પ્રિમેન્સ્ટ્રુઅલ ટેન્શન .

- સમસ્યારૂપ સામાજીક પરિબળો વચ્ચે જીવતી સ્ત્રીઓમાં આવા લક્ષણો વધુ ઉગ્રતાથી વ્યક્ત થતાં જોવા મળે છે


સ્ત્રી ઓના કેટલાક વિશિષ્ટ કિસ્સાઓમાં માસિક પહેલાનું અઠવાડિયું સમસ્યારૂપ થઇ પડે છે. આ સમસ્યા અંતર્ગત દેખાતા લક્ષણોને પ્રિમેન્સ્ટ્રુઅલ ટેન્શન - માસિક પૂર્વેનો તનાવ કહેવાય.

વાસ્તવમાં, આ સમય દરમ્યાન શરીરમાં રહેલાં ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન જેવાં હોર્મોન્સની માત્રામાં વધઘટ થાય છે જે સ્ત્રીઓના મન પર પ્રભાવી અસર છોડી જાય છે. જેનાથી તેમના મનોવલણમાં ફેરફારો સર્જાય છે. અને પરિણામ સ્વરૂપ અકારણ ભય, સતત રડયા કરવું, ઉદાસીન થઇ સૂનમૂન બેસી રહેવું, નાની-નાની વાતોમાં ચીડિયાપણું  (IRRITABILITY), ગુસ્સો અને ઊંઘ ઊડી જઇ આખી રાત જાગ્યા કરવું જેવા લક્ષણો દેખાય છે.

ક્યારેક સીરોટોનીન જેવાં ન્યુરો ટ્રાન્સમીટરની ઉણપ સર્જાવાથી સ્ત્રીઓ ડિપ્રેશનનો ભોગ બનતી જોવા મળે છે, તો ક્યારેક માતા તરફથી વારસામાં મળતું ઈસ્ટ્રોજન રિસેપ્ટર આલ્ફા નામનું જીન (જનિન) સ્ત્રીને તનાવનો સામનો કરવામાં વિફળ બનાવે છે. આવા જનિન વારસામાં મળતાં હોઇ તેમાં મૂળભૂત ફેરફારો થઇ શકતા નથી. જેથી જ્યારે-જ્યારે પણ માસિક આવે ત્યારે આવી સ્ત્રીઓ પરિસ્થિતિનો સામનો કરી શકતી નથી અને પોતાની અભિવ્યક્તિ ગુસ્સો, ભય કે ક્રોધ દ્વારા વ્યક્ત કરતી જોવા મળે છે.

સમસ્યારૂપ સામાજીક પરિબળો વચ્ચે જીવતી સ્ત્રીઓમાં આવા લક્ષણો વધુ ઉગ્રતાથી વ્યક્ત થતાં જોવા મળે છે. ક્યારેક અતિકામેચ્છા તો ક્યારેક કામેચ્છાનો સદંતર અભાવ, ક્યારેક અતિશય ભૂખ લાગવી તો ક્યારેક દિવસો સુધી ખાવાનું છોડી દેવું, ક્યારેક હર્ષની ઉત્કટ લાગણી તો ક્યારેક ઊંડા શોક કે દુ:ખની લાગણીમાં સ્ત્રીઓ ડૂબી જતી જોવા મળે છે.

માસિક પૂર્વેના દિવસોમાં શરીરમાં સોડિયમ આયન થકી પાણીનો ભરાવો થાય છે, જેનાથી નર્વસ ટિશ્યૂમાં એક પ્રકારનાં સોજાની સ્થિતિ સર્જાય છે. આ સાથે વજન વધવું, કમરનો દુ:ખાવો, પગની પીંડીમાં કળતર, પેઢુમાં ચૂંક, ચક્કર, ઉબકા જેવાં શારીરિક લક્ષણો દેખાઇ દે છે.

ઉપર જણાવેલ પ્રિમેન્સ્ટ્રુઅલ ટેન્શનના લક્ષણોને ગંભીર રોગ માનવાની ભૂલ કરવી નહિ. આમ થવું એ સ્વાભાવિક બાબત છે. અહીં લક્ષણો અનુસાર ઔષધીની સૂચિ આપેલ છે. તે અનુસાર ઉપચાર કરી શકાય.

(૧) માસિક આવતાં પહેલાં ઝીણો તાવ રહે તો ગળોનું ચૂર્ણ પાંચ ગ્રામ રોજ સવારે નરણાં કોઠે પાણી સાથે લેવું.

(૨) પેટ-પેઢુમાં ચૂંક, દુ:ખાવો હોય તો સાંજના ભોજનમાં રાઇ અને હિંગનો ઉપયોગ કરવો. (નોંધ : રાઈ અને હિંગ બંને ખૂબ ગરમ હોવાથી અલ્પ માત્રામાં ઉપયોગ કરવો.) કોટનના કપડાને તાવી પર ગરમ કરી પેટ-પેઢુ પર શેક લેવો. જેથી અટકેલું માસિક સરળતાથી આવશે અને દુ:ખાવામાં ઝડપથી રાહત થશે.

(૩) ચક્કર, અશક્તિ, ઘેન રહે તો દેશી ગુલાબ પત્તી વાટી, જરૂર પ્રમાણે ખાંડ, એલચી અને કેસર મેળવી શરબત બનાવી લેવું. ચક્કર સાથે ઉબકા આવતાં હોય તો લીંબુના શરબતના ગ્લુકોઝ, નમક અને જીરૂ મેળવી પીવું. માસિક દરમ્યાન ચેપ લાગવાની શક્યતા રહેલી હોવાથી સ્વચ્છતા (PERSONAL HYGIENE) રાખવી અને પોષણયુક્ત આહાર લેવો. ઉપવાસ, એકટાણા ન કરવા. પૂરતી ઊંઘ લેવી. આધુનિક સમાજની જીવનશૈલીમાં સ્ત્રીઓએ અપનાવેલી ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલ લેવાની ટેવો ત્યાગવી.

(૪) ઉબકા સાથે ઊલટી થતી હોય, મોઢા વાટે ખાટું-ચીકણુ પ્રવાહી બહાર આવે તો કપૂરકાચલીનું ચૂર્ણ (બે ગ્રામ) સમભાગે સાકર મેળવી દિવસમાં બે વખત ઘી  ઉમેરી ચાટવું.

(૫) માસિક ઓછું આવતું હોય અને પીડા થતી હોય તો ખોરાકમાં ખજૂર, પપૈયુ, પાલખ, બીટ, મરી, હિંગનો ઉપયોગ વિશેષ કરવો તથા દિવસ દરમ્યાન પર્યાપ્ત  પાણી (આશરે  દસથી બાર ગ્લાસ) પીવું.

(૬) માસિક ખૂબ આવતું હોય અને વધારે દિવસો સુધી આવતું હોય તો ખોરાકમાં આમળા, ગળો, નાળિયેરની મલાઇ, ગાયનું દૂધ, ગાયનું ઘી, ધાણા, પાણીમાં પલાળી  રાખેલી સૂકી કાળી દ્રાક્ષ અને ગુલકંદનો  ઉપયોગ કરવો.

(૭) હતાશા અને નિરાશા જેવું લાગે, સતત ચિંતા અને ભય રહ્યા કરે તો માલકાંકણીના બી આશરે પાંચથી દસ નંગ ખૂબ ચાવીને ખાવા, ઉપર દૂધ પીવું.

(૮) શરીરમાં દુ:ખાવા, સ્નાયુનું જકડાઇ જવું અને થાકમાં ઘઉંના લોટનો ઘી, ગોળ તથા સૂંઠ ઉમેરેલો  શીરો  ગરમ-ગરમ ખાવો.

(૯) છાતીમાં ભારેપણું (HEAVINESS OF BREAST) લાગે તો ઉપલેટનાચૂર્ણમાં નમક અને હળદર મેળવી દૂધમાં  લસોટી  એનો લેપ કરવો.

(૧૦) માસિક પૂર્વે હાથે, પગે તથા ચહેરા પર સોજા જણાય તો સાટોડી અને ગોખરૂ ચૂર્ણ સરખા ભાગે ભેગા કરી આશરે દસ ગ્રામ સવારે નરણાં કોઠે ઠંડા પાણી સાથે લેવું.

(૧૧) માસિક દરમ્યાન વધુ પડતો આરામ યોગ્ય નથી. સુસ્ત થઇ સૂઇ રહેવા કરતાં ભોજન કર્યાના કલાક પછી સૌથી વધુ ડગલા ચાલવું. જેથી માસિક સરળતાથી આવશે અને પીડા ઘટશે.

- વિસ્મય ઠાકર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cBlos7
Previous
Next Post »