હાથને પીડા થાય તો આંખમાંથી આંસુ વહે છે, આંખ રડે ત્યારે હાથ આંસુ લૂછે છે.આવી મૈત્રી માણસમાં કેમ નથી ?

- ''લોકો ઘોડો, પાલતુ શ્વાન, સંપત્તિ, માન-સન્માન વગેરેની તૃષ્ણા સેવીને તે પ્રાપ્ત કરવા મહેનત કરે છે, પરંતુ મને સાચા મિત્ર સાથે મેળાપ થતાં જેટલો આનંદ અને સંતોષ થાય છે, તેટલો સંતોષ બીજી કોઈપણ વસ્તુની પ્રાપ્તિથી થતો નથી''


* હાથને પીડા થાય તો આંખમાંથી આંસુ વહેવા લાગે છે, જ્યારે આંખ રડે છે, ત્યારે હાથ એનાં આંસુ લૂછે છે - આજે આવી મૈત્રી માણસમાં કેમ નથી ?

* પ્રશ્નકર્તા : નૈષધ દેરાશ્રી, ૧૦ નાલંદા સોસાયટી, ટી.બી. હોસ્પિટલ સામે, જામનગર (સૌરાષ્ટ્ર)

ઈશ્વર કે કુદરતે માનવ શરીરની રચના જ એવી રીતે કરી છે કે શરીરનાં અંગો એકબીજાને મદદરૂપ થાય. શરીરનાં અંગો પણ જાણે પરોક્ષ રીતે પરસ્પર પ્રત્યેની લાગણીથી બંધાએલાં છે. શરીર જુદાં-જુદાં તંત્રોના સમન્વયથી ચાલે છે. શરીર અબજો સૂક્ષ્મ કોશો દ્વારા નિર્મિત છે. પાચનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્ગતંત્ર, સ્નાયુતંત્ર, ગ્રંથિતંત્ર, પ્રજનનતંત્ર, ચેતાતંત્ર અને કંકાલતંત્ર સતત કાર્યશીલ રહે છે. 'પ્રસન્નિકા કોશ' મુજબ શરીરનાં આ બધાં અંગો સુમેળ સાધીને સંચાલન કરવાનું મોટું કાર્ય ચેતાતંત્ર કરે છે. શરીરમાં બધે પથરાએલી ચેતાઓ સંદેશા લાવવા-લઈ જવાનું કામ કરે છે. આંખ, કાન, નાક, જીભ, ત્વચા આ બધાં જે માહિતી ચેતાઓ દ્વારા ચેતાતંત્રને આપે તેને લીધે આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, સૂંઘી, ચાખી શકીએ છીએ. ખાધેલું પચાવવા માટે જરૂરી લોહીનો જથ્થો હૃદયને સત્વરે પહોંચાડી દે છે. મગજ કામ કરતું હોય ત્યારે તેને માટે જરૂરી લોહીનો પુરવઠો હૃદય પૂરો પાડે છે. શરીરનાં અંગો ક્યારેય એકબીજા માટે લડતાં નથી પણ સંબંધ સાચવી મદદરૂપ થાય છે. 

ભતૃહરિએ 'નીતિશતક'માં દૂધ અને પાણીની મૈત્રીનું સરસ ઉદાહરણ આપ્યું છે. તદ્નુસાર પહેલાં જ્યારે પાણી અને દૂધ મળ્યાં ત્યારે દૂધે પોતાના સર્વગુણો (મીઠાશ-શ્વેતપણું વગેરે) પાણીને આપી દીધા. પછી જ્યારે દૂધને અગ્નિમાં ઉકળતું જોયું ત્યારે દૂધને તાપ લાગતો જોઈને તેના મિત્ર પાણીએ પોતાની જાતને અગ્નિમાં હોમી દીધી. (પાણી બળી ગયું) અને પોતાના મિત્ર જળની આફત જોઈને દૂધ પણ ! ઉભરાઈને અગ્નિમાં પડવા તલપાપડ થઈ ગયું. અને જ્યારે તેને પાછું જળ સાથે સંયુક્ત કર્યું મતલબ કે તેમાં પાણી ઉમેર્યું ત્યારે જ તે શાન્ત થયું. સંત સ્વભાવના લોકોની મૈત્રી આવી હોય છે.

મૈત્રીને અણમોલ રત્ન કહેવામાં આવ્યું છે. શીતળતા પ્રદાન વૃક્ષ તરીકે વર્ણવવામાં આવ્યું છે. સાચો મિત્ર કોણ ? જે વિપત્તિમાં પણ છોડીને ન જાય તે, સંતો સાચા મિત્રનાં લક્ષણો ગણાવતાં કહે છે કે સન્મિત્ર પાપ કરતાં રોકે છે, હિતકારક કાર્યોમાં પ્રવૃત્ત કરાવે છે. છુપાવવા યોગ્ય ગુપ્ત વાતોને છુપાવે છે અને ગુણોને જાહેર કરે છે. વિપત્તિગ્રસ્ત મિત્રને તે ત્યજી દેતો નથી અને જરૂર જણાતાં યોગ્ય સમયે તમામ રીતે મદદ કરે છે. સાચો મિત્ર આવા મહાન ગુણોથી વિભૂષિત હોય છે.

મિત્રોનું ટોળું એકઠું કરવું જરૂરી નથી. એકાદ સાચો મિત્ર એકે હજારો છે. સોક્રેટિસે એટલે જ કહ્યું છે કે લોકો, ઘોડો, પાલતૂ શ્વાન, સંપત્તિ, માન-સન્માન વગેરેની તૃષ્ણા સેવીને તે પ્રાપ્ત કરવા માટે મહેનત કરે છે પરંતુ મને સાચા મિત્ર સાથે મેળાપ થતાં જેટલો આનંદ અને સંતોષ થાય છે, તેટલો સંતોષ બીજી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિથી થતો નથી. તુલસીદાસજી આપત્તિકાળમાં ચાર વ્યક્તિઓની પરીક્ષાની વાત કરી છે. ધૈર્ય, ધર્મ, મિત્ર અને નારી. ગૌતમ બુદ્ધે તો બિનવફાદાર મિત્રો પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું છે કે જે પરિચિત મિત્રો સાથે યોગ્ય સંપર્ક અને સદ્વ્યવહાર દાખવતો નથી એ પાપી મનુષ્ય મનુષ્ય હોવા છતાં વૃક્ષની ડાળી પર બેઠેલા વાનર સમાન છે. દુષ્ટ મિત્રો મોં આગળ પ્રશંસા કરે છે અને પીઠ પાછળ નિંદા કરે છે. એવા દુષ્ટ મિત્ર કરતાં દુશ્મન સારો. મિત્રઘાતી મહાપાપી છે.

મિત્રોના જુદા-જુદા ૭ પ્રકારો હોઈ શકે.

૧. તકવાદી મિત્ર ૨. હકવાદી મિત્ર  ૩. તકલાદી મિત્ર ૪. ગણતરીબાજ મિત્ર ૫. ગરજવાદી મિત્ર ૬. ફરજવાદી મિત્ર ૭. સમર્પણશીલ મિત્ર

મૈત્રી એ બુદ્ધિનો નહીં પણ હૃદય અને ભાવનાનો વિષય છે. જે માણસો મિત્રને 'સાધન' ગણે છે, મૈત્રીને ગૌણ એવા મિત્રો તકવાદી હોય છે. લાભ અને લોભ માટે મૈત્રી બાંધે છે. તકવાદી મિત્રો સ્વાર્થ પૂરો થતાં મૈત્રીને અલવિદા કહે છે.

મૈત્રી એ 'હક'નો નહીં 'ત્યાગ'નો વિષય છે. કેટલાક લોકો મૈત્રી પર 'હક' દાખવવાની વસ્તુ માને છે. મિત્ર પર અધિકારો દાખવે છે, તેઓ લાગણીપ્રધાન નહીં પણ માગણી પ્રધાન હોય છે. પોતાની માગણી કે અપેક્ષા ન સંતોષાય એટલે મૈત્રીને મૃત:પ્રાય બનાવી દે છે.

મિત્ર પાસે મિત્રતા નિભાવવાનું મજબૂત મનોબળ અને મનોમન પ્રતિજ્ઞાા હોવી અનિવાર્ય છે. તકલાદી મિત્રો સમય આવે મિત્ર માટે ત્યાગ કરવાનું સાહસ દાખવી શકતા નથી. એવા તકલાદી મિત્રોથી દૂર રહેવું જ શ્રેયસ્કર છે.

ગણતરીબાજ મિત્રોનો પ્રાણવાયુ સ્વાર્થ હોય છે. એમની વાણી, વર્તન, નિકટતા એ બધામાં સહજ સદ્ભાવ નહીં પણ ઓઢેલું સૌજન્ય હોય છે. પોતાના મનની મુરાદો બર લાવવા જ મૈત્રી બાંધે છે. એવા મિત્રો ઢોંગી અને પ્રપંચી હોય છે.

કેટલાક ગરજાળુ લોકો પોતાનો મતલબ પાર પાડવા મૈત્રી બાંધે છે. એમનો મૂળ ઉદ્દેશ મૈત્રી નહીં પણ મિત્રની મદદ લેવાનો, માગવાનો હોય છે. એમની મૈત્રી બનાવટી ગણાય. સાચો મિત્ર 'ગરજવાદી' 

નહીં પણ 'ફરજવાદી' હોય છે. એવા મિત્રો પોતે કરેલા ઉપકાર ના વળતા બદલાની આશા રાખતા નથી. ત્યાગ, સમર્પણ અને મિત્રનું કલ્યાણ એ જ એમને મન સર્વસ્વ હોય છે. આવા મિત્રો આદર્શ મિત્રો ગણાય છે.

મૈત્રી કર્તવ્યનિષ્ઠા, ઘસાઈ છૂટવાની ભાવના, મિત્રના દુ:ખે દુ:ખી થઈ ફના થવા સુધીની તૈયારી રાખે છે. અમીરી-ગરીબીનો ભેદ એવા મિત્રના મનમાં હોતો નથી. એટલે જ કૃષ્ણ અકિંચન-ગરીબ સુદામાની મૈત્રીને વિસરતા નથી.

આજે પણ સાચા મિત્રો છે, ભલે એમની સંખ્યા ઓછી હોય. આજનો માણસ ત્યાગવાદી રહેવાને બદલે ભોગવાદી બનતો જાય છે. માણસમાં આત્મકેન્દ્રિતા વધી રહી છે. મૈત્રી નિભાવવા સહિષ્ણુતા અને જતું કરવાની ભાવના જરૂરી છે, પણ માણસનો અહંકાર તેમાં આડખીલીરૂપ બને છે. માણસને મૈત્રી બાંધવાની ઉતાવળ હોય છે, પણ કોઈ પણ ભોગે મૈત્રી નિભાવવાની સ્વયંહર દાનત હોતી નથી. વાંધા-વચકા, છિદ્રાન્વેષણ અને બિનવફાદારીને કારણે મૈત્રીના મૂળિયાં દ્રઢ થતાં નથી ! માણસ સંબંધને બદલે ધન, સ્વાર્થ, લાંભ, લોભ, અને પ્રલોભનોને જીવનમાં સર્વાધિક મહત્વ આપે છે. આ બધી વસ્તુઓ મૈત્રીને ગળે ટૂંપો દેનારી છે. એટલે શેરી મિત્રો, તાળી મિત્રો પ્રાપ્ત થાય છે પણ સદાય સુખ-દુ:ખમાં સહભાગી બને તેવા મિત્રો દુર્લભ બનતા જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sGkfVB
Previous
Next Post »