાનો અવાજ, અંદરના બીજા અવાજો, દરિયાના મોજાંનો અવાજ, સૂસવાટા મારતા પવનનો અવાજ ! એ બધા અવાજોને લઇને કોઈનું ધ્યાન એ તરફ ગયું જ નહિ અને જહાજ દૂર દૂર જતું રહ્યું. લિમ એકલો દરિયામાં બાથોડિયાં મારતો રહ્યો.
હવે જહાજ ડૂબ્યું હોય તો કોઇને કોઈ વસ્તુ પણ સહારા માટે મળી જાય છે. કોઈ પાટિયું, કોઈ પીપ, કોઈ થાંભલો કે ગમે તે તરતી વસ્તુ ! પણ આ તો જહાજ ડૂબ્યું જ હતું, એકલો લિમ જ ડૂબ્યો હતો.
બાથોડિયાં મારી તરતાં રહ્યાં સિવાય બીજો કોઈ ઉપાય જ ન હતો.આ રીતે પાણી સાથેનો તેનો મહાવરો હતો. તે છતાં જો વધારે સમય થાય તો તે ટકી શકે નહિ, થાકી જાય અને દરિયા સામે શરણાગતિ સ્વીકારવી જ પડે.
આવા સંજોગોમાં તરતાં રહેવું અને જીવતાં રહેવું અગત્યનું છે. જીવતો નર ભદ્રા પામે, એવી કહેવત છે જ. જો હિંમત હાર્યા કે ગયા જ સમજો ! લિમ ઝૂઝતો, ઝઝૂમતો રહ્યો. તેણે હામ ગુમાવી નહિ અને હાર સ્વીકારી નહિ.
ત્યારે જ ચમત્કાર થયો. ચમત્કાર જ કહેવાય ને ! કોઇક વસ્તુ સાથે તેના પગ અથડાયા. એ શી ચીજ છે, એ વિચારવાનો સમય જ ન હતો. એ જે હોય તેને પકડી લેવાનો તેણે પ્રયાસ કર્યો અને એ વસ્તુ તેણે પકડી જ લીધી.
એ વસ્તુ શી હતી. જાણો છો ? ના, કોઈ દરિયાઈ માછલી નહિ. કોઈ એવો દરિયાઈ જીવ હોય તો માણસને ખાઈ પણ શકે !
આ તો હતો એક કાચબો. મોટો દરિયાઈ કાચબો. જાણે લિમને બચાવવા જ ન આવ્યો હોય !
લિમ તેની પીઠ પર ગોઠવાઈ ગયો. પણ જો કાંઈ પકડવા ન મળે તો તે ટકી શકે નહિ. અને આવડા મોટા વિશાળ કાચબાની પીઠ પર વળી પકડવાનું શું હોય ?
લિમને બીજું કંઇ સૂઝ્યું નહિ. તેણે કાચબાની લાંબી ગરદન પકડી લીધી.
આશ્ચર્યની અને મહાઆશ્ચર્યની વાત તો એ કે કાચબાએ વિરોધ કર્યો નહિ. લિમને પીઠ પર લઇને એ દરિયાઈ કાચબો તરવા લાગ્યો.
કાચબો તો પાણી હેઠળ પણ સરકી શકે છે. જો કાચબો લિમને લઇને પાણીના પેટાળમાં પહોંચી ગયો હોત તો લિમને મુશ્કેલી પડત ! પણ કાચબો પાણીની ઉપર જ તરતો રહ્યો. લિમનો અનુભવ એવો હતો કે તે જાણે તરાપા પર તરી રહ્યો છે.
આ રીતે સમય વીતતો ગયો. છ કલાક પસાર થઇ ગયા. દરેક ક્ષણ જ્યાં જોખમી હોય ત્યાં આ રીતે છ કલાક પસાર કરવા જેવી તેવી વાત નથી જ.
પણ બીજો ઉપાય શો હતો ?
આ રીતે કાચબા પર સવારી કરીને તરતો માણસ જોઇને જહાજના લોકોને ભારે કૌતુક થયું. જહાજમાં જેટલા લોકો હતા, બધાં જ જહાજને કિનારે આવી ગયા. લિમની કાચબા-સફર જોવા લાગ્યા. આ એક બીજું જ પ્રવાસ જહાજ હતું.
તેમને મન કે આ કોઇક રમત હશે, સાહસ હશે, નવું પરાક્રમ હશે, ગિનેસ બુક માટેની નવા કરામત હશે ! બધાં લિમને જોતાં અને હસી દેતાં.
પણ લિમ બૂમો પાડી પાડીને કહેતો હતો :
'મને બચાવો ! બચાવો ! લઇ લો ઉપર.'
જેટલી ભાષા તે જાણતો હતો એટલી તમામ ભાષામાં તેણે કાકલૂદી કરી. છેવટે જહાજના લોકોને સંકટનો ખયાલ આવી જ ગયો !
તેમણે એક મોટી ક્રેઇન પાણીમાં નાખી અને એ ઊંટડા દ્વારા લિમને દરિયામાંથી ઉપાડી લીધો.
જો કે આ બધી વાત જહાજ પરના લોકોને માટે ગમ્મત ભરેલી જ હતી. તેઓ કહેતા હતા : 'કાચબાને સાથે લઇ લે ! અલ્યા કાચબાને ભૂલીશ નહિ !'
પણ મહામુશ્કેલીએ બચેલો લિમ ઊંટડાની સાંકળને એવો વળગી પડયો કે કાચબાનો તથા મજાક-મશ્કરીનો ખયાલ જ ન રહ્યો અને કાચબાને માથે વળી ક્યાં જોખમ હતું ?
ઉપર આવેલા અને બચી ગયેલા લિમે જ્યારે પોતાની વિતકકથા કહી ત્યારે બધા હસતા જ હતા.
પણ લિમે કેટલીક મહત્ત્વની વાત કહી. તે એ કે, કાચબા પર બેસીને તેની ગરદન પકડી રાખો તો કાચબો પાણી નીચે જતો નથી. તે તરતો જ રહે છે.
લિમ વધુમાં કહે કે, 'કદાચ કાચબાને પણ આવો સાથ સહવાસ ગમતો હશે ! તે કદાચ આને રમત જ માનતો હશે ! અને આ દરિયાઈ કાચબા એટલા મોટા તથા ભારે હોય છે કે આપણું વજન તેને મન કોઈ હિસાબમાં જ હોતું નથી !'
ખેર ! આ બીજું જહાજ બાંગ્લાદેશનું હતું અને ચિતાગોંગ જતું હતું. લિમ ચિતાગોંગ પહોંચી ગયો અને ત્યાંથી મદદ મેળવી દક્ષિણ કોરિયા પહોંચી ગયો !
તેના આ સાહસને એ તરફના છાપાંઓએ ભારે પ્રસિધ્ધિ આપી.લિમ રાતોરાત હીરો બની ગયો. આવું પણ બને છે હોં !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rJ6sNC
ConversionConversion EmoticonEmoticon