- 'અમારે ય ઝઘડો કરવો છે પણ... અમને ઝઘડવાનું આવડતું જ નથી.'
મા રો મિત્ર અવિનાશ મને મળવા આવ્યો ત્યારે અમારા ફલેટની બરાબર સામે જોરદાર ઝઘડો ચાલતો હતો. ફલેટની ગેલેરીમાં વારાફરતી કુટુંબના માણસો આવીને ઘાંટા પાડી પાડીને એકબીજા પર આક્ષેપોની ઝડી વરસાવતા હતા.
ઝઘડો એ લડનારા સિવાય બીજા બધા જોનારા માટે રસનો વિષય હોય છે.
આદિકાળથી ઝઘડા ચાલતા આવ્યા છે. દેવો અને દાનવો કાયમ માટે ઝઘડતા રહ્યા. એ પછી પાંડવ-કૌરવોના ઝઘડા તો જાણીતા જ છે એ પછી વંશ પરંપરાગત ઝઘડા ચાલતા જ રહ્યાં છે.
જર જમીન અને જોરું એ કજિયાના છોરુ એમ કહેવાય છે. પણ હવે આ નવતર યુગમાં એ જ માત્ર કારણ નથી રહ્યું.
કુટુંબોમાં રહેણીકરણીની બાબતમાં, ખાવાપીવાની બાબતમાં અને બીજી નજીવી જેવી બાબતમાં ય ઝઘડા ચાલતા જ રહ્યાં છે.
કહેવાતું આવ્યું છે કે કંસાર વિના સૂનો સંસાર. હવે કંસારનો મહિમા ગયો. ઝઘડા વિના સંસાર સૂનો લાગે છે.
એક વડીલ કાકા ઝઘડાના એવા શોખીન છે કે ઘરમાં કૂતરું પેસી જાય તેમાંય 'ડોસી'નો વાંક કાઢીને એની સાથે ઝઘડી પડે છે. ઝઘડાને માટે હવે નજીવા કારણો ય પર્યાપ્ત છે.
મજાકમાં કહેવાયું છે કે ટાઇમપાસ કરવા માટે ય ઝઘડો અનુકૂળ સાધન છે.
હું સામેના ફ્લેટમાં ચાલી રહેલા ઝઘડા જોઈ બળાપો વ્યક્ત કરતો હતો.
મારો મિત્ર કહે : 'ભઈલા ! ઝઘડો તો સંસારનું સલૂણું 'ખાજ' છે.'
એણે મને જ્ઞાાન આપવા માંડયું... 'ઘરમાં જેમ વાસણને કાટ લાગ્યો હોય તો તેને ઉજળા કરવા એસિડની જરૂર પડે છે. એ રીતે સંસારમાં કલહ કંકાસ થતા હોય તો ઝઘડો એને નિવારવાનું કામીયાબ ઔષધી છે.' મગજમાં કે મનમાં જે ગુસ્સો ઉશ્કેરાટ વધી ગયો હોય તેનું નિરાકરણ કરવા માટે ઝઘડો સ્વાભાવિક સાધન છે. મને હજી વધારે જ્ઞાાન આપવા ઈચ્છતો હોય તેમ કહે : 'જો વિશાલ ! રસોઈમાં બધું જ ગળ્યું ગળ્યું હોય તો એનો સ્વાદ આવે ? અરે અતિશય ગળપણ મોં ભાંગી નાખે. ગળપણના મારણ માટે કશુંક તીખું, મસાલેદાર જોઈએ. ભલેને ચટણી હોય કે ખટમીઠી કચુંબર હોય.'
અવિનાશની વાત સાંભળીને હું હોંકારો ભણતો નહોતો. મારા મનમાં બીજી જ ગડમથલ હતી. સામેના ફ્લેટમાં ઝઘડો જોઈ હું રાજી ય થયો અને દુ:ખી ય થયો... એમ જાણીને મને પાછો કહેવા માંડયો : 'ઝઘડા વિશે તને મારા ખુલાસા પસંદ પડયા નથી લાગતા. મતલબ કે તું ઝઘડાને પસંદ કરે છે. ભાભીને લોહી ઉકાળો થાય અથવા તારું મગજ ગરમ રહે એ તને ગમે છે !'
અવિનાશના કટાક્ષ સાંભળીને મેં કહ્યું : 'ઝઘડા વિશે અમારી તકલીફ જુદી છે. કોઈના માન્યામાં ય ના આવે તેવી છે.'
હું સામેના ફ્લેટમાં ઝઘડતા લોકોને જોઈ ખુશ એટલા માટે છું કે એ લોકો સુખી છે ! એમના ગુસ્સાનું વીરેચન થઈ જાય છે પણ અમારી વાત જુદી છે. મેં મારી પત્ની માયા સામે જોઈને કહ્યું...
માયા કદાચ સમજી ગઈ હોય તેમ તેણે સ્મિત કર્યું.
'વિશાલ ! વાત શી છે ? બંને જણાં કેમ આમ મોઘમ વર્તી રહ્યા છો ?'
'અવિનાશ ! અમારી સાચી તકલીફ કોને કહું ? કોઈને મૂર્ખામી લાગે.'
'એવી શી તકલીફ છે ?' એને બહુ નવાઈ લાગી.
માયાથી રહેવાયું નહિ. એ કહે : 'અમારે ય ઝઘડો કરવો છે પણ... અમને ઝઘડવાનું આવડતું જ નથી.'
'ઝઘડવાનું આવડતું નથી ?'
આ તે કેવી વાત કરે છે તું ?
'સાચી વાત છે. બધી જ વાતોમાં અમારો એકમત જ હોય છે. માયા મને ગુસ્સે થવાનો જરાય મોકો જ આપતી નથી ને ?'
'હું એને કહું કે આજે રવિવાર ભલે રહ્યો. આપણે આજે બહાર જમવા નથી જવું.'
તરત માયા ખુશ થતી હોય તેમ કહે છે : 'હું તમને એ જ કહેવાની હતી - આજે ઘરમાં જ તમારી મનગમતી સ્વાદિષ્ટ રસોઈ બનાવીશ.'
કોઈવાર દાળશાકમાં મીઠું વધારે પડી ગયું હોય. માયા એકરાર કરે. એટલે કહું... 'કેટલીકવાર રસોઈમાં થોડો ફેર હોય તો ટેસ્ટી લાગે છે. ક્યારેક સલૂણી રસોઈ પણ મને તો ભાવે છે.'
માયા ક્યારેક ગુસ્સો કરે કે અડધી રાત સુધી તમે ટી.વી. જોયા કરો છો... પછી ઉંઘતા નથી. મોડે સુધી જાગો છો.
'હું એ જ વિચારમાં હતો કે ટી.વી. જોઈ જોઈને આંખો ખરાબ કરવી, ઉંઘ બગાડવી ! સારું થયું કે તે ધ્યાન દોર્યું.'
અરે, એકવાર રસોડામાં કારભારું કરવા જતાં મારાથી ઉપરના પાટિયા પરથી કાચની બરણી પડી ને ફૂટી ગઈ.
'માયા ! કાચની બરણી પડી ગઈ ને ફૂટી ગઈ.'
'તમે હવે ત્યાંથી દૂર જતા રહો. તમને કાચ વાગી ના બેસે. હું બધું સમુસૂતરું કરી નાખું છું. તમે હીંચકે બેસો. પછી તમારે માટે તાજી ચા લાવું છું.'
મને ચીડ પણ ચડતી હતી કે માયાને એની મમ્મીએ ગુસ્સો કરતાં શીખવ્યું જ નહિ હોય ?
માયા પણ કદાચ એવું જ ધારતી હશે કે મારી મમ્મીએ મને ભોળો ને ભોળો જ રાખ્યો.
માયા કહે: 'અમારામાંથી કોઈને ય ઝઘડો કરવાનું ફાવતું જ નથી... અને એનો જ અમારામાં ઝઘડો છે.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t5yiUA
ConversionConversion EmoticonEmoticon