- ગુરુની શોધની ઘટના અત્યન્ત ગુપ્ત મનોવૈજ્ઞાાનિક ઘટના છે. તમારો આંતરિક વિકાસ થાય એટલે તમને તમારી ઊંચાઈ, તમારાં કદ, તમારી લાયકાત મુજબ ''ઓળખવાની નજર'' મળે
એક સજ્જને એક પ્રશ્ન કરેલો :
''આપણને ઉન્નત બનાવે એવા ગુરુ કેમ શોધવા? એવા ગુરુનાં લક્ષણો કેવાં? એવા ગુરુને કેવા માપદંડથી ઓળખવા?''
જવાબ આ હતો : તમને તમારી ઓળખ મુજબ, તમારાં વ્યક્તિત્વની લાયકાત મુજબ ગુરુ મળે. તમારી લાયકાત પ્રમાણે તમારામાં કદરદાની વિકસે, તમારી ''ઓળખ'' વિકસે. તમે જો નાલાયક હો, તો સાક્ષાત્ નારાયણ પણ તમારી રૂબરૂ આવે તો તમે હરગીઝ ઓળખી ના શકો.
અમારા એક મિત્રની પુત્રીએ પોતાનો જીવનસાથી કેવો હોવો જોઈએ એનાં લક્ષણો નક્કી કર્યાં હતાં. કન્વેન્ટનું શિક્ષણ જોઈએ. ''પ્રેઝન્ટેબલ'' જોઈએ. ઘરમાં ભંગાર (વડીલો!) ના જોઈએ, બની શકે તો કાર ધરાવતો હોવો જોઈએ. (બાપકમાઈ હોય એનો વાંધો નહીં, બાપાને તો લાચાર થાય ત્યારે હેરાન કરીને વૃધ્ધાશ્રમ મોકલી શકાય) અમુક તમુક ફિલ્મસ્ટારની ઝાંય દેખાવી જોઈએ... વગેરે વગેરે... ''સ્ટ્રીટ સ્માર્ટનેસ'' અને છીછરી ચાંપલાઈ સૌથી મહત્ત્વની આવશ્યકતાઓ હતી!
બહેન કોઈનો અભિપ્રાય સાંભળવાના મૂડમાં ન હતાં!
હા, એમણે લગ્ન કર્યાં, અને ઉપર જણાવેલાં બધાં જ લખ્ખણો ધરાવનાર ''હીરો'' મળવા છત્તાં અત્યારે શહેરના જાણીતા ડોક્ટર પાસે ડિપ્રેશનની સારવાર લઈ રહ્યાં છે! યુવાનીનાં અણમોલ વર્ષો પસાર થઈ રહ્યાં છે, ચોરની મા કોઠીમાં મોઢું ઘાલીને રડે એવી કફોડી હાલત આ બહેનની છે! અધૂરામાં પૂરું બહેનશ્રી સગર્ભા છે!
વાંક કોનો?
કારકિર્દીથી માંડી, જીવનસાથીની શોધમાં આપણે અન્યની આંખોથી જોવાનું શીખ્યાં છીએ. હા, ક્યારેક પોતાની આંખો વાપરીએ, પણ આંખો અત્યંત નબળી છે, દ્રષ્ટિની મર્યાદા અત્યંત ટૂંકી છે. અને આ જ વાત ગુરુની શોધને લાગુ પડે છે.
વાંક કોનો?
ગુરુની શોધની ઘટના અત્યન્ત ગુપ્ત મનોવૈજ્ઞાાનિક ઘટના છે. તમારો આંતરિક વિકાસ થાય એટલે તમને તમારી ઊંચાઈ, તમારાં કદ, તમારી લાયકાત મુજબ ''ઓળખવાની નજર'' મળે. આજે હાલત અત્યંત હાસ્યાસ્પદ બની ગઈ છે. ગુરુ જથ્થાબંધ ને ચેલા પણ જથ્થાબંધ. ઘણા ચાલાક ગુરુઓ તો ઉસ્તાદીપૂર્વક ''ચેન-માર્કેટિંગ'' ચલાવે છે. તમે મૂંડાવ ને બીજા દશને મૂંડો. એક જમાનો હતો જ્યારે ગલીને સામે છેડે જીવન વીમાનો એજન્ટ કે કવિ દેખાય ત્યારે રસ્તો બદલવો પડતો, રખે તમને રસ્તા વચ્ચે શરમાવીને પોલિસી કે કવિતા પધરાવે! આજે ધનવાન લત્તાઓમાં તમને એ જ રીતે ગુરુઓનું 'ચેન-માર્કેટિંગ' કરનારા અંતિમવાદીઓ ચોક્કસ ભેટી જશે!
ગુરુ તમારામાં છૂપાયેલા સિંહની ઓળખ આપે, પણ જો તમારી આંખો આડે પડળ ન હોય, તમારી આંખો આડે આત્મવંચનાનો મોતિયો ન હોય, તો જ!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38HjrIj
ConversionConversion EmoticonEmoticon